[શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય અને સમગ્ર રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના ત્રીજા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી અખંડાનંદજી મહારાજના બંગાલી ગ્રંથ ‘સ્મૃતિકથા’માં વર્ણવેલ તેમના ગુજરાતભ્રમણના કેટલાક અંશો ધારાવાહીરૂપે અમે પ્રકાશિત કરી રહ્યા છીએ. પ્રથમ અંશ જૂનના અંકમાં પ્રગટ થયો હતો. સ્વામી વિવેકાનંદજીને શોધવા માટે નારાયણ સરોવર ભણી જતી વખતે સ્વામી અખંડાનંદજી કેવી રીતે ડાકુઓના હાથમાં સપડાઈ ગયા હતા તે આપે વાંચ્યુ. ત્યાર પછીનું વર્ણન અહીં બીજા અંશમાં આપવામાં આવ્યું છે. –સં.]

વળી પાછો વિચાર આવ્યો કે, એ લોકોમાંના એક જણાએ શરીરે કામળો ઓઢેલો અને લાલ ફાળિયું બાંધેલું છે. કલકત્તામાં લાલ ફાળિયું અને કામળો વીંટાળેલા ચોકીદારોને જોયા છે. કાં તો આ લોકો કોઈક જમીનદારના સિપાઈઓ પણ હોઈ શકે. પણ એવો સંદેહ ઝાઝીવાર ટકવા પામ્યો નહિ. જરાક આગળ જતાં જ જોયું કે, આજુબાજુના વગડાને વટાવીને ચારેય લૂંટારા કે પછી સિપાઈઓ આગળ જ રસ્તા પર ચઢી આવેલા છે. મેં એમને પૂછ્યું કે, “નારાયણ સરોવર કેટલે દૂર?” એ લોકો ચાલતા હતા. એક જણો ઊભો રહી ગયો અને બોલ્યો કે, “ત્રણ ગાઉ.” ત્યારબાદ બધા જણા રસ્તો આંતરીને ઊભા રહ્યા. હું એમની પાસે જઈને પૂછવા જાઉં છું કે, “તમે જ ડાકુઓ છો કે? લૂંટને ખાઓ છો?” પણ હજી એ વાત મોંમાંથી પૂરી બહાર નીકળે ત્યાં તો એક જણાએ અચાનક મારી ગરદન પર ધક્કો મારીને મને નીચે પછાડી દીધો, પડતાં પડતાં જ હું બોલી ઊઠ્યો, “મડે ગનો, મડે ગનો, મૂકે મારજો ર્મૂં” બોલતાં બોલતાંમાં તો પીઠ પર બે ફટકા લાઠીના પડી ગયા. ભગવાનની મહેરબાનીથી લાઠી હતી પાતળા વાંસની અને મારી પીઠ પર રૂની ગોદડીવાળી બંડી અને પહેરણ ચાદર હતાં. એક પોટલીમાં પોથી, વ્યાઘ્રચર્મ વગેરે બાંધેલાં હતાં.

ચત્તોપાટ પડતાં મેં જોયું કે, ઘડી પડેલાં ચારે જણાનું જે સ્વરૂપ દીઠેલું તે તેમના ચહેરા, હવે નહોતા રહ્યા. ભારે કરડા, વિકૃત ચહેરા, આંખો લાલઘૂમ, ડોળા ચકરચકર ઘૂમે છે. એમાંના બે જણાના હાથમાં રહેલી ખુલ્લી તલવારો સૂરજનાં કિરણોથી ઝબકઝબક ઝબકી રહેલી. એમાંના એક બૂઢાએ કરડા અવાજે કહ્યું, “લૂગડાં ઉતાર” મેં તો તત્ક્ષણ કૌપીન સિવાયનાં તમામ કપડાં ઉતારીને એમની સામે ઢગલો કરી દીધાં અને હું તો બોલવા લાગ્યો, “મડે ગનો, મડે ગનો, મૂકે મારજો ર્મૂં.”

