શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશનના અગિયારમાં પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી હૃદયરોગના ભારે હુમલાને કારણે, તા. 27 ડિસેમ્બર, 1988ના રોજ, સાંજના 7-27 કલાકે રામકૃષ્ણ મિશન સેવા પ્રતિષ્ઠાન, કલકત્તામાં 90 વરસની વયે મહાસમાધિમાં લીન થયા છે.

અત્યારે બાંગ્લાદેશમાં આવેલા સિલહટ જિલ્લામાંના સાધુહટ્ટી નામના ગામમાં સ્વામી ગંભીરાનંદજી મહારાજનો સને 1899ની સાલમાં જન્મ થયો. કલકત્તાની સ્કોટીશ ચર્ચ કૉલેજમાંથી સ્નાતક થયા બાદ, તેઓ સને 1923ના મે મહિનામાં શ્રીરામકૃષ્ણસંઘમાં જોડાયા. સને 1928માં તેમણે પોતાના ગુરુ અને મઠ-મિશનના દ્વિતીય પરમાધ્યક્ષ સ્વામી શિવાનંદજી મહારાજ પાસેથી સંન્યાસદીક્ષા લીધી.

તેમણે સંઘની કરેલી સેવાનું પ્રદાન અમૂલ્ય છે. બ્રહ્મચારી સૌમ્યચૈતન્ય તરીકે તેઓ સને 1926માં દેવધર રામકૃષ્ણ મિશન વિદ્યાપીઠના સેક્રેટરી, મંત્રી થયા અને સને 1935 ડિસેમ્બર સુધી તે સ્થાન પર ચાલુ રહ્યા. વચ્ચે જ્યારે તેઓને ‘ઉદ્‌બોધન’નું કામ કરવાનું આવ્યું ત્યારે, 1929થી 1931 સુધી એમાં ભંગ પડ્યો હતો. આ સમય દરમિયાન કેટલોક વખત બનારસના અદ્વૈતઆશ્રમમાં સંસ્કૃતનું અધ્યયન કર્યું. કાર્યકારિણી સમિતિના એક સભ્ય તરીકે સને 1936માં જોડાઈને અને સને 1941 સુધી ત્યાં ચાલુ રહીને તેમજ વળી પાછા સને 1944થી 1947 સુધી એ સ્થાને રહીને તેમણે અમૂલ્ય સેવાઓ આપી. વચગાળાના સમયમાં ત્રણ વર્ષ સુધી તેઓ ‘પ્રબુદ્ધ ભારત’ના સંપાદક રહ્યા અને લગભગ દશ વરસ સુધી, સને 1953થી સને 1963 સુધી અદ્વૈતઆશ્રમ, માયાવતીના અધ્યક્ષપદે રહ્યા. સને 1947માં માર્ચમાં તેમની એક ટ્રસ્ટી તરીકે નિમણૂંક થતાં, તે વરસના એપ્રિલ મહિનામાં તેઓ એક સહાયક મંત્રી તરીકે ટ્રસ્ટીમંડળમાં જોડાયા અને એ જગ્યા પર રહીને 1953 સુધી તેમણે સેવાઓ આપી. વળી પાછા 1963થી 1966 સુધી એ જ કામ સંભાળ્યું. પછી તે વર્ષે તેઓ મહામંત્રી બન્યા. ત્યાર પછી સને 1979ના એપ્રિલ માસમાં સંઘના એક ઉપપ્રમુખ (ઉપાધ્યક્ષ) તરીકે ચુંટાયા અને પછી સને 1985થી પરમ અધ્યક્ષ તરીકે રહ્યા. આ સ્થાન પર તેઓ તેમના અવસાન સુધી, 27 ડિસેમ્બર 1988 સુધી રહ્યા.

એક મહાન સંન્યાસી અને કાર્યકર્તા હોવા ઉપરાંત, સ્વામીજી એક પ્રખર પંડિત પણ હતા. નવ મુખ્ય ઉપનિષદો, ભગવદ્ગીતા અને બ્રહ્મસૂત્રોનું શાંકરભાષ્ય સહિત તેમણે કરેલું અંગ્રેજી રૂપાંતર અને દશ મુખ્ય ઉપનિષદો, સ્તવકુસુમાંજલિ અને સિદ્ધાંતલેશસંગ્રહનું બંગાળી રૂપાંતર બધી જગ્યાએથી ભારે પ્રશંસા પામ્યાં છે. આ રૂપાંતરો ઉપરાંત, તેમની મૌલિક પ્રકારની પ્રકાંડ કૃતિઓમાં તેમની વિદ્વત્તાનો પરિપાક સમાયેલો આપણને જોવા મળે છે. તેમાંનાં ‘શ્રીમા શારદાદેવી’, ‘રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનનો ઇતિહાસ,’ – એ બે અંગ્રેજીમાં અને ‘શ્રીમા શારદાદેવી’, ’યુગનાયક વિવેકાનંદ’, ’શ્રીરામકૃષ્ણ ભક્તમાલિકા’ એ બંગાળીમાં છે, તે વિશેષ ઉલ્લેખનીય છે. આ રચનાઓ સ્વામીજીની ઊંડી શાસ્ત્રસમજ અને પાંડિત્યનું પ્રમાણ છે.

એમના દુઃખદ અવસાનથી આપણા દેશને અને વિશેષ તો શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રી રામકૃષ્ણ મિશનને ન પૂરી શકાય એવી મહાન ખોટ પડી છે. જ્ઞાનવિજ્ઞાનભક્તિથી સંપન્ન, શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદના ઉચ્ચ આદર્શોને સમર્પિત એમના મહાન વ્યક્તિત્વને કારણે એમણે સાધુઓ અને ભાવિક ભક્તજનોમાં પૂજ્ય ભાવભરી ચાહના મેળવી હતી. ત્વરિત નિર્ણયશક્તિ, સરળતા, દૃઢતા, નિયમિતતા, સંતસુલભ ચારિત્ર્ય વગેરેથી સમૃદ્ધ એમના જીવન અને વ્યક્તિત્વને કારણે એમને સર્વોચ્ચ સન્માનથી સૌ કોઈ નિહાળતા. એમના શિષ્યોએ શાણપણ, અનુકંપા, નીરવ પ્રેમભરી અમી દૃષ્ટિથી સંપન્ન પથપ્રદર્શક ગુરુને ગુમાવ્યા છે.

એમના આત્માને ચિરશાંતિ મળો અને એમના સમર્પિત જીવનમાંથી આપણને સૌને ઉદાત્ત જીવન જીવવાની વધુ ને વધુ પ્રેરણા મળો એ જ પ્રાર્થના !

Total Views: 507

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.