શ્રીમા શારદાદેવીનું સંક્ષિપ્ત જીવન

ત્રેવીસ વર્ષની વયના શ્રીરામકૃષ્ણ ગહન આધ્યાત્મિક સાધનામાં વ્યસ્ત હતા ત્યારે એમનું મન સંસાર તરફ વાળવાના હેતુથી કામારપુકુરવાસી એમનાં કુટુંબીજનોએ નજીકના ગામ જયરામવાટીમાં રહેતી શારદા નામની કન્યા સાથે એમનું લગ્ન કરાવી આપ્યું.

રામચંદ્ર મુખર્જી અને શ્યામાસુંદરીદેવી નામનાં ધાર્મિક દંપતીની સૌથી મોટી પુત્રી શારદાનો જન્મ ૧૮૫૩ના ડિસેમ્બરની ૨૨મી તારીખે થયો હતો. કુટુંબ ખૂબ ગરીબ હતું અને બાળપણથી જ ઘરના કામકાજમાં અને પોતાનાં નાનાં ભાંડુઓને ઉછેરવામાં પોતાનાં માતાપિતાને મદદ કરવામાં જ શારદાનું બાળપણ વ્યતીત થયું હતું.

અઢાર વર્ષની વયે પોતાના પિતાની સંગાથે તેઓ પોતાના પતિ પાસે દક્ષિણેશ્વર ચાલતાં ચાલતાં ગયાં હતાં. શ્રીરામકૃષ્ણે એમને ખૂબ પ્રેમથી આવકાર્યાં અને પોતાનું ઘરકામ કરતાં કરતાં પણ આધ્યાત્મિક જીવન કેવી રીતે જીવવું તે તેમને શીખવ્યું. તેઓ બંને પૂરી વિશુદ્ધ રીતે જીવ્યાં અને પત્ની તરીકે શ્રીરામકૃષ્ણની સેવા કરતાં તથા તેમની શિષ્યા તરીકે શારદાદેવી સાધ્વીની જેમ દક્ષિણેશ્વરમાં રહેતાં હતાં. દેવી સ્વરૂપે ઈશ્વરની ઉપાસના કરતા શ્રીરામકૃષ્ણે શારદાદેવીમાં દેવીરૂપનો વિશેષ આવિષ્કાર જોયો. એમણે શારદાદેવીનું દેવી તરીકે એકવાર વિધિપૂર્વક પૂજન કર્યું અને એમનામાં દિવ્ય માતૃત્વ જાગ્રત કર્યું.

શ્રીરામકૃષ્ણ ફરતા શિષ્યો વીંટળાવા લાગ્યા ત્યારે શારદાદેવી એમને પુત્રવત્ ગણવા લાગ્યાં. શ્રીઠાકુરની મહાસમાધિ પછી એમના શિષ્યોને એકત્રિત રાખવાનું કેન્દ્ર તેઓ બન્યાં અને એ સૌ તેમને શ્રીમા તરીકે આદર આપવા લાગ્યા. વખત વીતતાં તેઓ પોતે મહાન ગુરુ બન્યાં અને એમની આસપાસ ઘણા શિષ્યો એકત્રિત થવા લાગ્યા. જગજ્જનનીની જ્યોતિર્મયી ચેતનામાં એ સૌને સમાવી લેવા માટે એમનું માતૃહૃદય ખીલી ઊઠ્યું. એક અભણ ગ્રામકન્યા સમસ્ત વિશ્વની પ્રજાને પોતાનાં બાળકો ગણે અને ‘અખિલ-જનની’ તરીકે આદર પામે તે સમગ્ર માનવજાતના ઇતિહાસમાં અનન્ય હતું.

એમનાં નિષ્કલંક પવિત્રતા, અસાધારણ સહિષ્ણુતા, નિઃસ્વાર્થ-સેવા, નિર્વ્યાજ-પ્રેમ, બુદ્ધિ અને આધ્યાત્મિક જ્યોતને લક્ષમાં લઈને અર્વાચીન યુગમાં નારીઓ માટેના આદર્શ તરીકે શ્રીશારદાદેવીને સ્વામી વિવેકાનંદ માનતા. ભારતના પતન માટેનું એક અગત્યનું કારણ સદીઓ સુધીની સ્ત્રીઓની અવમાનના હતું. (સામાન્ય પ્રજાની ઉપેક્ષા એ બીજું હતું) તે સમજવાની ઐતિહાસિક સૂઝ સ્વામીજી પાસે હતી. શ્રીમાના આગમનથી અર્વાચીન યુગમાં નારીજાગૃતિનો આરંભ થયો હતો અને માનવજાતની ભાવિ ઉન્નતિ માટે એનાં પરિણામો દૂરગામી હશે એમ તેઓ માનતા.

શ્રીમાએ પોતાનું જીવન જયરામવાટી ગામમાં અને શ્રીરામકૃષ્ણના શિષ્યોએ કોલકાતામાં એમને માટે લીધેલા ઘરમાં ગાળ્યું હતું. બંને સ્થળોએ પોતાના જીવનના અંત સુધી ઘરકામ શ્રીમા જાતે કરતાં. ૧૯૨૦ના જુલાઈની ૨૧મીએ શ્રીમાએ આ લોકમાંથી વિદાય લીધી.

રામકૃષ્ણ મઠની માફક જ, શ્રીમાને કેન્દ્રમાં રાખીને સ્ત્રીઓ માટે સંન્યાસિનીઓનો મઠ સ્થાપવાની સ્વામીજીની ઇચ્છા હતી. ૧૯૫૩માં શ્રીમાશારદાના જન્મ-શતાબ્દી-વર્ષમાં સાત મહિલાઓને બેલુડ મઠમાં બ્રહ્મચર્યની દીક્ષા અપાઈ ત્યારે સ્વામીજીની એ ઇચ્છા સંતોષાઈ હતી.

સને ૧૯૫૯માં ૮ બ્રહ્મચારિણીઓને સંન્યાસની દીક્ષા અપાઈ હતી અને શ્રી શારદા મઠ નામે ઓળખાતો નવો પરિવ્રાજિકા મઠ કોલકાતા શહેરની ઉત્તરે આવેલ દક્ષિણેશ્વરમાં સ્થાપવામાં આવ્યો હતો. રામકૃષ્ણ શારદા મિશન નામની એની જોડકી સંસ્થા ૧૯૬૦માં સ્થપાઈ હતી. તે રામકૃષ્ણ મઠ અને મિશનથી સ્વતંત્ર રીતે કાર્યરત છે.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories