દેશવિદેશમાં સ્વામી વિવેકાનંદની 125મી જન્મજયંતીનો સમાપન-સમારોહ

શ્રીરામકૃષ્ણ મઠ તથા શ્રીરામકૃષ્ણ મિશનના વડા મથક બેલુર મઠમાં સ્વામી વિવેકાનંદજીની 125મી જન્મજયંતીનો પૂર્ણાહુતિ કાર્યક્રમ 26મી જાન્યુઆરીથી 1લી ફેબ્રુઆરી સુધી ઉજવાયો હતો. આ ઉજવણી દરમિયાન યુવાવર્ગ માટે તથા વિદ્વાનો માટે જ્ઞાન-ચર્ચા-સભાઓ, વ્યાયામ-પ્રદર્શન અને સંગીત-સમારોહ વગેરેનું આયોજન કરાયું હતું. સ્વામી વિવેકાનંદજીના જીવનની ભારતીય જીવનનાં વિવિધ પાસાં પરની અસર વિશેનું પ્રદર્શન સમગ્ર સમારોહનું મુખ્ય આકર્ષણકેન્દ્ર બની રહ્યું હતું. આ પ્રદર્શનનું રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે તા. 26મી જાન્યુઆરીએ ઉદ્‌ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેઓશ્રીના વરદહસ્તે રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના યુવા સંમેલન (1985)નો અહેવાલ આપતા અંગ્રેજી પુસ્તકનો વિમોચનવિધિ પણ સંપન્ન થયો હતો.

વિદેશમાં પણ વિધવિધ સ્થાનો પર સમાપનસમારોહોનું આયોજન કરાયું હતું. શ્રીરામકૃષ્ણ સંઘના સેંટ લુઇ (The Vedanta Society of St. Louis) કેન્દ્ર ખાતે વૈદિક પાઠ, ભજન, સ્વામી વિવેકાનંદ પર ફિલ્મ-પ્રદર્શન જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘વિશ્વની દૃષ્ટિમાં સ્વામી વિવેકાનંદ’ (Swami Vivekananda in World Perspective) શીર્ષક અંતર્ગત એક ગોષ્ઠિનું આયોજન થયું હતું.

રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનનાં હૈદ્રાબાદ, દિલ્હી, અગરતલા, પૂણે, રાંચી, મદ્રાસ, કોઈમ્બતૂર, ભુવનેશ્વર અને પુરી ખાતેનાં કેન્દ્રોમાં પણ સમાપનસમારોહની ઉજવણી કરાઈ હતી. તા. 12મી જાન્યુઆરીના રોજ દિલ્હી કેન્દ્ર ખાતે ભારતના રમતગમત વિભાગનાં રાજ્યમંત્રી શ્રીમતી માર્ગારેટ અલ્વાની અધ્યક્ષતામાં એક સભાનું આયોજન કરાયું હતું. આ જ દિને હૈદ્રાબાદ કેન્દ્ર ખાતે એક યુવા-સંમેલન યોજાયું હતું, જેમાં આશરે 5,000 યુવા ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી એન. ટી. રામારાવે ‘The Complete Works of Swami Vivekananda’ (Subsidised Edition) નામના પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ જ પ્રમાણે અદ્વૈત આશ્રમ, કલકત્તા દ્વારા પ્રકાશિત આ ગ્રંથમાળાનું વિમોચન સ્વામી શ્રી હિરણ્યયાનંદજી મહારાજે કલકત્તામાં કર્યું હતું.

આ જ દિને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ખાતે આ સમારોહના ભાગરૂપે એક સભાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે અદ્વૈત આશ્રમ, કલકત્તા દ્વારા પ્રકાશિત ‘The Complete Works of Swami Vivekananda’ (Subsidised Edition) તથા શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ‘સ્વામી વિવેકાનંદના પત્રોનું ગુજરાતના આદરણીય રાજ્યપાલ શ્રી આર. કે. ત્રિવેદીએ વિમોચન કર્યું હતું અને અધ્યક્ષીય ઉદ્‌બોધન કરતાં જણાવ્યું હતું કે, મૈત્રીભાવના અને ભાઈચારાની ભાવના દ્વારા સમાજમાં માનવતા જાગૃત કરવી જોઈએ. સ્વામી વિવેકાનંદના જીવનપ્રસંગોનો નિર્દેશ કરતાં રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે, તેઓ શ્રીરામકૃષ્ણ પરમહંસ પાસેથી જે કંઈ જ્ઞાન-બોધ પ્રાપ્ત કરતા તે ઉપર તર્કબદ્ધ દલીલ કરતા હતા. દરેક વાત તર્કની દૃષ્ટિએ જોઈને પછી તે વિચારનો નિષ્કર્ષ મેળવતા અને ત્યારબાદ અનુસરણ કરતા હતા. એટલા માટે વિવેકાનંદ મહાન બન્યા.

આધ્યાત્મિક નેતૃત્વની જરૂરિયાત પર ભાર મૂકતાં રાજ્યપાલશ્રીએ અંતમાં જણાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદનો સંદેશો ઘેર-ઘેર પહોંચાડી ચારિત્ર્યઘડતર, નીડરતા અને નેતૃત્વશક્તિના વિકાસનો પ્રયત્ન કરવો જોઈએ. આજે નેતૃત્વ કરનાર લોકોની આવશ્યકતા છે. મૌલિક અને આધ્યાત્મિક નેતૃત્વ પૂરું પાડી શકે તેવા યુવાનોની જરૂર છે.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, લખનૌના અધ્યક્ષ સ્વામી શ્રી શ્રીધરાનંદજીએ પ્રાસંગિક ઉદ્‌બોધન કરતાં સ્વામી વિવેકાનંદની આધ્યાત્મિકતા અને તેમના નેતૃત્વશક્તિ અને ચારિત્ર્યઘડતરના વિચારો વિષે ખ્યાલ આપ્યો હતો. આ પ્રસંગે વિવિધ શાળાઓનાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ-શીતલ વોરા, રૂપલ ઓઝા, શીતલ જોશી, હસમુખ જરિયા, જ્વલંત શાસ્ત્રી તથા યુવા કવિ શિક્ષક શ્રી મહેન્દ્ર જોશીએ સ્વામી વિવેકાનંદના જીવનપ્રસંગો પર પ્રકાશ પાડતાં વક્તવ્યો રજૂ કર્યાં હતાં.

પ્રારંભમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી શ્રી મુમુક્ષાનંદજીએ સૌનું સ્વાગત કર્યું હતું, અને અંતમાં શ્રી ઉમાકાંતભાઈ પંડિતે આભારદર્શન કર્યું હતું. આ સમારોહમાં કલેક્ટર શ્રી રોય ચૌધરી તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Total Views: 284
By Published On: May 1, 1989Categories: Samachar Darshan0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram