10 મે આચાર્ય શંકરની જન્મતિથિ પ્રસંગે

[શ્રીમત સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા. પ્રસ્તુત લેખ “વિવેક શિખા” મે-’86ના અંકમાં પ્રકાશિત થયો હતો. તેનું ગુજરાતી ભાષાંતર અહીં આપવામાં આવે છે. – અનુવાદક : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી, – સં.]

બધા પ્રકારની નૈતિકતાના બૌદ્ધિક અને આધ્યાત્મિક ઔચિત્યપ્રતિપાદન (rational and spiritual justification) માટે સ્વામીજીએ (સ્વામી વિવેકાનંદે) આચાર્ય શંકરના અદ્વૈત-વેદાંત દર્શનનો જ સાથ લીધો છે. અલબત્ત, કેટલેક ઠેકાણે એમણે શ્રીરામકૃષ્ણ પાસેથી મેળવેલ જ્ઞાનપ્રકાશમાં એનું વિવેચન પોતાની આગવી રીતે કર્યું છે ખરું. ‘સંસારની હસ્તીનો અસ્વીકાર કરતું આ દર્શન, માનવતાની સેવા માટે પ્રેરક શક્તિ વળી કેવી રીતે આપી શકે ? એવા આલોચકોના આ પ્રશ્નના ઉત્તરમાં સ્વામીજીએ કહ્યું કે, આ દર્શનની ઘણી અભાવાત્મક વ્યાખ્યા (Negative interpretation) કરવામાં આવી છે. એથી એના કેટલાય અનુયાયીઓની માન્યતા એવી બંધાઈ ગઈ કે, જગત એક સ્વપ્ન છે, આ જગતની હસ્તી જ નથી અને એથી એનો ત્યાગ – ખાસ કરીને બધાં કર્મોનો ત્યાગ જ મોક્ષપ્રાપ્તિનો એક માત્ર નિશ્ચિત માર્ગ (Surest way) છે. સ્વામીજીના મત પ્રમાણે બૌદ્ધધર્મ પોતાની પડતી અને વેરવિખેર થઈ જવાના સમયે આ અત્યન્ત અભાવાત્મક વિચાર (Negative attitude)માં કંઈ ઓછો ફાળો નથી આપ્યો. જો કે સ્વામીજીને ભગવાન બુદ્ધ પ્રત્યે અગાધ શ્રદ્ધા હતી; પરંતુ તેમના વિચારોની વિકૃત વ્યાખ્યાઓ તરફ તેમને કોઈપણ જાતનો પ્રેમ ન હતો. તેમના મત પ્રમાણે બુદ્ધ પોતાના ભીતરી રૂપે વેદાંતી હતા. ભલે એમણે ઈશ્વર અને આત્મા વિશે ભાવાત્મક વક્તવ્યો (Positive statements) કરવામાંથી પોતાને અળગા રાખ્યા હોય. યથાર્થ આચરણ (Actual practice) ઉપર જ ભાર મૂકવા માટે ખોખલી આધ્યાત્મિક તર્કજાળો (empty spiritual speculation)ને એમણે હંમેશાં છોડી દીધી છે. આ બધું કંઈ એમ નથી બતાવતું કે તેઓ શૂન્યવાદી (Nihilist) હતા. પણ પછીના કાળના બૌદ્ધોએ તેમને આવા જ રૂપમાં રજૂ કર્યા અને એના પ્રમાણરૂપે આંટીઘૂંટીવાળાં તર્કનાં જાળાં ઊભાં કરી દીધાં. શંકર પછીના વેદાંતીઓને તાત્ત્વિક અને તાર્કિક ભૂમિકા (Metaphysical and Logical grounds) પર પોતાના વિરોધીઓનો સામનો કરવા માટે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓ સામે ટક્કર લેવી પડી અને સરળતાથી વિજય મેળવવા માટે તેમણે એના અભાવાત્મક દર્શન (Negative philosophy)ને ચેતનાશુન્યરૂપે સ્વીકારી લીધું. આથી પતન ભણી ઘસડાતા જતા બૌદ્ધધર્મે કેવળ ભારતીય ધાર્મિક આચાર-વિચારમાં જ પરિવર્તન ન કર્યું પણ એના અભાવાત્મક દર્શને તો પહેલાંના નિરાશાવાદી દૃષ્ટિકોણને ય બહેકાવી મૂક્યો. એનાથી શેખીખોરી અને કર્મહીનતા (Talk talk and no action)ને પણ વેગ મળ્યો.

પરંતુ શંકર પોતે તો નહોતા શૂન્યવાદી કે નહોતા પલાયનવાદી. જો કોઈને આ બાબતમાં શંકા હોય તો એણે તેમના જીવન તરફ નજર નોંધવી જોઈએ. કારણ કે તેમના દર્શનને તેમનાં કાર્યોથી અલગ કરી શકાય નહિ. એક અદ્વૈત-અનુભૂતિ સંપન્ન મહાપુરુષ હોવા છતાંય તેમણે આખાય ભારતવર્ષમાં ભ્રમણ કરીને મઠો અને મંદિરો સ્થાપ્યાં, વેદો અને સનાતન ધર્મની રક્ષા કાજે વિવિધ સંન્યાસી-સંપ્રદાયો ચલાવ્યા અને વિકૃત વિચારો અને ભ્રમમૂલક દાર્શનિક સિદ્ધાંતોને ઉખેડી નાખીને હિન્દુધર્મને સુધાર્યો. બીજાનું કલ્યાણ કરવાના વ્રતધારી તેઓ તો એક મહાન કર્મઠ પુરુષ હતા અને સાથોસાથ ભક્ત પણ હતા. એમણે જુદાંજુદાં દેવી-દેવતાઓનાં સ્તોત્રો રચ્યાં, એનું એ જ કારણ છે. આ બધાં કાર્યો કોઈપણ રીતે સંસારનો નિષેધ (Denial of the world) સાબિત કરતાં નથી. શંકરે ફક્ત જે સત્યનું વિવેચન કર્યું, તે એ છે કે નિર્વિકલ્પ સમાધિની ઉચ્ચ અવસ્થામાં દ્વૈતનું અસ્તિત્વ રહેતું નથી, પણ તે સ્થિતિમાં બધા તર્કવિતર્કો શમી જાય છે. ફક્ત સાપેક્ષ સ્તર (Relative plane) પર જ દ્વૈતધારણાઓ (Concept of duality) હોય છે. એટલે દ્વૈત અને અદ્વૈત સંબંધી ચિંતન તો આ નીચલા સ્તર પર જ થઈ શકે છે. પરંતુ આ વાદવિવાદોને (Cogitatious) અનુભૂતિના સત્યના (Realized truth) વાઘા પહેરાવવા ન જોઈએ. ચરમ અનુભૂતિ, સાપેક્ષ દૃશ્ય જગતનો અસ્વીકાર કરી શકે છે. પરંતુ જ્યાં સુધી વાસ્તવિક રીતે આપણે સાપેક્ષ સ્તર પર હોઈએ, ત્યાં સુધી તો આ જગતનું અસ્તિત્વ છે જ. દાખલા તરીકે શ્રીરામકૃષ્ણ વારંવાર કહેતા : “હું છું ત્યાં સુધી સંસાર પણ છે અને ઈશ્વર પણ છે.”

આની સરખામણી કોઈ એવા વૈજ્ઞાનિકના જીવન સાથે કરી શકાય કે જે પોતાની પ્રયોગશાળામાં તો આ સંસારને પરમાણુઓના સમૂહરૂપે સિદ્ધ કરી દે છે, પણ પોતાના રોજબરોજના જીવનમાં તો અન્ય સામાન્ય લોકોની પેઠે જ વર્તે છે. આપણને આવા વ્યવહારના આધ્યાત્મિક ઔંચિત્ય સાથે લેવા-દેવા નથી. આપણે માટે તો ફક્ત આટલું જ જાણવું પૂરતું થઈ રહેશે કે અનુભૂતિ સંપન્ન લોકો અને સાધારણ લોકો – એ બંને માટે જીવનનું આ એક સત્ય છે, અને એનો કોઈપણ જાતનો અસ્વીકાર કરવો, એ આત્મવંચના છે.

Total Views: 1,043

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.