[લેખિકા મેરી લુઈ બર્ક (ગાર્ગી) ‘અમેરિકા અને યુરોપમાં સ્વામી વિવેકાનંદ’ એ વિષય પરના શોધકાર્ય માટે પ્રખ્યાત છે. આ વિષયને તેમણે પોતાના જીવનની સાધના બનાવી છે. સમગ્ર જીવનની તેમની સાધનાના સુફલરૂપે તેમનો ગ્રંથ ‘સ્વામી વિવેકાનંદ ઇન ધ વેસ્ટ’ છ ભાગોમાં પ્રકાશિત થયેલ છે. પ્રસ્તુત લેખ અંગ્રેજી માસિક પત્રિકા ‘વેદાંત કેસરી’ (જુલાઈ ’88)માંથી સાભાર લેવામાં આવેલ છે. ભાષાંતરકાર શ્રી વ. પિ. – સં.]

આધ્યાત્મિક જ્ઞાન, પ્રેમ અને શક્તિમાં બીજા સામાન્ય જનો કરતાં ખૂબ ચડિયાતી અરે, જે સંતોને આપણે સન્માન આપીએ છીએ તેમના કરતાં યે ખૂબખૂબ ઊંચેરી – એવી એકાદ વ્યક્તિ માનવજાતના ઇતિહાસમાં કોઈક કાળે જન્મ ધારણ કરે છે. એવી તો લોકોત્તર હોય છે કે એના પછી સૈકાઓ સુધી એના પ્રત્યેના વિસ્મય અને ભક્તિથી આપણો શ્વાસ થંભી જાય છે. જેમ કે, ઘણા લોકો જેમને દિવ્ય અવતાર ગણે છે એ બુદ્ધ અને ખ્રિસ્તના, આ ધરતી પરના અસ્તિત્ત્વના ઓજસથી આપણે સ્તબ્ધ બની વીજ ઝબકાર અનુભવીએ છીએ. અગાઉના આપણા જાણીતા કોઈના કરતાં પણ ક્યાંય વધારે સર્વતોમુખી અને વધારે સમર્થ એક વ્યક્તિ આજથી સો-દોઢસો વર્ષ પૂર્વે તાજેતરના સમયમાં જ થઈ ગઈ. આપણી વચ્ચે અહીં રામકૃષ્ણ હતા – શ્રીરામકૃષ્ણમાં આધ્યાત્મિક જ્ઞાનનો સંપૂર્ણ વ્યાપ હતો, આધ્યાત્મિક અનુભૂતિઓ અને વૃત્તિઓનાં એ બધાં જ સપ્તકો હતાં અને મુક્તિ માટેની કશી જ મર્યાદા વગરની અને અભેય શક્તિ હતી. વળી તેઓ એકલા જ આવ્યા ન હતા; એમની સાથે હતાં શ્રી શારદાદેવી, સ્વામી વિવેકાનંદ, સ્વામી બ્રહ્માનંદ અને આધ્યાત્મિક શક્તિના વિપુલ સ્રોતસમા બીજાં અનેક ! એ એક સમગ્ર નક્ષત્રમંડળ હતું જે આપણી ઉપર થોડો સમય પ્રકાશ વર્ષાવીને દૃષ્ટિ  પાર થઈ ગયું.

ભગવાનના માનવસ્વરૂપમાં પૃથ્વી પર અવતરવા જેવાં સહજમાં ગળે ન ઊતરે એવાં રહસ્ય અને આવકાર્ય ઘટનામાં ઊંડા ઊતરવાનો ઇરાદો આ લેખમાં હું ધરાવતી નથી. ગમે તેટલી અગમ્ય એ ઘટના ભલે હોય, પણ એવું આશ્ચર્ય બને છે એ હકીકતનો સ્વીકાર કરીને જ ફક્ત આપણે આગળ વધીએ; પરંતુ આ માટે શ્રીરામકૃષ્ણના વીસમી સદી સાથેના સંબંધનો થોડોક પણ અભ્યાસ સહાયરૂપ થાય તેમ છે, કારણ કે એ સદી સાથે આપણને સંબંધ છે. અને હું ખાતરીપૂર્વક કહીશ કે, સૌ જાણીતા અવતારો કરતાં મહાન એવા આ અવતારનું પ્રાગટ્ય જે આ સદીને માટે થયું હતું તે સદીના આરંભથી નવયુગનો આરંભ થાય છે; વળી તેઓ પોતાની સાથે આધ્યાત્મિક શક્તિપુંજોનું એક જૂથ લઈને આવ્યા હતા, કેમ જાણે આ વેળા કંઈ અધૂરાં પગલાં ચાલવાનાં ન હોય !