ડાકુઓ ઉલટાવી પલટાવીને મારાં કપડાં અને ઝભ્ભાનાં ખીસાં તપાસવા માંડ્યા એટલામાં ભગત આવી પહોંચ્યો. એ ભયંકર દેખાવ, ઉઘાડી તલવાર વગેરે જોઈને બીકભર્યા સૂરે બોલી ઊઠ્યો, “હમ તો ગયે.” મૂળે સુકલકડી એવો એ અંગે અંગે થર થર ધ્રૂજી રહ્યો; હાથમાંનો લોટો, બગલથેલો ગબડી પડ્યાં અને જીભ બહાર નીકળી ગઈ. ધ્રૂજતો ધ્રૂજતો એ રસ્તા વચ્ચે કોકડું થઈને બેસી પડ્યો.

બીકનો માર્યો એનો ચહેરોમહોરો એવો થઈ ગયેલો કે તે જોઈને એટલી ઘોર આપદામાં પણ મને હસવું આવી ગયું. પરંતુ પછી તરત જ મેં ડાકુઓને કહ્યું કે, “મને જેવો જોરનો ધક્કો મારેલો એવો જો આ મૂઠી હાડકાંવાળાને મારશો તો એના રામ રમી જશે. એને હાથ ના અડાડશો” ભગતને કહ્યું કે, “તારી પાસે જે કાંઈ છે, તે બધું આ લોકોને આપી દે, તારાં વાસણકૂસણ હું ફરી પાછાં અપાવી દઈશ.” પણ કોણ એ વાતને સાંભળે કે માને? બેઉ હાથ જોડીને ભગત લૂંટારાને કહેવા માંડ્યો, “બાપજી, મારી બધી ચીજવસ્તુઓને હાથ અડાડશો નહિ. હું ગરીબ માણસ, એકવાર ગયે પાછું મળશે નહિ.” જોયું કે બિચારાને જીવ કરતાં ફાટલી ઝોળીની માયા વધારે.

આ બાજુ ડાકુઓ મારા ઝભ્ભાનાં ખીસાં તપાસીને અને પીઠે બાંધેલી પોટલીમાં વ્યાઘ્રચર્મ અને થોડીક ચોપડીઓ માત્ર રહેલી જોઈને સમજ્યા કે, સન્યાસી ખરેખર જ ખાલી હાથે છે. એટલે પછી એ લોકો ભગત ભણી વળ્યા પણ ઝોળીની બિસ્માર હાલત જોઈને પાછા વળ્યા, એને અડક્યા સુદ્ધાં નહિ.

પછી અંદરોઅંદર કશીક મસલત કરીને મારા બેઉ હાથ બાંધવાને માટે મને હાથ પીઠ પાછળ ભેગા કરવા કહ્યું. પણ તે ઘડીએ મારામાં અતિશય હિંમત આવી ગઈ અને મેં દૃઢ સ્વરે કહ્યું કે, “ના, થાય તે કરો, હાથ એમ તો નહિ રાખું.” ડાકુઓએ તલવાર મ્યાનમાં ઘાલેલી તે પાછી અડધી બહાર ખેંચી અને કહ્યું કે, “પાછળ રાખ નહિ તો એ હાથ અબઘડીએ વાઢી નાખીશ.” દૃઢસ્વરે મેં કહ્યું કે, “જે કરવું હોય તે કરો પણ હાથ પાછળ નહિ કરું.”

ત્યારે પછી એમણે મારા માથાનું ફાળિયું છોડીને હાથ ભેગા કરીને બાંધવા માંડ્યા. પણ જરાક બાંધ્યા ત્યાં તો એકાએક ઊભા થઈ ગયા અને એમને એમ જવાને તૈયાર થયેલા જોઈને મેં કહ્યું કે, ”ઓ રે, આ ગરમ લૂગડાં-બૂંગડાં લઈ જાઓ. તમે ગરીબ લોકો છો, ઠંડીમાં પહેરજો, કોઈ જોશે નહિ, હું પણ કોઈને કશું નહિ કહું.” એટલામાં પેલો લાલ ફાળિયા અને કામળાવાળો મારા પગની ધૂળ માથે ચડાવીને બોલ્યો, “દયા કરો મહારાજ, કપડાં પહેરી લો.” અને હોઠે આંગળી મૂકીને ઇશારાથી જણાવ્યું કે, કશું કહેશો નહિ. તોયે મેં વારંવાર કહેવા માંડ્યું, “અરે, પણ આ ગરમ કપડાંબપડાં તમે લઈ જાઓ.” પણ જોતજોતામાં ચારેય જણા તીરવેગે ગાયબ થઈ ગયા.

નારાયણ સરોવરેથી આશાપુરી:

ડાકુઓ જતા રહ્યાં પછી ભગતની જોડે ધીરે ધીરે ચાલવાનું શરૂ કર્યું. એકાદ ગાઉ ચાલ્યા ના ચાલ્યા ત્યાં લગભગ પચીસેક વૈષ્ણવ સાધુઓની એક જમાત એ જ રસ્તે જાત્રા કરીને પાછી વળતી મળી. ભગત એમને જોડે વાતો કરવામાં પડ્યો. મેં તો ચાલવા માંડ્યું. સંધ્યાવેળાએ નારાયણ સરોવરે પહોંચીને જાણ્યું કે, સ્વામીજી તો આગલે દહાડે બીજે રસ્તે થઈને આશાપુરી નામના દેવીસ્થાનકે જવા નીકળી ગયેલા છે.

ડાકુઓના હુમલાથી લાગેલી હબક અને સ્વામીજી ન મળવાથી ઊપજેલી નિરાશાને પરિણામે નારાયણ સરોવરમાં હું તાવમાં પટકાઈ પડ્યો. પછીથી ત્યાંના મહંતે મને કહેલું કે, આપનો તો આ નવો જન્મ છે. જો પાસે પાંચ રૂપિયા રાખેલા હોત તો આપના પ્રાણ બચવા પામ્યા ન હોત. ત્રીસ રૂપિયાને માટે એક જાત્રાળુને બરાબર એ જ ઠેકાણે વાઢી કાઢેલો.

તાવને કારણે નારાયણ સરોવરમાં સ્નાન કરવાનું બન્યું નહિ. બ્રહ્મચારી મહંતે એક અંગરક્ષક સિપાઈ અને એક ઘોડો દીધાં. ઘોડા પર સવાર થઈને સિપાઈના સાથમાં આગળ જવા નીકળ્યો.

નારાયણ સરોવરથી નીકળીને પહેલાં તો કોટીશ્વર મહાદેવના તીરથનાં દર્શન કર્યાં. કોટીશ્વર ભારતનો સાવ પશ્ચિમ છેડો. એને કાંઠે જ અરબી સમુદ્ર. કોટીશ્વર લિંગમૂર્તિ, એ ઠેકાણે શૈવ જાત્રાળુઓ હાથ પર છૂંદણાં છુંદાવે, કોટીશ્વર તીર્થેથી હું આશાપુરી જવા નીકળ્યો.

આશાપુરી જવાને માર્ગે એક ગામ ચીંધીને સિપાઈએ કહ્યું કે, “આ બધા લોકો જ લૂંટફાટ કરે છે.” આશાપુરી પહોંચીને ઘોડા અને સિપાઈને વિદાય કર્યાં. ખબર કાઢતાં જાણ્યું કે સ્વામીજી માંડવી તરફ ગયા છે.

આશાપુરીમાં એક રાત ગાળી. એક મોટી બધી પથ્થરની શિલા, એના પર સિંદૂર ચઢાવેલું, એ જ દેવીનું સ્થાનક આશાપુરી. કચ્છની વાયવ્ય ભણીની સીમા, નજીકમાં જ બલૂચિસ્તાન, ધોમધખતી ગરમી માટે જાણીતું.

દેવીના પૂજારીઓના આચાર-વ્યવહાર મુસલમાનોના જેવા પૂજારીઓ, ‘કાપડી’ને નામે ઓળખાય, ખુલ્લી કાછડી, લસણના શોખીન, મરઘી ખાય, જનોઈ પહેરે નહિ. આશાપુરી ગામમાં વસ્તી નહિ જેવી, ચારે તરફ રેતીનું રણ, નહિ જેવો વરસાદ.

‘કાપડી’ઓમાંથી એક જણાએ એક ઊંટસવાર ભોમિયો અને ઊંટને ભાડે કરી આપ્યાં. એણે બાજુના ગામે પહોંચાડ્યો. એ જ પ્રમાણે દરેક ગામના જમીનદારે (કચ્છના રાવના સામંત) એક એક ઘોડો અને ભોમિયો આપીને મને એક ગામથી બીજે ગામ પહોંચાડવા માંડ્યો.

ઘોડા પર ચડીને એ રીતે એક ગામે પહોંચતાં તે ગામના જમીનદારના દીવાને કહ્યું કે, “અજવાળી રાત છે, દહાડે બહુ ગરમી છે એટલે રાતે રસ્તો કાપવો ઠીક રહેશે.” એમણે ઘોડો અને સિપાઈ જોડે દીધા. એ ગામ અને બીજા ગામની વચમાં લાંબો પહોળો વગડો હતો. ત્યાં લૂંટારાઓનો ભો. એક મહિના પહેલાં જ એક છોકરી પિયરેથી સાસરે જઈ રહેલી ત્યારે એ જ સીમમાં ડાકુઓએ એને મારી નાંખીને બધું લૂંટી લીધેલું. અમે મધરાતે વગડાની વચ્ચોવચ પહોંચ્યા તેવે વખતે સિપાઈ અચાનક થંભીને ઊભો રહ્યો અને આણીકોર પેલીકોર જોવા માંડ્યો. પૂછતાં બોલ્યો કે, “એક નકામો માણસ ઝાડની પાછળ હમણાં લપાઈ ગયો.” મને બીક લાગી. પણ સિપાઈએ ધરપત બંધાવી કે, “બીશો નહિ, હું પણ એમની ટોળીમાંનો જ છું, હું સાથે છું એટલે કોઈ કાંઈ કરશે નહિ. મેં પૂછ્યું, “તું એમની ટોળીમાંનો કેવી રીતે?” એણે કહ્યું, “નહિ તો બીજું શું મહારાજ? જમીનદારની કચેરીએથી જે પગાર મળે, એટલાથી કાંઈ પૂરું થાય? અમારે પણ ડાકુઓની સંગાથે વચમાં વચમાં ભળવું પડે.”

હું તો “ત્રાહિ ત્રાહિ” પોકારીને ઇષ્ટ દેવતાનું નામ જપવા લાગ્યો. ડાકુ જ મારો રખેવાળ! પણ સિપાઈ અભયવચન દેવા લાગ્યો. રાતના છેલ્લા પહોરે એક ગામમાં પહોંચીને ધર્મશાળામાં ઉતારો કર્યો.

સિપાઈ ટોણા મારીને બોલવા લાગ્યો, “સાધુની જોડે મુસાફરી કરવી બહુ ખરાબ. આપ સાધુ છો એટલે, નહિ તો મારો ઘોડો ઉપવાસી રહે ખરો? આ ખોરડામાં ઘાસ પડ્યું છે, આપ ન હોત તો હું જરાક વારમાં વંડી ઠેકીને ચોરી લાવત!”

કચ્છના લોકોની સાધુઓ પ્રત્યે અતિશય ભક્તિ. ઘરને આંગણે સાધુ આવી ચડતાં જાણે કુટુંબીજન આવ્યા હોય એમ રાંધણું રંધાય. ગામમાં સાધુ પેસતાં ગૃહસ્થો રસ્તેથી જ ખેંચતાણ માંડે. એક કહે, “મારે ઘેર પધારો” પેલો બોલે “મારે ઘેર ચાલો”.   (ક્રમશઃ)

Total Views: 499

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.