[બ્રહ્મલીન સ્વામી બુધાનંદજીનો લેખ ‘Attainment of Peace’ અંગ્રેજી માસિક પત્રિકા ‘પ્રબુદ્ધ ભારત (સપ્ટેમ્બર અને ઓક્ટોબર, 1976)માં પ્રકાશિત થયો હતો. શ્રી ગણપતરામ હ. વ્યાસે કરેલ ભાષાંતરનો પહેલો અંશ જૂનના અંકમાં પ્રકાશિત થયો હતો. હવે અહીં બીજો અંશ રજૂ કરીએ છીએ. – સં.]
અહીં હવે આપણે સમજવું પડશે કે આ શાંતિ બે પ્રકારની છે: એક સાપેક્ષ શાંતિ અને બીજી સંપૂર્ણ શાંતિ.
સામાન્ય વાતચીતમાં આપણે સાપેક્ષ શાંતિની વાત કરીએ છીએ. લાખોમાં એક જણ પણ સંપૂર્ણ શાંતિની વાત કરતો હોતો નથી, કારણ કે સંપૂર્ણ શાંતિ આપણી તાત્કાલિક જરૂરિયાત જણાતી નથી. ખરેખર તો સંપૂર્ણ શાંતિ ઘણા માણસોને સમજાતી નથી એટલે સાપેક્ષ શાંતિ રોજિંદા વ્યવહારમાં કામની હોઈ તે તાત્કાલિક જરૂરિયાત બને છે, એટલે સાપેક્ષ શાંતિ કેવી રીતે મેળવવી તેની પ્રથમ ચર્ચા કરીએ: પાછળથી આપણે સંપૂર્ણ શાંતિ મેળવવાની રીતનો વિચાર કરીશું, કારણ કે સંપૂર્ણ શાંતિ સિવાય સાપેક્ષ શાંતિ દૃઢ નહિ બને. સાપેક્ષ શાંતિ મેળવવાની ગુપ્ત ચાવી, તે મનનું નિયમન છે (Control of Mind). મન આપણો ઘોડો છે, આપણે મનના ઘોડા નથી. હિંદુ માનસશાસ્ત્ર મુજબ મનની વૃત્તિઓ કાબૂમાં આવે અને તેની વચમાં આવતાં વિઘ્નો દૂર થાય, ત્યારે જ સાપેક્ષ શાંતિ પ્રાપ્ત થાય છે. આ કેવી રીતે બને? ભગવદ્ગીતામાં અર્જુન કહે છે: “હે કૃષ્ણ, મન હઠીલું, બળવાન અને અશાંત છે અને તેને કાબૂમાં રાખવું એ પવનને બાંધવા જેવું છે.” ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ જવાબ આપે છે: “હે અર્જુન, નિઃશંક મન અશાંત અને બહુ મુશ્કેલીથી કાબૂમાં આવે તેમ છે; પરંતુ અભ્યાસ અને અનાશક્તિથી એને કાબૂમાં લાવી શકાય.”
અભ્યાસ અને વૈરાગ્ય સિવાય મનને કાબૂમાં લાવવાનો બીજો રસ્તો નથી. અને તેથી આ બે રસ્તા આપણે સ્પષ્ટતાથી સમજી લેવાની જરૂર છે. ગીતાના આ શ્લોક ઉપર શ્રી શંકરાચાર્ય ટીકા લખે છે: “અભ્યાસ એટલે જાગૃતિની (Consciousness)ની અમુક ભૂમિકા એ અમુક ચોક્કસ વિચારને વારંવાર વાગોળવો (Repeat) અને અનાસક્તિ એટલે દૃશ્ય અગર અદૃશ્ય સુખ (Pleasure)ની તૃષ્ણામાં રહેલ દૂષણોને જોયા બાદ તેમાંથી મુક્તિ. આ અભ્યાસ અને અનાસક્તિ દ્વારા બહારની વસ્તુઓ તરફ જતા વિચારો રોકી શકાય છે.”
જેઓ આ બે શરતો સ્વીકારતા ન હોય તેઓ માનસિક શાંતિની આશા રાખી શકે નહિ. સંપૂર્ણ શાંતિની વાત તો બાજુએ રહી, તેઓ સાપેક્ષ શાંતિ પણ મેળવી શકે નહિ.
એમ પણ કહી શકાય કે મનની અશાંતિનું કારણ મનની અશુદ્ધિઓ છે, જે મનની શાંતિને હણી લે છે તો માનસિક શાંતિ મેળવવી હોય તો તે અશુદ્ધિઓ દૂર કરવી જ રહી. પણ આ અશુદ્ધિઓ દૂર કરવી એ સહેલું નથી.
શ્રીકૃષ્ણ સતત પ્રયાસની જરૂર ઉપર ભાર મૂકે છે, તદુપરાંત, જીવનમાં સુખની (Pleasure) ભૂખ સામાન્ય હોઈ, તે ભૂખને સંતોષવાને અશુદ્ધિઓ મનને વળગી રહે છે અને તેથી અશુદ્ધિઓથી અલગ થવું જરૂરી છે. આ અશુદ્ધિઓ કેવી છે? હિંદુમાનસશાસ્ત્ર મુજબ આ અશુદ્ધિઓની સરખામણી આયના ઉપર પડેલી ધૂળ સાથે થાય છે. અથવા વધારે સારી રીતે કહીએ તો તેઓને રંગીન વસ્ત્ર ઉપરના રંગો સાથે સરખાવવામાં આવે છે.
અદેખાઈ, તિરસ્કાર, ગુસ્સો, ભય, ઈર્ષા, વાસના, લોભ, મિથ્યાભિમાન વગેરે અશુદ્ધિઓ આપણા મન ઉપર સવાર થઈને શાંતિને હણી નાંખે છે. આ અશાંતિને દૂર કરવા આપણે શું કરવું જોઈએ? યોગસૂત્રમાં ભગવાન પતંજલિ તેનો ઉપાય બતાવે છે કે, નીચેના ગુણોનો વિકાસ થાય તો મનની શાંતિ મેળવી શકાય છે:
- સુખીની સાથે મિત્રતા
- દુઃખી તરફ કરુણા
- સારપમાં આનંદ
- દુષ્ટતા તરફ બેપરવાઈ
બીજાનાં સુખે સુખી થનાર માણસના મનને નિર્મળતાથી હવા મળે છે અને તેમાં ઈર્ષા વગેરેનાં આંદોલનો આવતાં નથી.
બધા સાથે આવી મિત્રતાની લાગણી ઉપર ભાર મૂકતાં બુદ્ધશાસ્ત્ર “સુત્તનિપાત” જણાવે છે કે બધા તરફ સંપૂર્ણ ભલી લાગણી એ માનસિક શાંતિનો ઉમદા ઉપાય છે. આપણે આપણા હૃદયપૂર્વકના ભાવથી ફરી એકવાર કહીએ કે, “જીવમાત્ર સુખી અને સલામત હો, તેઓ સર્વ માનસિક સુખ ભોગવો.”
આ મુદ્દા ઉપર “સુત્તનિપાત” સ્મરણીય સૂત્રો રજૂ કરે છે જે બીજા કોઈ શાસ્ત્રમાં જોવામાં આવતાં નથી. આપણે આ શબ્દોનું રોજ સવારે મનન કરીશું તો આપણી પોતાની જાતની એક સારી સેવા થઈ ગણાશે – તે આ મુજબ છે:
“એક માતા પોતાની જિંદગીના ભોગે પણ પોતાના બાળકની કાળજી રાખે છે, તેવી જ રીતે આપણે પણ દરેક તરફ સંપૂર્ણ મિત્રતા કેળવવી જોઈએ. આખા વિશ્વ તરફ ભલી લાગણી અને મિત્રતા, ઉપર નીચે આગળ પાછળ (ચારે તરફ) કોઈ અડચણ, તિરસ્કાર કે વેરવૃત્તિ સિવાય કેળવણી જોઈએ. ઊભા રહેતાં, ચાલતાં, બેસતાં અને જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી આ મુજબ મનની સ્થિતિ હો.”
આપણે સૌ જાણીએ છીએ કે અત્તરની શીશી સંપૂર્ણ ખાલી કર્યા બાદ પણ કેટલોક વખત તેમાં સુગંધ રહે છે તેવી જ રીતે જો આપણે આવા વિચારનું દરરોજ સવારમાં મનન કરીએ તો તેની અસર આપણા આખા દિવસના વિચાર અને કામ ઉપર જરૂર થશે.
પરંતુ આપણે બહુ સહેલાઈથી આમ બોલીએ છીએ ખરા, પરંતુ વિશ્વબંધુત્વની લાગણી એકાએક પેદા થવી મુશ્કેલ છે. પ્રયાસ જરૂરી છે. સર્વ રીતે આપણે એક ક્ષુલ્લક પ્રાણી જ છીએ તેથી આપણને સંતોષ થાય છે, હૃદય આપણાં છીછરાં છે તેને વિશાળ કરવાં મુશ્કેલ છે. આપણને લાભકર્તા હોય તેમનું આપણે ભલું ઇચ્છીએ પરંતુ જે કોઈ લાભકર્તા નથી તેના તરફ આપણે ઘણુંખરું બેદરકાર હોઈએ છીએ. જેને શત્રુ માન્યા તેમને માટે આપણે નરક ઇચ્છીએ છીએ, પરંતુ એ ભૂલવું ન જોઈએ કે આપણે પોતાને માટે નરકનું જોખમ લીધા સિવાય બીજા માટે નરકની ઇચ્છા થાય જ નહિ, તેથી વિશ્વબંધુત્વની ભાવના કેળવવી જ જોઈએ અને તે આપણા પોતાના હિતમાં છે. આવો વિશ્વબંધુત્વનો સદ્ભાવ ખીલવવામાં આપણે પગથિયે પગથિયે આગળ વધવું પડશે.
(1) ભગવાન પતંજલિએ સૂચવ્યા મુજબ બીજાને સુખી જોઈને આપણે સુખી થવું જોઈએ.
(2) જેઓ દુઃખી છે તેમના તરફ કરુણા રાખવી જોઈએ. પીડાઈ રહેલાની સેવા એ જ સક્રિય કરુણા અગર દયા છે. મનુષ્ય બધાં જ પ્રભુના સંતાન છે. એવી સમજપૂર્વક સેવા કરવી એ જ સાચું શુદ્ધિકરણ છે. આ સમજમાં જરા પણ ખામી હશે તો તે આપણા મનને અશાંત બનાવશે. આપણે અવશ્ય મહાન છીએ. ખરી રીતે તો આપણે પરમ ચૈતન્ય સાથે એક છીએ અને તેથી આપણે મનથી જેટલા સંકુચિત થઈશું તેટલાં આપણે આપણા અસલ-સાચા-સ્વભાવને જાણી શકીશું નહિ અને આપણાં દુઃખમાં અવશ્ય વધારો થશે. સંકુચિતપણાનો ભાવ કાઢી નાખો અને જોશો કે તમારી અંદર દરેક બાજુથી આનંદ આવશે. સેવા આપણા હૃદયને વિશાળ બનાવશે અને સંકુચિતતાના વિષાદથી મુક્તિ આપશે અને તેનાથી આપણે ભીતરમાં આનંદ અને શાંતિ અનુભવીશું.
(3) સારપમાં આપણી ખુશી હોય, આપણે જ્યારે તેમાં ખુશ હોઈએ છીએ ત્યારે તે સારાપણાનો ગુણ આપણામાં આવે, એવો ઉદ્યોગ કરવા પ્રેરાતા હોઈએ છીએ, એને પામવા મથીએ છીએ. આપણે સાંભળીએ છીએ કે પ્રભુ ભલો છે તો સ્વાભાવિક રીતે જ ભલાઈ હંમેશાં ભલાઈ તરફ જ જશે; એટલે કે પ્રભુને પામશે અને પ્રભુને પામવું એટલે પરમશાંતિ મેળવવી.
(4) આપણે દુષ્ટતા તરફ બેદરકાર રહેવું. અલબત્ત, દુષ્ટતાને ભલાઈમાં ફેરવવાનું કામ ભવ્ય અને ઉમદા છે, પરંતુ તે કામ તો જેઓ પોતે સામાન્ય માણસમાં જણાતા દોષોથી મુક્ત થયા છે, જેમણે પોતાનો વિકાસ સદાચારના ગુણો ખીલવી આગળ ધપાવ્યો છે, તેમને માટે છે. આપણા જેવા સામાન્ય માણસો, કે જેઓ પોતાનું મન કેમ પવિત્ર બનાવવું તે પણ જાણતા નથી, અથવા જેઓના મનમાં અનેક ખોટી ધારણાઓ ભરેલી છે, તેમને માટે એ કામ નથી. તેથી જેઓ પોતાના મનની શાંતિ મેળવવા ઇચ્છતા હોય, તેવાઓએ દુષ્ટ અને અનિષ્ટથી દૂર રહેવું જોઈએ અને આ એક જ રસ્તે આપણા મનની શાંતિની આડે આવતી વિપત્તિને આપણે દૂર કરી શકીશું.
જેઓ અનૈતિક જીવન જીવે છે તેમને પાપી ગણવા જોઈએ. આપણે એમની સોબતમાં ન રહીએ, તે બરાબર છે. પરંતુ તેમને ધિક્કારવા ન જોઈએ. પરંતુ તેઓ સુધરી જાય તે માટે નીચેની પ્રાર્થનાનું રોજ રટણ કરવું જોઈએ:
પાપી સદાચારી બનો.
સદાચારી શાંતિ મેળવો.
તેમની શાંતિ બંધનરહિત હો.
મુક્ત બીજાને મુક્ત કરો.
આપણે માટે આપણે પ્રાર્થના કરીએ છીએ તેમ તેમને માટે પ્રાર્થના કરતાં આપણાં હૃદય શુદ્ધ થશે. આ રીતે આપણે મહર્ષિ પતંજલિએ બતાવેલી માનસિક શાંતિ મેળવવાની ચાર રીતો જોઈ.
પરંતુ આપણે હમણાં જ આ રીતો અજમાવવા જઈએ તો આપણે નહિ ધારેલા વિચિત્ર વિચારો અને વૃત્તિઓ ઉત્પન્ન થશે અને આપણા પ્રયત્નો નિરાશામય બની જશે. આવા વિચારો આવે, તેની સામે કેમ કામ લેવું, તે આપણે જાણવું પડશે. આપણે જો ખોટા વિચારને નહિ રોકીએ, તો ખોટા કર્મને પણ નહિ રોકી શકીએ. કારણ કે, વિચાર, એ કર્મનું બીજ છે.
આ બાબતમાં પણ મહર્ષિ પતંજલિ આપણને ઘણા ઉપયોગી અને સહેલા ઉપાય સૂચવે છે. તેઓ “પ્રતિપક્ષ-ભાવનમ્”માં કહે છે: શત્રુતાભરેલા વિચાર આવે તો તેની વિરુદ્ધ વિચાર કરવો.
દાખલા તરીકે આપણે જોઈએ કે, ક્રોધનું મોજું આવવાની તૈયારીમાં છે-અને તે આપણી શાંતિને હરી લેશે-તો તે જ વખતે ક્રોધના વિરુદ્ધનું પ્રેમનું મોજું ઊભું કરવું. જો કોઈ અયોગ્ય વાસનાનું આક્રમણ થાય, તો રામ, કૃષ્ણ, બુદ્ધ, ક્રાઈસ્ટ વગેરે પવિત્ર ચેતનાનો વિચાર કરી પવિત્રતાનું મોજું ઊભું કરવું.
આમ કરવામાં એ યાદ રાખવાની જરૂર છે કે, આવી રીતે વિરોધી વિચારોનું મોજું જો ખોટો વિચાર આવ્યો તે જ વખતે ઊભું કરવામાં આવે તો ઉપયોગી થશે. એક એવી ભૂમિકા છે, કે જ્યારે ક્રોધ એ એક પરપોટો જ હોય, પરંતુ પાછળથી મનુષ્ય એવી ભૂમિકાએ પહોંચે છે કે માણસ પોતે જ ક્રોધરૂપ બની જાય છે. જ્યારે આખું જ ઘર સળગી ઊઠે છે ત્યારે બંબો બહુ કામ આવતો નથી. સતત સાવધાનીની ખાસ આવશ્યકતા છે. શહેરમાં બંબાવાળા તેમના બંબાને નિરંતર તૈયાર રાખે છે. બરાબર તે જ પ્રમાણે આપણે શુભ વિચારોને કાયમ તૈયાર રાખવા; કે જેથી જ્યારે પણ ખોટો વિચાર આવે કે તુરત આપણે શુભ વિચાર ઉગામી શકીએ.
આનો અર્થ એટલો જ કે, આપણે આપણા મનને સતત તપાસતા રહેવું જોઈએ. અસાવધ માણસ એકદમ મૂર્ખ બની જાય છે. તેને મનની શાંતિ હોતી નથી. તદુપરાંત પોતાના મનને એવું બગાડી મૂકે છે કે જેમાં અશાંતિ જ હોય અને તે અશાંતિ જલદી દૂર થતી નથી. આ બગાડ ઉપરછલ્લો નથી પરંતુ ઊંડી ગયેલી ટેવો છે. અને આ ખોટી ટેવો મજબૂતી અને આગ્રહપૂર્વક આચરેલી શુભ ટેવોથી જ દૂર કરી શકાય છે.
જોકે આપણામાં દૂષણો ઘણાં જ છે અને આપણે નિરુત્સાહી બનીએ છીએ. તોપણ નિશ્ચય કરીશું, તો નિરાશ થવાનું કોઈ કારણ નથી. ખરી રીતે તો આપણા નિમ્ન સ્વભાવ(Lower Nature)નો આ પડકાર ઝીલી લેવામાં જ બહાદુરી છે. ભગવાન બુદ્ધે શાક્ય સેનાના વડાને કહેલું કે, “ઓ સિંહા, જે લડાઈ જીતે એ સેનાપતિ મોટો છે, પણ જે પોતાની જાતને જીતે છે, તે તેથી પણ મહાન છે.”
હું ધારું છું કે, આપણી અશુદ્ધિઓને એક પછી એક દૂર કરવાનું કામ શરૂઆતમાં મુશ્કેલ લાગશે. આપણે નિરાશ થઈને પૂછીએ છીએ “તો પછી માનસિક શાંતિ મેળવતાં કેટલો સમય લાગશે?”
પરંતુ માનસિક શાંતિ મેળવવા માટે આપણે અશુદ્ધિઓ અને દોષો એક પછી એક દૂર કરવા જોઈએ એવી ખાસ જરૂર નથી – જો એમ કરીશું તો કદાચ આપણને સ્મશાનની શાંતિ મળશે, પણ આવી શાંતિની આશા કોણ રાખે? આપણે તો એવી શાંતિ જોઈએ કે, જે આપણે ચોવીસે કલાક અનુભવીએ, જ્યારે આપણે પૂર્ણ ઉત્સાહ અને શક્તિથી જીવતા હોઈએ ત્યારે પણ અનુભવીએ.
તેથી જો આપણે આપણા દોષો, નિર્બળતાઓ અને અશુદ્ધિઓનાં મૂળ શોધી કાઢીએ, અને તે મૂળ ઉપર જ હુમલો કરીએ, તો આપણું કામ વધારે સહેલું થાય.
એવું કોઈ મૂળ છે કે જે આપણને જડે? હા, છે. ભગવાન પતંજલિ કહે છે કે, અસ્મિતા (Egoism) અહં એ બધી મુશ્કેલીઓ અને દોષોનું મૂળ છે. “અસ્મિતા” શું છે? તે પતજંલી જણાવે છે: “જોવા માટેની ઇન્દ્રિય સાથે જોનાર જ્યારે એકતા અનુભવે, ત્યારે તેને અસ્મિતા કહેવાય છે.” (યોગસૂત્ર 2-6)
તો જોનાર કોણ અને જોવા માટેની ઇન્દ્રિય કઈ? આપણે વેદાન્તના અભ્યાસથી જાણીએ છીએ કે, મનુષ્ય એ શુદ્ધ ચૈતન્ય છે અને તે અનંત અને શાશ્વત છે, તે આત્મા એ નામથી ઓળખાય છે, અને તે આત્મા તે જ જોનાર છે. મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો એ જોવા માટેનાં સાધનો છે. હવે જ્યારે જોવા માટેનાં સાધનો તે જ જોનાર છે એવી સમજ ઊભી થાય તે જ “અસ્મિતા” કહેવાય. આપણે બરાબર સમજી લેવાની જરૂર છે કે, જ્યાં સુધી આપણે અને આપણી જોવાની ઇન્દ્રિયો એ એક જ છીએ, એમ સમજીશું ત્યાં સુધી આપણે માનસિક શાંતિ મેળવી શકીશું નહિ. “મારું મન તે જ હું છું” એમ જો વિચારીશું તો માનસિક શાંતિ મળશે નહિ.
તેથી જોનાર અને જોવાનું સાધન એ બે વચ્ચેનો તફાવત સતત પારખવો જોઈએ; અને જોનારને સાધન સાથે કોઈ રીતે સંડોવવો જોઈએ નહિ, અને આ આપણી અશાંતિના મૂળને છેદવાની ચાવી છે. આપણે આપણી જાતને ઠસાવવું જોઈએ કે, મન અને ઇન્દ્રિયો મારાથી જુદાં છે. જેવી રીતે સિનેમાના પડદા ઉપરનું ચિત્ર પડદાથી જુદું છે, અને જો એમ ન હોય તો પડદાના ચિત્રમાં રહેલ ઘરમાં આગ લાગે ત્યારે ખરા પડદા અને સિનેમાના મકાનમાં પણ આગ લાગવી જોઈએ. પરંતુ આપણે મન સાથે એટલા બધા એકરૂપ થઈ ગયા છીએ કે, જ્યારે મનમાં આગ લાગે છે ત્યારે આપણને જ આગ લાગી હોય એમ સમજીએ છીએ.
પરંતુ ખરી રીતે આમ હોવું ન જોઈએ. વિશ્વની કોઈ વસ્તુ શુદ્ધ ચૈતન્યને હલાવી શકે તેમ નથી. અસ્મિતાને લીધે જ્યારે આપણે જોનાર અને જોવાનું સાધન એ બંનેને એક માનીને વારંવાર ચાલીએ છીએ, ત્યારે આપણને સુખ કે દુઃખનો અનુભવ થાય છે અને તે માનસિક શાંતિને અટકાવે છે.
પતંજલિના કહેવા મુજબ આપણને સંપૂર્ણ ખાતરી થાય કે જોનાર અને જોવાનાં સાધન, મન વગેરે આત્માથી જુદાં છે ત્યારે જ ખરી અનાસક્તિ વિકસે છે. વળી, આત્મા અને મન જુદાં છે એ જાણવું પૂરતું નથી. મનને અંકુશમાં લેવું પડશે અને એના તરંગોને દૃઢતાપૂર્વક કાબૂમાં રાખવા પડશે.
કેવી રીતે મનને અંકુશિત કરાય અને તેના તરંગોને કાબૂમાં રાખી શકાય? શ્રીરામકૃષ્ણ પરમહંસના શિષ્ય સ્વામી બ્રહ્માનંદ કહે છે કે, “તમે ધ્યાન ન કરો ત્યાં સુધી મન કાબૂમાં ન આવે અને મન કાબૂમાં ન હોય, તો ધ્યાન થાય નહિ પરંતુ તમે એમ સમજો કે પહેલાં મન કાબૂમાં લઈશ, અને પછી ધ્યાન કરીશ તો તમે કદાપિ અધ્યાત્મ માર્ગ ઉપર આગળ વધી શકશો નહિ. બંને કાર્યો એકસાથે કરવાં પડશે, મનને સ્થિર કરો અને ધ્યાન ધરો.”
મનની સ્થિરતામાં જ ધ્યાન શક્ય છે. ધ્યાનના અભ્યાસ વિના મનની સ્થિરતા શક્ય નથી અને તેથી માનસિક શાંતિની ઇચ્છા રાખનારે ધ્યાનનો મહાવરો રાખવો જરૂરી છે.
મનના તરંગોને શાંત કરવાનો એક રસ્તો એ છે કે જેણે ઘણા માણસો ધ્યાનની શરૂઆતમાં અજમાવે છે. તે એ છે કે, થોડો સમય શાંત બેસવું અને મનની હિલચાલ તપાસતા રહેવું અને જાણવું કે, વિચારનાં તરંગોથી આપણે જુદાં છીએ. પરંતુ જ્યારે કોઈ ખોટો વિચાર આવે કે તરત જ તેને કહેવું અને તેને ઠસાવવું કે, આપણે તે વિચાર સાથે જોડાવા નવરા નથી. સ્પષ્ટ રીતે આપણી નાપસંદગી તેને જણાવવી. વળી, જો કોઈ સારો વિચાર આવે તો વધાવી લેવો.
આ રીતે ઘણી ધીરજ અને તકેદારીથી આપણે મનની અશુદ્ધિઓ દૂર કરી શકીએ. જેટલે દરજ્જે આપણે આ અશુદ્ધિઓ દૂર કરી શકીશું તેટલે દરજ્જે આપણે મનને કાબૂમાં રાખી શકીશું અને ધીમે ધીમે આપણે શાંતિ મેળવી શકીશું.
સો વાતની એક મુખ્ય વાત એ છે કે, મનની શાંતિ મનને કાબૂમાં લાવ્યા સિવાય આવશે નહિ. પરંતુ એટલું બરાબર ધ્યાનમાં રાખવું કે, મનને શાંત કરવાની આ રીતે સહેલી નથી. એ લાંબી તકેદારી અને આચરણ તથા બુદ્ધિ અને સાવધાની માગી લે છે. પણ નક્કર અને નિશ્ચિત રીત છે. જે માણસ લાંબા સમય સુધી તેને અનુસરે છે તેને મનની શાંતિ જરૂર મળે છે.
(ક્રમશઃ)
Your Content Goes Here