તો સૌ પ્રથમ, આ વીસમી સદી શું છે (કે થઈ છે)? પાછલાં સત્યાશી વર્ષો પર કોઈ બરાબર તાકે કે ઊડતી નજર નાખે તો એને જણાશે કે આ સદી સુવર્ણયુગ બનવાથી ઊણી ઊતરી છે. અહીં આપણે સ્પષ્ટપણે પાશ્ચાત્ય સંસ્કૃતિનો વિચાર કરીશું. કારણ કે, આજના યુગમાં આખા જગતની સંસ્કૃતિ પાશ્ચાત્ય સંસ્કૃતિ છે. ભલે હજી એ દુનિયાને દરેક ખૂણે નથી ફેલાઈ તો પણ થોડા જ સમયમાં એ – કેટલાકના કહેવા પ્રમાણે પ્લેગની માફક ફેલાઈ જશે. પરંતુ શાસ્ત્રીયજ્ઞાનની એની મોટી પ્રગતિ, યાંત્રિક માયાજાળ, ઊંચું જીવનધોરણ અને નીચું જીવનધોરણ, એની સમૃદ્ધિ, એની દરિદ્રતા, આ ગ્રહની એની નિર્મમ અને નાદાન લૂંટ અને પ્રદૂષિતતા, ભેદભાવ વિરુદ્ધ એનો અવિરત સંઘર્ષ, એની અશાંતિ, સાંસ્કૃતિક ધૃતિનો એનો વધતો જતો અભાવ, બધાં માનવીઓના સુખ માટે એની તીવ્ર આરજૂ, એનાં ઘોંઘાટ, એના વિતંડાવાદ, એના વેગ સાથે આ પાગલ આદર્શલક્ષી, નાશવંત, ઘણીવાર ભયાનક એવી, પશ્ચિમની આ સંસ્કૃતિ સમગ્ર પૃથ્વી પર છવાતી જાય છે. હું માનું છું કે આ સંસ્કૃતિની લાક્ષણિકતાને એક ઉક્તિમાં શબ્દબદ્ધ કરવાનું શક્ય નથી – આટલે નજીકથી તો કોઈ જ તેમ કરી શકે નહીં. આમ છતાં એના બધી વૈવિધ્ય અને વિરોધાભાસો છતાં, એ સંસ્કૃતિમાં નખથી શિખા સુધી પ્રવર્તતું (કે પ્રદૂષિત કરતું) એક એવું ચોક્કસ વલણ દેખાશે જ. ને આ વલણ આ સદીનું સૌથી અગત્યનું અને દીર્ઘકાળ પર્યંત અસર મૂકી જાય તેવું વલણ નથી, પણ એનું એ સૌથી વિશેષ ભયંકર લક્ષણ છે, તેમ હું માનું છું.

છાંદોગ્ય ઉપનિષદમાં આપણને વાંચવા મળે છે તેવા આસુરી માનસશાસ્ત્રથી વીસમી સદીની પાશ્ચાત્ય સંસ્કૃતિ વીંધાયેલી છે. વાચકને યાદ હશે કે જે જાણવાથી બધા લોકની પ્રાપ્તિ અને બધી ઇચ્છાઓની તૃપ્તિ થાય છે તે આત્મા વિશે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે દેવોનો પ્રતિનિધિ ઇન્દ્ર અને દાનવોનો પ્રતિનિધિ વિરોચન એ બંને હાથમાં સમિધ લઈ સૃષ્ટિકર્તા પ્રજાપતિ પાસે ગયા. પ્રજાપતિએ એ બંનેને ઉત્તમ વસ્ત્રાભૂષણોથી સજ્જ થઈ પાણીના પાત્રમાં જોવાનું કહ્યું. બંનેએ તેમ કર્યું, ને પછી પ્રજાપતિએ ગુરુઓની લાક્ષણિક અદાથી કહ્યું :‘પાણીમાં તમને જે પ્રતિબિંબ દેખાય છે તે આત્મા છે.’ બંને સંતુષ્ટ થઈ, શાંતિથી નિજસ્થાને ગયા. પરંતુ ઇન્દ્ર લાંબો સમય શાંત રહી શક્યો નહીં, ને આ બોધના અસંતોષ વિશે ફરિયાદ કરતો પાછો આવ્યો. પણ વિરોચન તો સાથી અસુરો પાસે ગયો અને તેમને આત્મા વિશે એ સિદ્ધાંત કહ્યો કે, ‘દેહ એજ આત્મા’; જે પોતાના દેહને આ લોકમાં સુખમાં રાખે છે, જે પોતાના દેહની સેવા કરે છે ને તેને શણગારે છે તેને આ લોક અને પરલોક બંને પ્રાપ્ત થાય છે.1 આ ઉપનિષદમાં વિશેષે એમ કહેવાયું છે કે આ માન્યતાને અનુસરે તે અસુર.

અલબત્ત આસુરી માનસ બાબત કંઈ નવું નથી. ઉપનિષદ કાળમાં એનું અસ્તિત્વ હતું એ સ્પષ્ટ છે, અને એથી યે પુર્વે એ હતું અને દરેક યુગમાં એ હોય છે જ. પરંતુ વીસમી સદીના પશ્ચિમના સમૃદ્ધ દેશોમાં એ ચરમ કોટિએ પહોંચ્યું છે. અર્વાચીન અસુર પોતાની શક્તિના શિખરે ઊભો છે ને, સંપૂર્ણતઃ તથા કાયદેસર સ્વચ્છંદે વિહરે છે. સમાજ તેની પીઠ થાબડે છે, તેને તાળીઓથી વધાવે છે. અને અસુરના અમર્યાદ ભોગવટાને તથા કુકકુટ નૃત્યને લગભગ પૂજે છે; એને શરમાવે તેવો શબ્દ ક્યાંય ઊઠતો નથી. આમ વીસમી સદીમાં આપણે સૌ અસુર બની બેઠાં છીએ; દેહ આત્મા છે એ માન્યતા આપણી પાશ્ચાત્ય સંસ્કૃતિનું જો મૂળ નથી તો અનુસ્યૂત સૂત્ર તો છે – શરીર એટલે હાડમાંસનો માળો (પણ અદ્‌ભુત રીતે બનાવેલો) ને તે ઉપર વીજ રાસાયણિક ધબકારાથી જીવનપર્યંત ધબકતું ડોચકું. શરીર સિવાય આપણે બીજું કશું છીએ એ ખ્યાલના સ્વીકાર માટે કોઈ વૈજ્ઞાનિક કારણ મળ્યું નથી; આપણે દેહો જ છીએ ઇતિ. ને એ ઇતિ મોટા ભયનું મૂળ છે. કારણ એ પછી આવે છે શૂન્ય, દેહના અવસાન સાથે માનવીનું અવસાન થાય છે. એથી આપણે મૃત્યુને ઠેલવાનો પ્રયત્ન ખૂબ જોરથી કરીએ છીએ. યૌવન અને આરોગ્ય મૃત્યુ સામેના આપણા સૌથી મજબૂત કિલ્લા છે અને વીસમી સદીની પાશ્ચાત્ય સંસ્કૃતિથી આપણામાંથી જે રંગાયેલા છે તે, જ્યાં સુધી રહી શકાય ત્યાં સુધી (કમ સે કમ, દેખાવમાં) યુવાન અને તંદુરસ્ત રહેવાના ખ્યાલથી પીડાય છે. યૌવન અને આરોગ્યના ધંધા પાછળ પ્રતિ વર્ષ અબજો ડોલર ખર્ચાય છે. તંદુરસ્ત શરીર સામે, અલબત્ત, કશો જ વિરોધ હોઈ શકે નહીં, માણસે તંદુરસ્તી પ્રાપ્ત કરવી અને જાળવવી રહી – પણ આ ઘેલછા !

પણ વાત આટલેથી જ અટકતી નથી. આપણા દેહ સાથે જ નહીં, પણ આપણી માલિકીની વસ્તુઓ સાથે પણ આપણે તાદાત્મ્ય સાધીએ છીએ, ને આપણા તાદાત્મ્યના છીછરાપણામાં આપણે અસુરોને સારા કહેવરાવીએ છીએ. અને માલિકીની જણસો જીર્ણ થાય છે, ચોરાય છે અથવા અન્ય માર્ગે અદૃશ્ય થાય છે એ વાતથી પૂરા વાકેફગાર હોવા છતાં આપણે આપણી માયામાં નિત્ય વધારો કરતા જ રહીએ છીએ.

અંતહીન ઇચ્છાવાળાં નાનાં, મર્યાદિત પ્રાણીની કક્ષાએ ઊતરી ગયાં છીએ. ને ત્યાં જ આ યુગનું સાચું ભયસ્થાન રહેલું છે; કારણ કે મન જેટલું નાનું તેટલું વધારે સ્થૂળ એ સિદ્ધાંત છે. માનવ સ્વભાવને બહારથી ને અંદરથી પૂરેપૂરો જાણનાર એક મહાનુભાવના શબ્દો હું ટાંકું છું :‘આપણે સૌ ક્ષુદ્ર મનુષ્યો છીએ… આપણે ટોળાં સાથે દોડીએ છીએ, પછી આપણી બધી પ્રાકૃતિક પ્રેરણાવૃત્તિઓ પ્રગટ થાય છે ને લાખોગણું મોટું સ્વરૂપ ધારણ કરે છે. પછી આવે છે હરીફાઈ, યુદ્ધ, વિનાશ, અણુબોમ્બ, હાઈડ્રોજન બોમ્બ અને બધા પ્રકારનાં શસ્ત્રાસ્ત્રો અને પ્રક્ષેપાસ્ત્રો (મિસાઈલ્સ). એ સર્વ સ્થૂળ પ્રેરણાવૃત્તિનાં પરિણામ છે.2

માનવજાતનો વેલો ચાલુ રાખવો હોય તો, વીસમી સદીની સંસ્કૃતિનું આ આસુરી માનસ પાયામાંથી બદલવું પડશે, એ વાત આપણે સારી રીતે જાણીએ છીએ. પણ એનામાં પરિવર્તન ન આવે અથવા કરાય શી રીતે? સામાજિક માળખાનો વાંક કાઢીને કે એને બદલીને તો નહીં જ. જે પ્રજાનું દૃષ્ટિબિંદુ પ્રાધાન્યતઃ આસુરી છે તે દિવ્ય પ્રજાને જન્મ આપે એવો કોઈ માર્ગ નથી. સૌ પહેલાં, અને સ્પષ્ટ રીતે જ, લોકોએ જાતે જ બદલવું રહ્યું, ને એનો એક જ માર્ગ છે, ઇન્દ્ર (ને આપણા સૌમાં એક ઇન્દ્ર છુપાયેલો છે)ની માફક આપણે સૌએ પ્રજા પાસે જઈ આત્મતત્ત્વ વિશે વધારે જાણવું પડશે અને આપણો ભય તેમ જ આપણી આવશ્યકતા સમજી, કરુણાના સ્વામી પ્રભુ પોતે જ આપણી સમક્ષ નથી પધાર્યા શું? શ્રી રામકૃષ્ણના વ્યક્તિત્વમાં પ્રભુએ પોતાની જાતને સુલભ નથી બનાવી દીધી? ગીતામાં ભગવાન કહે છે :‘જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે અને અધર્મ જોર કરે છે ત્યારે હું અવતાર ધારણ કરું છું. સાધુ પુરુષોના રક્ષણને માટે અને દુષ્ટોના વિનાશને માટે તથા ધર્મના સંસ્થાપન માટે યુગેયુગે આવું છું.3

અને વીસમી સદીમાં સ્થૂળ ભૌતિકવાદનો જ્વાળામુખી ફાટ્યો છે તેથી, આ માટે સમય પાક્યો છે એટલું જ નહીં, મધ્યયુગની સંસ્કૃતિથી વિજ્ઞાન ઉદ્યોગ યુગની સંસ્કૃતિ ભિન્ન હતી એટલી જ ભિન્ન સંસ્કૃતિ જગતમાં જન્મી રહી છે. વીસમી સદીએ વિજ્ઞાનમાં ક્રાંતિ સર્જી છે જેનો આરંભ મેક્સપ્લેંકે 1900માં તરંગ સમૂહ (ક્વૉન્ટમ્) સિદ્ધાંત રજૂ કર્યો ત્યારથી થયો છે. બીજું એમ કે એ ક્રાંતિમાં નિશાનનો ગડગડાટ સ્વામી વિવેકાનંદની અમેરિકાની પ્રથમ મુલાકાતને સમયે સંભળાયો હતો; ત્યારે જે. જે. ટોમ્સને વીજાણુઓ-ઇલેક્ટ્રોન્સની વમળ ગતિની હકીકતની ખાતરી આપી હતી. તો એમ કહી શકાય કે વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક ક્રાંતિ એકી સાથે જ શરૂ થઈ, કારણ કે શ્રીરામકૃષ્ણના પટ્ટશિષ્ય માનવી અને પ્રભુને લગતી નવી વિભાવનાનો બોધ પશ્ચિમને આપી રહ્યા હતા ત્યારે જ, ભૌતિક વિશ્વની નવી વિભાવનાનો ઉદય થયો. અને આજે વીસમી સદી પૂરી થવા આવી છે ત્યારે, આ બે વિભાવનાઓ સંગમસ્થાને આવી ઊભી છે. આપણી પોતાની અને આપણને વીંટી વળતી સમગ્ર સૃષ્ટિ, પ્રત્યે જોવાની નવી દૃષ્ટિ જ આકાર લઈ રહી છે. અમોરી દરિયેકોર્ત નામના એક અર્વાચીન લેખકના ભાખ્યા પ્રમાણે, ‘આખા ગ્રહની સંસ્કૃતિ ઉદય પામી રહી છે.’4 સામાન્ય રીતે બોલતાં, આજે બની રહ્યું છે તે એ છે કે ભૌતિકશાસ્ત્રના સૈદ્ધાંતિક વૈજ્ઞાનિકો, કમ સે કમ એમાંના કેટલાક કારણ કે કોઈ પણ ક્ષેત્રે જે નવું જન્મે છે તે પૂર્વગ્રહ વિનાનો સાર્વજનિક આવકાર ભાગ્યે જ પામે છે – પોતાની શોધો અને પૂર્વના રહસ્યવાદના પ્રાચીન બોધ વચ્ચે અસાધારણ સામ્ય જુએ છે. ‘આજના ભૌતિકશાસ્ત્રના વિશ્વચિત્ર અને પૂર્વની અધ્યાત્મવિદ્યાના વિશ્વદર્શન વચ્ચેનું આશ્ચર્યજનક સામ્ય આપણા સમયની વિશિષ્ટ ઘટના છે; એમ રિયેંકોર્ત કહે છે.5

હું આ સ્થળે ઉદાહરણો આપવાનો પ્રયત્ન નહીં કરું, કારણ કે, મનને કસરત કરાવે તેવી, વીસમી સદીના ભૌતિકવિજ્ઞાનની વિભાવનાઓની બાબતમાં, સરેરાશ લોક મૂંગું રહેવા પૂરતું શાણું છે. એ સમજતું હોય તો પણ (જેની શક્યતા ઓછી છે) એનાં મોંમાંથી શબ્દો બહાર પડે ને કાગળ પર તેને એ માંડે તે પહેલાં તો એ વિભાવનાઓ બદલાઈ ગઈ હશે. પરંતુ, માયાનું કાર્યક્ષેત્ર સામાન્ય બુદ્ધિની પકડમાં આવવું કે નજર અંદાજ થવું જેટલું અઘરું છે તેટલું જ અઘરું દિક્, કાલ, કાર્યકારણ ભાવ અને પદાર્થ પોતાને વિશે પણ, આજના ભૌતિકવિજ્ઞાનની દૃષ્ટિએ સમજવું એ છે, એમ નિશ્ચિતપણે કહી શકાય. કિંતુ, લોક પાગલ નથી :‘વિશ્વમાં એકતા છે, ને સમાનતાની અભિવ્યક્તિથી ખૂબ ઊંડેરી છે, એ એકતા કહે છે કે અખિલ વિના તમને કંઈ મળી શકે નહીં;6 એમ કહી શકાય કે, બધામાં અનુસ્યૂત મહાશક્તિની (સુપર ફોર્સ)ની શોધ, જે શક્તિમાંથી બધી શક્તિઓ અને બધા કણો વિભક્ત થાય છે અને એ સૌનાં ગતિકાર્ય (બિહેવિઅર)ને એક સર્વગ્રાહી મહાયોજના વડે જે સમાવી શકે તે – એકત્ર સિદ્ધાંત (યુનિફાયડ થીઅરિ) પ્રત્યક્ષ થવાની ઘડી આવી પૂગી છે. સાથોસાથ, ભૌતિકવિજ્ઞાન દ્રષ્ટાને કાર્યરત અને આવશ્યક ભાગીદાર તરીકે લાવી રહ્યું છે. વિખ્યાત અમેરિકન ભૌતિકવિજ્ઞાન શાસ્ત્રી જોન વ્હીલર લખે છે કે, ‘ભાગ લેનારાઓના ભાગ લેવાના કાર્યથી, કોઈ વિચિત્ર અર્થમાં, વિશ્વનો “ઉદ્ભવ” થતો હોય?… ભાગ લેવો તે અગત્યનું કાર્ય છે. ભાગીદારની તર્કાતીત નવી વિભાવના ક્વોંટમ યંત્રશાસ્ત્ર આપે છે. રૂઢ સિદ્ધાંતના “દ્રષ્ટા”ને એણે ધક્કો માર્યો છે; દ્રષ્ટા એટલે જાડા કાચની દિવાલ પાછળ સલામતીથી બેસે છે ને કશો ભાગ લીધા વિના જે ચાલી રહ્યું છે તેનું અવલોકન કરે છે. ક્વોંટમ યંત્રશાસ્ત્ર જણાવે છે કે એમ બની શકે જ નહીં.7 વેદાંત (અથવા સાંખ્ય)ની ઇન્દ્રિયો અને તેમના વિષયોની આંતર ગૂંથણીની વિભાવનાથી આ વિભાવના ભિન્ન નથી. ને સત્યનું આ દર્શન ભૌતિકવિજ્ઞાન શાસ્ત્રીઓએ કર્યું છે તેથી આને જરા આગળ લંબાવવામાં આવે તો, પ્રાચીન ઋષિઓની સ્પષ્ટ અને મહાગર્જનાનો પડઘો નથી સંભળાતો? અથવા, સ્વામી વિવેકાનંદનો જ એવો શંખધ્વનિ સાંભળો :“વિશ્વ તમે પોતે જ છો, એક ને અવિભક્ત તમે; સમસ્ત વિશ્વમાં વ્યાપ્ત છો. બધા હાથ વડે તમે કાર્ય કરો છો, બધાં મુખ વડે તમે ખાઓ છો. બધાં નસકોરાં વડે તમે શ્વાસ લો છો. બધાં મન વડે તમે વિચારો છો. આખું વિશ્વ તમે છો. આ વિશ્વ તમારું શરીર છે; રચિત્ર અને અરચિત્ર વિશ્વ તમે છો… જે કંઈ અસ્તિત્વ ધરાવે છે એ બધું જ તમે છો. સોચો તમે – એક, અવિભક્ત આત્મા તમે છો – તમે જેને તમારી જાત તરીકે ઓળખાવો છો એ લઘુ મર્યાદિત વ્યક્તિત્વ નહીં.8

‘વિશ્વમાં માયાને સ્થાને ચેતનાને પાછી લાવવી પડશે એ હકીકતનો,’ રિયેકોર્ત કહે છે કે, ભૌતિકવિજ્ઞાન હવે સ્વીકાર કરે છે.9 પરંતુ પૂર્વના રહસ્યવાદમાં चेतना જે રીતે પ્રયોજાય છે તે રીતે તેને આપણે વ્યાખ્યાયિત કરવી જોઈએ. પશ્ચિમની બધી પરંપરામાં ચેતનાને વૈચારિક શક્તિ સાથે ભેળસેળ કરવામાં આવે છે તે અર્થ પૂર્વની વિચારણામાં તેનો નથી. જે नित्य, મનની પાછળ અને મનથી પર છે તે ચેતના છે. બધા વિચાર, બધા દૃષ્ટિ વ્યાપારનો એ અવ્યય શાશ્વત આંતરપટ છે; એ કર્તા અને કર્મ બંનેથી પર છે; तत्त्वमसि નો त्वम् (તું) તે છે; એજ વેદાંતીનો આત્મન્ અથવા ‘સ્વ’ છે. આ અર્થમાં ચેતનાની પાયાની ભૂમિકાનો સ્વીકાર ભૌતિક વૈજ્ઞાનિકો હજી સુધી નથી કરાત તો પણ, એમાંના ઘણા સ્વીકારે છે કે (આપણાં શરીર મન સહિતનું) ભૌતિક-માનસિક વિશ્વ આપણી ઇન્દ્રિયો જુએ છે તે લગારેય નથી અને આપણે જેટલું ઊંડું એમાં ભાળીએ છીએ તેટલા વધારે ને વધારે આપણી જાતને જ જોતી ભાળીએ છીએ. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સ્ટીફન હોકિંગ્ઝના સાથી નૉબેલ પારિતોષિક વિજેતા, બ્રાયન જોસેફસન નામના પાયાનું કામ કરનાર એક ભૌતિકવિજ્ઞાનશાસ્ત્રી છે જે – હોકિંગ્ઝના પ્રચંડ વિરોધ છતાં-પૌરસ્ત્ય પદ્ધતિ અનુસાર ધ્યાન સાધના કરે છે ને એ દ્વારા પરમતત્ત્વના રહસ્યનો પાર પામવા મથે છે.10 ખરે જ, શાંત ચિત્તમાં સૌથી ઊંડે રહેલું ને સૌથી સરળ રહસ્ય-સ્વામી વિવેકાનંદનું ‘ખુલ્લું રહસ્ય’ – મનુષ્યને લાધે છે, જાગૃત આત્મા, જે અખિલ છે. ભૌતિકવિજ્ઞાન અને પરાભૌતિક વિજ્ઞાન-અધ્યાત્મની ખોજ આ નૂતન/પુરાણા ધ્યાનના ગહન શાસ્ત્રમાં જ સંમિલિત થશે. સ્વામીજી કહેતા : ‘રસાયણશાસ્ત્ર, ભૌતિકવિજ્ઞાન, ખગોળશાસ્ત્ર કે જીવનશાસ્ત્ર જેવું કોઈ ભૌતિક શાસ્ત્ર લો, એનું અધ્યયન કરો, એ અધ્યયનને આગળ ને આગળ ધપાવો અને સ્થૂળ આકૃતિઓ ઓગળવા માંડશે અને સૂક્ષ્મ ને સૂક્ષ્મતર થતી જશે, તે એટલે સુધી કે, તમે એવે તબક્કે આવી પહોંચશો જ્યાંથી તમે આ સ્થૂળ પદાર્થોથી સૂક્ષ્મ તરફ કૂદકો મારશો. જ્ઞાનના એ ક્ષેત્રમાં સ્થૂળનું સૂક્ષ્મમાં અને ભૌતિકનું આધ્યાત્મિકમાં રૂપાંતર થશે.11

આપણને આજે સ્વપ્નમાં પણ ખ્યાલન ન આવે કે જેને આપણે જાણતા નથી તેવા વૈશ્વિક સમાજ અને માનવીય સંસ્કૃતિના નવા યુગના પરિવર્તનમાં પરિણમે તેવો આ હનુમાન કૂદકો મારવાને આપણે પેતરો ભરી ઊભાં છીએ ! (બીજો માર્ગ જ ક્યાં છે?) અને આ સંસ્કૃતિની ઉષા પ્રગટાવવા પધાર્યા હતા શ્રીરામકૃષ્ણ – નવી દુનિયા માટે નવા દેવમાનવ.

સમસ્ત પૃથ્વી પર આ વૈજ્ઞાનિક-આધ્યાત્મિક સંસ્કૃતિ ક્યારે સ્થાપિત થશે? પાછલાં વીસ વર્ષોમાં મોટા ભાગના શિક્ષિત સામાન્ય જનોએ પૂર્વની અધ્યાત્મવિદ્યાનું અને અર્વાચીન ભૌતિકશાસ્ત્રનું થોડુંક જ્ઞાન તો પ્રાપ્ત કર્યું છે. कर्म, योग, गुरू, समाधि જેવા શબ્દો પશ્ચિમની ભાષાઓમાં સમાવેશ પામ્યા છે; વળી આ પદો ઉપરછલી, તરંગી રમતના અવશેષ નથી; સાઠીના અને સીત્તેરીના દાયકાઓમાં ઘણા પશ્ચિમવાસીઓ અધ્યાત્મનો ખેલ ખેલતા હતા તો પણ, પશ્ચિમમાં આજે ‘ઊંડે જવાનો’ સંનિષ્ઠ પ્રયત્ન વિભિન્ન જીવન માર્ગે જનારાં નરનારીઓમાં ધ્યાનની તાલીમ સ્વીકારાઈ છે, અમેરિકામાં પૂર્વના – કેટલાક સાચા અને કેટલાક ધતિંગ – ગુરુઓ અને આશ્રમોના ફૂટી નીકળવાના મૂળમાં, ખરે જ, આધ્યાત્મિક મૂલ્યો માટેનો મરણિયો પ્રયત્ન રહેલો છે. બીજી તરફ ભૌતિકશાસ્ત્ર તરફ, અદ્‌ભુત સિદ્ધાંતોને સામાન્યજનો સમજી શકે તેવાં પુસ્તકો લખાયે જાય છે. આપણા બ્રહ્માંડમાં પ્રવર્તી રહેલાં કાળાં છિદ્રો (બ્લેક હોલ્સ), પ્રચંડ ધડાકો (બિગ બેંગ), મહાધ્વનિ દળણ (બિગક્રંચ)ની શક્યતા, પત્સાર, વિચિત્રતાઓ (સિંગ્યુલેરિટીઝ)ને અન્ય નાટકી તથા અતિ વિસ્મયકારી પ્રવૃત્તિઓથી સૌ કોઈ વાકેફગાર છે ને સૌને તેનું આશ્ચર્ય છે. ને સામાન્ય માનવીને માટે કદાચ આ બધી શબ્દાવલીનો અર્થ અસ્પષ્ટ રહેતો હશે, પરંતુ સમજણથી પર હોવું એ પોતે જ અદ્યતન ભૌતિકશાસ્ત્રનું જ્ઞાન છે. આજે આપણે સમજી શકીએ છીએ કે બ્રહ્માંડની ગૂઢ પ્રવૃત્તિ સામાન્ય બુદ્ધિનો વિષય નથી : આટલું આપણે જાણીએ છીએ; બ્રહ્માંડનું નિહિત સત્ય અને આપણી અંદરનું સત્ય આપણાં મન પામી શકે તેના કરતાં ખૂબ ઊંડે છે, એ બંને એક જ સત્ય છે – એ સત્ય અતાર્કિક નથી, પણ બુદ્ધિના ક્ષેત્રેથી સીધું ઊંચે ફૂટે છે તે – ચેતનતત્ત્વનું સત્ય છે, એ અનુમાન પર આપણે થોડા સમયમાં જ આવીશું. પરંતુ, જોકે આવી સાંસ્કૃતિક પુનર્જાગૃતિનાં ચિહ્નો વરતાવા માંડ્યાં છે તે છતાં, વિજ્ઞાન અને અધ્યાત્મને જાહેર રીતે સંલગ્ન થતાં દાયકાઓ વીતી જાય, ત્યારે જ બંને પક્ષે સાચી સમજણ અને પરસ્પર માન પેદા થશે, ને આ મિલનના પરિણામથી સ્ત્રી પુરુષોના વિચાર અને જીવનમાં સર્વત્ર પરિવર્તન આવતાં (આશાવાદી દૃષ્ટિએ બોલતાં) એક સૈકો કે એટલો સમય વીતી જશે.

પરિણામે ઊભી થનારી નવી સંસ્કૃતિ કેવી હશે? એ વિશે વિગતવાર કહેવું અશક્ય જ છે. કારણ કે, પરિવર્તનનું ચક્ર એટલા વેગથી ફરે છે કે આજની દુનિયાના ચિત્રની કલ્પના આપણે પચાસ વરસ પહેલાં ન જ કરી શક્યાં હોત. પરંતુ એમ અનુમાન કરી શકાય કે ચિત્તની આસુરી વૃત્તિનું પરિવર્તન થશે. મનુષ્યનો ‘હું’ એટલે દેહ નહીં પણ, અમર આત્મા છે, અને જે સૃષ્ટિની અનુભૂતિ આપણે આપણી ઇન્દ્રિયો વડે કરીએ છીએ અને આપણને જે દેખાય છે તે નથી જ – જો એ ખરેખર અસ્તિત્વ ધરાવતી હોય અને ગ્રહણ કરવા યોગ્ય હોય તો – એ માન્યતા, પ્રથમ બૌદ્ધિક સ્તરે, સુદૃઢ થશે. એ માન્યતા પ્રથમ बौद्धिक હશે એ સાચું, પરંતુ, સાચા અને પ્રમાણી શકાય તેવા આધ્યાત્મિક સિદ્ધાંત માટેની બૌદ્ધિક ખાતરીની સાથે હિંમત ભળે તો માનવીનાં જીવન અને મૂલ્યદૃષ્ટિને પલટાવવામાં મોટો ફાળો આપી શકે. પશ્ચિમની છે તેવી વિજ્ઞાન અને તર્કપ્રધાન સંસ્કૃતિમાં આધ્યાત્મિક જાગૃતિ માટે બૌદ્ધિક ખાતરીની આવશ્યકતા છે, પરંતુ એકલી એ જ પૂરતી નથી. આપણો સમાજ પરિવર્તન પામે તે પૂર્વે કેટલાય લોકોને આધ્યાત્મિક સત્યનું प्रत्यक्ष જ્ઞાન અને સદ્ય અનુભૂતિ થવાં જોઈએ અને આવી મુક્તિની અનુભૂતિ માટે દૈવી કૃપાના મિશ્રણની જરૂર રહે છે. એથી જ તો, મહાજ્યોતિ જેવા, બધા જોઈ શકે તથા પ્રેરણાને માર્ગદર્શન લઈ શકે તેવા, પેલા આધ્યાત્મિક સિદ્ધાંતના મોટા દૃષ્ટાંતરૂપ, ગુરુ, મુક્તિદાતા શ્રીરામકૃષ્ણ છે.

એનો અર્થ એ નથી કે પૂર્વકાળના અવતારો અને એમના ધર્મો અદૃશ્ય થઈ જશે. ઊલટું, શ્રીરામકૃષ્ણની સર્વગ્રાહી પ્રેરણાથી, પોતાની વિશિષ્ટ અભિવ્યક્તિને જાળવી રાખીને એ પ્રત્યેક પ્રગતિ કરશે. કિંતુ એમ માની શકાય કે તે દરેક પોતાની અંધ માન્યતાઓને, રૂપક કથાઓને અને બાહ્યાચારોને મહત્ત્વ ઓછું આપશે અને દરેકના અંતરમાં રહેલા જવલંત સત્ય કે “માનવ આત્મા દિવ્ય છે, બધાંમાં એક જ આત્મતત્ત્વ છે, એ તત્ત્વ પરમાત્મામાં પણ છે ને તે વિશ્વવ્યાપ્ત છે, અને આત્માની મુક્તિ જ ધર્મ છે,” તેનો સ્વીકાર કરશે. સ્વામી વિવેકાનંદે લખ્યું છે કે શ્રીરામકૃષ્ણે પ્રબોધેલો धर्म જ સત્ય છે, હિંદુઓ ભલે એને હિંદુ ધર્મ કહે ને બીજાઓ બીજે નામે ઓળખે.12

સરવાળે એમ માન્યા વિના નહીં રહી શકાય કે, શ્રીરામકૃષ્ણ અને એમના શિષ્યો (ને એમના શિષ્યો)નાં શક્તિ, જ્ઞાન અને પ્રેમ આત્મસિદ્ધિનાં સઘળા પંથોમાં પ્રાણ પૂરશે, ભવિષ્યની વૈજ્ઞાનિક-આધ્યાત્મિક સંસ્કૃતિને ચેતનવંતી કરશે અને બધાં સ્ત્રી-પુરુષોને આસુરી વૃત્તિમાંથી ઊંચકી લઈ દૈવી વૃત્તિવાળાં, દેહકેન્દ્રીને સ્થાને આત્મકેન્દ્રી બનાવશે; પછી સૌ મુક્ત, નિર્ભય, પૂર્ણ, વિશાળ મનહૃદયવાળાં અને એકમેકને આધારરૂપ બનશે.

આ વધારે પડતું લાગે છે? ઇતિહાસની પ્રક્રિયા કંઈ સીધી-સાદી નથી હોતી એ સાચું છે. એ પ્રક્રિયા ખરબચડા અને વાંકાચૂંકા માર્ગ ગ્રહણ કરે છે, ને પરમાત્માની માફક ‘વાંકી લીટીઓમાં સીધા અક્ષર પાડે છે;’13 જગતમાં મોટી ઉથલપાથલ અને વેદના વિના કદાચ શ્રીરામકૃષ્ણનો યુગ સૃષ્ટિ પર આવે નહીં. અતિશય પીડા ભોગવ્યા વિના મનુષ્ય ભાગ્યેજ, સાચા અર્થમાં, ઈશ્વર ભણી વળે છે કે પોતાના અંતરતલમાં અવગાહન કરે છે. ભયંકર દુઃસ્વપ્ન વિના આપણે જ્ઞાન પામીએ, કે ન પણ પામીએ. પણ, ગમે તેમ, શ્રી રામકૃષ્ણની અજેય અધ્યાત્મશક્તિ પૃથ્વી પર અવતરી ચૂકી છે. એનો વિરોધ કરી શકાય કે એને પાછી હડસેલી શકાય તેમ નથી. ‘એટલે જ તો’, ઠાકુરના એક મહાન સાધુશિષ્ય સ્વામી શિવાનંદે એક વેળા કહેલું, ‘આપણી ચોમેર આધ્યાત્મિક જાગૃતિનાં ચિહ્નો જોવા મળે છે. આદ્યા શક્તિ મા, શ્રીરામકૃષ્ણના શરીરનો આશ્રય લઈ વિશ્વ માટે ક્રીડા કરી રહી છે. હવે આપણે ચિંતાનું કશું કારણ નથી.14

 1. જુઓ છાન્દોગ્ય ઉપનિષદ 8 (3-8)
 2. સ્વામી અશોકાનંદ :‘નોટ પીસ બટ અ સોર્ડ; ફેબ્રુઆરી 15, 1959ને દહાડે સાન્ફ્રાન્સિસ્કોમાં આપેલું એક વ્યાખ્યાન.
 3. ભગવદ્ગીતા: પૃ. 7-8
 4. અમોરી દ રિયેંકોર્ન ‘ધ આઈ ઑફ શિવ’ (ન્યુયોર્ક; વિલ્યમ મોરો એન્ડ કં. 1981) પૃ. 18
 5. એજન
 6. પોલડેવિઝ ’સુપરફોર્સ’ (ન્યુયોર્ક, સાય્મન ઍન્ડ શુસ્ટર, 1984), પૃ. 221
 7. ગેરી ઝૂકોવમાં અવતરણ ધ ડેન્સિગ વુલીમાસ્ટર્સ (ન્યુયોર્ક વિલ્યમ મોરો ઍન્ડ કં. 1979) પૃ. 54
 8. ધ કમ્પ્લીટ વર્કસ ઑફ સ્વા. વિવેકાનંદ, 2 (1963), પૃ. 462
 9. રિયેંકોર્ત, અગાઉ ઉલ્લેખિત, પૃ. 30
 10. જુઓ જોન બોસ્લફ; ‘સ્ટીફન હોકિંગ્ઝ યુનિવર્સ’ (ન્યુયોર્ક, વિલ્યમ મોરો ઍન્ડ કં. 1985), પૃ. 126
 11. ‘કમ્પ્લીટ વર્કસ’, 3 (1963), પૃ. 213
 12. એજન 6 (1972), પૃ. 331
 13. પોર્ટુગીઝ કહેવત
 14. ‘ફોર સ્પિરિચ્યુઅલ સીર્ક્સ;’ અનુ. સ્વામી વિવિદિષાનંદ અને સ્વામી ગંભીરાનંદ, આ-3 (કલકત્તા, અદ્વૈત આશ્રમ, 1972), પૃ. 7-8
Total Views: 123
By Published On: June 1, 1989Categories: Marie Louise Burke0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram