શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
વાર્ષિકોત્સવ અને ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સમર્પણ-વિમોચન
તા. 13 એપ્રિલ ’89 એટલે ત્રણ દિવસના પાવનકારી પર્વનું પ્રથમ સોપાન – ‘શ્રી રામકૃષ્ણ-દિન’ અને ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સમર્પણ-વિમોચન વિધિ.
13મી એપ્રિલની સભાના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે (રામકૃષ્ણ મઠ અને મિશનના મદદનીશ સેક્રેટરી) ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ શ્રીરામકૃષ્ણદેવને અર્પણ કરી અને ત્યારબાદ ‘જન્મભૂમિ પ્રવાસી’ના તંત્રી અને સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી હરીન્દ્રભાઈ દવેએ આ માસિક પત્રિકાનું વિમોચન કર્યું હતું.
આ પ્રસંગે શ્રી હરીન્દ્રભાઈએ જણાવ્યું હતું કે આ પ્રકારના વિમોચનને લોકાર્પણ-વિધિ કહેવી જોઈએ. ગુજરાતમાં સારાં સામયિકો, સંસ્કાર, સંસ્કૃતિ અને મૂલ્યોનો દુકાળ સર્જાયો છે ત્યારે આ પ્રકારનાં સામયિકો સંસ્કારના દુકાળમાં રાહતરૂપ બની રહે છે. ‘જ્યોત’ શબ્દનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું કે આપણી આસપાસ અંધકાર છે. તેની વચ્ચે જીવીએ છીએ ત્યારે શ્રીરામકૃષ્ણ પરમહંસની વાણી અને શબ્દ દ્વારા બળ મળે છે. ભગવાન શ્રીરામકૃષ્ણદેવે સૌની મુક્તિ અને શાંતિ માટે 999 દરવાજા ખોલી આપ્યા છે અને એક બંધ રાખ્યો છે. આપણે સૌ દુર્ભાગી છીએ અને આંખે પાટા બાંધીને બીજા બધા દરવાજા પસાર કરીને હજારમે દરવાજે ઊભા રહીએ છીએ, માથા ઝીંકીએ છીએ પણ બધું વ્યર્થ. આવા સંતોના સંદેશ અને માસિકપત્રો આપણને સાચા દરવાજાની ઓળખાણ કરી આપે છે. આવા ગંભીર વાચન ચિત્તના કચરાને દૂર કરીને મનને ભાવ માટે જરૂરી વાતાવરણ સર્જવામાં મદદરૂપ થાય છે. આપણે સૌએ શ્રીરામકૃષ્ણે વર્ણવેલ ‘સમષ્ટિ પ્રેમ’ – અન્યનું સુખ પહેલાં, આત્મસુખ ભલે ન મળે. આવો પ્રેમભાવ કેળવવાનું આપણે શીખવું જોઈએ. વક્તવ્યને અંતે 1972, 2 જી ઑક્ટો. બેલુરમઠના ગંગાકિનારે બેઠાં-બેઠાં જે કાવ્ય સરી પડ્યું –
‘તારા ચરણોમાં જેમ રામકૃષ્ણ બેઠા હતા,
એમ કહે ક્યારે મને બેસાડશો?’ – તેનું ભાવવાહી પઠન કરીને પોતાની અમૃતવાણી દ્વારા એક અજબનું ભાવજગત સર્જ્યું હતું.
સમારંભના અધ્યશ્રી સ્વામી આત્મસ્થાનંદજીએ આ પ્રસંગને પોતાના જીવનનો ધન્ય પ્રસંગ ગણાવ્યો હતો. ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ દ્વારા સૌનાં હૃદયનાં બારણાં ખુલે અને તેનાં ઉજ્જ્વલ પ્રકાશકિરણો બધે જ ફેલાય તેવી અભિલાષા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે ભૌતિક સુખની પ્રાપ્તિ એ આપણા જીવનનું મુખ્ય ધ્યેય નથી પણ ઈશ્વરપ્રાપ્તિ એ જ સાચું ધ્યેય છે. ભૌતિક સંપત્તિ, વિજ્ઞાન, ટેક્નૉલોજી આપણને બાહ્ય રીતે સુખી બનાવે છે પણ અંતરમાં શાંતિ જોઈતી હોય તો આપણા ધર્મ અને સંસ્કૃતિનું 5000 વર્ષ જૂના વારસાનું સંરક્ષણ સંવર્ધન અને પરિષ્કાર કરવો અનિવાર્ય છે.
તા. 14મી એપ્રિલ એટલે મહોત્સવનું દ્વિતીય સોપાન – ‘સ્વામી વિવેકાનંદ દિન’ તરીકે ઉજવાયું. આ સભાના અતિથિવિશેષસ્થાનેથી બોલતાં શ્રી હરીન્દ્રભાઈ દવેએ કહ્યું હતું કે, ટૂંકુ પણ મૂલ્યવાન અને અનેક વર્ષો સુધી પ્રેરણાદાયી બનનારું જીવન મહત્ત્વનું છે. સ્વામી વિવેકાનંદ ચાર દાયકામાં આધ્યાત્મિક વારસાને જીવી ગયા અને એમનું જીવન આવતા હજારો વર્ષ સુધી આપણા માટે આદર્શરૂપ બની રહેશે. ‘શિવભાવે જીવપૂજા’નો નવો આદર્શ એમણે આપણી સમક્ષ મૂક્યો. ‘રાજાજી’ના શબ્દોમાં એમણે કહ્યું કે વિવેકાનંદે આપણા ધર્મને અને ભારતને બચાવ્યાં છે. ટાગોર કહેતા : ‘ભારતને સમજવા તમારે વિવેકાનંદનો અભ્યાસ કરવો જોઈએ.’ અંતે સ્વામીજીના અંગ્રેજી કાવ્ય THE CUPનું ભાવવાહી પઠન કર્યું હતું. સમારંભના અધ્યક્ષસ્થાનેથી બોલતાં સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે કહ્યું હતું કે :
‘આ ભૂમિના ધન્ય ભાગ્ય છે કે સ્વામી વિવેકાનંદ આ ભૂમિ પર પરિવ્રાજક તરીકે લાંબામાં લાંબા કાળ સુધી રહ્યા છે.’ સ્વામીજીએ જ્ઞાન અને કર્મનો સાચો સમન્વય કરી બતાવ્યો. જે ઈશ્વરમાં ન માને તે નાસ્તિક એમ આપણે કહીએ છીએ. તેને બદલે સ્વામીજીએ કહ્યું કે, ‘જે વ્યક્તિ પરમાર્થ-પરકલ્યાણમાં માનતો નથી તે જ ખરો નાસ્તિક છે.’
તા. 15મી એપ્રિલ એટલે આ મહોત્સવનું ત્રીજું સોપાન – ‘શ્રીશ્રીમા શારદાદેવી દિન’ તરીકે ઉજવાયું. એ પ્રસંગે સભાના અધ્યક્ષસ્થાનેથી સંબોધતાં શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે જણાવ્યું હતું કે : ‘શ્રીમા શારદાદેવી પ્રેમ, કરુણા, સેવા, ક્ષમા, સહિષ્ણુતા અને ત્યાગ જેવા સદ્ગુણોનો સમન્વય હતાં. બાહ્ય રીતે જુઓ તો ગામડાની અભણ મહિલા હતી પણ આંતર દૃષ્ટિએ જોતાં તેમનામાં સાક્ષાત્ જગદંબાના દર્શન થતાં. ‘મારી મા, મારી મા,’ કહીને દુઃખ, ફરિયાદ-લઈને આવનારને શાંતિથી સાંભળે, માર્ગદર્શન અને શાંતિ આપે. આવા લોકો માટે શ્રીમા કહેતાં, “હું આ બધાની મા છું, હું એમનાં દુઃખ નહિ મટાડુ તો કોણ મટાડશે?’ આ કરુણામયી માને મન શરત્ (સ્વામી શારદાનંદ) અને ડાકુ મુસ્લિમ અમજાદ બંને સરખાં. આ સમારંભના બીજા વક્તા આકાશવાણી રાજકોટના નિયામકશ્રી મીનળબેન દીક્ષિતે કહ્યું હતું કે : “શ્રીમા લગભગ અભણ, ગ્રામ્ય હોવા છતાં પાપી-તાપી, સંન્યાસી વગેરેના અટપટા પ્રશ્નોનું નિરાકરણ શોધવાની એમની શક્તિ, આત્મશ્રદ્ધા અને જ્ઞાનનો પરિચય કરાવે છે. ભક્તોએ શ્રીમા માં જ્ઞાની, સાધક, ત્યાગી, દેવી અને જગદંબાના રૂપોને જોયાં છે.”
‘એમનાં જીવન મૂલ્યો એટલાં સ્થિર હતાં કે તેઓ ક્યારેય કોઈથી ડરતાં નહિ અને ચલિત પણ ન થતાં. આજે પણ આજના સમાજની શિક્ષિત બહેનો શ્રીમા પાસેથી સાચાં માર્ગદર્શન, પ્રેરણા અને શાંતિ મેળવી શકે.”
ત્રણેય દિવસના કાર્યક્રમનો મંગલ પ્રારંભ વૈદિક મંત્રોચ્ચાર અને ભજનથી થયો હતો. રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી મુમુક્ષાનંદજીએ ત્રણેય દિવસ પોતાનાં સ્વાગત અને પ્રાસંગિક પ્રવચનો આપ્યાં હતાં.
ત્રણેય દિવસ સવારના 5-30 વાગ્યાથી મંગળ આરતી, વિશેષપૂજા, ભજન અને વ્યાખ્યાનનો કાર્યક્રમ હતો અને રાતના 9-00 વાગ્યે ભાવિકજનો માટે શ્રી રમણભાઈ પટેલ અને તેના સાથી મિત્રોનો ભજનનો કાર્યક્રમ અને તા. 14 અને તા. 15 સુપ્રસિદ્ધ માણભટ્ટ શ્રી ધાર્મિકલાલભાઈ પંડ્યાના ભજન-આખ્યાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
તા. 15 એપ્રિલના રોજ સવારના 9-00થી 12-00 સુધી ‘ભક્ત સંમેલન’નો વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભક્તોના સાધના અને આધ્યાત્મિક પથના પ્રશ્નોના ઉત્તર શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદ મહારાજે આપ્યા હતા.
Your Content Goes Here