[શ્રીરામકૃષ્ણ આશ્રમ, બેંગલોરમાં તા. 16મી ફેબ્રુઆરી, 1986ને રવિવારના રોજ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે (પરમાધ્યક્ષ : શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશન) આપેલ ભાષણ, ‘પ્રબુદ્ધ ભારત’ના જુલાઈ 1986માં પ્રકાશિત થયેલ. તેનું શ્રી. વ. પિ.એ કરેલું ગુજરાતી રૂપાંતર અત્રે સહર્ષ પ્રસ્તુત કરીએ છીએ. –સં.]

શ્રીરામકૃષ્ણનો સંદેશ એટલો વિશાળ અને ગહન છે કે એનું વિગતવાર મૂલ્યાંકન કરવું અશક્ય છે. અહીં એના કેટલાક અગત્યના મુદ્દાઓને હું માત્ર હાથ ધરી શકીશ. શ્રીરામકૃષ્ણના મુખમાંથી જે કંઈ ઝર્યું કે એમણે જે કંઈ કર્યું તે જગતના ભલા માટે હતું. તેથી આપની સાથે એમનાં જે બોધ વચનોનો હું સહભાગી બનું છું તે આપના જીવનમાં મદદરૂપ થશે, તેમ હું માનું છું.

જીવનના આરંભ કાળથી જ શ્રીરામકૃષ્ણ પ્રભુઘેલા હતા. એમનાં જીવનનું એક માત્ર ધ્યેય ઈશ્વરના સાક્ષાત્કારનું હતું અને બીજી બધી બાબતો તદ્દન ગૌણ હતી. એ કહેતા, ‘હું તમને સાચું જ કહું છું કે ઈશ્વર સિવાય હું કશું જ જાણતો નથી !’ ઈશ્વર સાક્ષાત્કાર માટે જ એ જીવ્યા હતા. પણ સાક્ષાત્કાર, નિજાનંદને માટે નહીં, પરંતુ બીજાઓને તેમાં સહભાગી બનાવવાના આનંદ માટે તેઓ ઝંખતા હતા. તમને એક દાખલો આપું. એક દિવસ એ ઊંડી સમાધિના ભાવમાં હતા. એ ભાવ ચાલુ જ હતો, પણ પોતે એને અંકુશમાં રાખવા કોશિશ કરતા હતા. કોઈ સમાધિમાં પ્રવેશે અને ઈશ્વર સામે તાદાત્મ્ય સાધે ત્યારે, તે વ્યક્તિ માટે બીજાની સાથે વાતચીત કરવાનું શક્ય નથી. આથી શ્રીરામકૃષ્ણ માતાજીને પ્રાર્થના કરતા : “હે મા, બાહ્ય જગતનું ભાન મને ભૂલાવતી નહીં. મારે ભક્તો સાથે વાત કરવી છે.” આ વચનનો મર્મ સામાન્ય લોકો સમજી શકે નહીં. આધ્યાત્મિક માર્ગના બધા પ્રવાસીઓ સમાધિની દશાને ઝંખે છે; આધ્યાત્મિક જીવનના અનુસરણની એ ચરમ ફલશ્રુતિ છે. શ્રીરામકૃષ્ણ માટે સમાધિ સહજ અને સ્વાભાવિક બની ગઈ હતી. પરંતુ પોતે જ્યારે ભક્તોની સંગાથમાં હોય ત્યારે સમાધિથી દૂર રહેવાનો પ્રયત્ન તેઓ કરતા, જેથી જગતને, અને પોતાની પાસે બેઠેલા લોકસમુદાયને વીસરી ન જાય અને એમને પોતે જે સત્ય આપવા માગે છે તેનાથી તે સૌ વંચિત ન રહી જાય. પરમ તત્ત્વની વિવિધ અનુભૂતિઓ દ્વારા પ્રાપ્ત કરેલા શાશ્વત જ્ઞાનના અખૂટ ઝરા સમા તેઓ હતા. સાથો-સાથ સમાધિમાં ન હોય ત્યારે તેઓ બાહ્ય જગતને બારીકાઈથી વિલોકતા.

શ્રીરામકૃષ્ણ જેમના ઉપર વિશેષ ભાર દેતા એવા કેટલાક મુદ્દાઓ છે. એક, એમની દૃષ્ટિએ માનવ જીવનનું ધ્યેય ઈશ્વરનો સાક્ષાત્કાર છે, એ સાક્ષાત્કાર વિના બધું અપૂર્ણ છે અને ઈશ્વરસાક્ષાત્કાર પછી ઈહલોકમાં કે પરલોકમાં કશું જ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી. તો શ્રીરામકૃષ્ણને મન ઈશ્વરસાક્ષાત્કારનો અર્થ શો હતો ? ટૂંકમાં કહીએ તો દૃષ્ટા અને દૃશ્યનો ભેદ જ્યાં ટળી જાય છે એવી જીવન સમગ્રની અંતિમ ભૂમિકાની અંતઃકરણાનુભૂતિ. ઈશ્વરનો સાક્ષાત્કાર એટલે વિવિધ દિવ્યરૂપોની ઝાંખી થવી કે જુદાજુદા માણસો જુદીજુદી રીતે વર્ણવે છે, તે ઊંચેરી કક્ષાના ભાવ થવા તે જ નથી. પરબ્રહ્મમાં વ્યક્તિનું સંપૂર્ણ એકરૂપ થઈ જવું. આને શ્રીરામકૃષ્ણ ઈશ્વરસાક્ષાત્કાર કહેતા. ઉપનિષદમાં તેનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે : “નિર્મળ પાણી બીજા નિર્મળ પાણીમાં પડે તો બંને એકરૂપ થઈ જાય છે તેમ, હે ગૌતમ, સાક્ષાત્કાર પામેલા મનુષ્યનો આત્મા પરમાત્મામાં લીન થઈ જાય છે.”1 અર્થાત્, એ સ્થિતિમાં પછી વ્યક્તિના વ્યક્તિત્વનો લોપ થાય છે. વ્યક્તિ પોતે નાશ પામતી નથી, એ પોતે બ્રહ્મ બને છે. ઈશ્વરસાક્ષાત્કારનો સાચો અર્થ આ અભેદનો અનુભવ છે. આમ છતાં આધ્યાત્મિક સાક્ષાત્કારનાં બીજા સ્વરૂપો પણ છે અને શ્રીરામકૃષ્ણ તે સૌનો સ્વીકાર કરતા. ઈશ્વરને પામવા વિશેની શ્રીરામકૃષ્ણની આવી વિશાળ અને ઔદાર્યસભર દૃષ્ટિ હતી.

શ્રીરામકૃષ્ણનો બીજો અગત્યનો સંદેશ એ છે કે આપણે જ આત્મસાક્ષાત્કાર કરી બેસી રહેવાનું નથી, પણ બીજાની સાથે તેનો આનંદ લૂંટવાનો છે. શ્રીરામકૃષ્ણ કહેતા કે, કંઈક સારું ખાવાનું મળ્યું તો ખૂણે બેસી ખાઈ લઈ પોતાના હોઠ લૂછે ને એ વિશે ચૂપ રહે એવી કેટલીક વ્યક્તિઓ છે. વહેંચી ખાવામાં એ લોકો માનતા નથી. આવા વલણને શ્રીરામકૃષ્ણ ધિક્કારતા. આધ્યાત્મિક પંથે જતાં જે મોટી વસ્તુ મનુષ્યને સાંપડે તે તેણે બીજાઓમાં વહેંચવી જોઈએ. આમ થશે ત્યારે જ જીવન પૂર્ણતાએ પહોંચશે. ઈશ્વરાનુભવ બીજાને વહેંચીને, બીજાને તે અનુભવ પ્રાપ્તિમાં સહાયરૂપ થઈને જ આપણી અનુભૂતિ તેના સાચા અર્થમાં પૂર્ણતાએ પહોંચે છે. પોતાના વહાલા શિષ્ય નરેન્દ્ર (જે પાછળથી સ્વામી વિવેકાનંદ બન્યા તે) ને તેમણે પૂછ્યું : “જીવનનું તારું ધ્યેય શું છે ?” નરેન્દ્રે ઉત્તર આપ્યો કે, “સતત ત્રણચાર દહાડા સમાધિમય દશામાં રહેવું ને પછી એકાદ વાર થોડો ખોરાક લેવા ઇન્દ્રિયોની ભૂમિકાએ આવવું.” આ સાંભળી શ્રીરામકૃષ્ણે કહ્યું : “તું કેવો ટૂંક બુદ્ધિનો છે ? એ ભૂમિકાથી ઘણી ઊંચેરી બીજી ભૂમિકા છે. ‘જો કુછ હૈ સો તૂહીં હૈ’નું ભજન તું જ ગાય છેને ?”2 ઠાકુરે વધારામાં એમ પણ કહ્યું કે, હું તો તને વડના ઝાડ જેવો જોવા ઇચ્છું છું, જેની શાખાઓ ચોમેર ફેલાયેલી હોય અને હજારો થાકેલા પ્રવાસીઓને છાયા આપતી હોય. શ્રીરામકૃષ્ણની વિચારણાનું સામાન્ય વલણ આ ઘટના દર્શાવે છે. લોકોમાં આધ્યાત્મિક વિચારો ફેલાવવામાં અને ઉચ્ચત્તમ ધ્યેયને પ્રાપ્ત કરવામાં તેઓ સદા પ્રયત્નશીલ રહેતા. એમના જીવનનો પૂર્વાર્ધ આધ્યાત્મિક અનુભૂતિની સમૃદ્ધિ એકઠી કરવામાં વીત્યો હતો, તો એ સમૃદ્ધિને બીજાઓને વહેંચવામાં ઉત્તરાર્ધ વીત્યો હતો.

હવે આપણે એમના ત્રીજા સંદેશ સમીપ આવીએ. તેઓ કહેતા તે પ્રમાણે “જેટલા મત તેટલા પથ.” બધા પંથો ઈશ્વર સાક્ષાત્કારના અંતિમ ધ્યેયે જ લઈ જાય છે. આ માત્ર બૌદ્ધિક શ્રદ્ધાનો જ વિષય ન રહેતા, જુદાજુદા ધર્મોની ઉપાસના દ્વારા એમણે અનુભવેલી હકીકત હતી. આ બાબતમાં એઓ ખૂબ પ્રયોગશીલ હતા. એક માર્ગે ઈશ્વર-સાક્ષાત્કાર કર્યા પછી, બીજા લોકો કયે પંથે જતા, કેવી રીતે તેઓ પોતાના ધ્યેયે પહોંચતા અને એ ધ્યેય ક્યું હતું તે જાણવા શ્રીરામકૃષ્ણ સદા તત્પર રહેતા. આમ એઓ દરેક ધર્મને અનુસર્યા, અને દરેક વખતે એ ધર્મના વિધિનિષેધો અને પરંપરાઓનું સંપૂર્ણ પાલન તેઓ કરતા. અને, દરેક પંથ ઈશ્વરસાક્ષાત્કારના એક જ ધ્યેય ભણી લઈ જાય છે તે સત્ય એમને અચૂક લાધ્યું. સાક્ષાત્કાર પોતે અવર્ણનીય છે, કારણ કે એ વ્યક્તિના અંતરઆત્માનો અનુભવ હોઈ શબ્દાતીત છે. પણ જુદાંજુદાં સાધના માર્ગોનું પૂર્ણજ્ઞાન પ્રાપ્ત કર્યું હોવાથી પોતે પોતાના અનુભવોને વર્ણવવા પ્રયત્ન કરતા. આથી ભિન્નભિન્ન ધર્મના અનુયાયીઓને તેઓ ખૂબ મદદરૂપ થઈ શકે. શ્રીરામકૃષ્ણનું આ એક આગવું લક્ષણ છે.

શ્રીરામકૃષ્ણે આધ્યાત્મિક પ્રયોગો કર્યા હતા તેવા પ્રયોગો કરનાર જગતના ધર્મોના ઇતિહાસમાં એવો બીજો કોઈ ગુરુ જોવા મળતો નથી. હિન્દુધર્મગ્રંથોમાં અને કદાચ બીજા ધર્મોના ગ્રંથોમાં પણ આપણને અસાધારણ ઔદાર્યનાં વચનો જોવા મળે છે. પ્રાચીન વેદો પોકારે છે : “સત્ય એક જ છે, પ્રાજ્ઞો તેને જુદાંજુદાં નામે ઓળખે છે.” (एकम् सत् विप्रा बहुधा वदन्ति) ઈશ્વરી અવતારોએ અને પયગમ્બરોએ પણ એવાં વચનો ઉચ્ચાર્યાં છે. પરંતુ એમાંના કોઈએ બહુવિધ સાધના કરી હોય અને તે દરેક સાધનામાર્ગે એકજ પરમ તત્ત્વને પ્રાપ્ત કર્યું હોય તેવો દાખલો ઇતિહાસે નોંધાયો નથી. આપણે જાણીએ છીએ ત્યાં સુધી એકલા શ્રીરામકૃષ્ણે જ તેમ કર્યું છે, અને તેમના જીવનને તે અદ્વિતીયતા બક્ષે છે. જે ઔદાર્ય એ શીખવતા તે કેવળ મનની વિશાળતા કે દાર્શનિકતાથી જન્મેલું ન હતું. પણ એની પાછળ ઊંડી અનુભૂતિની મૂડી હતી. બીજા પંથોની એ વાત કરતા ત્યારે, એ પંથોના પોતાના અનુભવોની વાતજ તેઓ કરતા. તેઓ દરેક પંથનો આદર કરતા અને કદી કોઈની ટીકા ન કરતા.

એક ચોક્કસ પંથને મક્કમપણે વળગી રહેવા માટે ઊંડી શ્રદ્ધાની આવશ્યકતા રહે છે. આપણા ધ્યેયમાં આપણને અટલ શ્રદ્ધા હોવી જોઈએ. પરંતુ બીજાઓ જે પંથે જાય છે તે સૌ પ્રત્યે આપણને સમાન આદર હોય, તો વળી વિશેષ સારું. પોતાના અનુભવોને આધારે જ શ્રીરામકૃષ્ણે આપણને સર્વ ધર્મોની સંવાદિતા સ્વીકારવા નથી કહ્યું. આપણે જે રાહે જતાં હોઈએ તે માર્ગે, તેમજ બીજા માર્ગોએ, તેમણે આપણને પ્રયોગ કરવાનું કહ્યું છે અને આ પંથોનું મૂલ્યાંકન કરવાની ભૂમિકાએ આપણે પહોંચીએ તે પહેલાં કોઈ પણ પંથના ચડિયાતાપણા કે ઉતરતાપણા વિશે કશું ન બોલવાનો બોધ તેમણે આપણને આપ્યો છે. શ્રીરામકૃષ્ણના બોધને આપણે અનુસરી શકીએ તો, જુદાજુદા ધર્મોના અનુયાયીઓને આપણે એકજ ધ્યેય તરફ જતા સહયાત્રીઓ ગણી શકીએ. આજના કોમી વિખવાદના અને દ્વેષના જમાનામાં શ્રીરામકૃષ્ણનો આ સંદેશો મહત્તમ અગત્યનો છે. તમારા પોતાના ધર્મની અધૂરી સમજણ, ઘણુંખરું, તમને બીજા ધર્મોની ટીકા કરવા પ્રેરે છે. રાખી શકો તો બીજા ધર્મો પ્રત્યે માન રાખો, નહીં તો એમની ટીકા નહીં કરો. અગત્યની છે તે નિષ્ઠા. આ વિશે શ્રીરામકૃષ્ણ કહેતા કે, “તમે હિન્દુ હો યા મુસલમાન, ખ્રિસ્તી હો યા શીખ, વૈષ્ણવ હો યા બ્રાહ્મસમાજી, તમને ગમે તે પંથને અનુસરો, અગત્યની છે તમારી ઉત્કંઠા. ઈશ્વર આપણા અંતરના પથદર્શક છે. તમે ખોટો માર્ગ પકડ્યો હોય તો પણ ચિંતા નથી – માત્ર એને માટે ઝંખના જોઈએ. એ પોતે જ તમને સત્ય રાહે મૂકી દેશે.”3

“ઈશ્વરની કૃપા સૌની ઉપર સરખી જ વરસતી હોય છે. પંડિત કે અભણ, એનાં જે બાળકો એને માટે ઝંખે છે તે સૌ માટે એ પરમપિતાને સરખા જ ભાવ છે, ધારો કે એક બાપને પાંચ બાળકો છે. એક એને ‘બાપા’ કહે છે, એક ‘બા…’ કહી બોલાવે છે ને એક તો માત્ર ‘પા’જ બોલી શકે છે. આ સૌથી નાનાં બાળકો આખો ‘બાપા’ શબ્દ જ બોલી શકતાં નથી તો શું ‘બાપા’ કહી બોલાવનાર બાળકોને ‘પા’ કહીને બોલાવનાર બાળક કરતાં બાપ જ્યારે વહાલ કરશે ? બાપ બરાબર સમજે છે કે એ નાનાંઓ ‘બાપા’ પૂરું બોલી ન શકે એવડાં છે.”4

કોઈ મનુષ્ય સાચે રાહે ચાલવા સમર્થ ન હોય એમ બને, તેમ છતાં, એ અડગ નિષ્ઠાવાળો હોય તો, ભગવાન એને સંભાળશે ને દોરશે ને એને પોતાને ધ્યેયે બરાબર પહોંચાડશે. આ છે શ્રીરામકૃષ્ણનો વિવિધ ધર્મો અંગેનો મત. શ્રીરામકૃષ્ણના આ બોધને આપણે ગંભીરતાથી અનુસરીએ તો જુદાજુદા ધર્મો વચ્ચેના મતભેદો દૂર કરી શકાય અને, બધાં કોમી ઘર્ષણો નિવારી શકાય. તો જ આપણે ખરા નમ્ર અને સહિષ્ણુ બની શકીએ અને જુદાજુદા રાહોને સાચા રાહ તરીકે સ્વીકારી શકીએ. આંતર નિરીક્ષણમાંથી જન્મેલી આવી નમ્રતા આપણા જીવનમાં અતિ અગત્યની છે.

ઈશ્વરના સાક્ષાત્કાર માટે આપણે માત્ર આધ્યાત્મિક જીવન સાથે એકરૂપ થવું જોઈએ અને બીજી સર્વ બાબતોને ગૌણ ગણવી જોઈએ. પરમાત્માને જ ધ્યેય માની એ તરફ વ્યવસ્થિત રીતે અને પદ્ધતિસર આપણી બધી શક્તિઓ કેન્દ્રિત કરવી જોઈએ. આ તીવ્રતા, આ એકાગ્રતા, પોતાના ધ્યેયમાં મનુષ્યની જીવંત શ્રદ્ધાથી ઊભી થાય છે અને તે આધ્યાત્મિકક્ષેત્રે પ્રગતિ માટે અતિ આવશ્યક છે. એક એકવિધ માર્ગે જ આધ્યાત્મિક સાધના કરવી એમ શ્રીરામકૃષ્ણે કદી કહ્યું નહતું. તેઓ કહેતા કે મનુષ્યસ્વભાવમાં અગણિત વૈવિધ્ય છે અને તેથી, સૌ ધ્યેયે પહોંચી શકે તે માટે માર્ગોનું વૈવિધ્ય હોવું પણ જરૂરનું છે. એક જ સાધનામાર્ગનો આગ્રહ રાખીશું તો મોટા ભાગના લોકો માટે આધ્યાત્મિક જીવન જેવું રહેશે નહીં. એ તદ્દન બેહૂદું છે ને તેમ કદીયે કરવું ન જોઈએ. પ્રભુએ વિશ્વનું સર્જન વિવિધ રીતે કર્યું છે ને તેમાં અસંખ્ય પ્રકારનાં રૂપો છે. એજ રીતે પરમ સત્યની પ્રાપ્તિ માટે પ્રભુએ વિવિધ માર્ગો સર્જ્યા છે તે એટલા માટે કે પોતાને યોગ્ય એવો માર્ગ દરેકને મળી રહે. પ્રત્યેક મનુષ્યને માટે આધ્યાત્મિક જીવન સહજ બને તેમ એઓ ઇચ્છતા અને પોતાની મરજી બીજા પર નહીં લાદવી એમ તેમણે શિષ્યોને શિખવાડ્યું.

એક વેળા, પોતે પૂરતી આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કર્યા પછી, તેની કસોટી કરવા માટે, તે શક્તિ પોતાના એક ગુરુભાઈમાં રેડવાનું સ્વામી વિવેકાનંદને મન થયું. એમણે તેમ કર્યું અને પરિણામે જે ગુરુભાઈમાં એ શક્તિનો સંચાર થયો તેમનામાં સંપૂર્ણ પરિવર્તન આવી ગયું. એ ગુરુબંધુ પહેલેથી દ્વૈતમાર્ગના ઉપાસક હતા, અર્થાત્ ઈશ્વરની સાથે પૂજક-પૂજ્ય ભાવે સંબંધ રાખતા હતા. પરંતુ સ્વામીજીએ એમનામાં શક્તિસંચાર કર્યો તેવા જ એ સમગ્ર વિશ્વની એકરૂપતાના અને પરમાત્મા સાથે આત્માની એકતાના ખ્યાલે રંગાઈ ગયા. શ્રીરામકૃષ્ણે સ્વામી વિવેકાનંદને પોતાની પાસે બોલાવીને કહ્યું : “આ શું ?… એના મનમાં તારા વલણને આરોપી તે કેટલું નુકસાન પહોંચ્યું છે તે તું જોતો નથી ? અત્યાર સુધી પોતે કેળવેલ માનસિક વલણ અનુસાર બરાબર પ્રગતિ કરી રહ્યો હતો ને હવે એનું નિકંદન નીકળી ગયું છે… થયું તે થયું. પણ ભવિષ્યમાં આમ અવિચારીપણે કદી ન વર્તતો. એ છોકરો તો નસીબદાર છે કે એને મોટું નુકસાન નથી થયું”5 આ બોધને સ્વામીજીએ જીવનભર યાદ રાખ્યો હતો. અને પોતાનાં વ્યાખ્યાનોમાં તે વિશે ઘણીવાર ભાર દેતા હતા.

શ્રીરામકૃષ્ણ સંપૂર્ણ ત્યાગને વરેલા હતા, ત્યાગને તેઓ આધ્યાત્મિક ખોજ કરનારાઓ માટે મૂડી માનતા હતા. ‘ત્યાગ વડે જ મનુષ્ય અમૃતતત્ત્વને પ્રાપ્ત કરે છે,’ એમ ઉપનિષદ્ કહે છે.”6 શ્રીરામકૃષ્ણ કહેતા : સાચા હૃદયપૂર્વકના ત્યાગ વિના કશું જ પ્રાપ્ત કરી શકાતું નથી, (ત્યાગ છાડા કિછુહોબેના) પરંતુ તે સાથે શ્રીરામકૃષ્ણ એમ પણ કહેતા કે બધા લોકો માટે ત્યાગનો અર્થ એક જ નથી. જે સાધુએ દુન્યવી જીવન છોડ્યું છે તે બાહ્ય રીતે તેમજ મનથી પણ ત્યાગ કરી શકે. કિંતુ, એક ગૃહસ્થ તેમ કરી શકે નહીં, અને એ માત્ર મનથી નિર્લેપતા રાખે તો તેને માટે એ પૂરતું છે. સામાન્ય વ્યવહારનું એ ભલે પાલન કરે અને પોતાના કુટુંબ તેમજ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી ભલે અદા કરે. પણ મનથી એ બધાથી પૂર્ણ પણે અલિપ્ત હોવો જોઈએ. ત્યાગનો અર્થ છે નિર્લેપતા. આમ ‘બહિર’ અને ‘આંતરિક’ ત્યાગનો ભેદ પાડીએ તયારે બંનેમાંથી એકૈયની અગત્ય ઓછી નથી થતી. સંન્યાસી માટે કેવળ આંતરિક ત્યાગ પૂરતો નથી. દુનિયાની સમક્ષ તેણે સંપૂર્ણ ત્યાગનો દાખલો બેસાડવાનો છે. એટલે એણે તો બાહ્ય તેમજ આંતરિક બંને પ્રકારનો ત્યાગ કરવો જ રહ્યો. ગૃહસ્થને બાહ્ય ત્યાગની જરૂર નથી, પણ એણે આંતરિક ત્યાગ કરવો જ રહ્યો. શ્રીરામકૃષ્ણનો આ એક બીજો અગત્યનો સંદેશ છે.

પ્રભુને પામવા માટે બધા લોકો સરખાઆતુર નથી, એમ શ્રીરામકૃષ્ણ જાણતા. માનવજાતને તેઓ ચાર વિભાગમાં વહેંચતા : સદા બંધનમાં જીવતા, એ બંધન તોડવાનો પ્રયત્ન કરતા, એ બંધનમાંથી મુક્તિ મેળવનારા અને એ બંધનમાં કદી ન ફસાઈ નિત્ય મુક્ત રહેનારા. આ વર્ગીકરણ સમજાવતાં તેઓ કહેતા :

“જાણે કે માછલાં પકડવા માટે તળાવમાં જાળ નાખી. કેટલીક માછલીઓ એટલી ચતુર છે કે તે કદી જાળમાં ફસાતી જ નથી. તે માછલી સદા-મુક્તના જેવી છે. પરંતુ મોટા ભાગની માછલીઓ જાળમાં ફસાઈ જાય છે. એમાંની કેટલીક મુક્ત થવા પ્રયત્ન કરે છે; તેઓ પેલા મુક્તિ ઝંખતા લોકો જેવી છે. પણ યત્ન કરતી બધી માછલીઓ સફળ થતી નથી. થોડીક જ જાળમાંથી ઠેકે છે ને પાણીમાં ધુબાકો કરે છે. તે સમયે માછીમાર બૂમ પાડી બોલી ઊઠે છે કે, ‘જુઓ, એક મોટી માછલી છટકી ગઈ.’ પણ જાળમાં પકડાયેલી મોટા ભાગની માછલીઓ છટકી શકતી નથી, કે નથી તે જાળમાંથી નીકળવાનો પ્રયત્ન કરતી. ઊલટું જાળની દોરી મોઢામાં પકડી એ સૌ કાદવમાં છબછબિયાં કરે છે ને વિચારે છે કે, આપણને કશો ભય નથી, અહીં આપણે સલામત છીએ ! એ બિચારીઓને ભાન નથી કે જાળની સાથે માછીમાર તેમને બહાર ખેંચી કાઢશે. સંસારનાં બંધનોથી બંધાયેલા મનુષ્યો જેવી તે છે.”7

ઘણા ખરા મનુષ્યો બંધનમાં પડેલા છે અને એ વાતનું તેમને ભાન પણ નથી હોતું. શ્રીરામકૃષ્ણને એક શિષ્યે પૂછ્યું : “મહાશય, આવા લોકો માટે ઉપાય જ નથી શું ?” શ્રી રામકૃષ્ણે ભારપૂર્વક ઉત્તર આપ્યો કે, “છે, જરૂર છે.” ત્યારબાદ બદ્ધ જીવો માટે મુક્તિના માર્ગો તેમણે બતાવ્યા.8 આ ઉપાય શું છે ? નામ સ્મરણ, સાધુ પુરુષોનો સંગ, નિરંતર ઈશ્વરચિંતન, અવારનવાર એકાંત સેવન. તમારી રોજિંદી ઘટમાળથી કોઈકવાર દૂર ચાલી જવું; સંસારમાં તો લોકો વહેવારમાં રચ્યાપચ્યા રહે છે. ઈશ્વરને એકાંતમાં સંભારવો. એ રીતે તમે સંસારને નિર્લેપભાવે જોતાં શીખશો અને પ્રભુ મિલનની ઇચ્છા તમારામાં પ્રગટશે. આમ, જે સંસારીઓ નિત્યબદ્ધ મનાય છે તેમને પણ શ્રીરામકૃષ્ણે આશાકિરણ આપ્યું છે.

કોઈ કલ્પી ન શકે એટલા મોટા આશાવાદી શ્રીરામકૃષ્ણ હતા. મનુષ્ય સદા માટે પતનની દશામાં જ રહે તેમ તે માનતા નહીં, બધાને માટે આશા છે; શ્રીરામકૃષ્ણ દરેકને માટે તે આશાની જ વાત કરતા અને કોઈનેયે ઉતારી પાડવા માટે તેમની પાસે શબ્દ જ ન હતો. મહાનમાં મહાન પાપીમાં પણ શ્રીરામકૃષ્ણ પરમેશ્વરની જીવંત હસ્તીનાં દર્શન કરતા. દરેક મનુષ્યમાં રહેલી દિવ્યતાની શક્યતાને અને સુષુપ્ત શક્તિને તેઓ પિછાણતા. માત્ર પાપી અને અજ્ઞાનને તેનું જ્ઞાન નથી. તમારા અંતિમ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે તમારામાં સંગોપિત શક્તિ છે, તમારી પાસે તે માટે શક્યતા છે, એનું જ્ઞાન થાય તે માટે આંતરિક સંઘર્ષની જરૂર છે. ધ્યેયનું આ ભાન તમે ગમે તે સ્થિતિમાં હશો, તમને તેનાથી સતત અસંતુષ્ટ જ કરશે, તે એટલી હદે કે તમે ધ્યેયે પહોંચશો નહીં ત્યાં સુધી શાંતિ પામશો નહીં. દરેકની મુક્તિની આશા શ્રીરામકૃષ્ણ રાખે છે. સનાતન નરકનું તો નામ જ એમની પાસે નથી, કારણ કે, પ્રત્યેક જીવમાં ઈશ્વર વસે છે. ઈશ્વર જેનામાં ન હોય તેવું એક પણ પ્રાણી હોઈ શકે નહીં; માત્ર તેનામાં, જાણે કે, ઈશ્વર છુપાઈ રહ્યો છે ને પ્રગટ થવાની વાટ જોઈ રહ્યો છે. પોતાનાં પાપનો વિચાર જરીય ન કરવો, પણ ઈશ્વરની દિવ્યતાનો અને એને કેમ પ્રાપ્ત કરી શકાય તેનો વિચાર કરવો અને આધ્યાત્મિક સંઘર્ષમાં અંતિમ જયમાં શ્રદ્ધા રાખવી એમ શ્રીરામકૃષ્ણ કહેતા. એવો કોઈ આત્મા નથી જેને માટે આશાનું કિરણ નથી, જેને માટે ઈશ્વર પ્રાપ્તિની શક્યતા નથી. મનુષ્યમાં આવી અગાધ શ્રદ્ધા શ્રીરામકૃષ્ણના સંદેશનું એક આગવું લક્ષણ છે. તેઓ તો નિત્ય શ્રદ્ધાના પયગંબર હતા. અસત્ ઉપર સતના અંતિમ વિજયના પયગમ્બર હતા. આજ તો શ્રીરામકૃષ્ણનો વિશિષ્ટ સંદેશ છે. ઠાકુરનો આ સંદેશ કોઈ એક સંપ્રદાય કે ધર્મ માટે નથી. જોવાને આંખ અને સાંભળવાને કાનવાળી પ્રત્યેક વ્યક્તિ માટે તે છે.

કોઈપણ સ્થળે કોઈપણ પરિસ્થિતિમાં તમે મૂકાયેલા હો, પરમતત્ત્વ તમારામાં ધબકી રહ્યું છે અને તમારા દ્વારા તે પ્રગટ થવા મથી રહ્યું છે, તે વિચારનો શ્રીરામકૃષ્ણે મોટો ફેલાવો કર્યો. તમે સૌ પ્રભુનાં બાળકો છો, એટલું જ નહીં, તમે સૌ ઈશ્વરનાં સત્ત્વરૂપ છો. માત્ર આત્માને ઢાંકતો અજ્ઞાનનો પડદો હટાવો અને અંદરનો જ્યોતિ પ્રકાશમાન થશે. શ્રીરામકૃષ્ણ કહેતા : ધારો કે એક હજાર વરસથી અંધારો એવો ઓરડો છે. એમાં જઈ દીવાસળી ઘસીને સળગાવવાથી એ અંધકાર દૂર થઈ જશે. એ અંધારુ તરત જ જાય છે, થોડું-થોડું કરીને જતું નથી, ભલેને એ હજાર વરસથી સંઘરાયેલું હોય. એવી રીતે એક માણસ ઘણાં વરસોથી પાપ કરતો આવ્યો હોય પણ એનો કંઈ વાંધો નહીં, એ તો કેવળ સ્વપ્ન છે; પોતે ઉદ્ધાર પામવાનો નથી તેવું સ્વપ્ન એ જોઈ રહ્યો છે. એ દુઃસ્વપ્નમાંથી એને જાગૃત કરવાનો છે. એને જરીક હલાવો, એનું સ્વપ્ન ઉડાડવામાં એને સહાય કરો એટલે એ જાગૃત થશે અને એને ભાન થશે કે પતનની દશાનો અનુભવ માત્ર સ્વપ્ન જ હતો, ને એ પોતે સદા મુક્ત છે.

શ્રીરામકૃષ્ણનો આ સંદેશ તમને આશા, ઉત્સાહ અને ખૂબ પ્રેરણા આપે છે એટલે પછી તમારી વર્તમાન સ્થિતિથી તમને સંતોષ થતો નથી. તમારામાં ‘દિવ્ય અસંતોષ’ જાગે છે અને તમે આગળ જવાની ઝંખના કરો છો, જ્યાં છો તે સ્થિતિથી કદી સતોષ માનીને બેસી ન રહો; આગળ ધપો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી થોભો નહીં, એમ શ્રીરામકૃષ્ણ કહે છે. આ સ્પષ્ટ કરવા તેઓ એક સુંદર દૃષ્ટાંત આપે છે :

“એક કાઠિયારો લાકડાં કાપવા એક જંગલમાં ગયો, એક બ્રહ્મચારીએ તેને કહ્યું, ‘આગળ વધો !’ આ સૂચનને તે અનુસર્યો ને તેણે સુખડનાં ઝાડ જોયાં. એનાં લાકડાથી વધારે પૈસા મળ્યા, થોડા દહાડા પછી એ હજી આગળ ગયો, તો એને સોનાની ખાણ લાધી, અને ફરીવાર એ આગળ ગયો તો હીરા અને માણેકની ખાણો એને મળી. એથી એ ખૂબ પૈસાદાર બની ગયો.”9

આધ્યાત્મિક પંથે જતાં આપણને કંઈ અનુભવ થાય તો સંતોષ પામી બેસો નહીં એમ આનું તાત્પર્ય છે. આધ્યાત્મિક જીવન અનેક શક્યતાઓથી ભરેલું છે. આપણે જેમ આગળ વધીશું તેમ આપણી અનુભૂતિ ઊંચા પ્રકારની હશે. અને જેટલી ચડિયાતી આપણી અનુભૂતિ તેટલી આપણા કોયડાઓનો ઉકેલ શોધવાની આપણી શક્તિ વધશે અને તેટલાં આપણા જીવનમાં સુખ અને શાંતિ વધશે. આપણા મૃત્યુ સુધી આ આધ્યાત્મિક ખોજ ચાલુ રહેવી જ જોઈએ. પરમાત્મામાં આપણી જાતને સંપૂર્ણપણે એકરૂપ કરી નાખીએ અને વ્યક્તિ મટી જઈએ અને બધી મર્યાદાઓથી મુક્ત થઈએ ત્યારે જ, જીવનનું ધ્યેય પ્રાપ્ત કર્યાનો દાવો આપણે કરી શકીએ, જે બ્રહ્મ સર્વનિરપેક્ષ છે તે પરમ સત્યને આપણે પામવાનું છે; એનાં વિના કશાનું જ અસ્તિત્વ નથી અને ગીતાના કહેવા પ્રમાણે “જેના પાર કશું જ પામવાનું નથી.”10

આપણી ખોજના વેગને ધીમો પાડ્યા વિના, કોઈ પણ સંજોગોથી ગભરાયા વિના આપણે અવિરતપણે જેની પાછળ દોડવાનું છે, આપણું અંતિમ ધ્યેય આ છે. એ સ્થિતિ ગમે તેવી હોય, આખરી અનુભવ શબ્દોથી પર છે. એ એટલો ગહન અને બુદ્ધિથી પર છે કે એને શબ્દોથી વર્ણવી, સમજાવી શકાય નહીં. વાસ્તવિક રીતે તો એ કોઈને કહેવાપણું જ રહેતું નથી, કેમકે, એ સ્થિતિમાં બીજા લોકોનું નિરાળું અસ્તિત્વ જ રહેતું નથી. તમે જ સમગ્ર વિશ્વ અને પરમ તત્ત્વનો એક માત્ર પ્રગટ આવિષ્કાર બની જાઓ છો. આપણે આ ધ્યેયને પ્રાપ્ત કરવાનું છે. આ ધ્યેયપ્રાપ્તિને લોકો જુદીજુદી રીતે અનુભવે, તેથી મૂંઝાઈ ન જતા. અનુભૂતિ પામનાર મન જુદાંજુદાં હોઈ અનુભૂતિના આ જુદાજુદા પ્રકારો છે એમ સમજો. પણ અંતે તો એ બધા અનુભવો તમને અંતિમ ધ્યેય ભણી દોરવા માટેના છે. એમ સમજજો; એ અંતિમ ધ્યેય છે, અનંત અને નિર્વકલ્પ સત્ ચિત્ આનંદને માપવાનું. એ અંતિમ ધ્યેયને વર્ણવવા માટે શાસ્ત્રોમાં આથી વિશેષ કશો પ્રયત્ન કરી શકાયો નથી. શ્રીરામકૃષ્ણ કહેતા કે જગતના તમામ પદાર્થો મુખ વડે અભડાવાયા છે, એંઠા થયેલા છે, માત્ર બ્રહ્મ અનુચ્છિષ્ટ છે. લોકો જે જ્ઞાનનો અહંકાર ધારણ કરે છે તે ખરી રીતે તો જુદાજુદા પ્રકારનું અજ્ઞાન છે, કારણ કે અંતિમ સત્યને એ આંબી શકતું નથી. તમારી અને પરમ સત્યની વચ્ચેના બધા ભેદ દૂર કરે તે જ સાચું જ્ઞાન. ચિત્તની સંપૂર્ણ શુદ્ધિ દ્વારા તેને પ્રાપ્ત કરી શકાય.

હું શ્રીરામકૃષ્ણને પ્રાર્થું છું કે એમની કૃપા દ્વારા આપણે સૌ એક જ ધ્યેય પ્રતિ આગળ વધીએ, જુદાજુદા પંથે જનારાઓ પ્રત્યે સન્માન દર્શાવીએ અને ઈશ્વરથી વિમુખ હોય તેમના પ્રત્યે ભલી લાગણી રાખીએ, તેમ જ તેમનાં દુન્યવી સ્વપ્નો દૂર કરવા સહાયરૂપ થવાની આપણી ફરજ સમજીએ.

સંદર્ભ ગ્રંથ :

  1. ॥ યથોદકં શુદ્ધે શુધ્દ્દમાસિકતં તાદ્દગેવ ભવતિ ॥

॥ એવં મુનેર્વિજાનત આત્મા ભવતિ ગૌતમ ॥ (કઠોપનિષદ 4-14)

  1. જુઓ ‘લાઈફ ઑફ સ્વામી વિવેકાનંદ’, સુધારેલી આવૃત્તિ (કલકત્તા : અદ્વૈત આશ્રમ, 1979) ભાગ 1, પૃ. 162. 3. ‘ધ ગોસ્પેલ ઑફ શ્રીરામકૃષ્ણ’ (ન્યુયૉર્ક : રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, 1942), પૃ. 673. 4. એજન : પૃ. 407. 5. ‘લાઈફ ઑફ સ્વામી વિવેકાનંદ’ ભા. 1, પૃ. 167. 6. ત્યાગેનૈકે અમૃતત્વમાનશુઃ (મહાનારાયણોપનિષદ 12-14)
  2. ‘ધ ગોસ્પેલ’ : પૃ. 86-87. 8. ‘એજન’ પૃ. 87. 9. ‘એજન’ પૃ. 109.
  3. યં લબ્ધ્વા ચાપરં લાભં મન્યતે નાધિકંતતઃ (ભગવદ્ગીતા : 6-22)
Total Views: 752

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.