ત્રિપુરામાં શ્રીરામકૃષ્ણ મઠનું નવું કેન્દ્ર

ત્રિપુરામાં વિવેકનગર (આમતાલી)માં રામકૃષ્ણ મઠનું નવું કેન્દ્ર 29મી મેથી શરૂ થયું છે. આ દિવસે એક જાહેરસભા યોજાઈ હતી, જેમાં ત્રિપુરાના મુખ્યમંત્રી શ્રી સુધીર રંજન મજુમદાર મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. ત્રિપુરાના ચાર અન્ય મંત્રીઓ અને રાજ્યના મુખ્ય સચિવ પણ આ સભામાં હાજર રહ્યા હતા. સભાની અધ્યક્ષતા શ્રીરામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વમી ભૂતેશાનંદજી મહારાજે કરી હતી.

પલ્લીમંગલની મિની જૂટ મિલ:

રામકૃષ્ણ મઠના ગ્રામીણ વિકાસ કાર્યક્રમ ‘પલ્લીમંગલ’ હેઠળ શ્રીરામકૃષ્ણદેવના જન્મસ્થાન કામારપુકુરમાં એક મિની જૂટ મિલ(શણ મિલ) ગરીબ શણઉત્પાદકોના લાભાર્થે શરૂ કરવામાં આવી છે. તેનો શુભારંભ 13 મેએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીશ્રી જ્યોતિ બસુના વરદ હસ્તે થયો હતો. પશ્ચિમ બંગાળના નાણા વિભાગના મંત્રીશ્રી અસીમ દાસગુપ્તા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.

કેરળમાં શંકરાચાર્ય જયન્તી

કેરળમાં સ્થિત રામકૃષ્ણ મઠના કાલાડી કેન્દ્રમાં આદિ શંકરાચાર્યની બારસોની જન્મજયંતી ઉજવાઈ હતી. સમારંભનું ઉદ્‌ઘાટન 23મી એપ્રિલે ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી શંકરદયાલ શર્માના વરદહસ્તે થયું હતું. સભાની અધ્યક્ષતા કેરળના મુખ્યમંત્રી શ્રી ઈ. કે. નાયનારે કરી હતી.

મધ્યપ્રદેશના વનવાસીઓના લાભાર્થે ઈસ્પિતાલ તથા પ્રશિક્ષણકેન્દ્ર

રામકૃષ્ણ મિશનના રાયપુર (મધ્યપ્રદેશ) કેન્દ્ર દ્વારા સંચાલિત નારાયણપર ઉપકેન્દ્રમાં વનવાસીઓના લાભાર્થે ઈસ્પિતાલ ‘વિવેકાનંદ આરોગ્યધામ’માં 30 શય્યાઓવાળી ઈન્ડોર વિંગનું ઉદ્‌ઘાટન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી મોતીલાલ વોરાના વરદ હસ્તે 15 મે એ થયું હતું. આ અવસરે તેમણે વનવાસી યુવા પ્રશિક્ષણકેન્દ્રના ભવનથી આધારશિલા પણ રાખી અને એક સોવેનિરનું વિમોચન પણ કર્યું.

આદિવાસી વિદ્યાર્થીઓની અભૂતપૂર્વ સફળતા

શ્રીરામકૃષ્ણ મિશન-વિવેકાનંદ આશ્રમ, રાયપુરનું ઉપકેન્દ્ર, નારાયણપુરમાં અબુઝમાડના આદિવાસીઓના કલ્યાણાર્થે 2 ઓગસ્ટ 1985એ શરૂ થયું હતું અને આદિવાસી વિદ્યાર્થીઓ માટેની નિવાસીશાળા “વિવેકાનંદ વિદ્યાપીઠ” 2 જુલાઈ, 1986 એ શરૂ થઈ હતી. આ શાળાના 9 વિદ્યાર્થીઓ પૈકી 7 વિદ્યાર્થીઓએ 1987-’88ની પ્રાથમિક શાળાંત પરીક્ષામાં સમસ્ત કાંકેર જિલ્લામાં પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ સ્થાન તેમજ એક વિદ્યાર્થીએ સાતમું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. મોહનલાલ નામના એક આદિવાસી વિદ્યાર્થીએ તો સમસ્ત બસ્તર વિભાગમાં 96% ગુણ મેળવીને સર્વ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. 1988-’89માં 11 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેઠા હતા, જેમાંથી 9 વિદ્યાર્થીઓ પ્રાવીણ્યસૂચિમાં આવ્યા છે. તેમાંય બુદ્ધરામ અને રામધરે સમસ્ત બસ્તર વિભાગમાં પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવ્યું છે. વિશેષ ગૌરવની વાત એ છે કે બુદ્ધરામ અબુઝમાડનો આદિવાસી છે તેણે 95% ગુણ મેળવીને ભૂતકાળના બધા વિક્રમો તોડીને નવો વિક્રમ સ્થાપ્યો છે.

અબુઝમાડ દેશનો સર્વાધિક પછાત ભાગ છે અને આ પહેલો અવસર છે જ્યારે આ ભાગના વિદ્યાર્થીએ પ્રથમ સ્થાન મેળવ્યું હોય.

સિંગાપુરમાં સ્વામી વિવેકાનંદનો 125મો જન્મજયંતી સમારોહ:

રામકૃષ્ણ મિશનના સિંગાપુર કેન્દ્રમાં 29 એપ્રિલ થી 2 મે સુધી સ્વામી વિવેકાનંદની 125મી જન્મજયંતી ઉજવાઈ. આ ચાર દિવસના પાવનકારી પર્વના પ્રથમ દિને એક વિશેષ ‘સ્મરણિકા’ તેમજ સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળાની અંગ્રેજી આવૃત્તિનું વિમોચન થયું. બીજા દિવસની સાધનશિબિરમાં સાંજે સર્વધર્મ પરિષદ વર્લ્ડ સેન્ટર ઓડિટોરિયમમાં મળી. આ પરિષદનું ઉદ્‌ઘાટન સિંગાપુરના ઉદ્યોગ અને વ્યાપાર ખાતાના તેમજ સંરક્ષણસેવાના મંત્રીશ્રી બ્રિગેડિયર જનરલ લી. સી. એન. લૂંગેએ કર્યું. આ પરિષદમાં 1200 ભાવિકો હાજર રહ્યા હતા. વિવિધ ધર્મના છ પ્રતિનિધિઓએ પોતાનાં વક્તવ્યો આપ્યાં હતાં. સંવિવાદ, વિવિધ વિષયોની જાહેરસભાઓ, દસ્તાવેજી ફિલ્મ, પારિતોષિક વિતરણ, સાંસ્કૃતિક કાર્યક્રમો છેલ્લા બે દિવસના કાર્યક્રમોનું મુખ્ય આકર્ષણ રહ્યું. આ પહેલાં વિવિધ વયજૂથનાં વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે નિબંધ અને વક્તૃત્વસ્પર્ધાઓ પણ યોજાઈ હતી.

રાહતકાર્યો:

રામકૃષ્ણ મિશન દ્વારા વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકો માટે “પોતાનું મકાન બનાવો” (Build Your Own House) એ યોજના હેઠળ પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લામાં 742 મકાનો બનાવી આપવામાં આવ્યાં છે. બીજાં 183 મકાનોનું બાંધકામ ચાલુ છે.

Total Views: 319
By Published On: July 1, 1989Categories: Samachar Darshan0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram