હું તેમનાં (સ્વામી વિવેકાનંદનાં) લખાણો સાંગોપાંગ, ઝીણવટથી વાંચી ગયો છું અને એ પૂરેપૂરાં વાંચી લીધાં પછી મારામાં રહેલો સ્વદેશપ્રેમ હજાર ગણો વધી ગયો. ઓ યુવાનો, હું તમને અરજ કરું છું કે જે ભૂમિમાં સ્વામી વિવેકાનંદ જીવ્યા અને મર્યા તે ભૂમિનાં કંઈક બળ-ઉત્સાહ ધારણ કર્યા વગર, ખાલી હાથે ચાલ્યા જશો નહિ.

મહાત્મા ગાંધી

(W.T.R.V. pg 44)

હું જાણતો નથી કે યુવાન પેઢીમાંથી કેટલાક સ્વામી વિવેકાનંદનાં પ્રવચનો અને લખાણો વાંચતા હશે. પણ હું તમને એટલું તો કહી શકું કે મારી પેઢીના કેટકેટલા લોકો તેમનાથી ખૂબખૂબ પ્રભાવિત થયા હતા. અને હું ધારું છું કે અત્યારની પેઢી પણ સ્વામી વિવેકાનંદનાં પ્રવચનો અને લખાણો વાંચશે, તો તેને ઘણો મોટો લાભ થશે અને એમાંથી તેને ઘણુંઘણું શીખવા મળશે.

તેમણે બોલેલો કે લખેલો શબ્દ અગ્નિમંત્ર સમાન છે. જ્યારે આપણે એમને વાંચીએ છીએ, ત્યારે આપણને એ જડતા-પ્રમાદમાંથી હચમચાવીને ઊભા કરી દે છે, અને આપણને જબરી પ્રેરણા આપે છે… યુવાનોના આદર્શ તરીકે હું તમને કેવળ એક જ વ્યક્તિનું નામ આપી શકું છું અને તે છે – શ્રી સ્વામી વિવેકાનંદ. જેઓ ઉત્સાહ અને શક્તિની તાદૃશ મૂર્તિ હતા.

પં. જવાહરલાલ નહેરુ

(W.T.R.V. pg 44)

તમારે ભારતને સમજવો હોય તો વિવેકાનંદનું અધ્યયન કરો. તેમનામાં બધું જ વિધાનાત્મક છે. કશું જ નિષેધાત્મક નથી… વિવેકાનંદના ઉપદેશનું લક્ષ્યબિંદુ માનવની પૂર્ણ જાગૃતિ હતું અને એટલા જ માટે એમણે આપણા યુવાન વર્ગને પુરુષાર્થ અને બલિદાન દ્વારા મુક્તિ મેળવવાના જુદાજુદા માર્ગમાં પ્રેર્યો.

રવીન્દ્રનાથ ટાગોર

(W.T.R.V. pg 34)

શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ તરફનું મારું ઋણ હું શબ્દો દ્વારા કેવી રીતે વ્યક્ત કરી શકું ? તેમના પવિત્ર પ્રભાવ તળે જ મારા જીવનની પહેલી જાગૃતિ થઈ હતી… સ્વામીજી આજે જો જીવતા હોત તો તેઓ મારા ગુરુ બન્યા હોત. અર્થાત્ મેં તેમને મારા ગુરુદેવ તરીકે સ્વીકારી લીધા હોત. એટલે હવે એ કહેવું જરૂરી નથી કે જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી રામકૃષ્ણ-વિવેકાનંદને પૂર્ણપણે વફાદારી રહી તેમનો ભક્ત રહીશ.

સુભાષચંદ્ર બોઝ

(W.T.R.V. pg 46)

સ્વામી વિવેકાનંદે હિંદુધર્મને બચાવ્યો છે અને ભારતને પણ બચાવ્યો છે. તેમના વગર આપણે આપણો ધર્મ ગુમાવી બેઠા હોત, અને તેમના વગર આપણને આઝાદી પણ ન મળી હોત. એથી આ બધા માટે આપણે સ્વામી વિવેકાનંદના ઋણી છીએ. તેમની શ્રદ્ધા, તેમનો ઉત્સાહ અને તેમનું શાણપણ આપણને પ્રેરણા આપતાં રહો કે જેથી આપણે તેમની પાસેથી મેળવેલા ખજાનાને સુરક્ષિત રાખી શકીએ.

ચક્રવર્તી રાજગોપાલાચારી

(W.T.R.V. pg 54)

પશ્ચિમના ભૌતિકવાદી વિજ્ઞાનની સામેના એક પડકાર તરીકે હિન્દુધર્મનો ઝંડો સર્વ પ્રથમ ફરકાવનાર સ્વામી વિવેકાનંદ જ હતા, એ તો એક નિર્વિવાદ સત્ય ઘટના છે… એ સ્વામી વિવેકાનંદ જ હતા કે જેમણે સીમાઓ પાર કરીને વિશ્વના વિવિધ દેશોમાં હિન્દુ ધર્મનો વિજયધ્વજ રોપવાનું આ ભગીરથ કાર્ય પોતાને શિરે લીધું અને તેમણે પોતાના પાંડિત્ય, વક્તૃત્વશક્તિ, હિંમત, ઉત્સાહ અને ભીતરના વેગવંતા બળથી તે કાર્યને નક્કર પાયા પર લાવી મૂક્યું.

બાળ ગંગાધર ટિળક

(W.T.R.V. pg 39)

જો કોઈ શક્તિમય આત્મા હોય તો તે વિવેકાનંદ હતા. તેઓ મનુષ્યોમાં સિંહ સમા હતા… અત્યારે પણ જબરદસ્ત કામ કરતો તેમનો પ્રભાવ આપણે જોઈએ છીએ. એનાથી ભારતના આત્મામાં પ્રવેશ્યું કંઈક સિંહ જેવું વીરત્વ, કંઈક ભવ્ય, કંઈક અંતઃસ્ફુરણ, કંઈક ઊર્ધ્વગામી હજુ સુધી જ્યાં કોઈક રીતે પણ પ્રગટ્યું હોય, એવું સ્થાન આપણે બરાબર રીતે ખાતરીથી જાણતા નથી અને આપણે કહી ઊઠીએ છીએ : “જુઓ, પોતાની માતૃભૂમિના અને એના સંતાનોના અંતર આત્મામાં હજુ જીવે છે.”

શ્રી અરવિંદ

(W.T.R.V. pg 36)

જો તમે ખરેખર માણસમાં રહેલ દિવ્ય તત્ત્વનાં અંશને માનતા હો તો સ્વામી વિવેકાનંદ જેના સર્વોત્તમ વ્યાખ્યાતા હતા તેવી આપણને પ્રદાન થયેલી મહાન પરંપરાને સ્વીકારવામાં એક ક્ષણભર પણ ખચકાશો નહિ.

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

(P.B. may 1963, pg 183)

તેઓએ (સ્વામી વિવેકાનંદે) આપણને શીખવ્યું છે : “બધામાં એકજ આત્મા રહેલો છે. જો તમને આની ખાતરી થઈ હોય, તો બધાની સાથે ભાઈઓ જેનો વ્યવહાર કરવો અને માનવજાતની સેવા કરવી, એ તમારો ધર્મ થઈ પડે છે.” …એથી તેમણે આપણને દરિદ્રનારાયણની (નાગાં, ભૂખ્યાં, અપંગ કરોડો માનવોમાં પ્રગટ થયેલા ઈશ્વરની) સેવા અર્થે આત્મસમર્પણ કરવાની, તેમની ઉન્નતિ કરવાની અને તેમને નીતિશિક્ષણ આપવાની સલાહ આપી છે. “દરિદ્રનારાયણ” શબ્દ વિવેકાનંદે જ ઘડ્યો છે અને ગાંધીજીએ એને લોકપ્રિય બનાવ્યો છે.

આચાર્ય વિનોબા ભાવે

(W.T.R.V. pg 49)

વિવેકાનંદ એવા ભારતીય ઋષિઓ પૈકીના એક હતા કે જેમણે પોતાના જ્ઞાનપ્રકાશ દ્વારા લોકોના જીવન ઉપર ખૂબ જબરી અસર નીપજાવી હતી અને માનવ ધર્મની કીર્તિગાથાનું પુનઃસ્થાપન કર્યું હતું. પરિણામે દુઃખ ઉત્પન્ન કરનારા અજ્ઞાનના બંધનમાંથી માનવજાત મુક્તિ મેળવવા શક્તિમાન બને એ માટે આપણને આજે તેમના વીર્યવાન, હિંમતભર્યા, પ્રામાણિક અને કર્મયોગયુક્ત સંદેશની આવશ્યકતા છે.

મોરારજી દેસાઈ

(V-H. Go. M.M. pg 330)

આપણા રાષ્ટ્રના પુનરુત્થાનમાં વિવેકાનંદનું પ્રદાન, સહેલાઈથી પુનર્મૂલ્યાંકિત થઈ શકે તેમ નથી. તેમણે આપણા આધ્યાત્મિક વારસામાં અભિનવ સભાનતા ભરી દીધી… તેમણે પોતાના જીવન દરમિયાન પોતાના ઉપદેશો દ્વારા રાષ્ટ્રને જગાડી દીધું અને પ્રેરણા આપી. અત્યારે પણ એ આપણને માર્ગદર્શન આપી રહેલ છે. આવતી કેટલીય પેઢીઓ સુધી એ સંરક્ષિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યા કરશે.

શ્રીમતી ઈન્દિરા ગાંધી

(V-H. Go. M.M. pg 331)

તેમના (સ્વામી વિવેકાનંદના) જેવો વૈદિક સંસ્કૃતિના વારસાનો ભાષ્યકાર બીજો કોઈ પણ નહિ હોય. ભાવિ પેઢીઓને વિવેકની (શાણપણની) ભેટ આપવા બદલ કેવળ ભારતીયજનો જ નહીં પણ પશ્ચિમના લોકો પણ તેમના ઋણી રહેશે.

ડૉ. રાજેન્દ્રપ્રસાદ

(V-H. Go. M.M. pg 331)

વૈદિક સમયથી માંડીને આજ સુધીમાં કોઈ પણ હિન્દુએ કરેલ ઉપદેશ કરતાં વધારે પૌરુષભરી શ્રદ્ધાપૂર્ણ ભાવનાઓનો ઉપદેશ સ્વામી વિવેકાનંદે પોતાના દેશબાંધવોને કર્યો છે.

વીલ ડ્યુરાં

(V-H. Go. M.M. pg 166)

તેઓ (સ્વામી વિવેકાનંદ) મૂર્તિમંત શક્તિ સ્વરૂપ હતા અને કર્મણ્યતા તેમનો માનવોને સંદેશ હતો. ફિનીક્સ-દેવહુમા નામના પુરાકલ્પિત જાદુઈ પક્ષીની રાખમાંથી જેમ નવો પ્રાણ પ્રગટે છે, તેવી રીતે તેમનામાંથી ભારતનો આત્મા-ભારતની એકતામાં શ્રદ્ધા અને વૈદિક સમયથી ચાલ્યું આવતું, તેમની પ્રાચીન જાતિએ સેવેલ સ્વપ્નિલ સત્ય-અભિનવરૂપે પ્રગટ થયેલ છે.

આજથી ત્રીસ વર્ષ પહેલાં ગ્રંથસ્થ થયેલાં એમનાં વચનામૃતોને જ્યારે હું વાંચું છું, ત્યારે વિદ્યુતના આંચકા જેવી ઝણઝણાટી મારા સમગ્ર દેહમાં હું અનુભવ્યા વિના રહી શકતો નથી. તો પછી એ નરવીરને સ્વમુખેથી એ જવલંત શબ્દો ઉચ્ચારાયા હશે ત્યારે તેમણે કેવા આંચકા, કેવા હર્ષોત્કર્ષો પેદા કર્યાં હશે ?”

રોમાં રોલાં

(W.T.R.V. pg 49)

References : (i) W.T.R.V… World Thinkers on Ramakrishna Vivekananda Pub. The Ramakrishna Mission Institute of Culture). (ii) V-H.Go. M.M. …Vivekananda. His gospel of Man. Making (Swami Jyotirmayananda) (iii) P.B. …Prabuddha Bharata.

Total Views: 674

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.