વિશ્વધર્મ પરિષદમાં આપેલાં ભાષણો

બૌદ્ધ ધર્મ એટલે હિંદુ ધર્મની પૂર્તિ

૨૬મી સપ્ટેમ્બર, ૧૮૯૩

તમે સાંભળ્યું છે કે હું બૌદ્ધધર્મી નથી અને છતાં હું બૌદ્ધધર્મી છું. ચીન, જાપાન અથવા સિલોનના લોકો એ મહાન વિભૂતિના ઉપદેશને અનુસરે છે, જ્યારે હિંદના લોકો તો એમને પરમાત્માના અવતારી પુરુષ તરીકે પૂજે છે. તમે હમણાં સાંભળ્યું કે બૌદ્ધ ધર્મ વિશે હું ટીકા કરવાનો છું; પણ આ ટીકા એટલે માત્ર આટલું જ એમ તમારે સમજવું. જેને હું આ પૃથ્વી પરના અવતારી પુરુષ તરીકે પૂજું છું, તેમની કશી ટીકા મારાથી ન કરાય. અમે માનીએ છીએ કે બુદ્ધને એમના શિષ્યો સાચી રીતે સમજ્યા ન હતા. હિંદુ ધર્મ અને અત્યારના બૌદ્ધ ધર્મ વચ્ચેનો સંબંધ, લગભગ યહૂદી અને ખ્રિસ્તી ધર્મ વચ્ચેના સંબંધ જેવો છે. (અહીં ‘હિંદુ ધર્મ’ એટલે ‘વૈદિક ધર્મ’ એમ હું કહેવા માગું છું.) ઈશુ ખ્રિસ્ત યહૂદી હતા અને શાક્ય મુનિ હિંદુ હતા. યહૂદીઓએ ઈશુ ખ્રિસ્તને ન સ્વીકાર્યા અને એમને વધસ્તંભે ચઢાવ્યા; હિંદુઓએ શાક્ય મુનિને ઈશ્વર તરીકે સ્વીકારીને પૂજ્યા. પણ અત્યારનો બૌદ્ધ ધર્મ અને શાક્ય મુનિએ ઉપદેશેલો બૌદ્ધ ધર્મ એ બે વચ્ચે જે ખરો તફાવત રહેલો છે તે અમે હિંદુઓ મુખ્યત્વે આ રીતે દર્શાવીએ છીએ. શાક્ય મુનિએ નવું કશું કહ્યું નથી. ઈશુ ખ્રિસ્તની જેમ એ પણ ધર્મને પૂર્ણ કરવા આવ્યા હતા, નાશ કરવા નહીં. તેમાં ફેર આટલો છે; ઈશુ ખ્રિસ્તની બાબતમાં જૂના યહૂદી લોકો તેમને સમજી ન શક્યા, જ્યારે બુદ્ધના સંબંધમાં તેમના ઉપદેશનો મર્મ તેમના જ અનુયાયીઓ ન સમજ્યા. જેમ યહૂદીઓ ખ્રિસ્તી ધર્મને જૂના કરારની પૂર્તિરૂપે સમજી ન શક્યા, તેમ બુદ્ધના અનુયાયીઓ બૌદ્ધ ધર્મને હિંદુ ધર્મની પૂર્તિ તરીકે સમજી શક્યા નહીં. હું ફરી વાર કહું છું કે, શાક્ય મુનિ હિંદુ ધર્મનો નાશ કરવા માટે નહીં, પણ એની પૂર્તિ કરવા આવ્યા હતા. તેઓ હિંદુ ધર્મના તર્કશુદ્ધ પરિણામ અને વિકાસરૂપે હતા.

હિંદુ ધર્મ બે ભાગમાં વહેંચાયેલો છેઃ ધાર્મિક વિધિઓ અને આધ્યાત્મિક તત્ત્વ. આ અધ્યાત્મ તત્ત્વનો વિચાર ખાસ કરીને સાધુઓ કરતા હતા.

આધ્યાત્મિક તત્ત્વમાં કોઈ વર્ણભેદ હોતો નથી. ઊંચામાં ઊંચા કે નીચામાં નીચા ગણાતા વર્ણનો માણસ ભારતમાં સાધુ થઈ શકે છે અને સમાન કક્ષામાં આવી જાય છે. ધર્મમાં કોઈ વર્ણભેદ નથી. જ્ઞાતિ એ સામાજિક સંસ્થા છે. શાક્ય મુનિ પોતે સાધુ હતા. તેમણે વેદોમાં છુપાયેલાં તત્ત્વોને પ્રકાશમાં લાવીને જગત સમક્ષ તેનો પ્રચાર કર્યાે. એમાં એમના હૃદયની પરમ ઉદારતા જોવામાં આવે છે. દેશપરદેશમાં ધર્મપ્રચારનું કાર્ય કરવામાં તેઓ પહેલા હતા એટલું જ નહીં, પરધર્મીને સ્વધર્મમાં લાવવાનો વિચાર પણ તેમને જ સૌ પ્રથમ સૂઝ્યો હતો.

આ મહાન જગદ્ગુરુની સૌથી મોટી મહત્તા તેમની સર્વ પ્રત્યેની, ખાસ કરીને અજ્ઞાન અને ગરીબ પ્રત્યેની, અજબ સહાનુભૂતિમાં રહેલી છે. એમના કેટલાક શિષ્યો બ્રાહ્મણ હતા. જે કાળે બુદ્ધ ઉપદેશ આપતા હતા તે કાળે સંસ્કૃત ભાષા દેશની બોલાતી ભાષા ન હતી. એ વિદ્વાનોનાં પુસ્તકોમાં જ સમાયેલી હતી. બુદ્ધના કેટલાક બ્રાહ્મણ શિષ્યો એમના ઉપદેશને સંસ્કૃતમાં ઉતારવા માગતા હતા. બુદ્ધે એમને સ્પષ્ટ રીતે જણાવ્યું, ‘હું ગરીબોનો છું, લોકોનો છું; મને લોકોની ભાષામાં બોલવા દો.’ તેથી બુદ્ધનો ઘણો ખરો ઉપદેશ હિંદની તે વખતની લોકભાષામાં જ સચવાયેલો છે.

તત્ત્વજ્ઞાનનું ગમે તે સ્થાન હોય, દર્શનશાસ્ત્રનું ગમે તે સ્થાન હોય, જ્યાં સુધી જગતમાં મૃત્યુ જેવી વસ્તુ છે, જ્યાં સુધી માનવહૃદયમાં નબળાઈ જેવી વસ્તુ છે અને એને લીધે માનવહૃદયમાંથી નીકળતો આર્તનાદ છે, ત્યાં સુધી પરમાત્મામાં શ્રદ્ધા રહેવાની જ.

તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ એ મહાન વિભૂતિના શિષ્યો વેદોના સનાતન ખડકો સામે સખત માથાઝીક કરતા રહ્યા છતાં વેદોને તેઓ તોડી શક્યા નહીં; એથી ઊલટું સ્ત્રી-પુરુષ સૌ જેની પ્રેમથી ઉપાસના કરતાં હતાં એ સનાતન ઈશ્વરની કલ્પનાને તેમણે દેશમાંથી નાબૂદ કરી. પરિણામે બૌદ્ધ ધર્મનું ભારતમાં આપોઆપ અવસાન થયું. આજે એ ધર્મની જન્મભૂમિ એવા ભારતવર્ષમાં જ પોતાને બૌદ્ધ કહેવડાવે એવો લગભગ કોઈ જ નથી.

બીજી દૃષ્ટિએ બ્રાહ્મણ ધર્મે પણ કંઈક ગુમાવ્યું. પોતાનો સુધારાનો ઉત્સાહ ગુમાવ્યો; પ્રાણીમાત્ર પ્રત્યેની અજબ સંવેદના અને ઉદારતા ગુમાવ્યાં; બૌદ્ધ ધર્મે જનસમૂહને આપેલ નીતિપરાયણતા અને પ્રામાણિકતા ગુમાવ્યાં. બૌદ્ધ ધર્મના આ પ્રભાવની અસર ભારતના સમાજ જીવન ઉપર ભારે હતી. એક ગ્રીક ઇતિહાસકારે એ સમયના સમાજ જીવનનું વર્ણન કરતાં લખ્યું છે કે, ‘કોઈ ભારતવાસી અસત્ય બોલતો નથી અને કોઈ હિંદુ સ્ત્રી ચારિત્ર્યહીન નથી.’

હિંદુ ધર્મ કે બૌદ્ધ ધર્મ, કોઈ એકબીજા સિવાય જીવી શકે નહીં. બન્ને વચ્ચે જે તફાવત છે તે જોતાં, બૌદ્ધ ધર્મ બ્રાહ્મણની બુદ્ધિપ્રતિભા અને તત્ત્વજ્ઞાન વિના ચલાવી ન શકે; તેમ જ બ્રાહ્મણને બૌદ્ધ ધર્મની કારુણ્યની ભાવના વિના ન ચાલે. બૌદ્ધ અને બ્રાહ્મણ વચ્ચેની આ જુદાઈ હિંદના પતનનું કારણ છે. તેને લીધે જ આજે હિંદમાં ત્રીસ કરોડ ભિખારીઓ છે અને છેલ્લાં હજાર વર્ષથી તે પરદેશી વિજેતાઓનું ગુલામ બન્યું છે. એટલે આપણે બ્રાહ્મણની અપ્રતિમ બુદ્ધિનો મહાન વિભૂતિ બુદ્ધની કારુણ્યની ભાવના સાથે, એમના અભિજાત આત્મા સાથે, તેમની અજબ માનવતા સાથે સંયોગ કરવો જોઈએ.

Total Views: 233

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.