[શ્રીમત્ સ્વામી શિવાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના એક અંતરંગ શિષ્ય હતા. અને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના બીજા મહાધ્યક્ષ હતા. સ્વામી વિવેકાનંદજી તેમની મહાનતાથી પ્રભાવિત થઈ તેમને ‘મહાપુરુષ’ કહીને બોલાવતા માટે ભક્તો અને સંન્યાસીઓ પણ તેમને ‘મહાપુરુષ મહારાજ’ તરીકે જ ઓળખે છે. ભક્તો અને સંન્યાસીઓની સાથે થયેલા તેમના ધર્માલાપ બંગાળી પુસ્તક ‘શિવાનંદ વાણી’માં સંગ્રહીત કરવામાં આવ્યા છે. એ પુસ્તકનું ભાષાંતર ડૉ. કમલાકાન્ત તથા શ્રીમતી શાન્તીબેન દીધે કરી રહ્યા છે તેના થોડા અંશો અહીં રજૂ કરવામાં આવે છે. – સં.]

બેલુર મઠ – (ઑક્ટોબર, 1918)

એક યુવકને શ્રી મહાપુરુષ મહારાજનાં સ્વપ્નમાં દર્શન થયાં, એ વાત એણે શ્રી મહાપુરુષ મહારાજને પત્ર દ્વારા જણાવી. એ યુવક શ્રી મહાપુરુષ મહારાજની અનુમતિ મેળવી થોડા દિવસ બેલુર મઠમાં રહેવા માટે આવ્યો છે. એક દિવસ સવારે શ્રી મહાપુરુષજી શ્રી ઠાકુરમંદિરમાંથી બહાર નીકળ્યા કે તરત જ એ યુવકે ભક્તિભાવપૂર્વક પ્રણામ કરીને મંત્રદીક્ષા આપવા માટે વિનંતી કરી. એ યુવકે મહાપુરુષ મહારાજને કહ્યું, “આપે કૃપા કરી મને સ્વપ્નમાં દર્શન આપ્યાં છે. મારી ખરા હૃદયની એક જ ઇચ્છા છે કે, આપ જ મને કૃપા કરી મંત્રદીક્ષા આપો.” આ પ્રમાણે કહેતાં-કહેતાં તેણે અશ્રુભીની આંખે શ્રી મહાપુરુષજીનાં ચરણકમળ પકડી લીધાં. તેની આગ્રહપૂર્વકની વિનંતી સાંભળી શ્રી મહાપુરુષ મહારાજે સસ્નેહ કહ્યું કે, “મારો અંતઃકરણપૂર્વકનો આશીર્વાદ છે કે, દિવસે-દિવસે શ્રીશ્રીઠાકુરનાં ચરણકમળ પ્રત્યે તારાં ભક્તિ, શ્રદ્ધા અને પ્રેમ ખૂબ વર્ધમાન થતાં રહે. તું એમના તરફ ખૂબ આગળ વધે. દીક્ષા સંબંધી મને કંઈ ખબર નથી અને મેં કોઈને દીક્ષા આપી નથી. મારામાં મૂળથી જ શ્રી ઠાકુરે ગુરુબુદ્ધિ આપી નથી. હું તો માત્ર એમનો સેવક, દાસ અને એમનું સંતાન છું. વળી, શ્રીશ્રીઠાકુર પાસેથી દીક્ષા આપવાનો આદેશ પણ અત્યાર સુધી મને મળ્યો નથી. હું જાણું છું કે, શ્રીરામકૃષ્ણ નામ એ જ આ યુગનો મહામંત્ર છે. જે ખૂબ ભક્તિભાવથી પતિતપાવન, યુગાવતાર શ્રીરામકૃષ્ણદેવના નામનો જપ કરશે તેને ભક્તિ અને મુક્તિ હસ્તામલકવત્ થશે. શ્રીરામકૃષ્ણદેવનું નામ આ યુગનું સુઘોષિત નામ છે. સામાન્ય જીવની મુક્તિ માટે શ્રીરામકૃષ્ણદેવના નામજપ પૂરતા છે. આ સિવાય બીજી કોઈ દીક્ષા લેવાની જરૂર છે એમ મને લાગતું નથી. જે તન-મન અને બુદ્ધિથી શ્રીરામકૃષ્ણદેવનાં ચરણકમળમાં આશ્રય લેશે, એમના નામજપ કરશે તે મુક્તિ મેળવશે એમાં લેશમાત્ર પણ શંકા નથી. જે રામ હતા, જે કૃષ્ણ હતા તે જ આ યુગમાં સામાન્ય જીવને મુક્તિ આપવા માટે રામકૃષ્ણ રૂપે અવતર્યા છે.”

ભક્ત : ઠાકુરના નામજપ જેટલા થઈ શકે તેટલા કરું છું, એમની પાસે પ્રાર્થના પણ કરું છું. તેઓ યુગાવતાર છે, એ વાતમાં પણ સંપૂર્ણ શ્રદ્ધા ધરાવું છું. આપ એમના અંતરંગ શિષ્ય છો, આપની કૃપા પામીને મારું જીવન સાર્થક થશે એવો મારો દૃઢ વિશ્વાસ છે.

મહાપુરુષજી : મારી કૃપા તો છે જ, ના હોય તો શા માટે આટલી વાતચીત કરું? અરે ભાઈ ! ખૂબ પ્રાર્થના કરું છું કે તારું કલ્યાણ થાઓ. એમની દયાથી તારામાં ‘તેઓ યુગાવતાર છે’, એવો દૃઢ વિશ્વાસ થયો છે, તો પછી કોઈ ચિંતા કરવાનું કારણ નથી. તું ખૂબ ભાગ્યશાળી છે. ભગવાન યુગાવતાર રૂપે અવતરે છે એ સિદ્ધાંતમાં પૂર્વજન્મનાં પુણ્યકાર્યથી વિશ્વાસ ઉત્પન્ન થાય છે. અને આવો વિશ્વાસ તારામાં થયો છે, તો પછી ફિકર શી? હું કહું છું કે તું મારી વાતમાં વિશ્વાસ રાખ. તું આ ભવબંધનમાંથી અવશ્ય મુક્ત થઈશ. ખૂબ અંતઃકરણપૂર્વક તેમને પોકાર, આર્તસ્વરે પ્રાર્થના કર. તારાં શ્રદ્ધા અને વિશ્વાસને તેઓ વધારે દૃઢ કરશે અને શ્રદ્ધા તથા ભક્તિથી તારું હૃદય ભરાઈ જશે.

ભક્ત : જપ કેવી રીતે કરવા, એનો કોઈ ખાસ નિયમ છે?

મહાપુરુષ મહારાજ : પ્રેમપૂર્વક વારંવાર ઈશ્વરનું નામ લેવું, એ જ જપ. એ જ કર અને એ કરતાં-કરતાં આનંદ અનુભવ. જપ માટે કોઈ ખાસ નિયમ નથી. દરેક સમયે હરતાં-ફરતાં, ખાતાં-પીતાં, ઊંઘમાં, સ્વપ્નમાં કે જાગૃતમાં, સર્વ અવસ્થામાં જપ થઈ શકે. મૂળ વસ્તુ ઈશ્વર પ્રત્યેનો પ્રેમ છે. જેટલા અધિક પ્રેમપૂર્વક એમનો નામજપ થઈ શકે તેટલી વધારે આનંદની અનુભૂતિ થશે, એ અંતર્યામી છે; એ પ્રાણપૂર્વક કરેલી પ્રાર્થના સાંભળે છે; અંતઃકરણની વ્યાકુળતા સમજે છે અને વ્યાકુળતાપૂર્વક એમને પોકારવામાં આવે તો તાત્કાલિક જ ફળ મળે છે. બાળક જેવી રીતે મા-બાપ પાસે હઠ કરે છે, તે જ પ્રમાણે તેમની પાસે રડી રડીને શ્રદ્ધા, ભક્તિ અને પ્રેમ માંગ. તેઓ જીવંત અને જાગૃત દેવ છે. પતિતપાવન, કળિયુગનું પાપ ધોનાર, પરમદયાળુ, ભક્તવત્સલ અને પ્રેમમય પ્રભુ છે. એમના ખૂબ નામજપ કર. સર્વ અવસ્થામાં બની શકે તેટલા જપ તો કરવા જ. પરંતુ, સાથોસાથ સવાર-સાંજ નિયમ કરીને ચોક્કસ એક જ સ્થાને બેસી જપધ્યાન કરવાની પણ ખૂબ જરૂર છે. એ જ પ્રમાણે કર.

ભક્ત : મહારાજ, ધ્યાન કેવી રીતે કરવું? ધ્યાન કરવાનો પ્રયત્ન કરું છું પણ ધ્યાન એ શું છે, તે બરાબર સમજણ પડતી નથી. ધ્યાન પૂરેપૂરું જામતું નથી.

મહાપુરુષ મહારાજ : શરૂઆતમાં ધ્યાન થવું બહુ મુશ્કેલ છે. એમની કૃપાથી એમનું નામ જપતાં-જપતાં, પ્રાર્થના કરતાં-કરતાં જ્યારે એમના ઉપર આત્યંતિક પ્રેમ થાય ત્યારે જ સહજ ધ્યાન થશે. શરૂઆતમાં ધ્યાન કરવાનો પ્રયત્ન ન કરતાં ચિર પવિત્ર, કામ-કાંચન ત્યાગી ‘શુદ્ધમ્ અપાપવિદ્ધમ્’‌, પરમ દયાળુ યુગાચાર્ય, જગદ્ગુરુ શ્રીરામકૃષ્ણદેવની શ્રીમૂર્તિ સામે બેસીને ખૂબ આર્તભાવે બાળકની માફક રડીરડીને પ્રાર્થના કરી કહેવું : “પ્રભુ ! તમે જગતના ઉદ્ધાર માટે માનવદેહ ધારણ કરીને જીવોના કલ્યાણ માટે કેટલું કષ્ટ સહન કર્યું છે? હું અતિ દીન-હીન, ભજનહીન, પૂજનહીન, જ્ઞાનહીન, શ્રદ્ધાહીન, પ્રેમહીન છું. દયા કરીને મને શ્રદ્ધા, ભક્તિ, જ્ઞાન, પ્રેમ અને પવિત્રતા આપો. મારો માનવ જન્મ સફળ થાઓ. મને દર્શન આપો. તમારા જ એક બાળકે મને તમારી પાસે આ પ્રમાણે પ્રાર્થના કરતાં શીખવ્યું છે; તમે મારા પર કૃપા કરો.” આ પ્રમાણે પ્રાર્થના કરતાં-કરતાં એમની કૃપા થશે ત્યારે મન સ્થિર થશે; હૃદયમાં પ્રેમ અને આનંદનો અનુભવ થશે; પ્રાણમાં આશાનો સંચાર થશે. પહેલાં ખૂબ પ્રાર્થના કરવી અને પછી જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે જપ કરવા. એમનું પવિત્ર નામ જપતાં-જપતાં ધ્યાન પોતાની મેળે જ થશે. જપ કરતાં-કરતાં ખૂબ એકાગ્ર ભાવથી કલ્પના કરવી કે તેઓ તમારા તરફ સસ્નેહે જોઈ રહ્યા છે. આ કલ્પના ઘણા લાંબા સમય સુધી એકચિત્તે કરવી. એજ એક પ્રકારનું ધ્યાન છે. તમે એમનું નામ જપતાં-જપતાં પ્રાર્થના કરો, “પ્રભુ ! જેથી મને ધ્યાન થાય એવું કરો.” તેઓ તે કરશે જ. ચોક્કસ જાણો. તેઓ સર્વના હૃદયના ગુરુ છે. માર્ગદર્શક, પ્રભુ, પિતા, માતા અને મિત્ર છે. ગમે તે પ્રકારથી પ્રેમપૂર્વક તેમની શ્રીમૂર્તિનું ચિંતન અથવા તેમના ગુણોનું સ્મરણ કરવું એ જ ધ્યાન છે. હવે આ પ્રમાણે કર્યા કરો. પછીથી જરૂર પ્રમાણે તેઓ અંદરથી બતાવશે કે કેવી રીતે ધ્યાન કરવું. ખૂબ વ્યાકુળતાપૂર્વક પોકારો, ખૂબ આક્રંદ કરો. અશ્રુદ્વારા મનની સઘળી મલિનતા દૂર થશે અને તેઓ કૃપા કરીને પોતાનું સ્વરૂપ બતાવશે. આ બધું એક દિવસમાં કે એકાએક થતું નથી. કરતા રહો, પોકારતા રહો, અવશ્ય તેમનો પ્રતિસાદ મળશે, આનંદ મળશે.

ભક્ત : મહારાજ ! આ પ્રકારની વ્યાકુળતા થતી જ નથી. એમને પ્રાપ્ત કરવાની વ્યાકુળતા કેવી રીતે આવે?

મહાપુરુષ મહારાજ : અરે ભાઈ વ્યાકુળતા કોઈ કોઈને શીખવી શકતું નથી. એ પોતાની મેળે આવે છે – યથા સમયે. મનમાં ભગવાનનો અભાવ જેટલો વધારે લાગશે તેટલી વ્યાકુળતા વધશે. આ અભાવનો અનુભવ જો ન થાય તો સમજવું કે હજી સમય થયો નથી. મા જાણે છે કે ક્યા બાળકને ક્યારે જમાડવાનું છે. મા એક બાળકને મોડું જમાડે છે અને એનું કારણ શું, તે માત્ર મા જ જાણે. ઈશ્વર જ મા છે. તેમના ઉપર સંપૂર્ણ આધાર રાખીને રહેવું જોઈએ. તેઓ સંસારી મા જેવા નથી, તેઓ તો અંતર્યામી છે. ક્યું બાળક ખરા હૃદયથી એમનાં દર્શનની ઇચ્છા રાખે છે, તે તેઓ ખૂબ સારી રીતે જાણે છે અને યોગ્ય સમયે દર્શન આપે છે. એમને ખૂબ પોકાર અને એમના ખૂબ નામ-જપ કર. તેમના ઉપર સંપૂર્ણ આધાર રાખીને રહે. જે સમયે જે જરૂર હશે તે તેઓ પૂરું કરશે. પવિત્રતા એ ધર્મનો પાયો છે, પવિત્ર હૃદયમાં ભગવાન જલદી પ્રગટ થાય છે. મન, વચન અને કર્મથી પવિત્ર રહે, અત્યારે તો તારું વિદ્યાર્થી જીવન છે. વિદ્યાર્થી જીવન ઘણું મધુર છે. શ્રીઠાકુર પવિત્ર અને વિષયવાસના વિનાના છોકરાને ખૂબ ચાહતા હતા. જેના હૃદયમાં વિષય વાસનાનો ડાઘ નથી તેનામાં શીઘ્ર જાગૃતિ આવશે. વળી શ્રદ્ધા અને વિશ્વાસની વધારે આવશ્યકતા છે. જે પ્રમાણે તને કહ્યું છે એ પ્રમાણે શુદ્ધ ચિત્ત અને સંપૂર્ણ વિશ્વાસથી સાધનામાં લાગી જા; અને તું જોઈશ કે એમની કૃપા થાય છે – ખૂબ આનંદ થશે. અરે ભાઈ, મૂળ વાત એ છે કે સાધના કરવી જોઈએ. શ્રીઠાકુર કહેતા : ‘માત્ર ભાંગ-ભાંગ બોલવાથી જ નશો ચડતો નથી. ભાંગ લાવવી પડે, પરિશ્રમ કરીને એને ઘૂંટવી પડે, પીવી પડે, ત્યારે જ નશો ચઢે છે.’ તે પ્રમાણે ભગવાનનું સ્મરણ કર, એમનું ધ્યાન કર, એમની પાસે ખરા અંતઃકરણથી પ્રાર્થના કર, ત્યારે જ ભાઈ, આનંદ થશે.

ભક્ત : ખૂબ આશાપૂર્વક હું આપની પાસે આવ્યો હતો કે, આપ મને કૃપા કરી મંત્રદીક્ષા આપશો. મહારાજ ! આપ મારા પર કૃપા કરો.

મહાપુરુષ મહારાજ : અરે ભાઈ, તને કહ્યું તો ખરું, કે હજી સુધી શ્રીઠાકુર પાસેથી મંત્રદીક્ષા આપવા માટે મને કોઈ આદેશ મળ્યો નથી. તું દીક્ષાની ચિંતા કરીશ નહિ. ખરા હૃદયથી એમને પોકાર જ, એટલે એ તારી પ્રાર્થના સાંભળશે અને તારી ઇચ્છા પૂરી કરશે. તારે મંત્રદીક્ષા લેવાનો સમય થશે ત્યારે શ્રીશ્રીઠાકુર પોતે જ એની વ્યવસ્થા કરશે. હું ખરા અંતરથી પ્રાર્થના કરું છું : “શ્રીપ્રભુનાં ચરણકમળમાં તને સંપૂર્ણ શ્રદ્ધા થાય અને તું એમનાં ચરણકમળમાં સંપૂર્ણ શરણાગતિ લઈ શકે. પ્રેમ અને પવિત્રતાથી તારું હૃદય ભરાઈ જાય, પ્રભુ દિવસે-દિવસે તારાં વિશ્વાસ, ભક્તિ અને પ્રેમ વધારે એવી ખૂબ પ્રાર્થના હું કરું છું.” આ પ્રમાણે કહેતાં-કહેતાં આંખો બંધ કરીને થોડા સમય માટે શ્રી મહાપુરુષ મહારાજ બેસી રહ્યા. પછીથી ભક્તના માથા પર હાથ મૂકીને તેમણે આશિષ આપી. લાગણીના પ્રવાહથી ભક્તની આંખમાંથી આંસુ પડવા લાગ્યાં. થોડો સમય પછી ભક્ત શાંત થયો એટલે શ્રી મહાપુરુષ મહારાજે પ્રેમપૂર્વક પોતાને હાથે તેને શ્રીઠાકુરનો પ્રસાદ આપ્યો.

Total Views: 365
By Published On: June 1, 1989Categories: Sankalan0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram