સ્વામી વિવેકાનંદના પત્રો (સંચયન) ભાગ 1-2

પ્રકાશક : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

મૂલ્ય : પ્રત્યેક ભાગના રૂ. 3-50 બંને એક જ ગ્રંથમાં રૂ. 6-50

સ્વામી વિવેકાનંદે લખેલા અસંખ્ય પત્રોમાંથી 34ની પસંદગી કરી 132 પૃષ્ઠોની આ બે નાની પુસ્તિકાઓમાં પીરસવામાં આવ્યા છે. આશરે સો વર્ષ પહેલાં સ્વામીજીની શાહીમાંથી લખાયેલા આ પત્રો કદીયે વાસી થવાના નથી. એના લેખક સ્વામીજી આમ યુવાન જ ન હતા. એ તો ચિરંતન યૌવનના પ્રતીક હતા. આ પત્રસંચયમાં એમનું ઓજસ્‌, સ્વદેશની ઉન્નત્તિની ચિંતા, તેમની ઉત્કટ ભાવના તથા ગુરુચીંધ્યા કાર્યને પાર પાડવાની તમન્ના સ્થળે-સ્થળે દેખાય છે.

આ બંને પુસ્તિકાઓના 34માંથી 13 પત્રો મદ્રાસના તેમના પ્રિય શિષ્ય આલાસિંગાને અને 3 મદ્રાસના બીજા મિત્રોને લખેલા છે. મદ્રાસીઓને અને વ્યક્તિગત ગુરુભાઈઓને લખેલા પત્રોની સંખ્યા પાંચની છે. 4 પત્રો પરદેશી શિષ્યોને લખેલા છે. ભારતમાં પરિભ્રમણ વખતે જૂનાગઢ જતાં ત્યાંના દીવાન હરિદાસ દેસાઈએ સ્વામીજીનું આતિથ્ય પ્રેમપૂર્વક કર્યું હતું. તેમને એક પત્ર છે અને નૈનીતાલના શ્રી મહમ્મદ સરફરાઝ હુસેનને લખેલો એક પત્ર પણ આ સંચયમાં છે.

યજ્ઞેશ્વર ભટ્ટાચાર્ય અને ગોવિંદ સહાયને લખેલા બે પત્રોને, અને “ભારતી”ના સંપાદક શ્રીમતી સરલા ઘોષાલ પરના તથા શ્રી હુસેનને લખેલા પત્ર (આ 4)ને બાદ કરતાં બાકીના પત્રોનો મોટો ભાગ અમેરિકાની ધરતી પરથી લખાયેલ છે. બે ઇંગ્લૅન્ડમાંથી લખાયા છે.

સ્વામીજીના વિપુલ પત્ર સંગ્રહમાંથી ચૂંટેલા આ 34 પત્રોને આચમન જ કહી શકાય. એ આચમનજલમાં સ્વામીજીના ગંગા જેવા પવિત્ર ને પારદર્શક વ્યક્તિત્વનું સ્ફટિકશું નિર્મળ પ્રતિબિંબ દેખાય છે. 1893ના ઑગસ્ટની 30મી એ આલાસિંગાને લખેલા પ્રથમ પત્ર અને અઢી મહિના પછી લખેલા બીજા પત્ર વચ્ચેના ગાળામાં એક અજ્ઞાત, અકિંચન સંન્યાસીમાંથી વિશ્વ ધર્મપરિષદમાં પોતાના પ્રથમ પ્રવચને જ લોકહૃદયને જીતી લેનાર, એક સંપ્રદાય કે એક ધર્મનો ઝંડો લહેરાવનાર અને પ્રતિષ્ઠિત મહાનુભાવોની સામે, સંકુચિતતાથી ને વાડાબંધીથી પર, વિશ્વ સમસ્તને આવરી લેનાર વેદાંતના શંખધ્વનિથી ધરણી ધ્રુજાવનાર વિશ્વવિખ્યાત વ્યક્તિ સ્વામીજી બની ચૂક્યા હતા. પણ એ બીજા પત્રમાં કે બીજા કોઈ પણ પત્રમાં આ દિગ્વિજયનો ભાર ક્યાંય દેખાતો નથી. ‘પગ પાસે વિશ્વના ચૂરેચૂરા થાય તો પણ ડગે નહીં તેવું મનોબળ કેળવવાની’ (પત્ર 3, પૃ. 7) વૃત્તિવાળા, સ્વામીજી પોતાની જાતને માટે કહે છે : “હું તો રહ્યો મૂર્ખ, એટલે મારી પાસે કશું જ તૈયાર ન હતું. (પત્ર 4, પૃ. 14) અને આ ‘મૂર્ખ’ના જ ભાષણને બીજે દિવસે સઘળાં વર્તમાનપત્રોએ સર્વશ્રેષ્ઠ જાહેર કર્યું હતું. (એજન્, પૃ. 14) પોતાની આ સિદ્ધિનો યશ સ્વામીજી ‘મૂંગાને વાચાલ કરનાર’ને આપે છે.

તત્કાલીન અમેરિકન સમાજનું સ્વામીજી બારીકાઈથી નિરીક્ષણ કરે છે. ત્યાંની સમૃદ્ધિ જોતાં મોહી પડવાને બદલે એમને ભારતની કંગાલિયત યાદ આવે છે ને ત્યાંની સ્ત્રીઓનાં સ્થાન, માનપાન જોતાં એમને આપણી કચડાયેલી સ્ત્રીઓની દુર્દશા સતાવે છે. સ્વામીજીની નિરીક્ષણ શક્તિ અતિ સુક્ષ્મ છે. એવી જ એમની હાસ્યવૃત્તિ છે.

દેશથી, દેશબાંધવોથી અને ગુરુભાઈઓથી આટલે દૂર હોવા છતાં અને ત્યાં મુલાકાતોમાં, વ્યાખ્યાનોમાં અને વર્ગોમાં વ્યસ્ત હોવા છતાં સ્વામીજીના અંતઃકરણમાં સૌથી ઊંચે સ્થાને છે. એમના ગુરુએ ચીંધેલું કાર્ય. સ્વામી અખંડાનંદ પરના પત્રમાં (પત્ર 20) રામકૃષ્ણ મિશનના કાર્યક્ષેત્રનો ઉલ્લેખ છે. “પ્રત્યેક ગામમાં ગરીબ અને નિરાધારને ઘેર ફરજો.” “ગરીબને, અભણને, અજ્ઞાનીને, દુઃખીઓને અને એવા” લોકોને ઈશ્વર માનો, આવા લોકોની સેવા એ જ સર્વોચ્ચધર્મ (પૃ. 78) આલમબજારના મઠવાસીઓ પરના પત્રમાં મઠના કાર્યક્ષેત્રની વિગતો છે. શશીમહારાજ પરના પત્રમાં શ્રી રામકૃષ્ણ જયંતી પ્રસંગે નિમંત્રણનો મુસદ્દો, પ્રસાદ બનાવવા પાછળ કેટલો સમય આપવો તે અને પાણી ઊકાળીને લેવું ઈ. સૂચનો છે. (પત્ર 26)

દેશ બાંધવોને કે પરદેશી ભક્તોને, સ્વધર્મીને કે પરધર્મીને, સંસારીને કે ત્યાગીને, પુરુષને કે સ્ત્રીને ગમે તેને લખેલા પત્રમાં સ્વામીજીનું પ્રેમ નીતરતું હૈયું છલકાય છે. સ્ત્રીઓ, અસ્પૃશ્યો અને દરિદ્રો માટે એમનું અંતઃકરણ કરુણાથી દ્રવે છે. રૂઢ ધર્માચરણને એ સ્વીકારતા નથી. દેશની અને દેશબાંધવોની સર્વતોમુખી ઉન્નતિની તમન્ના સ્વામીજી સેવી રહ્યા હતા. પોતાને વેઠવી પડતી તકલીફો પ્રત્યે સ્વામીજી હસી શકે છે, પોતાને હેરાન કરનારાઓને એ ઉદારતાથી ક્ષમા આપી શકે છે ને પોતાને મળેલી કીર્તિથી તદ્દન નિર્લેપ રહી શકે છે. પોતે એક પળ માટે ભૂલતા નથી કે “હું દક્ષિણેશ્વરમાં વડના ઝાડ તળે એકચિત્તે શ્રીરામકૃષ્ણદેવનાં અદ્‌ભુત વચનો સાંભળનારો બાળક જ છું. (પત્ર 34, પૃ. 130) હા, સ્વામીજી બાળક જેવા નિર્દોષ અને નિષ્પાપ જ હતા. સ્વામી વિવેકાનંદના આ પત્રો રોમાંચક પ્રેરણા આપનારા છે. આ પત્રોએ મહાત્મા ગાંધી, નેતાજી સુભાષચંદ્ર બોઝ, ડૉ. એસ. રાધાકૃષ્ણન્ વગેરે મહાનુભાવોને પ્રેરણા આપી છે અને આજે પણ આ પત્રો યુવાનોને પ્રેરણાદાયી થઈ પડે એવા છે. સંખ્યાની દૃષ્ટિએ આ સંચય ભલે નાનો હોય, પણ ગુણસમૃદ્ધિની દૃષ્ટિએ, હૃદયની ઉદાત્તતાની દૃષ્ટિએ અને પ્રેરકતાની શક્તિની દૃષ્ટિએ આ સંચય અમૂલ્ય છે, નિત્ય નવીન છે.

આ અમૃતનું આચમન છે. એ આચમન આટલી ઓછી કિંમતમાં સર્વસુલભ કરવા બદલ પ્રકાશકને ધન્યવાદ ઘટે છે.

શ્રી દુષ્યન્ત પંડ્યા, જામનગર

Total Views: 547
By Published On: June 1, 1989Categories: Sankalan0 CommentsTags: , , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram