જો મનુષ્ય કામ ન કરે તો તેનું માનસ કેવી રીતે નીરોગી રહી શકે? કોઈપણ મનુષ્ય ચોવીસે કલાક વિચાર અને ધ્યાનમાં ગાળી ન જ શકે. તેથી માણસે પોતાની જાતને કામમાં જોડી રાખવી જોઈએ, તેનાથી મન પ્રસન્ન રહે છે.

શાંતિ એ મુખ્ય વસ્તુ છે. મનુષ્યને શાંતિની જરૂર છે.

સ્પૃહા જ બધાનું મૂળ છે. જો મનુષ્યને સ્પૃહા જ ન હોય તો મનુષ્યે શાની દરકાર કરવાની હોય?

માણસ પહેલાં પોતાના મનને દોષી કરે ત્યારે જ બીજાના દોષ દેખાય. જેમના દોષ જુએ એમનું તો શું થવાનું હતું? પોતાને જ નુકસાન.

મનુષ્યે પ્રમાદ-આળસ છોડવાં જોઈએ અને પોતાના મનને પ્રાર્થના અને ધ્યાન તરફ નિયમિત રીતે વાળવું જોઈએ.

તેઓ કહેતા (શ્રીરામકૃષ્ણ પરમહંસ) ‘માણસે હંમેશાં પોતાની જાતને (કામમાં) વ્યસ્ત રાખવી જોઈએ. જો કોઈ આળસુ રહે તો બધી જ જાતના નકામા અને દુષ્ટ વિચારો તેના મનમાં ઉત્પન્ન થાય છે.

જ્યારે કોઈ રોમ જાય ત્યારે તેણે રોમના લોકો કરે તેમ કરવું જોઈએ.

ભૂલ કરવી એ મનુષ્ય સ્વભાવ છે. માણસે તે મન ઉપર લેવું ન જોઈએ. તેથી માણસને દોષ જોવાની આદત પડી જાય છે.

જેવું ટાણું તેવું ગાણું હોવું જોઈએ ને?

મનને આળસુ બનાવીને તેને ઢીલું બનાવવું તેના કરતાં કામ કરવું તે ઘણું ઉત્તમ ગણાય. જ્યારે મનને ઢીલું મૂકવામાં આવે છે ત્યારે તે મુશ્કેલીઓ ઊભી કરે છે.

સંસારીજનો સંતપુરુષો રહેતા હોય તે સ્થાને જાય તોપણ ત્યાંના વાતાવરણથી એમના મનનો મેલ ધોવાઈ જાય.

રચનાત્મક કામ કરો.

દીકરા, પ્રકૃતિનો નિયમ છે કે પૂનમ પછી અમાસ આવે છે. એ જ રીતે કોઈવાર મનમાં સૂક્ષ્મ વિચારો આવે છે અને કોઈકવાર ખરાબ વિચારો મનનો કબજો લઈ લે છે.

તમને સંજોગોને અનુકૂળ થતાં આવડવું જોઈએ.

આજે કળિયુગમાં માનસિક પાપ એ પાપ નથી.

જો બેટા, ક્યાંય આવતાં જતાં આજુબાજુનું બધું ધ્યાન રાખવું જોઈએ અને તું જ્યાં રહે છે, ત્યાં જે કંઈ બનતું હોય તેનાથીયે માહિતગાર તારે રહેવું જોઈએ, પણ એ વિશે તારે ક્યાંય પંચાત કરવી જોઈએ નહીં.

કામકાજ તો કરવાં જ જોઈએ. કામ કરવાથી મન પ્રસન્ન રહે છે.

ઉત્સવને દિવસે બધાએ આનંદ કરવો જોઈએ.

નજીવી વાતમાં મનને ચંચળ થવા ન દો.

તમે શાંતિ ચાહતાં હો તો, બેટા, કોઈના દોષ ન જોવા. પોતાના જ દોષ જોવા. જગતને પોતાનું કરતાં શીખો. કોઈ પારકું નથી. બેટા, જગત તારું છે.

તમારું વ્યથાપીડિત હૃદય પ્રભુ પાસે ખોલો, રુદન સાથે અંતઃકરણપૂર્વક પ્રાર્થાેઃ ‘હે પ્રભુ! મને આપની પાસે ખેંચી લો; મને ચિત્તની શાંતિ આપો.’ આમ રોજ કરવાથી તમને મનની શાંતિ મળશે.

સંસારનું સુખ ક્ષણિક છે, સંસારથી જેટલા તમે અનાસક્ત તેટલા પ્રમાણમાં મનની શાંતિ વધુ માણી શકો.

વધુ પડતા પ્રશ્નોથી તારા મનને ન મુંઝવ, એક વાતનો અમલ કરવો કઠણ લાગે છે તોપણ, માણસ ઘણી બધી પંચાતોને પોતાના મનમાં ઠાંસી દેવાનું સાહસ કરે છે અને વ્યાકુળતાને નોતરે છે.

બધું જ મનમાં છે – શુદ્ધિ તેમજ અશુદ્ધિ મનમાં છે.

ચંચળતા મનનો સ્વભાવ છે. એટલે આરંભમાં પ્રાણાયામની સહાય ધ્યાન માટે ભલે લેવાય. એ મનને સ્થિર કરવામાં મદદ કરે છે. પણ એનો અતિરેક ન જોઈએ. એથી મગજ તપી જાય. તમે ભલે પ્રાણાયામ કે ધ્યાનની વાત કરી પણ, યાદ રાખજો કે મન જ બધું છે. મન સ્થિર થતાં માણસને બધું સાંપડે છે.

મનનું વલણ છે દુષ્કૃત્યો તરફ દોરાવાનું. સત્કાર્ય કરવામાં એને આળસ છે.

બેટા, આ તો પ્રકૃતિનો નિયમ છે. તેં પૂનમનો અને બીજનો ચંદ્ર જોયો છે ને? એ જ રીતે મન પર કોઈવાર સારી ને કોઈવાર ખરાબ વૃત્તિઓ સવાર થાય છે.

લોકો જ્યારે ઇષ્ટ-અનિષ્ટની ચર્ચા કરે ત્યારે, એ ઇષ્ટ-અનિષ્ટોનો થોડો ભાગ ત્યાં હાજર સૌએ લેવો પડે.. કોઈ તમને પોતાનાં સારાં-ખરાબ કૃત્યોની વાત કરે અને પછી એ માણસનો જ્યારે પણ વિચાર કરો ત્યારે એનાં શુભાશુભ કૃત્યોને યાદ કરવાં પડે. આમ તમારા મન ઉપર એનાં શુભાશુભ કૃત્યોની કંઈ અસર છોડી જાય છે.

મનને છૂટું ભટકવા દેવા કરતાં કર્મ કરવાં વધારે સારાં. કારણ, મનને ભટકવાની છૂટ મળે ત્યારે એ ઘણી ગરબડ ઊભી કરે. આ બધી બાબતોનો વિચાર કરી, લોકો અનાસક્ત રહીને કામ કરી શકે એવી સંસ્થાઓ મારા નરેને શાણપણપૂર્વક સ્થાપી છે.

અમ્લ ખોરાકથી દૂર રહેવા ઇચ્છનાર આમલીના ઝાડ નીચે પોતાનું ઘર બાંધે છે!

નીચાણ તરફ વહેવું એ પાણીનો સ્વભાવ છે. પણ સૂર્ય કિરણો એને આકાશ ભણી ઊંચકી લે છે. એ જ રીતે, હલકી મોજશોખની બાબતો તરફ સરકવું એ મનનો મૂળ સ્વભાવ છે, પરંતુ ઈશ્વર કૃપા મનને ઊંચેરી બાબતો તરફ ખેંચી લઈ શકે.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories