[મહાભારત એક વિશાળ ગ્રંથ છે, જેમાં અનેક અમૂલ્ય મોતી બોધપ્રદ કથાઓરૂપે વીખરાયેલાં પડેલાં છે. આમાંની કેટલીક કથાઓ ચયન કરીને શ્રીરામકૃષ્ણ મઠ, અલ્હાબાદના અધ્યક્ષ સ્વામી સત્યરૂપાનંદજીએ એક બોધપ્રદ લેખમાળા તૈયાર કરી હતી જે હિન્દી ત્રૈમાસિક પત્રિકા ‘વિવેક-જ્યોતિ’માં પ્રકાશિત થઈ હતી. તેમાંની કેટલીક કથાઓનું ગુજરાતી રૂપાંતર અમે ધારાવહીરૂપે પ્રકાશિત કરી રહ્યા છીએ. આ કથાનું ભાષાન્તર શ્રી દીપક પ્ર. મહેતાએ કર્યું છે. –સં.]

મહર્ષિ આયોધ ધૌમ્ય પોતાના આશ્રમની સામે શાંતિથી બેઠા હતા. એવામાં એક કિશોર વયના બ્રાહ્મણકુમારે આવીને પ્રણામ કર્યા. તેમણે તેને આશીર્વાદ આપીને પરિચય પૂછ્યો. કિશોરે પોતાનો પરિચય આપ્યો અને પોતાને શિષ્ય તરીકે સ્વીકારવા પ્રાર્થના કરી. આચાર્યે તેને આશ્રમમાં રાખવાની સંમતિ આપી. એ મેધાવી કિશોર જોતજોતામાં આશ્રમના અન્ય વિદ્યાર્થીઓ સાથે હળીમળી ગયો.

થોડા દિવસો પછી આચાર્યે આ નવા વિદ્યાર્થીને બોલાવીને કહ્યું, “બેટા ઉપમન્યુ! આજથી તને આ આશ્રમની ગાયોને વનમાં ચારવા લઈ જવાની જવાબદારી સોંપું છું. તું રોજ સવારે ગાયોને લઈને વનમાં જજે અને સાંજે તેમને લઈને પાછો આવજે.”

ઉપમન્યુએ ગુરુનાં ચરણોમાં માથું નમાવી તેમની આજ્ઞા માથે ચઢાવી. તે દરરોજ સવારે આશ્રમની ગાયો લઈને વનમાં જતો. ત્યાં ગાયોને ચરવા માટે છોડીને પોતે આસપાસનાં ગામોમાં જઈ ભિક્ષા માગી પોતાનું ગુજરાન ચલાવતો.

એક દિવસ રોજના નિયમ પ્રમાણે તેણે આચાર્યને પ્રણામ કર્યા ત્યારે તેમણે તેને પૂછ્યું, “બેટા! તું તારું ગુજરાન કેવી રીતે કરે છે?”

ઉપમન્યુએ કહ્યું, “ભગવન! નજીકનાં ગામોમાંથી ભિક્ષા માગીને હું મારું ગુજરાન ચલાવું છું.”

ગુરુએ તેને આદેશ દીધો, “મને અર્પણ કર્યા સિવાય પ્રાપ્ત કરેલી ભિક્ષા ખાવી તારે માટે યોગ્ય નથી, તને જે કંઈ પણ ભિક્ષા મળે, તે તું મને અર્પણ કરતો રહેજે.”

ઉપમન્યુએ ગુરુનો ચરણસ્પર્શ કરીને આજ્ઞાનો સ્વીકાર કર્યો. હવે તેને જે કાંઈ ભિક્ષા મળતી તે લાવીને આચાર્યની સેવામાં અર્પણ કરી દેતો. આચાર્ય તેમાંથી કાંઈ જ તેને આપતા નહીં. ઉપમન્યુ પણ કશું માગતો નહીં.

થોડા દિવસો આ રીતે વીત્યા. એક દિવસ ફરીથી આચાર્યે તેને પૂછ્યું, “બેટા! તારી સંપૂર્ણ ભિક્ષા તો તું મને આપી દે છે તો પછી તારું ગુજરાન કેમ ચાલે છે?”

ઉપમન્યુએ નમ્રતાપૂર્વક કહ્યું, “ગુરુદેવ! હું મારે માટે બીજી વાર ભિક્ષા માગું છું.”

આચાર્યે કહ્યું, “બેટા! આ તારા માટે બરાબર નથી. આ રીતે તું બીજા વિદ્યાર્થીઓના ભાગની ભિક્ષા મેળવી લઈને તેમને તું તેમના ભાગથી વંચિત રાખે છે. તારે બીજી વાર ભિક્ષા લેવા જવું જોઈએ નહીં.”

ઉપમન્યુએ ગુરુની આજ્ઞા માથે ચઢાવી. હવે તેણે ગામોમાં બીજી વાર ભિક્ષા લેવા જવાનું બંધ કર્યું.

થોડા દિવસો વીતી ગયા. વળી એક દિવસ આચાર્યે ઉપમન્યુને પાછો બોલાવીને ફરીથી એક પ્રશ્ન પૂછ્યો, “બેટા! તારી ભિક્ષા તો તું મને આપી દે છે ને તું બીજી વાર ભિક્ષા માગવા પણ જતો નથી, તો પછી તારું ગુજરાન કઈ રીતે ચાલે છે?”

ઉપમન્યુએ અત્યંત નમ્રતાપૂર્વક કહ્યું, “ભગવન્! હું આશ્રમનો ગાયોનું દૂધ પીને ગુજરાન ચલાવું છું.”

આચાર્યે કહ્યું, “આ ગાયો ગુરુકુળની છે, તેના દૂધ પર તારો કોઈ જ અધિકાર નથી… આથી હવે તારે એનું દૂધ પીવું જોઈએ નહીં.”

ઉપમન્યુ ગુરુદેવની આજ્ઞા માથે ચડાવી ફરીથી તે પોતાના કામે લાગી ગયો.

થોડા દિવસો વીત્યા પછી આચાર્યે તેને ફરીથી બોલાવીને પૂછ્યું, “બેટા! તું તારી બધી ભિક્ષા તો મને આપી દે છે, બીજી વાર ભિક્ષા માગતો નથી. ગાયોનું દૂધ પીતો નથી તો પછી તારું ગુજરાન કેવી રીતે ચાલે છે?”

ઉપમન્યુએ કહ્યું, “આચાર્યપ્રવર! જ્યારે હું વનમાં ગાયો ચરાવતો હોઉં છું, ત્યારે કેટલાંક વાછરડાંઓ પોતાની માતાના આંચળમાંથી દૂધ પીતાં હોય છે, એ વાછરડાંઓના મોં પર દૂધના ફીણ હોય છે. હું એ ફીણ ચાટીને મારી ભૂખ શમાવું છું.”

આચાર્યે કહ્યું, “બેટા! તારે વાછરડાના મોઢામાંથી નીકળતું દૂધ પીવું જોઈએ નહીં.”

ઉપમન્યુએ ગુરુની આજ્ઞાનો સ્વીકાર કર્યો. તે વનમાં ગાયો ચરાવવા લઈ ગયો. પરંતુ ગુરુની આજ્ઞા પ્રમાણે ન તો બીજી વાર ભિક્ષા માગી, ન ગાયોનું દૂધ પીધું, ન ફીણ ચાટ્યાં. એક દિવસ વીત્યો, બીજો દિવસ વીત્યો. હવે ઉપમન્યુ ભૂખથી વ્યાકુળ બની ગયો.

છેવટે ઉપમન્યુની વ્યાકુળતા અસહ્ય બની ગઈ. ભૂખની પીડાથી બચવા માટે તેણે આકડાનાં પાંદડાં ચાવી લીધાં. આ પાંદડાંના ઝેરથી તેની આંખનો પ્રકાશ ચાલ્યો ગયો. તે આંધળો થઈ ગયો. આંધળો ઉપમન્યુ વ્યાકુળ થઈને વનમાં ભટકવા લાગ્યો. આ વનમાં એક સૂકો કૂવો હતો. ઉપમન્યુ આ કૂવામાં પડી ગયો. પડતાંની સાથે જ તે બેભાન બની ગયો. જ્યારે તે થોડી વાર પછી ભાનમાં આવ્યો ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તે સૂકા કૂવામાં પડી ગયો છે. તે ખૂબ જ દુઃખી થઈ ગયો. દુઃખ તથા વિપત્તિની આ ક્ષણોમાં તેણે ગુરુદેવને કૃપા કરવા માટે પ્રાર્થના કરી.

સાંજ પડી, બધા શિષ્યોએ સંધ્યાવંદન કર્યા પછી આચાર્યને પ્રણામ કર્યા પરંતુ ઉપમન્યું આવ્યો નહીં. આચાર્યે શિષ્યોને પૂછ્યું, “ઉપમન્યુ ક્યાં છે?”

એક શિષ્યે કહ્યું, ”ભગવન્! આજે ઉપમન્યુ વનમાંથી પાછો જ નથી આવ્યો.”

આચાર્યને ચિંતા થઈ. તેમણે શિષ્યોને કહ્યું, “ચાલો આપણે બધા ઉપમન્યુને શોધવા વનમાં જઈએ.”

આચાર્યની આજ્ઞા પ્રમાણે બધા શિષ્યો મશાલ વગેરે લઈને તેમની સાથે ઉપમન્યુની શોધમાં વનમાં ગયા. ત્યાં આચાર્ય તેનું નામ લઈ લઈને તેને બોલાવવા લાગ્યા.

