[પ્રસ્તુત લેખ “પ્રબુદ્ધ ભારત” (ઑક્ટોબર, 1988)માંથી લેવામાં આવેલ છે. ભાષાંતરકારશ્રી વ. પિ. – સં.]

 1. અર્વાચીન કાલમાં આધ્યાત્મિક દૃષ્ટિબિંદુની આવશ્યકતા :

મનુષ્યે વિજ્ઞાન અને યંત્રવિદ્યામાં ખૂબ પ્રગતિ સાધી છે અને એ દ્વારા અત્યાર સુધી વણકલ્પી શક્તિ, સુખ-સગવડ અને મોજશોખનાં સાધનો એણે પ્રાપ્ત કર્યાં છે. પરંતુ હજીયે એ દુઃખી છે અને ઉપાધિઓ તથા તણાવોથી તથા શંકાઓ અને ભયોથી વ્યથિત છે. આમ બનવાનું કારણ એ છે કે એણે ભૌતિક સપાટીએ અદ્‌ભુત પ્રગતિ હાંસલ કરી છે, પણ આત્મસંયમ, નિઃસ્વાર્થતા અને બંધુત્વની ભાવના જેવી આધ્યાત્મિક શક્તિઓ એના પ્રમાણમાં એનામાં વિકસી નથી. પોતાના પૂર્વજોની તુલનાએ એ ભલે ‘બૌદ્ધિક વિરાટ’ બન્યો હોય, પરંતુ વધારે હીણો નહીં તોયે ભૂતકાળમાં હતો તેવો જ એ ‘આધ્યાત્મિક વામન’ રહ્યો છે. એના હાથમાં વિજ્ઞાને અમર્યાદ સંપત્તિ અને ભૌતિક શક્તિ મૂક્યાં છે, પણ અવિકસિત ઇન્દ્રિયજનિન વાસનાઓ, પ્રાકૃત ક્ષુધાઓ અને પ્રેરણાવૃત્તિઓએ દોરાયો એ તે સઘળાંનો દુરુપયોગ કરે છે. આથી જ તો પ્રગતિની એની બધી બડાશો છતાં એ પોતાની વાસનાનો શિકાર જ રહે છે. અસહિષ્ણુતા અને સંશય એની શાંતિને હાંકી કાઢે છે. દુન્યવી સુખની ઘેલી મૃગયાથી ઉત્પન્ન થતી સ્વકેન્દ્રી અપેક્ષાઓ અને કાયમની અશાંતિ મનુષ્યને અસ્થિર અને સનેપાતી બનાવે છે. દુન્યવી સંપત્તિથી સમૃદ્ધ પણ આત્માના ગુણે દરિદ્ર, સંશયો અને સંઘર્ષોથી પછડાતા અને ચિરાતા હૃદયવાળો મનુષ્ય દયાજનક ચિત્ર રજૂ કરે છે. એના ભવિષ્ય વિશે ગંભીર ચિંતા ઊભી થાય છે. એક વિચારવંત લેખકે યોગ્ય જ કહ્યું છે : ‘ભૌતિક પદાર્થો અને એમનાં આંતરિક પરિબળો ઉપર પરમ વિજય મેળવતાંની સાથે જ જગતની સંસ્કૃતિ કરુણાંતિકામાં પલટાઈ છે.1 આવી કપરી પરિસ્થિતિમાંથી માર્ગ સૂચવતાં બર્ટ્રેણ્ડ રસેલ આપણને ચેતવે છે કે, ‘જ્ઞાનના જેટલો મનુષ્ય ડહાપણમાં નહીં વધે તો, જ્ઞાનની વૃદ્ધિ દુઃખની વૃદ્ધિ થશે.’2 માનવમનના આધ્યાત્મિક પુનર્જન્મની જરૂરત તરફ આ બધું અવિરતપણે આંગળી ચીંધે છે. વિજ્ઞાનના આ યુગમાં મનુષ્યે ‘સહઅસ્તિત્વ’ના તર્કને અપનાવવો જ પડવાનો, એમ અનેક વાર કહેવાયું છે; નહીં તો, એનો વિકલ્પ ‘સહનાશ’ જ છે, પરંતુ પરસ્પરના ભય પર નહીં, પણ સનાતન સત્ય અને વૈજ્ઞાનિક વિવેકબુદ્ધિ પર દૃઢ રીતે આધારિત આદર્શ વિના, લાંબા સમય સુધી શાંતિમાં અને સદ્ભાવથી પોતે જીવવું અને બીજાને જીવવા દેવાં એ શક્ય નથી. એટલે તો, આજે છે તેવી આકરી જરૂર આધ્યાત્મિક દૃષ્ટિકોણની કદીયે ન હતી. આ સંદર્ભમાં આજનો માનવી ભારતના સનાતન સંદેશ અને શ્રીરામકૃષ્ણ ભણી સહાય માટે હાથ લંબાવે તે યોગ્ય થશે. આવી આધ્યાત્મિક દૃષ્ટિના ઘડતર – (બહેતર છે કે આપણે એને પુનઃસ્થાપન કહીએ) – માટે અને મનુષ્યજીવનને આધ્યાત્મિક પુટ આપવા માટે, શ્રીરામકૃષ્ણ દ્વારા ભારતનું પ્રદાન અગત્યનું અને મહત્ત્વનું છે.

 1. ભૂતકાળમાં ભારતનું પ્રદાન :

માનવજાતના સમગ્ર ઇતિહાસમાં ધર્મ અને વ્યાવહારિક તત્ત્વજ્ઞાનનાં ક્ષેત્રોમાં ભારતનું પ્રદાન ભવ્ય રહ્યું છે. ‘સંસ્કૃતિની કથા’ (સ્ટોરી ઑફ સિવિલાઇઝેશન) નામના પોતાના ગ્રંથમાં પ્રખ્યાત ઇતિહાસકાર વિલ ડ્યુરાંએ યોગ્ય જ કહ્યું છે કે વ્યાકરણ, પ્રમાણશાસ્ત્ર, ગણિત આદિની મૂલ્યવાન ભેટો ભારતે જગતને આપી છે એ ખરું, પણ “આપણે એ દેશ પાસેથી ભવિષ્યમાં જે શીખવાના છીએ તેની તુલનાએ આ તો નજીવી બાબતો છે.” અને ઉમેર્યું છે કે, “સહિષ્ણુતા અને પરિપક્વ મનની ઋજુતા, અપરિગ્રહી આત્માનો શાંત સંતોષ, સમજણભર્યા ચિત્તનું અચાંચલ્ય અને બધા જીવો માટે એકતાનો, નિર્ભયતાનો પ્રેમભાવ ભારત આપણને શીખવે”3 બીજા એક પાશ્ચાત્ય લેખક એ જ રીતે લખે છે કે, “માનવજાતને ભારતે રાજકીય અને વૈજ્ઞાનિક લાભ તો આપ્યા છે, અને પોતાનું અર્થતંત્ર વિકસતું જશે તેમ-તેમ નિઃસંશય તે આપવાનું ચાલુ પણ રાખશે, પણ તેના કરતાં કશુંક ઘણું વધારે મહત્ત્વનું તો છે, જીવવાની મૂળભૂત કલામાં, જાતને સમજવાના માનવીના વ્યાપારમાં, મન અને ચિત્તના કૂટ પ્રદેશોમાં ભારતનું પ્રદાન પ્રાપ્ત થશે.”4 સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ, ડૉ. રાધાકૃષ્ણન અને વિવિધ દેશોના ઇતિહાસ અને વિકાસનું અધ્યયન કરનાર બીજા અનેકોએ એ જ અભિપ્રાય દર્શાવ્યો છે કે, ભારતીય સંસ્કૃતિનું પ્રધાન લક્ષણ આધ્યાત્મિકતા છે અને જગત માટે ભારતે આધ્યાત્મિક સંદેશ આપવાનો છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે, “જગતના સંસ્કૃતિ ભંડારમાં પોતાનો ભાગ હજી હવે આપવાનો હોઈ ભારત હજી જીવે છે. સંસ્કૃતિની પૂર્ણતા માટે જગત હજી આતુરતાપૂર્વક વાટ જોઈ રહ્યું છે, ભારતના ખજાનાની વાટ જોઈ રહ્યું છે, જે આધ્યાત્મિક વારસાને દાયકાઓના અધઃપતન અને દારુણ ગરીબાઈ વચ્ચે પોતાની છાતીએ વળગાડી સાચવી રાખ્યો છે તેને જગત ઝંખી રહ્યું છે.5

 1. ઓગણીસમી સદીમાં ભારત અને શ્રીરામકૃષ્ણ :

પાશ્ચાત્ય સંસ્કૃતિ અને પાશ્ચાત્ય શિક્ષણની સાથે, ઓગણીસમી સદીમાં, વિજ્ઞાન અને બૌદ્ધિક સંશયવાદે ભારતની અખંડ, રૂઢ આધ્યાત્મિક પરંપરાને ભયંકર આંચકો આપ્યો. પરિણામે ભારતની આધ્યાત્મિક જ્યોત ઓલવાઈ જાય એવું લાગ્યું. પશ્ચિમના દેશોમાં વિજ્ઞાન અને મુક્ત વિચારધારાનો પ્રચાર થયો ત્યારે લગભગ એવી જ સ્થિતિ પ્રવર્તતી હતી. આવા સંધિકાળે, માનવજાતિની આધ્યાત્મિક જ્યોતને જલતી રાખનારાઓએ માનવીની મોટી સેવા કરી છે. પણ આમાં શ્રીરામકૃષ્ણના જેવું સંનિષ્ઠ અને સફળ બીજું કોઈ ન હતું અને બીજા કોઈનો ફાળો એમના ફાળા જેટલો મોટો ન હતો. એમણે તદ્દન નવી જ રીત અખત્યાર કરી; આજના મનુષ્યને ધાર્મિક અનુભૂતિની સત્યતાની પ્રતીતિ કરાવવા માટે એ જરૂરની હતી. બીજા લોકો વિદ્વત્તાની પદ્ધતિનો ઉપયોગ કરતા હતા ત્યારે શ્રીરામકૃષ્ણે “પ્રત્યક્ષ અનુભવની પદ્ધતિ” અપનાવી હતી. આ કે પેલા, ધર્મની સત્યતા સાબિત કરવા બીજાઓ પોથીજ્ઞાનનો અને પરમાત્મા, આત્મા અને આધ્યાત્મિક અનુભવના ટેકામાં તત્ત્વજ્ઞાનના તર્કોનો ઉપયોગ કરતા હતા. ભિન્ન-ભિન્ન ધર્મોના અનુયાયીઓ વચ્ચે ઘર્ષણ ઓછું કે દૂર કરવાના પ્રયત્નોમાં એ સૌ જુદાજુદા ધર્મોનું તુલનાત્મક અધ્યયન કરતા હતા અને એમનાં પાયાનાં તત્ત્વો શોધતા હતા. પરંતુ પોતાના પ્રત્યક્ષ અનુભવને આધારે શ્રીરામકૃષ્ણે બધા ધર્મોની સત્યતા પ્રસ્થાપિત કરી. હકીકતે, જગતના અગાઉના સંતો અને પયગંબરોએ અપનાવેલી એ જમાના જૂની પદ્ધતિ હતી. ક્રાઇસ્ટ, કૃષ્ણ અને મહમ્મદ ઈશ્વરમાં માનતા હતા અને બીજાઓને તેમ કરવા પ્રેરતા હતા. કારણ કે એમને માટે એ જીવંત ધબકતું સત્ય હતું. કોઈ પણ સિદ્ધાંતની આખરી અને પાકી ખાતરી તો કસોટીથી જ થાય. “કોઈ એક ધર્મને કે ધર્મોને જાણવા, તેમનો ન્યાય કરવા અને જરૂર લાગે તો ઉતારી પાડવા માટે ધાર્મિક સંપ્રજ્ઞાતતાના પ્રયોગો જાતે કર્યા હોવાની લાયકાતની આવશ્યકતા સૌથી પહેલી છે.6 શ્રીરામકૃષ્ણે આવો જ પ્રયોગ કર્યો હતો. ઈશ્વર કે આત્મા વિશેનાં સત્યોની પોતે અનુભૂતિ કરી પ્રમાણ્યાં ન હતાં ત્યાં સુધી માત્ર શાસ્ત્રવાક્યોથી એમને કદાપિ સંતોષ થયો ન હતો. અને એ વિદ્વાન ન હતા તે આપણે જાણીએ છીએ. પુસ્તકિયું જ્ઞાન તો એમની પાસે લગભગ હતું જ નહીં. છતાંય ધર્મ પ્રત્યેનો એમનો અભિગમ તદ્દન વૈજ્ઞાનિક અને આજના માનવીના વિચારો અને આકાંક્ષાઓને અનુરૂપ હતો. દક્ષિણેશ્વરના મંદિરમાં પૂજારી તરીકે એમણે જીવનનો આરંભ કર્યો હતો, પણ આપણાં ચિત્તમાં ઊઠે છે તેવા જ સંશયો એમને પીડવા લાગ્યા. “આ પૂજા અને આ કર્મકાંડ પાછળ કશું સત્ય છે ખરું, કે પછી એ બધું માત્ર ઉપચાર, અંધ રૂઢિ છે ?” – પોતાની જાતને એ પૂછતા. તેમની સત્ય માટેની આ ઝંખના એટલી તો તીવ્ર હતી કે તેમણે પોતાના મનને બીજી બધી વસ્તુઓ તરફથી અને વિચારોમાંથી તદ્દન પાછું વાળી લીધું અને લાંબે ગાળે દિવ્ય માતૃસ્વરૂપમાં તેમજ છેવટે નિરાકાર સ્વરૂપે પણ તેમણે એ સત્યનો સાક્ષાત્કાર કર્યો. એટલેથી પણ સંતુષ્ટ નહીં રહેતાં; હિંદુ શાસ્ત્રોમાં બતાવેલા બધા અગત્યના માર્ગોની એમણે સાધના કરી હતી અને હજી પાછળથી, એમણે ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મની સાધના પણ કરી હતી. એ બધા ધર્મોમાંથી એમને એક જ ઈશ્વરી તત્ત્વ, એક જ સત્ય લાધ્યું હતું. રોમાં રોલાં કહે છે તે પ્રમાણે, “માનવીઓની બહુવિધતા અને ઈશ્વરની સંધિ – (સાયુજ્ય) એમના આંતરજીવનમાં થઈ હતી.” 7 સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કહીએ તો, “એક જ આયખામાં રાષ્ટ્રીય ધાર્મિક ચેતનાના સમગ્ર ચક્રને એમણે જીવી બતાવ્યું હતું.”8 કેવળ એક જ માનવી આટલા બધા વિવિધ ધર્મો દ્વારા ઈશ્વરનો અનુભવ કરે એ ખરે જ, માનવજાતના ધર્મના ઇતિહાસમાં અનન્ય-સાધારણ છે અને છતાંયે તે સત્ય છે. પાછોતરા કાળે સંતો ને વિદ્વાનો એમને ઘેરી વળ્યા ને ખાતરી આપવા લાગ્યા કે એમના આધ્યાત્મિક અનુભવો ભૂતકાળના પયગંબરો અને સંતોના અનુભવોને મળતા આવે છે, ત્યારે શ્રીરામકૃષ્ણનું જીવન માનવજાતિના આધ્યાત્મિક અનુભવોની કલગી સમું મનાવા લાગ્યું. પોતાની અનુભૂતિના બળે એમણે, જાણે કે અધિકારપૂર્વક જાહેર કર્યું કે ભગવાન છે, એનો સાક્ષાત્કાર વિવિધ રીતે થઈ શકે છે; અને આ સાક્ષાત્કાર માનવજીવનનું ધ્યેય છે; અને સાચા હૃદયપૂર્વક બધા ધર્મોનું અનુસરણ એ સાક્ષાત્કાર પ્રતિ લઈ જાય છે તેથી ઝઘડાનું કોઈ કારણ નથી. માણસે કોઈ પણ એક ધર્મનું શ્રદ્ધાભક્તિપૂર્વક પાલન કરવું જોઈએ અને બીજા ધર્મો પ્રત્યે આદરથી જોવું જોઈએ; એટલું જ જરૂરનું છે. શ્રીરામકૃષ્ણની આ અનુભૂતિઓએ માત્ર હિંદુ ધર્મને જ નહીં પણ બીજા બધા ધર્મોનેય ફરીથી ચેતનવંતા કર્યા છે, કેવળ ઉપનિષદો કે ગીતાનાં સત્યોને જ નહીં પણ કુરાન અને બાઈબલનાં સત્યોને પણ એ અનુભૂતિઓએ પુનઃ સ્થાપિત કર્યાં છે, અને ધર્મની ધૃતિને પુરવાર કરી આપી છે. બીજા લોકોની માફક એમણે શાસ્ત્રો ટાંકીને ધર્મની વાત કરી હોત તો આજે લાગે છે એવા એમના શબ્દો પ્રતીતિકારક ન જણાત. મહાત્મા ગાંધીજીએ કહ્યા પ્રમાણે : “શ્રીરામકૃષ્ણ પરમહંસની જીવનકથા આચરણમય ધર્મની કથા છે. એમનાં કથનો માત્ર પંડિતનાં કથનો નથી, પરંતુ જીવનની કિતાબનાં પાનાં છે : એમણે જે અનુભવ્યું છે તેનું એમાં દર્શન છે. જેનો પ્રતિકાર કરી ન શકાય તેવી છાપ તે વાચક ઉપર પાડે છે.”9

 1. શ્રીરામકૃષ્ણ દ્વારા જગતને ભારતનો શાશ્વત સંદેશ :

જેઓ ભારતીય સંસ્કૃતિના આત્માથી પરિચિત છે તેઓ સ્વીકારશે કે શ્રીરામકૃષ્ણના સંદેશમાં અને આ ઉપદેશમાં કંઈ ખાસ નવું નથી. બ્રહ્મ, શક્તિ, અલ્લાહ કે ગોડ કહીએ ત્યારે એક જ દૈવી સત્યનો આવિષ્કાર આપણે કરીએ છીએ એમ કહેતા શ્રીરામકૃષ્ણ एकम् सदविद्या बहुधा वदन्ति (ઋગ્વેદ-1, 114-46)ના વૈદિક મંત્રનો પડઘો જ પાડતા હતા. ઈશ્વરનો સાક્ષાત્કાર અથવા બીજા શબ્દોમાં કહીએ તો, માનવજીવનનું ધ્યેય સંપૂર્ણપણે આધ્યાત્મિક જીવન છે, અને આ સાક્ષાત્કાર વિના ચિર શાંતિ પ્રાપ્ત કરી શકાય નહીં, એમ તેઓશ્રી કહેતા તયારે, એઓશ્રી નીચેના ઉપનિષદ-મંત્રોનું પુનર્રટણ કરતા :

“ઓ શાશ્વત સુખના વારસદારો, ઓ દિવ્ય ધામના નિવાસીઓ ! સાંભળો ! મેં પુરાતન પુરુષને પ્રાપ્ત કર્યા છે – જે સર્વ તમસથી પર છે, જે સર્વ ભ્રમથી પર છે, જેને જાણવામાત્રથી મૃત્યુને પાર જઈ શકાય છે; શાશ્વત શાંતિ માટે બીજો માર્ગ નથી.”10

“જો આ જન્મે બ્રહ્મ જાણવામાં આવી જાય તો તો ઠીક છે અને જો આ જન્મમાં જાણવામાં ન આવે, તો ભારે હાનિ છે. આમ વિચારીને બુદ્ધિમાન મનુષ્યો પ્રાણીમાત્રમાં પરબ્રહ્મને સમજીને આ લોકમાંથી પ્રયાણ કરીને અમર થઈ જાય છે.”11

એજ રીતે એક જ ધ્યેય પરમાત્મા તરફ લઈ જતાં બધા ધર્મો જુદાજુદા પંથો છે એવું શ્રીરામકૃષ્ણનું કથન ગીતાના વાક્યનું પુન:કથન છે. ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે :

“હે પાર્થ, જે કોઈ જે ભાવે મને ભજે છે તેના તે ભાવનો હું સ્વીકાર કરું છું અને તે ભાવે તેની પર કૃપા કરું છું. બધી જ દિશાઓ થકી લોકો મારા ભણી આવે છે.” 12

આમ, જુગજૂનાં સત્યોને શ્રીરામકૃષ્ણે ફરી નાણી બતાવ્યાં છે ને પુનઃ સ્થાપિત કર્યાં છે, જેથી માનવજાતનું કલ્યાણ થાય. વિજ્ઞાને અને તંત્રવિદ્યાએ માનવસમાજને એવે તબક્કે આણી મૂક્યો છે કે આધ્યાત્મિક વલણો અને વૃત્તિઓ વિના માનવજીવન અને સંસ્કૃતિ પર ભય તોળાઈ રહ્યો છે. જીવનને આવા આધ્યાત્મિક રંગે રંગવાનો કેડો શ્રીરામકૃષ્ણ દ્વારા ભારતે જગતને માટે કંડાર્યો છે. બધા ધર્મોની સત્યતા પુરવાર કરીને એમણે આધ્યાત્મિકતામાં મનુષ્યનો વિશ્વાસ પુનઃ દૃઢ કર્યો છે અને બધા ધર્મોની સંવાદિતા પુનઃ સ્થાપિત કરી છે. અને આ બધું એમણે જાણે કે અનાયાસ જ કર્યુ હતું. અંતઃકરણના અવાજથી દોરાઈને જુદાજુદા ધર્મોની સાધના કરતાં-કરતાં એમણે જીવન વ્યતીત કર્યું હતું. પોતાના વિચારોના પ્રચાર માટે કે તર્કપરંપરાથી તેમને પ્રમાણભૂત ઠરાવવા માટે એમણે કદી કદમ ઉઠાવ્યું ન હતું. કદાચ એમને ખ્યાલ પણ નહીં હોય કે એમના અનુભવોની માનવજાત ઉપર ભવિષ્યમાં આટલી પ્રબળ અસર પડશે. આજના ચિંતન અને બુદ્ધિને અનુરૂપ બને તે રીતે તે ભવ્ય જીવન અને એના સંદેશના અર્થઘટનનું કાર્ય, એમના સંનિષ્ઠ શિષ્ય સ્વામી વિવેકાનંદે કરવાનું આવ્યું. આજે ભૌતિકવાદ, સંશયાત્મકતા, અજ્ઞેયવાદ અને સંકુચિત મનોવૃત્તિની ગ્લાનિ ભેદીને, આપણે જોઈએ છીએ કે, ચિંતન કરતા લોકોનો જગતનો વિશાળ વર્ગ શ્રીરામકૃષ્ણના સંદેશથી તેમના પ્રત્યક્ષ કે પરોક્ષ પરિચયમાં આવે છે ને એમનાથી આકર્ષાય છે. જીવનને આધ્યાત્મિક રંગે રગવા એ સૌ મથે છે, ભિન્ન-ભિન્ન ધર્મોનો સ્વીકાર કરતા એ લોકો બીજા ધર્મો પ્રત્યે વધારે ઉદાર અને વધારે સમભાવવાળા થાય છે. ભિન્ન ધર્મો વચ્ચે સંવાદિતા સ્થાપવાના, ભિન્ન ધર્મો વિશે સમજ કેળવવાના અને તેમની વચ્ચે સહયોગ સ્થાપવાના કાર્યમાં એ લોકો પ્રયત્નશીલ રહે છે. આજના જગત માટે શ્રીરામકૃષ્ણ કથિત ભારતનો સનાતન સંદેશ આમ પ્રશાંત રીતે કાર્ય કરી રહ્યો છે.

આ સંદર્ભમાં, આપણા સમકાલીન એક-એક મહાન જગત ઇતિહાસકારના વિચારો જાણવા રસપ્રદ થશે, એ છે આર્નલ્ડ ટોયન્બી. એમણે કહ્યું છે કે, ‘હિંદુ મત પ્રમાણે બધા મહાન ધર્મોમાં દરેક ધર્મ સત્ય દર્શન છે અને સત્પંથ છે અને બધા જ માનવજાત માટે અનિવાર્ય છે, કારણ તે દરેક એક જ સત્યની જુદીજુદી ઝાંખી કરાવે છે અને માનવપુરુષાર્થના એક જ હેતુ તરફ પ્રત્યેક ધર્મ જુદેજુદે માર્ગે લઈ જાય છે. કોઈ પણ એકનો સમાવેશ બીજા ધર્મોમાં થતો નથી. આ જાણવું બરાબર છે, પણ એટલું પૂરતું નથી. ધર્મ માત્ર અધ્યયનની બાબત નથી; એની અનુભૂતિ કરવાની છે ને એ આચરવાનો છે, અને શ્રીરામકૃષ્ણે આ જ ક્ષેત્રમાં પોતાની અદ્વિતીય વિશિષ્ટતાનું પ્રદાન કર્યું છે. ભારતના દરેક ધર્મ અને દર્શનનું તેમણે એક પછી એક આચરણ કર્યું અને પછી ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મો ભણી તેઓ વળ્યા હતા. ભારતમાં કે અન્યત્ર, બીજા કોઈ ધર્મપુરુષે કદાચ હાંસલ ન કરી હોય તેવી અસાધારણ સર્વગ્રાહી સિદ્ધિ પોતાનાં ધર્માચરણ અને ધર્માનુભૂતિ દ્વારા તેમણે હાંસલ કરી હતી.”13

“આજના યુગમાં પશ્ચિમની મંત્રવિદ્યાએ જગતને સાંકળી લીધું છે. પણ આ પાશ્ચાત્ય કૌશલે માત્ર ‘અંતરનો નાશ’ કર્યો છે એટલું નહીં, પણ જગતની પ્રજાઓ એકમેકને ઓળખતી થવાનું શીખે તે પૂર્વે એકબીજાની બંદૂકો ગોઠવી વિનાશકતા સર્જે એવી સંહારસામગ્રી એમના હાથમાં મૂકી દીધી છે. માનવ ઇતિહાસના મહાભયની આ ઘડીએ ભારતનો માર્ગ જ મનુષ્યજાત માટે મુક્તિનો માર્ગ છે. સમ્રાટ અશોક અને મહાત્મા ગાંધીનો અહિંસાનો સિદ્ધાંત અને ધર્મોની સંવાદિતાની શ્રીરામકૃષ્ણની સાક્ષી માનવજાતને એક કુટુંબ માફક વિકસવા શક્ય બનાવે તેવી વૃત્તિ અને તેવું સત્ત્વ અહીં છે – અને અણુયુગમાં આત્મનાશનો એકમાત્ર વિકલ્પ આ છે.”14 એ મહાન ઇતિહાસવિદનું તારતમ્ય અને એમણે આપેલી ચેતવણી પર આપણે ગંભીર વિચાર કરવો જોઈએ.

 1. જુઓ, બુલેટિન ઑફ રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટયૂટ ઑફ કલ્ચર (કલકત્તા) : જૂન, 1967, પૃ. 182
 2. સ્વામી રંગનાથાનંદકૃત ‘એસેન્સ ઑફ ઇન્ડિયન કલ્ચર’માં અવતરણ. પૃ. 13
 3. ‘ધ સ્ટોરી ઑફ સિવિલાઈઝેશન’ – ગ્રંથ 1 : આપણો પૌરસ્ત્ય વારસો, પૃ. 391
 4. એડવર્ડ જે. માર્ટિન (જુઓ, ‘વેદાંત કેસરી’ : ઑક્ટોબર, 1965, પૃ. 328)
 5. ‘સ્વામી વિવેકાનંદ ઓન ઈન્ડિયા એંડહર પ્રોબ્લેમ્સ’ – અદ્વૌત આશ્રમ, કલકત્તા, 14, પૃ. 13થી 16
 6. રોમાં રોલાંકૃત “લાઈફ ઑફ શ્રીરામકૃષ્ણ” : અદ્વૈત આશ્રમ, કલકત્તા-14, પૃષ્ઠ 5
 7. રોમાં રોલાંકૃત “લાઈફ ઑફ શ્રીરામકૃષ્ણ” : અદ્વૈત આશ્રમ, કલકત્તા-14, પૃ. 5
 8. ‘લેટર્સ ઑફ વિવેકાનંદ’ : અદ્વૈત આશ્રમ, કલકત્તા-14, પૃ. 225
 9. ‘લાઈફ ઑફ શ્રીરામકૃષ્ણ’નો ઉપોદ્ઘાત : અદ્વૈત આશ્રમ, કલકત્તા-14, પૃ. 7
 10. शृण्वन्तु विश्वे अमृतस्य पुत्रा आये धामानि दिव्यानि तस्थुः ।

वेदाऽहमेतं पुरुषं महान्तमादित्यवर्णं तमसः परस्तात् ।

तमेव विदित्वाऽतिमृत्युमेति नान्यः पन्था विद्यतेऽयनाय ॥ શ્વેતાશ્વતરોપનિષદઃ 2-5, 3-8

 1. इह चेदवेदीदथ सत्यमस्ति न चेदिहावेदोन्महती विनष्टिः ।

भूतेषु भूतेषु विचित्य धीरा प्रेत्यास्माल्लोकादमृता भवन्ति ॥ કેનોપનિષદઃ 2-5

 1. ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम ।

मम वर्त्मानुवर्तंन्ते मनुष्याः पार्थ सर्वंशः ॥ ગીતા : 4.11

 1. ‘શ્રીરામકૃષ્ણ એન્ડ હિઝ યુનિક મૅસેજ’ના પુરોવચનમાં (આર્નંલ્ડ ટોયન્બી), રામકૃષ્ણ વેદાંત સેન્ટર, લંડન

14.  એજન, પૃ. 8

Total Views: 378
By Published On: May 1, 1989Categories: Mumukshananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram