દિવ્યવાણી

शृण्वन्तु विश्वे अमृतस्य पुत्रा आ ये धामानि दिव्यानि तस्थुः ।

वेदाऽहमेतं पुरुषं महान्तमादित्यवर्णं तमसः परस्तात् ।

तमेव विदित्वाऽतिमृत्युमेति नान्यः पन्था विद्यतेऽयनाय ॥

શ્વેતાશ્વતર ઉપનિષત્ (2-5, 3-8)

‘‘ઓ શાશ્વત સુખના વારસદારો, ઓ દિવ્ય ધામના નિવાસીઓ ! સાંભળો ! મેં પુરાતન પુરુષને પ્રાપ્ત કર્યા છે – જે સર્વ તમસથી પર છે, જે સર્વ ભ્રમથી પર છે અને જેને જાણવા માત્રથી મૃત્યુને પાર જઈ શકાય છે.’’

‘‘શાશ્વત સુખના વારસદારો-કેવું મધુર અને આશાજનક સંબોધન ! ભાઈઓ, મને તમને સહુને એ મધુર નામથી સંબોધવા દો. હિન્દુઓ તમને પાપી તરીકે ગણવાનો ઈન્કાર કરે છે. તમે સહુ પરમાત્માના બાળકો છો, શાશ્વત સુખના સહભાગીદાર છો, પવિત્ર અને પૂર્ણ છો. આ પૃથ્વી પરના ઓ દિવ્ય આત્માઓ ! તમને પાપી કેમ કહી શકાય ? માનવને પાપી કહેવો એ પાપ છે – માનવસ્વભાવ ઉપર એ કાયમી આક્ષેપ છે : ઓ સિંહો ! તમે ઘેટાંઓ છો એ ભ્રમજાળ ખંખેરીને ઊભા થાઓ. તમે અમર આત્માઓ છો, તમે સ્વતંત્ર આત્માઓ છો, તમારા ઉપર આશિષ ઊતરેલા છે, તમે અનંત છો, તમે ભૌતિક પદાર્થો નથી, તમે માત્ર દેહ નથી. ભૌતિક પદાર્થો તો તમારા ગુલામો છે. ભૌતિક પદાર્થોના તમે ગુલામ નથી.’’

(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા; ભાગ 3, પૃષ્ઠ 10)

*

तस्मादसत्तकः सततं कार्यं कर्मं समाचर ।

असत्तको ह्याचरन्कर्म परमाप्नोति पूरुषः ।।

(ગીતા : 3-11)

‘‘એટલા માટે ફળની ઇચ્છા રાખ્યા વિના કરવા યોગ્ય કર્મ આસક્તિ છોડીને હંમેશાં કરતો રહે. કેમકે આસક્તિ રહિત થઈને કર્મ કરનારો પુરુષ મોક્ષને પામે છે.’’

यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततम् ।

स्वकर्मंणातमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः ।।

(ગીતા : 18-46)

‘‘જે પરમાત્માથી સર્વ પ્રાણીઓની ઉત્પત્તિ થઈ છે અને જેનાથી આ સર્વ જગત વ્યાપી રહ્યું છે, તે પરમાત્માને પોતાનાં સ્વાભાવિક કર્મોથી ભજીને મનુષ્ય સિદ્ધિને પામે છે.’’ (એટલે કે, જે મનુષ્ય પોતાનાં સ્વાભાવિક કર્મો પ્રભુની પ્રસન્નતા મેળવવા માટે કરી રહેલ છે; કર્મો એ જ પ્રભુનું પૂજન છે, એવા નિષ્કામ ભાવથી કર્મમાત્ર પ્રભુપ્રીતિ અર્થે જે કરે છે, તે સિદ્ધિને પામે છે.)

ભગવાન શ્રીકૃષ્ણ

*

‘‘વિશ્વમાં ધર્મ જ પરમ કલ્યાણકારી પદાર્થ છે. ધર્મમાં અહિંસા, સંયમ અને તપ સમાઈ જાય છે. જેમનું મન ધર્મથી ભરેલું છે તેમને દેવો પણ નમસ્કાર કરે છે.’’

ભગવાન મહાવીર

*

‘‘આત્મા જ આત્માનું શરણ છે. કારણ કે બીજું તે ક્યું શરણ હોઈ શકે ? પૂર્ણ રીતે સંયમિત આત્માથી જ મનુષ્ય એવું શરણ પામે છે કે જે ખરેખર દુર્લભ છે.’’

ભગવાન બુદ્ધ

*

‘‘પણ પહેલાં તમે ઈશ્વરી સામ્રાજ્યની અને એના ‘સત્’ની ઝંખના કરો અને પછી આ બધી જ વસ્તુઓ તમારી પાસે આવી મળશે.’’

‘‘…તેથી તમારો સ્વર્ગમાં રહેલો પિતા જેવો સિદ્ધ સંપૂર્ણ છે, તેવા જ તમારે પણ સિદ્ધ-સંપૂર્ણ બનવું જોઈએ.’’

ઇસા મસિહ

*

‘‘બધા કાળમાં સત્યનું બંધુત્વ એક જ છે.’’

‘‘જે વાડાઓ ઊભા કરે છે તે તો સંકુચિત માનવો જ છે.’’

‘‘જે પોતે પોતાને પિછાણે છે તે ‘અલ્લાહ’ને ઓળખે છે.’’

મહમ્મદ પયગંબર

*

‘‘જે કોઈ અનંત આનંદની ખોજ કરતો હોય તો એ સર્વવ્યાપક ચૈતન્યની ઝંખના કરે.’’

ગુરુ નાનક

*

‘‘માનવ જીવનનો ઉદ્દેશ ઈશ્વર પર પ્રેમ થવો, ઈશ્વરને ચાહવો ઈશ્વરમાં ભક્તિ જ સારવસ્તુ.’’

‘‘ઈશ્વર એક તેનાં અનંત નામ અને અનંત ભાવ. જેને જે નામ અને જે ભાવથી બોલાવવું ઠીક લાગે, તે નામ અને તે ભાવથી બોલાવે, તો તેને પ્રભુનાં દર્શન થાય.’’

શ્રીરામકૃષ્ણ

*

‘‘જો શાંતિ ઇચ્છતા હો, તો કોઈના દોષ જોતાં નહીં; દોષ જોજો પોતાના. જગતને પોતાનું કરી લેતાં શીખો. કોઈ પારકું નથી. જગત છે તમારું.’’

‘‘ભગવાન જ નિત્ય અને સત્ય છે. તેમને ભજવામાં જ કલ્યાણ છે.’’

શ્રીશ્રીમા શારદાદેવી

*

‘‘દરેક વ્યક્તિમાં દિવ્યતા સુપ્તપણે રહેલી છે. અંદરની આ દિવ્યતાને બાહ્ય તેમજ આંતર પ્રકૃતિનાં નિયમન દ્વારા અભિવ્યક્ત કરવી એ જીવનનું ધ્યેય છે. કર્મ, ઉપાસના, મનનો સંયમ અથવા તત્ત્વજ્ઞાન – એમ એક અથવા અનેક દ્વારા આ જીવન ધ્યેયને સિદ્ધ કરો અને મુક્ત બનો. ધર્મનું આ સમગ્ર તત્ત્વ છે. સિદ્ધાંતો, મતવાદો, અનુષ્ઠાનો, શાસ્ત્રો, મંદિરો કે મૂર્તિઓ એ બધું ગૌણ છે.’’

સ્વામી વિવેકાનંદ

*

Total Views: 316
By Published On: April 1, 1989Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram