द्वा सुपर्णा सयुजा सखाया समानं वृक्षं परिषस्वजाते ।
तयोरन्यः पिप्लं स्वाद्वत्त्यनश्नन्योऽभिचाकशीति ।।1।।

समाने वृक्षे पुरुषो निभग्रोऽनीशया शोचति मुह्यमानः ।
जुष्टं यदा पश्यत्यन्यमीशमस्य महिमानमिति वीतशोकः ।।2।।

यदा पश्यः पश्यते रुक्मवर्णं कर्तारमीशं पुरुषं ब्रह्मयोनिम् ।
तदा विद्वान् पुण्यपापे विधूय निरञ्जनः परमं साम्यमुपैति ।।3।।

प्राणो होष यः सर्वभूतैर्विभाति विजानन् विद्वान् भवते नातिवादी ।
आत्मक्रींड आत्मरतिः कियावानेष ब्रह्मविदां वरिष्ठः ।।4।।

सत्येन लभ्यस्तपसा होष आत्मा सम्यग्ज्ञानेन ब्रह्मचर्येण नित्यम् ।
अन्तःशरीरे ज्योतिर्मयो हि शुभ्रो यं पश्यन्ति यतयः क्षीणदोषाः ।।5।।

सत्यमेव जयति नानृतं सत्येन पन्था विततो देवयानः ।
येनाक्रमन्त्यृषयो ह्याप्तकामा यत्र तत्सत्यस्य परमं निधानम् ।।6।।

જીવાત્મા અને પરમાત્મારૂપ બે પક્ષીઓ સાથે રહેનારા મિત્રો છે, અને એક જ શરીરરૂપ વૃક્ષમાં ભેટીને રહ્યાં છે. તેમાંનું એક પક્ષી (જીવાત્મા) મીઠું લાગતું (કર્મનું) ફળ ખાય છે, અને બીજું (પરમાત્મા) તેને ન ખાતાં માત્ર જોયા કરે છે. (1) એક જ વૃક્ષમાં આસક્ત બનેલો પુરુષ (જીવાત્મા) પોતાની લાચારીને લઈને મોહ પામીને શોક કરે છે, પણ જ્યારે એ જીવાત્મા બીજા (પરમાત્મા)ને નિયંતા તરીકે જુએ છે, ત્યારે ‘આ તો બધો આનો જ મહિમા હું જોઈ રહ્યો છું.’ એમ સમજે છે અને શોકરહિત બને છે. (2) જ્યારે એ જોનારો જીવાત્મા સોનેરી પ્રકાશવાળા અને સૃષ્ટિના કારણરૂપ, કર્તા અને નિયંતા એવા પરમપુરુષને જુએ છે, ત્યારે એ જ્ઞાની અને શુદ્ધ બનીને તેમ જ પુણ્ય અને પાપને દૂર હડસેલીને પૂરેપૂરી તેની સમાનતા પામે છે. (3) જે આ સર્વ ભૂતોરૂપે દેખાય છે, તે એ જ પ્રાણ (અર્થાત્ બ્રહ્મ) છે, એમ જાણીને જ્ઞાની બહુ વાદ કરતો નથી, પણ એ પોતાના આત્મામાં જ મસ્ત બની અને પોતાના આત્મામાં જ તૃપ્ત થઈ સહજ ક્રિયા કરતો રહે છે. એ જ બ્રહ્મવેત્તાઓમાં શ્રેષ્ઠ છે. (4) દોષરહિત બનેલા યોગીઓ શરીરમાં રહેલા, તેજસ્વી અને શુદ્ધ એવા જે આત્માને જુએ છે, તે આ આત્મા સત્ય વડે, તપ વડે, ઉત્તમ જ્ઞાન વડે અને સતત બ્રહ્મચર્ય વડે મેળવી શકાય છે. (5) સત્ય જ વિજય પામે છે; પણ અસત્ય વિજય પામતું નથી. (બ્રહ્મ તરફ જતો) દેવયાન માર્ગ સત્ય વડે જ ખુલ્લો થાય છે. જેમની ઇચ્છા પૂર્ણ થઈ છે, એવા ઋષિઓ જે માર્ગે પરમ પદને પામે છે; જ્યાં સત્યના પરમ સ્થાનરૂપ તે બ્રહ્મ રહેલ છે. (તે બ્રહ્મતત્ત્વ મહાન છે)

[મુંડકોપનિષદ – 3/1/1થી 6]

Total Views: 454

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.