બાળકોનાં મા શ્રીશારદાદેવી : મૂળ અંગ્રેજીમાં લેખક સ્વામી સ્મરણાનંદ, ગૂજરાતી રૂપાંતરકાર પ્રા. રજનીભાઈ જોશી, પૃષ્ઠ સંખ્યા 32, પ્રકાશક : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, મૂલ્ય રૂ. 7

આ પુસ્તક પ્રકાશિત થયું એ પહેલાં, આ જ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ તરફથી ‘બાળકોના શ્રીરામકૃષ્ણ’ અને ‘બાળકોના સ્વામી વિવેકાનંદ’ એવાં બે બાલોપભોગ્ય પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. હવે એ જ પુસ્તકોની ઢબછબમાં આ ત્રીજું પુસ્તક, ‘બાળકોનાં મા શારદાદેવી’ પ્રકાશિત થતાં, એ પાવન ‘ત્રિમૂર્તિ’ની ચિરપ્રત્યાશિત બાલોપયોગી જીવનશ્રેણી ગૂજરાતનાં બાળકોને પૂરી રીતે ઉપલબ્ધ બની શકી છે, એ અત્યન્ત આનંદની વાત છે. એનાથી બાલમાનસ માટેનું ‘ત્રિવેણીતીર્થ’ રચાયું છે તેમજ ગૂજરાતી બાળસાહિત્યમાં પણ એનાથી કિંમતી ઉમેરો થયો છે.

આગલાં બે પુસ્તકોની પેઠે જ આ પુસ્તક પણ સુંદર સર્જન છે; બાળવાચકોને સુગમ થાય એવા મોટા અક્ષરોમાં એનું સ્વચ્છ મુદ્રણ થયું છે; પ્રસંગાનુકૂલ ભાવવાહી અને રંગીન ચિત્રોથી એ સુસજ્જ છે; એની ભાષાશૈલી પણ પ્રવાહી, સરળ અને પ્રસાદગુણવાળી રહી છે. આગલાં બે પ્રકાશનોમાંના ‘બાળકોના શ્રીરામકૃષ્ણ’ નામના પુસ્તકના મૂળ અંગ્રેજી ‘The Story of Shri Ramakrishna’ને ભારત સરકાર તરફથી 19મા ‘નૅશનલ અવૉર્ડ’માં, એની જે વિશિષ્ટતાઓને લીધે દ્વિતીય પારિતોષિક પ્રાપ્ત થયું હતું, તે બધી જ વિશેષતાઓ – શ્રેષ્ઠ સર્જન, ઉત્તમ મુદ્રણકલા અને ઉત્કૃષ્ટ ચિત્રાંકન – આ પુસ્તકમાં પણ છે, આ પુસ્તક પણ એ જ કક્ષાનું બની શક્યું છે, એવું અમને લાગે છે.

મૂળ અંગ્રેજીમાં સ્વામી સ્મરણાનંદે લખેલા ‘The Story of Sri Sharadadevi’ નામના પુસ્તકનું પ્રા. રજનીભાઈ જોશીએ કરેલું આ ગૂજરાતી રૂપાંતર છે પણ આ રૂપાંતર ગૂજરાતી ભાષાની પ્રકૃતિને બરાબર આંબી શક્યું છે અને જાણે મૂળ ગૂજરાતીમાં જ લખાયું હોય, એવી અસર ઊભી કરી શક્યું છે. મૂળ પુસ્તકમાં શ્રી ચિત્તરંજન ચક્રવર્તીએ કરેલું ચિત્રાંકન તો અહીં તેનું તે જ છે.

બંગાળના ગ્રામીણ અને પરિશ્રમી પરિવેશમાં, ગરીબ પણ ગૌરવવંતાં માબાપને ઘેર, તેમના ભાવજગતના સાકાર-દૃશ્યમાન-ફલસ્વરૂપને, સને 1853ના ડિસેમ્બરની બાવીસમી તારીખે, કિલ્લોલતી પ્રકૃતિદેવીના પર્યાવરણમાં ઠાકુરમણિ-શારદાદેવીનો જન્મ થયો, ત્યારથી માંડીને 21મી જુલાઈ 1920ના રોજ તેમણે દેહત્યાગ કર્યો ત્યાં સુધીના તેમના જીવનના બધા જ મહત્ત્વના બાલભોગ્ય, પ્રેરક અને પાવન પ્રસંગોને આ પુસ્તકમાં કુલ ત્રીસ નાનાં-નાનાં પ્રકરણોમાં વણી લેવામાં આવ્યા છે.

શારદામણિના જીવનના પારણામાંથી જ એમના જીવનની લોકોત્તરતાના અણસાર વરતાય છે. બે વર્ષની એ બાલિકાએ પરમહંસની જીવનસંગિની બની રહેવાનો કરેલો ઇશારો (પ્ર. 4), આગળ જતાં પૂજા ધ્યાન વગેરેમાં એની તન્મયતા (પ્ર. 6), તેમને બાળપણમાં જ થયેલી અન્ય દિવ્ય અનુભૂતિઓ (પ્ર. 8, 11) વગેરે તેમના જીવનની અસાધારણતા-દિવ્યતાની સાખ પૂરે છે. એની સાથોસાથ જ એ દિવ્યતાની અવતરણલીલામાં ઉદાત્ત માનવીય મૂલ્યો પણ એના પૂર્ણ સ્વરૂપે પ્રકાશિત થયાં છે અને એથી ભારતીય નારીત્વનો અને ઉત્કૃષ્ટ માનવીયતાનો તાજગીભર્યો આદર્શ સ્થપાયો છે. અવતારલીલાનું કદાચ એ રહસ્ય છે. ઉંમર વધવાની સાથે એ ઉદાત્ત સદ્ગુણોના અંકુર ફૂટતા પરખાય છે અને છેવટે એ પાંગરીને જનહૃદયની એક મોંઘી મિરાત બની રહે છે. દીન-હીન-કચડાયેલાં પ્રત્યેની તેમની કરુણા (પ્ર. 5, 9, 27, 28), તેમની નિ સીમ પ્રેમ વાત્સલ્યસભર સર્વજનસમાનતા (પ્ર. 29), તેમનું ભક્તો તરફનું અતાગ વાત્સલ્ય (પ્ર. 21, 25) તેમની સ્ત્રીશિક્ષણની વિભાવના (પ્ર. 24), તેમની પ્રલોભનવિમુખતા (પ્ર. 17), પતિનિષ્ઠા, સ્વાવલંબન, કર્તવ્યપાલન, પરિશ્રમી જીવન વગેરે બધું બાળકોને પચે અને એમના મનમાં અંકાઈ જાય એ રીતે આ પુસ્તકમાં આલેખવામાં આવ્યું છે. માતાજીએ કરેલું તીર્થાટન (પ્ર. 21) અને તેમણે કરેલી કઠિન તપશ્ચર્યા (પ્ર. 20) તે તેમણે પછીથી કરેલા આધ્યાત્મિક નેતૃત્વના પ્રવેશ તરીકે લેવાયાં છે. પણ આ બધા ગુણમણિઓની જે એક સૂત્રમાં પરોવાઈને માળા બની, તે સૂત્ર હતું શ્રીમાનું શિશુસહજ નિર્દોષ અને નિર્દંશ જીવન ! એમાં શ્રી – હ્રી – ધીનું આદર્શ નારીત્વ ઝગમગતું હતું અને તે આ પુસ્તકને પાનેપાને દેખા દે છે.

આ પુસ્તક નિર્મળ બાલમાનસમાં એક રળિયામણી સંસ્કાર કેડી કંડારવાનું સામર્થ્ય ધરાવે છે, એટલું ચોક્કસ.

  કેશવલાલ વિ. શાસ્ત્રી

વેદાન્તાચાર્ય, સાહિત્યરત્ન,

શિક્ષાવિશારદ

Total Views: 585

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.