1. ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના હેતુઓ અને ધ્યેય

શ્રીરામકૃષ્ણદેવને ભક્તિભાવપૂર્વક પ્રણામ કરીને તેમનાં શ્રીચરણોમાં સમર્પિત થવાની ભાવનાથી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ પોતાની યાત્રા આરંભી રહ્યું છે. તેમની જ કૃપા અને પ્રેરણાથી એનું પ્રકાશન શક્ય બન્યું છે.

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નું ધ્યેય સંક્ષેપમાં રજૂ કરવું આવશ્યક છે. એનું ધ્યેય, શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદનાં જીવન અને એમના ઉપદેશોના પ્રકાશમાં, સાર્વજનીક ધર્મ અને ભારતીય સંસ્કૃતિના શાશ્વત વિચારો, આદર્શો અને મૂલ્યોની ચર્ચા કરવાનું અને એ બધાંનો પ્રચાર કરવાનું છે. અને એનો હેતુ નાતજાતના કશાય ભેદભાવ વગર બધા લોકોનાં વ્યક્તિગત તેમજ રાષ્ટ્રીય જીવનને વધારે ઉદાત્ત, વધારે સુખી અને વધારે અધ્યાત્મનિષ્ઠ બનાવવામાં સહાય કરવાનો છે.

ધર્મ અને સંસ્કૃતિનાં આ શાશ્વત સત્યો, મૂલ્યો અને આદર્શોનો અર્થ અમે કેવળ આ આદર્શોનું ‘‘સૈદ્ધાંતિક કે ભાવાત્મક વિશ્લેષણ જ’’ કરતા નથી. હા, આમાં સૈદ્ધાંતિક ચર્ચા હશે પણ ખરી. પરંતુ ભાર તો એવી ચર્ચા ઉપર મૂક્યો છે કે, આ આદર્શોના અને સિદ્ધાંતોના પ્રકાશમાં આપણું રોજબરોજનું આધ્યાત્મિક જીવન તેમજ આપણા રાષ્ટ્રિય જીવનનાં અને સંસ્કૃતિનાં શિક્ષણ, સાહિત્ય, સમાજ કલ્યાણ વગેરે જેવાં બીજાં પાસાંઓની સુધારણા અને એનું ઘડતર, ચણતર કેવી રીતે થઈ શકે ? આ રીતે પરિષ્કૃત થયેલાં અને ઘડાયેલાં તે બધાં માનવજાતમાં નિગૂઢ રહેલા એ દિવ્ય ગુણોનો આવિષ્કાર કરવામાં લોકોને આગળ વધવા માટે સહાય કરશે.

  1. શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદના વિચારો અને આદર્શોની વર્તમાનકાળમાં આવશ્યકતા

શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદના વિચારોના પ્રકાશમાં ધાર્મિક અને સાંસ્કૃતિક સમૃદ્ધિની રજુઆતની આજના સમાજની આવશ્યકતા વિશે વધુ ભારપૂર્વક કશું કહેવાની જરૂર નથી. એ વિચારોએ ભારતના નવજાગરણની દીક્ષા આપવામાં તેમજ સમગ્ર વિશ્વની માનવીય વિચારસરણીમાં એક અભિનવ દૃષ્ટિકોણ, એક નવું દૃષ્ટિબિંદુ આપવામાં ઘણો જ અગત્યનો ફાળો આપ્યો જ છે. સને 1962માં શ્રી સી. રાજગોપાલચારીએ લખ્યું છે : ‘‘સ્વામી વિવેકાનંદે હિન્દુ ધર્મ બચાવ્યો છે, એમણે ભારતને પણ બચાવ્યું છે. તેમના વગર આપણે ધર્મ ખોઈ બેઠા હોત અને આપણને સ્વાતંત્ર્ય પણ મળ્યું ન હોત. એટલા માટે આપણે શ્રી સ્વામી વિવેકાનંદના સર્વાંશે ઋણી છીએ. તેમની શ્રદ્ધા, તેમનાં ઉત્સાહ અને હિંમત અને તેમનું શાણપણ હંમેશાં આપણને પ્રેરણા આપતાં રહો કે જેથી તેમની પાસેથી આપણને સાંપડેલા ખજાનાને આપણે જાળવી શકીએ.’’1 શ્રી આર્નોલ્ડ ટૉયમ્બીએ લખ્યું છે : ‘‘સમ્રાટ અશોક અને મહાત્મા ગાંધીના અહિંસાનો સિદ્ધાંત અને શ્રીરામકૃષ્ણનો સર્વધર્મસમન્વય – આમાં આપણને એવું વલણ અને એવું શીલ જણાય છે કે જે માનવજાતિ માટે એક સાથે કુટુંબ જેમ રહીને વિકાસ સાધવાનું શક્ય બનાવી શકે. અને આ પરમાણુયુગમાં આપણને વિનાશમાંથી ઉગારવાનો એકમાત્ર ઉપાય છે.’’2 કેવળ આ બે મહાન વિચારકો જ નહિ, પણ આખી દુનિયાના અસંખ્ય બુદ્ધિપ્રધાન લોકોને લાગે છે કે, વર્તમાનયુગના માનવ અને સમાજની ભાતભાતની સમસ્યાઓ અને મુંઝવણોને ઉકેલવા માટે એ વિચારોની ભૂતકાળમાં જેટલી જરૂર હતી, એના કરતાં ઘણી વધારે જરૂર અને તરતની જરૂર વર્તમાન યુગમાં છે.

આધુનિક માનવ અને એના સમાજની સમસ્યાઓના મૂળમાં છેવટે તો માનવનો જીવન પ્રત્યે ભૌતિકવાદી દૃષ્ટિકોણ રહેલો છે. એ માનવને ફક્ત શરીર-મનના સંયોજનરૂપ જ લેખે છે. શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદની વિચારસરણી આ સમસ્યાઓના એ મૂળમાં જ ઘા કરે છે. જીવનના આધ્યાત્મિક દૃષ્ટિકોણને ઉપદેશીને, એને સાબિત કરીને, એના ઉપર ભાર મૂકીને એ જોરદાર પ્રતિપાદન કરે છે કે માનવ કેવળ શરીર-મનના સંયોજન કરતાં ઘણો-ઘણો વધારે છે, એ ‘‘અમર આત્મા’’ છે, એ ‘‘અનંત કલ્યાણમય’’ છે, અને વળી કહે છે કે માનવ જીવનનું એકમાત્ર ધ્યેય, આપણા સૌના જીવનમાં રહેલા આત્મગુણોને આપણા વિચારો અને કાર્યો દ્વારા એકત્ર કરીને પ્રગટ કરવા એ છે.

  1. રામકૃષ્ણ-વિવેકાનંદના વિચારો અને આદર્શો સાથે ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિનો સંબંધ

તદુપરાંત, શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદની વિચારસરણી કંઈ ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિ અને પરંપરાથી સાવ વેગળી કે અસમ્બદ્ધ એવી કોઈ વસ્તુ નથી. શ્રીરામકૃષ્ણ તો સર્વધર્મસમન્વયના પયગમ્બર હતા. તેમણે હિન્દુધર્મ, ઇસ્લામ અને ખ્રિસ્તીધર્મને સન્માનપૂર્વક સ્વીકારીને તે સર્વની ખંતથી સાધના કરી હતી. આ બધાં દ્વારા એક જ ઈશ્વરની અનુભૂતિ થવાથી તેમણે આ બધા ધર્મોનું એક નક્કર પાયા પર પુનઃસ્થાપન કર્યું. તેઓ સૌને પોતામાં સમાવે છે, કોઈને અવગણતા નથી. તેમના સુયોગ્ય શિષ્ય સ્વામી વિવેકાનંદે પણ આ જ કર્યું છે. ખરી રીતે, તેમનાં ઉપદેશો અને કથનો, સાચા અને પૂરા હૃદયથી, ભારતના આધ્યાત્મિક વારસામાં જે કંઈ સર્વશ્રેષ્ઠ છે એને, તેમજ ખ્રિસ્તીધર્મ અને ઇસ્લામ જેવા બીજા ધર્મોમાં જે કંઈ સર્વ શ્રેષ્ઠ તત્ત્વો છે, તેને સ્વીકારે છે. સ્વામી વિવેકાનંદે એ સાચું જ કહ્યું છે કે, ‘‘પ્રથમ શ્રીરામકૃષ્ણના જીવનનો અભ્યાસ કર્યા સિવાય, વેદ, વેદાન્ત, ભાગવત્ અને બીજા પુસ્તકોનું રહસ્ય કદી સમજાશે નહિ. તેમનું જીવન ભારતીય ધર્મ વિચારના સમગ્ર સમૂહ ઉપર ફેંકેલા અનંત શક્તિવાળા પ્રચંડ પ્રકાશ જેવું છે. તેમનું જીવન વેદો અને તેમના લક્ષ્ય ઉપર એક ભાષ્યરૂપ હતું. તેઓ એક જ જિંદગીમાં ભારતના રાષ્ટ્રીય, ધાર્મિક જીવનનો સમગ્ર યુગ જીવી ગયા.3 શ્રીરામકૃષ્ણની ધ્યાન સમાધિમાં સાધનાનાં વિવિધ ઝરણાંનું મિશ્રણ ટાગોરે નિહાળ્યું હતું.4 ફ્રાન્સના સંત રોમાં રોલાંએ સને 1929માં લખ્યું કે, ‘‘શ્રીરામકૃષ્ણ ભારતના ત્રીસ કરોડ લોકોનાં આધ્યાત્મિક જીવનના બે હજાર વરસોની નિષ્પત્તિ હતા.’’5 એટલે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદના વિચારોનો ઉપદેશ કરવાનો પ્રયત્ન કરીને આપણે વેદો, ઉપનિષદો, ગીતા અને વિશ્વના અન્ય ધર્મગ્રંથોનો જ ઉપદેશ, શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદના પ્રકાશમાં કરતા હોઈશું, એની જ સમજૂતી પામતા હોઈશું, એનો જ આસ્વાદ માણતા હોઈશું અને વેદોના જ વિચારો અને આદર્શોને ઝીલતા હોઈશું. રામકૃષ્ણ-વિવેકાનંદના વિચારોનું ધ્યેય એ છે કે હિન્દુ વધારે સારો હિન્દુ બને, મુસ્લિમ વધારે સારો મુસ્લિમ બને, ખ્રિસ્તી વધારે સારો ખ્રિસ્તી બને. એ આપણને આપણા પોતાના ધર્મમાં વિશિષ્ટ પ્રેમને ઢીલો પડવા દીધા વિના પણ બધા જ ધર્મો પ્રત્યે આપણા મનમાં સન્માન અને શ્રદ્ધા વધારે છે.

  1. શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના ઉપદેશોનું એકત્વ : સ્વામી વિવેકાનંદ, શ્રીરામકૃષ્ણના જીવન અને ઉપદેશના વ્યાખ્યાતા

શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના વિચારો અભિન્ન છે. તે એક જ સિક્કાની અવળી-સવળી બાજુ જેવા જ છે. સ્વામી વિવેકાનંદે જે કંઈ ઉપદેશ્યું છે, તે શ્રીરામકૃષ્ણના વિચારોના વિસ્તૃત વિસ્તીર્ણ બુદ્ધિગમ્ય વિવરણ સિવાય બીજું કશું નથી. સને 1900માં તેમણે પોતે અમેરિકામાં કહ્યું હતું, ‘‘…હું જે-જે વિચારોનો પ્રચાર કરું છું તે-તે બધા માત્ર તેમના વિચારોનો પડઘો પાડવાનો જ પ્રચાર પ્રયાસ છે. મારે મોંએથી નીકળેલો સારો અને સાચો એકેએક શબ્દ માત્ર તેમના શબ્દોનો પડઘો પાડવાનો એક નમ્ર પ્રયાસ છે.’’6 એમ કહેવાય છે કે, શ્રીરામકૃષ્ણ સ્વયં વેદો જેવા હતા અને સ્વામી વિવેકાનંદ તે વેદ ઉપરનું ભાષ્ય હતા. એટલા માટે જ પ્રસ્તુત સામયિકનું નામ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ રાખવામાં આવ્યું છે, એને ‘શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ જ્યોત’ કહેવાની જરૂર નથી. સ્વામી વિવેકાનંદનો પ્રકાશ, એ સ્વામી વિવેકાનંદના આધુનિક અને વૈદુષ્યપૂર્ણ મસ્તિષ્ક દ્વારા આવતા શ્રીરામકૃષ્ણના જ પ્રકાશ સિવાય બીજું કશું જ નથી.

અમે કહ્યું કે સ્વામી વિવેકાનંદ, શ્રીરામકૃષ્ણ ઉપરનું ભાષ્ય છે. એવી જ રીતે શ્રીશ્રીશારદામણિદેવી અને શ્રીરામકૃષ્ણના સાક્ષાત્ શિષ્યોનાં જીવન અને ઉપદેશો પણ શ્રીરામકૃષ્ણ ઉપરનાં ભાષ્યો કે ટીકાઓ કે ટિપ્પણો છે, એમ કહી શકાય. એ બધાં આપણને શ્રીરામકૃષ્ણના વિચારોના ઊંડાણ સુધી લઈ જવામાં સહાયભૂત નિવડે છે. આથી જેટલું શક્ય હશે તેટલું અમે એ સૌનાં જીવન અને ઉપદેશોની ચર્ચા પણ કરીશું. એટલું જ નહિ, પણ શ્રીરામકૃષ્ણ વિવેકાનંદના સમુદાર ચિત્તને ધ્યાનમાં રાખીને અમારી શક્તિની મર્યાદામાં રહીને બધા જ ધર્મો અને તેમના સંતોની મહત્તા અને યશોવાદ પણ માણીશું.

  1. ‘ઉદ્દબોધન’ પત્રિકા માટે સ્વામી વિવેકાનંદે દર્શાવેલા હેતુઓ

સ્વામી વિવેકાનંદનું જીવન અને તેમના પત્રો વાંચનારાઓ જાણે છે કે દેશનાં સર્વાંગીણ પુનર્નિર્માણ માટે જે વિચારોને તેમણે અત્યંત આવશ્યક માન્યા હતા, તેના પ્રચાર માટે અંગ્રેજી અને ભારતની અન્ય ભાષાઓમાં સામયિકો પ્રકાશિત કરવા માટે તેઓ આતુર હતા. તેમની પ્રેરણા અને તેમના જ ઉપક્રમે પ્રકાશિત થયેલાં બે માસિક પત્રો, અંગ્રેજીમાં ‘પ્રબુદ્ધ ભારત’ અને બંગાળીમાં ‘ઉદ્દબોધન’, અત્યારે અનુક્રમે 93માં અને 90માં વર્ષમાં ચાલી રહ્યાં છે. ત્યારથી માંડીને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન, ભારતની કેટલીક અન્ય ભાષાઓ જેવી કે હિન્દી, મરાઠી, તામિલ, તેલુગુ અને મલયાલમમાં કેટલાંક સામયિકો પ્રકાશિત કરતું રહ્યું છે. અત્યાર સુધી શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશનનું ગુજરાતી ભાષામાં કોઈ નિયમિત સામયિક ન હતું. એથી ઘણા વખતની આ આવશ્યકતાને પહોંચી વળવા માટે આ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નું પ્રકાશન થઈ રહ્યું છે.

સ્વામી વિવેકાનંદના કહેવા પ્રમાણે ભારતનું સંપૂર્ણ અને સર્વાંગીય પુનર્નિર્માણ કંઈ કેવળ ભૂતકાળને જ પૂરેપૂરો પાછો લાવવાથી નહિ થાય, તેમજ એ કંઈ આધુનિક પાશ્ચાત્ય સંસ્કૃતિને અહીં ઘુસાડીને એની નકલ કરવાથી પણ નહિ બને. એ તો એ બંને સંસ્કૃતિઓનાં સારાં તત્ત્વોના સંયોજનથી અને બંનેમાં રહેલાં ખરાબ તત્ત્વોને દૂર કરવાથી જ બનશે. તેમણે કહ્યું છે : ‘‘પોતાના ગ્રંથોમાં વર્ણવાયેલું, પોતાના અભ્યાસમાં આવેલું કે પોતાનાં સ્વપ્નોમાં જોયેલું ભારત ફરી જોવાની ઇચ્છા તો કોઈને પણ હોઈ શકે પરંતુ મારી આશા તો આ યુગનાં બલિષ્ઠ તત્ત્વોથી વધારે બળવાન બન્યાં હોય, તેવા પ્રાચીન ભારતનાં બલિષ્ઠ તત્ત્વોને નિહાળવાની છે. માત્ર કુદરતી રીતે જ નવી પરિસ્થિતિએ અંદરથી જ થયેલો વિકાસ હોવો જોઈએ.’’ બંગાળી સામયિક ‘ઉદ્દબોધન’ શરૂ કરતાં, સ્વામી વિવેકાનંદે તેમના પહેલા બે લેખમાં એ પત્રના ધ્યેય અને હેતુઓની સ્પષ્ટતા કરી છે. તેમની પ્રેરણાથી શરૂ થયેલાં સર્વે સામયિકોને પણ છેવટે આ જ ઉદ્દેશો અને હેતુઓ લાગુ પાડી શકાય. અહીં સ્વામીજી કહે છે કે ભારતમાં બીજા ગુણનો (કાર્યક્ષમતા અને કાર્યકુશળતાનો) લગભગ સદંતર અભાવ પ્રવર્તે છે. અને એજ રીતે પશ્ચિમના દેશોમાં સત્ત્વગુણનો (શાંતિ, શાણપણ, પવિત્રતાનો) લગભગ તદ્દન અભાવ પ્રવર્તે છે. તેમના અભિપ્રાય પ્રમાણે પશ્ચિમનું સાચું કલ્યાણ, તે ભારત પાસેથી આ સત્ત્વગુણ, આ ઉચ્ચતમ ગુણકક્ષા પોતાના અન્તર્નિહિત કરી દે, એના ઉપર આધાર રાખે છે. અને એજ રીતે ભારતનું સાચું કલ્યાણ પણ વર્તમાન કાળમાં આપણા અને સમાજના જીવનને છિન્નભિન્ન કરી મૂકતા આપણામાં પ્રવર્તી રહેલા તમોગુણ (પ્રમાદ અને જડતા વગેરે) ઉપર પશ્ચિમી સંસ્કૃતિ અને એની જીવન પદ્ધતિ પાસેથી લીધેલા વિરુદ્ધ દિશાની ભરતી જેવા રજોગુણની મદદથી પ્રભુતા મેળવવામાં રહેલું છે. પણ આ બાબતમાં આપણને ચેતવતાં સ્વામીજીએ કહ્યું છે કે આ બધું ખૂબ કાળજીથી અને સમજણથી કરવું જોઈએ. કારણ કે આ રજસ તત્ત્વનો અંત:પ્રવેશ આપણને પૂરેપૂરા ભૌતિકવાદી અને આપણા આધ્યાત્મિક ગુણોને સદંતર ભૂલવનારો તેમ જ એની ભારે ઉપેક્ષા કરાવનારો બની શકે છે. એટલા માટે તેમણે કહ્યું કે અત્યારે આપણે સંસ્કૃતિમાં સુષુપ્ત રીતે પડી રહેલા સાત્ત્વિક વિચારોને જગાડવા અને જાળવી રાખવા માટે આપણે સાવધાન રહેવું જોઈએ.

પરંતુ પ્રાચીન કે અર્વાચીનમાંથી ભારત કે પશ્ચિમી સંસ્કૃતિમાંથી શ્રેષ્ઠ તત્ત્વોને શોધી કાઢવાં એ કંઈ સહેલી વાત નથી. સ્વામી વિવેકાનંદ, પોતાનાં જીવન, ભાષણો, લેખો વગેરે દ્વારા ભારત અને આધુનિક સંસ્કૃતિનાં શ્રેષ્ઠ તત્ત્વોના એક જીવંત સંઘટિત સમૂહ સરખા હતા. એટલા માટે રવીન્દ્રનાથ ટાગોરે રોમાંરોલાંને કહ્યું હતું કે, ‘‘જો તમારે ભારતને સમજવો હોય, તો વિવેકાનંદનું પરિશીલન કરો.’’9 જો આપણે પ્રાચીન અને અર્વાચીન કાળનાં ભારત અને પશ્ચિમનાં શ્રેષ્ઠ તત્ત્વોને શોધવા માગતા હોઈએ તો સ્વામી વિવેકાનંદની અંતઃસ્ફુરણા બુદ્ધિ પ્રતિભામાંથી પ્રસ્ફુટિત જ્ઞાન પ્રકાશની સહાયતા લઈને જ ચાલવું આપણે માટે ડહાપણભર્યું ગણાશે. પરંતુ, અમે પહેલાં બતાવી જ ચૂક્યા છીએ કે જેમ-જેમ આપણે આ વિષયમાં ઊંડા ઊતરતા જઈશું, તેમ-તેમ આપણે જાણી શકીશું કે સ્વામીજીના વિચારો અને સ્વામીજીનું જ્ઞાન કેવળ શ્રીરામકૃષ્ણના વિચારોની બુદ્ધિગમ્ય અને વિસ્તીર્ણ વ્યાખ્યા સિવાય બીજું કશું નથી. આથી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’, શ્રીરામકૃષ્ણ વિવેકાનંદના જીવન અને ઉપદેશોની મદદથી પૂર્વ અને પશ્ચિમની પ્રાચીન અને અર્વાચીન સંસ્કૃતિ અને ધર્મના શાશ્વત વિચારો, મૂલ્યો અને સિદ્ધાંતોની ચર્ચા કરવાનો પ્રયત્ન કરશે.

  1. ઉપસંહાર :

આ કાર્ય નિ:શંક રીતે કઠિન અને મુશ્કેલી ભર્યું છે. છતાં દિવ્યતાના હાથના સાધનો એવા આપણે આપણાથી બની શકે તેટલો વધારે પ્રયત્ન કરીએ. ‘‘કર્મમાં જ આપણે તો અધિકાર છે, ફળ આપવું તો હરિના હાથની વાત છે.’’ આ સંકલ્પિત કાર્ય માટે પોતાના આશીર્વાદો મોકલવાની કૃપા કરવા બદલ શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશનના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજના અમે ઋણી છીએ. અમે નમ્રતાપૂર્વક આ માટે સર્વ સંતોના આશીર્વાદો વાંછીએ છીએ; અમારા સૌ લેખકો, વાચકો, મિત્રો અને શુભેચ્છકો તેમજ માનવપ્રેમીઓ અને માનવ કલ્યાણની કામના કરનારા સૌની સહાય અને સહકાર પણ ઇચ્છીએ છીએ.

સાથોસાથ અમે પ્રાર્થના કરીએ છીએ, કરતા જ રહીશું કે, ‘‘ઓ અમર આત્મા, તું અમને આધ્યાત્મિક બનાવ; ઓ અમર શક્તિ, તું અમને શક્તિશાળી બનાવ; ઓ બલિષ્ઠ ! તું અમને બલિષ્ઠ બનાવ.’’

સંદર્ભ ગ્રંથ :

  1. World thinkers on Ramakrishna – Vivekananda : Edited by Swami Lokeswarananda (1983) page 24
  2. Ibid, pg. 11
  3. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ભાષણો અને લેખો ભાગ 12, પૃષ્ઠ 44-45
  4. World thinkers on Ramakrishna Vivekananda page 10
  5. The Life of Ramakrishna by Romain Rolland (1985) page 13
  6. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ 8, પૃષ્ઠ 237
  7. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ 7, પૃષ્ઠ 221
  8. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ 6, પૃષ્ઠ 202-208
  9. Word thinkers on Ramakrishna-Vivekananda page 34
Total Views: 752

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.