કોઈ કોઈ એમ ધારે કે, આપણને જ્ઞાન-ભક્તિ આવવાનાં નથી, આપણે તો બદ્ધ જીવ. પણ ગુરુની કૃપા હોય તો કશો ભય નહિ. એક બકરાંના ટોળામાં એક વાઘણે કૂદકો માર્યો. તે હતી ગાભણી; એટલે છલાંગ મારતાં પ્રસવ થઈ ગયો ને બચ્ચું બહાર આવી પડ્યું. ને એ સાથે જ વાઘણ મરી ગઈ. એ બચ્ચું બકરાંની સાથે મોટું થવા લાગ્યું. બકરાં ઘાસ ખાય તેમ તે વાઘનું બચ્ચું પણ ઘાસ ખાય. બકરાં બેં બેં કરે તેમ પેલું વાઘનું બચ્ચુંય બેં બેં કરે. એમ કરતાં-કરતાં એ બચ્ચું ખૂબ મોટું થયું. એક દિવસે એ બકરાંના ટોળામાં બીજો એક વાઘ આવી પડ્યો. એ પેલા ઘાસ ખાતા વાઘને જોઈને નવાઈ પામી ગયો, એટલે દોડી જઈને તેણે તેને જ પકડ્યો. પેલો બેં બેં કરવા લાગ્યો. એ પરથી બીજો વાઘ પહેલા વાઘને તાણી ખેંચીને પાણીની પાસે લઈ ગયો અને કહ્યું : આ પાણીમાં તારું મોઢું જો, છે ને બરાબર મારા જેવું ? અને આ લે, થોડુંક માંસ ખા. એમ કહીને તેને જોર કરીને ખવડાવવા લાગ્યો. પેલો કોઈ રીતે ખાય નહિ. ઊલટો બેં બેં કરવા લાગ્યો.

આખરે રક્તનો સ્વાદ ચાખીને તેણે માંસ ખાવાનો આરંભ કર્યો. એ પછી પેલા વાઘે કહ્યું, “સમજ્યો હવે ? જે હું, તે જ તું ! હવે ચાલ જંગલમાં, મારી સાથે ચાલ્યો આવ.” એટલે ગુરુકૃપા હોય તો કોઈ વાતનો ડર નહિ. ગુરુ સમજાવી દે કે તમે કોણ ? તમારું સ્વરૂપ શું ? જરા સાધના કરતાં જ ગુરુ સમજાવી દે કે આ આમ થાય. પછી શિષ્ય પોતે જ સમજી શકે કે ક્યું સત્‌, ક્યું અસત્; ઈશ્વર જ સત્‌, આ સંસાર અસત્, અનિત્ય.”

(શ્રીરામકૃષ્ણ કથામૃત, ભાગ 1, પૃ. 208-209)

Total Views: 546

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.