કૂવામાં પડેલા ઉપમન્યુએ પોતાના પૂજ્ય આચાર્યનો આર્તનાદ સાંભળ્યો. જવાબમાં કૂવામાંથી જ તેણે કહ્યું, “ગુરુદેવ, હું અહીં આ સૂકા કૂવામાં પડ્યો છુ.”

ઉપમન્યુનો અવાજ સાંભળીને બધા એ સૂકા કૂવા પાસે પહોંચ્યા. ગુરુદેવના પૂછવાથી ઉપમન્યુએ પોતે કેમ કરતાં આ કૂવામાં પડી ગયો તે આખોયે પ્રસંગ કહી સંભળાવ્યો. આ સાંભળીને આચાર્યની આંખમાંથી ગંગા-જમના વહેવા લાગી. તેણે પોતાના આ આજ્ઞાંકિત શિષ્યને દિલાસો આપીને તેને વૈદિક ઋચાઓ દ્વારા દેવોના વૈદ્ય અશ્વિનીકુમારોની સ્તુતિ કરવા કહ્યું. ગુરુની આજ્ઞાનુસાર તેણે પ્રાર્થના કરી. તેની સ્તુતિથી પ્રસન્ન થઈ દેવોના વૈદ્ય અશ્વિનીકુમારો ત્યાં હાજર થયા અને તેમણે ઉપમન્યુને કહ્યું, “ઉપમન્યુ, અમે તારી સ્તુતિથી રાજી થયા છીએ, તું આ પૂડો ખાઈ લે. આ ખાવાથી તારાં નેત્રોનું તેજ પાછું આવશે. તું સંપૂર્ણ સ્વસ્થ થઈ જઈશ.”

ઉપમન્યુએ કહ્યું, “હે દેવોના વૈદ્યો! આપની કૃપા માટે હું આપનો આભારી છું. પરંતુ મારો એ નિયમ છે કે મને મળતી પ્રત્યેક વસ્તુ હું મારા ગુરુદેવનાં ચરણોમાં અર્પણ કરું છું તથા તેમની આજ્ઞાનુસાર કામ કરું છું. આથી આ પૂડો પણ હું તેમનાં શ્રીચરણમાં અર્પણ કરું છું. તેમની આજ્ઞા વગર હું એ ખાઈ શકું નહીં.”

ઉપમન્યુની ગુરુભક્તિ જોઈને દેવોના વૈદ્યો અવાક્ થઈ ગયા. તેમણે તેને પોતાના ગળે લગાડ્યો. મહર્ષિ ધૌમ્ય પણ પોતાના શિષ્યની ભક્તિ જોઈને ગદ્ગદ્ થઈ ગયા. તેમણે દેવોના વૈદ્યોને ઉપમન્યુનાં નેત્રોનું તેજ પાછું આપવાની પ્રાર્થના કરી. તેમની કૃપાથી તરત જ ઉપમન્યુનાં નેત્રોનું તેજ પાછું આવ્યું. ગુરુદેવે તેને વેદ-વેદાંગોમાં પારંગત થઈને બ્રહ્મજ્ઞાની થવાનું વરદાન આપ્યું. ગુરુકૃપાથી ઉપમન્યુ બ્રહ્મજ્ઞાની થયો.

સંસારનો પ્રત્યેક સાધક ઉપમન્યુ છે. આધ્યાત્મિક જીવનની પૂર્ણતા માટે ગુરુઆજ્ઞાનું પાલન અનિવાર્ય છે. ખરેખર તો પરમાત્મા જ ગુરુના સ્વરૂપમાં પ્રગટ થાય છે. ગુરુ એ સારી રીતે જાણે છે કે શિષ્યનું પરમકલ્યાણ શેમાં છે. તેના કહેવામાં સંભવ છે કે દેખીતી રીતે શિષ્ય માટે દુઃખદાયક વાત હોય પણ પરોક્ષ રીતે તે દુઃખ પાછળ પણ શિષ્યનું પરમકલ્યાણ જ નિહિત હોય છે. સંકટો અને આફતોથી શિષ્યોનું ચિત્ત શુદ્ધ થાય છે. તેનામાં પુરુષાર્થ પ્રગટે છે, તેનો આત્મવિશ્વાસ વધે છે, તેની ઈશ્વર પરની નિષ્ઠા અચલ બને છે, તેના અહંકારનો નાશ થાય છે. આમ, જ્યારે શિષ્યનો અહંકાર નિર્મૂળ થઈ જાય છે ત્યારે તેના પર ગુરુની ભરપૂર કૃપા થાય છે. વાસ્વતમાં ગુરુની કૃપાથી જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આધ્યાત્મિક જીવનનું પ્રથમ પગથિયું જ ગુરુભક્તિ છે. ગુરુભક્તિ જ એ જહાજ છે કે જે આપણને સંસાર-સાગર પાર ઊતારવામાં સહાયક થાય છે.

Total Views: 483

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.