સાચો ગુરુ કોણ?

આપણામાંથી લગભગ પ્રત્યેક જણ જોકે અત્યંત અદ્‌ભુત રીતે આધ્યાત્મિક વિષયો ઉપર બોલી શકે છે, પરંતુ જ્યારે તેને આચરણમાં ઉતારવાનું આવે છે ત્યારે આપણે જોઈએ છીએ કે આપણે અત્યંત અપૂર્ણ દેખાઈએ છીએ. તેનું કારણ એ છે કે આધ્યાત્મિક વિકાસને ત્વરિત બનાવવાના કારણરૂપે પુસ્તકો અપૂર્ણ છે. આત્માની ઉન્નતિ કરવાની પ્રેરણા અન્ય આત્મામાંથી આવવી જોઈએ. જે પુરુષના આત્મામાંથી આવી પ્રેરણા આવે છે તેને ગુરુ કહેવામાં આવે અને જે વ્યક્તિના આત્મામાં પ્રેરણા સંચારિત થાય છે તેને શિષ્ય કહેવામાં આવે છે. પ્રથમ તો કોઈ પણ આત્મામાં આવું પ્રેરણાનું સંક્રમણ કરવા સારુ જે આત્મામાંથી તે પ્રેરણા આવે છે, તે આત્મા પાસે તેમ કરવાની શક્તિ હોવી જોઈએ; અને બીજું, જે આત્મામાં તેનો સંચાર કરવામાં આવે છે, તે તેને ગ્રહણ કરવા માટે યોગ્ય હોવો જોઈએ. બીજ જીવંત હોવું જોઈએ તથા ક્ષેત્ર ખેડાઈને તૈયાર થયેલું હોવું જોઈએ; અને જ્યારે આ બંને બાબતો ચરિતાર્થ થાય છે ત્યારે સાચા ધર્મનો અપૂર્વ વિકાસ થાય છે. “સાચા ધર્મગુરુમાં અપૂર્વ યોગ્યતા હોવી જોઈએ અને તેનો શિષ્ય કુશળ ધારણા શક્તિસંપન્ન હોવો જોઈએ.” आश्चर्यो वक्ता कुशलोऽस्य लब्धा । અને જ્યારે આ બંને ખરેખર અસાધારણ અને અપૂર્વ હશે ત્યારે જ અદ્‌ભુત આધ્યાત્મિક જાગૃતિ પરિણમશે; અન્યથા નહીં. આવો જ પુરુષ વાસ્તવમાં સાચો ગુરુ છે, અને એવી જ વ્યક્તિ આદર્શ શિષ્ય અને આદર્શ સાધક છે.

ઘણા લોકો અજ્ઞાનમાં ડૂબેલા હોવા છતાં તેમના અંતરના અહંકારમાં તેઓ પોતાને સર્વજ્ઞ માને છે; વળી તેઓ માત્ર ત્યાં જ અટકતા નથી, પરંતુ બીજાઓનો બોજો પોતાના ખભે ઉપાડી લેવા તૈયાર થઈ જાય છે, અને આ રીતે અંધઅંધને દોરવા જતાં, બંને ખાડામાં પડે છે.

अविद्यायामन्तरे वर्तमानाः स्वयंधीराः पण्डितम्मन्यमानाः ।

जंधन्यमानाः परियन्ति मूढा अन्धेनैव नीयमाना यथान्धाः ॥

“અવિદ્યામાં વસતા આ અતિમૂઢ આત્માઓ આત્મવંચનામાં પોતાને બુદ્ધિમાન સમજે છે અને મિથ્યા જ્ઞાનથી ફુલાઈને તેઓ અહીંતહીં ઠોકર ખાતા, એક આંધળો બીજા આંધળાને દોરીને લઈ જતાં જેમ ગોળગોળ ફરે તેમ ફર્યા કરે છે.” (મુંડક ઉપનિષદ 1:2:8) જગત આવા માણસોથી ભરેલું છે. પ્રત્યેક વ્યક્તિ ગુરુ બનવા માગે છે, પ્રત્યેક ભિખારી લાખ રૂપિયાનું દાન કરવા ચાહે છે! આ ભિખારીઓના જેવા જ આ ગુરુઓ પણ હાસ્યાસ્પદ છે.

(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા 5, પૃ. સં. 13-15)

Total Views: 520

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.