[મહાભારત એક વિશાળ ગ્રંછ છે, જેમાં અનેક અમૂલ્ય મોતી બોધપ્રદ કથાઓ રૂપે વીખરાયેલાં પડેલાં છે. આમાંની કેટલીક કથાઓ ચયન કરીને શ્રીરામકૃષ્ણ મઠ, અલાહાબાદના અધ્યક્ષ સ્વામી સત્યરૂપાનંદજીએ એક બોધપ્રદ લેખમાળા તૈયાર કરી હતી, જે હિન્દી ત્રૈમાસિક પત્રિકા ‘વિવેક-જ્યોતિ’માં પ્રકાશિત થઈ હતી. તેમાંની કેટલીક કથાઓનું ગુજરાતી રૂપાંતર અમે ધારાવાહીકરૂપે પ્રકાશિત કરી રહ્યા છીએ. આ કથાનું ભાષાંતર શ્રીમતી ઉષાબહેન ગોરસિયાએ કર્યું છે. – સં.]

પ્રજાપતિ બ્રહ્માની સભામાં દેવેન્દ્ર બધા દેવો સાથે હાજર થયા. તેઓ બધા ભય અને ચિંતાથી પીડિત હતા. પ્રજાપતિએ દેવોને જોઈને અનુમાન કર્યું કે, તેઓ ભયભીત હતા. તેમણે તે બધાને અભયદાન આપતાં પૂછયું : “દેવો ! તમે બધા કેમ ભયભીત છો ? તમારા પર કઈ વિપદા આવી પડી છે ? નિર્ભય થઈને મને બધી વાત કરો. હું તમારી મુશ્કેલીઓ નિવારવાનો ઉપાય સુઝાડીશ.”

પ્રજાપતિની વાતોથી આશ્વાસન પામીને ઇન્દ્રે નિવેદન કર્યું : “ભગવન્ ! કાલકેય નામના ભયાનક દૈત્યોએ વૃત્રાસુરની આગેવાની નીચે એક શક્તિશાળી અને વિશાળ અસુરસેનાનું સંગઠન કર્યું છે. અસુરોની આ સંગઠિત સેનાએ દેવલોક પર હુમલો કર્યો છે. અમારી સેનાની શક્તિ ક્ષીણ થતી જાય છે. અને શત્રુઓ એકધારા આગળ વધી રહ્યા છે. દૈત્યોની આ વિશાળ સેનાને કારણે અમારા પ્રાણ સંકટમાં આવી પડ્યા છે. હે પ્રજાપતિ ! દૈત્યોનો સેનાનાયક આ વૃત્રાસુર ભારે બળવાન અને ઘાતકી છે. એની જ શક્તિના કારણે અસુરસેના દેવલોક પર ધસી આવી છે. જ્યાં સુધી વૃત્રાસુરનો નાશ નહીં થાય ત્યાં સુધી અસુરસેનાને પરાજિત કરવી અશક્ય છે. તમને અમારી પ્રાર્થના છે કે, તમે અમને એનો વિનાશ કરવાનો ઉપાય બતાવો.”

પ્રજાપતિ થોડી પળો ગંભીર રહ્યા. પછી તેમણે દેવરાજને કહ્યું, “સુરપતિ ! વૃત્રાસુર ઘણો જ ભયંકર છે. તમારા સાધારણ વજ્રથી તેનો નાશ શક્ય નથી. તેનો વિનાશ કરવા માટે તમારે એક વિશેષ વજ્ર બનાવડાવવું પડશે. અને આ વિશેષ વજ્ર પદાર્થથી નહીં બની શકે, કે જેનાથી તમે આટલાં વર્ષો સુધી વજ્ર બનાવતા રહ્યા છો.”

ઇન્દ્રે વ્યાકુળ થઈને પૂછ્યું : “ભગવન્ ! કૃપા કરીને મને બતાવો કે, એ કઈ વસ્તુ છે કે, જેનાથી વજ્ર બનાવીને વૃત્રાસુરનો નાશ થઈ શકે ? અમે કોઈ પણ રીતે એ વસ્તુ મેળવવાનો ઉપાય શોધીશું.”

બ્રહ્માએ કહ્યું, “દેવરાજ ! મહર્ષિદધીચિ એક મહાન તપસ્વી મહાત્મા છે. એમની તપસ્યાથી એમનાં અસ્થિઓમાં અતુલ શક્તિનો સચાર થયો છે. જો એ પોતાની ઇચ્છાથી પોતાના દેહનો ત્યાગ કરીને તમને પોતાનાં અસ્થિઓ આપી દે અને તમે એ અસ્થિમાંથી વજ્ર બનાવડાવી લો તો એ અમોઘ વજ્રથી વૃત્રાસુરનો સંહાર જરૂર થઈ જશે.”

પ્રજાપતિની વાત સાંભળીને દેવરાજ થોડા નિરાશ થયા; છતાં પણ દેવોને લઈને મહર્ષિની સેવામાં હાજર થવાનો એમણે નિર્ણય કર્યો. ઇન્દ્રની આગેવાની નીચે દેવતાઓ મહર્ષિ દધીચિના આશ્રમમાં પહોંચ્યા. ઋષિ આશ્રમની સામેના એક ઝાડ નીચે શિલા પર બેઠા હતા. અને આત્મચિંતનમાં લીન હતા. દેવોને ઇન્દ્રની સાતે પોતાને ત્યાં આવેલા જોઈને તેઓ ખૂબ પ્રસન્ન થયા. તેમણે તેઓનું સાદર સ્વાગત કર્યું. વ્યાવહારિક શિષ્ટાચાર પછી ઋષિએ તેમના આવવાનું કારણ જણાવવા કહ્યું.

દેવરાજ ઇન્દ્રે વિનયપૂર્વક નિવેદન કર્યું, “મહર્ષિ, અસુરપતિ વૃત્રાસુરના અત્યાચારથી બધા દેવો દુઃખી છે. એની વિશાળ સેના દેવોનો નાશ કરવા માગે છે. વૃત્રાસુર ઘણો જ ક્રૂર અને શક્તિશાળી છે. એના વિનાશ વગર દેવલોકની રક્ષા કરવી શક્ય નથી.”

મહર્ષિએ કહ્યું, “દેવરાજ ! તમે તો વજ્રધારી છો. પછી તમે આટલા બીઓ છો કેમ ? વૃત્રાસુરનો પણ તમારા વજ્રથી નાશ કેમ નથી કરી દેતા ?”

ઇન્દ્રે નિવેદન કર્યું, “મહાત્મન્ વૃત્રાસુરમાં પ્રચંડ શક્તિ છે. વજ્રથી એનો વિનાશ થવો અશક્ય છે. પણ એક એવી અજોડ વસ્તુ છે ખરી કે, જેનાથી જો વજ્ર બનાવવામાં આવે તો એથી એ રાક્ષસનો નાશ જરૂર થઈ શકે.”

ઋષિએ જિજ્ઞાસાભરી દૃષ્ટિથી એમની તરફ જોયું અને પૂછ્યું, “દેવરાજ, એ અજોડ વસ્તુ વળી કઈ છે ? શું હું એ વસ્તુ મેળવવામાં તમારી કશી મદદ કરી શકું ખરો ?” ઇન્દ્રે વિનયથી કહ્યું, “ભગવાન, ખરેખર તો આપ જ એ અજોડ વસ્તુના સ્વામી છો. આપની કૃપાથી જ અમને એ વસ્તુ પ્રાપ્ત થઈ શકશે અને એનાથી જ દેવલોકની રક્ષા શક્ય છે. નહીંતર દેવતાઓનો વિનાશ નિશ્ચિત છે.”

મહર્ષિ દધીચિએ ઇન્દ્રને ઉત્સાહિત કરતાં કહ્યું, “દેવરાજ ! તમે નિઃસંકોચ મને કહો કે, કઈ વસ્તુ છે કે જેનાથી વૃત્રાસુરનો નાશ કરવાવાળું વજ્ર બની શકે અને જે મારા અધિકારમાં છે ? હું ખુશીથી એ વસ્તુ તમને આપવા તૈયાર છું.”

દેવરાજ ઇન્દ્રે સંકોચ પામતાં કહ્યું, “મહારાજ ! પ્રજાપતિ બ્રહ્માએ અમને કહ્યું છે કે, અનુપમ તપસ્યાને કારણે આપનાં અસ્થિઓમાં મહાન શક્તિનો સંચાર થયો છે. જો આપ અમારા બધા ઉપર દયા કરીને સ્વેચ્છાથી પોતાના દેહનો ત્યાગ કરી અને આપનાં પવિત્ર અસ્થિઓ અમને આપી દો તો એ પવિત્ર અસ્થિઓમાંથી બનેલા વજ્રથી વૃત્રાસુરનો નાશ જરૂર થઈ જશે. અને એ રીતે દેવોના પ્રાણની રક્ષા થઈ શકશે.”

ઋષિએ અતિશય શાંત ચિત્તે કહ્યું, “સુરરાજ, બીજાઓની સેવા માટે જીવનનો ઉત્સર્ગ કરવો એ જ તો મોક્ષનું બીજું નામ છે. જો મારાં અસ્થિના બનેલા વજ્રથી એક રાક્ષસનો નાશ થઈ શકે અને આટલા દેવોનું કલ્યાણ થતું હોય તો મારા માટે એનાથી મોટા અહોભાગ્યની બીજી શી વાત હોઈ શકે ? મારા પ્રાણત્યાગ પછી તમે ખુશીથી મારા શરીરનાં અસ્થિઓ કાઢી લેજો અને એનાથી વજ્ર બનાવીને તમારું મહાન કાર્ય સિદ્ધ કરી લેજો.”

ઇન્દ્રને પોતાનાં અસ્થિઓનું દાન કરીને મહર્ષિ દધીચિએ યોગબળથી પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. ઋષિએ પ્રાણ ત્યાગ્યા પછી ઇન્દ્રે એમનાં અસ્થિઓ ભેગાં કર્યાં. એ અસ્થિઓથી વજ્ર બનાવવામાં આવ્યું. આ વજ્રથી જ વૃત્રાસુરનો નાશ થયો અને દેવતાઓની રક્ષા થઈ શકી.

મહાભારતની આ રૂપકથા એક મહાન સત્યનું ઉદ્‌ઘાટન કરે છે. દરેક માણસના જીવનમાં દેવો અને દાનવોનો આ અનિર્ણીત સંઘર્ષ હંમેશાં ચાલતો હોય છે. આપણા મનની હીન વૃત્તિઓ દાનવ છે. અને આપણી શુભ અને સાત્ત્વિક વૃત્તિઓ દેવ છે. આપણી અશુભ વૃત્તિઓ અનેક રીતે આપણી સદ્‌વૃત્તિઓને ક્ષીણ કરવાનો અને એના પર વિજય મેળવવાનો પ્રયત્ન કરતી રહે છે. કોઈ એક નબળાઈ અથવા કોઈ અસદ્ વૃત્તિ પ્રત્યે પણ જો આપણે લેશમાત્રેય બેદરકાર બનીએ તો અનેક હીન વૃત્તિઓ તુરત જ આપણા મનને વલોવી નાખશે. એક હીન વૃત્તિને આશરો મળતાં જ અનેક હીન વૃત્તિઓ સ્વતઃ આપણા મન ઉપર હક જમાવી બેસે છે અને આપણને ખાડામાં નાખી દે છે.

પણ સદ્‌વૃત્તિઓની બાબતમાં આ નિયમ લાગુ નથી પડતો. ખૂબ જ કાળજીપૂર્વક કઠોર સાધના કરીને જ કોઈ એક સાત્ત્વિક પ્રવૃત્તિનો આપણે વિકાસ કરી શકીએ છીએ. પણ એ એક સદ્‌વૃત્તિના વિકાસની સાથે સાથે બીજી સદ્‌વૃત્તિ કંઈ આપમેળે જ નથી આવી જતી. એમાંની એકે એકને મેળવવા માટે આપણે અલગ અલગ પ્રયત્ન તથા સાધનાઓ કરવી પડે છે. ફક્ત ત્યારે જ એ જીવનમાં આવી શકે છે. એના માટે આપણે ઘણી કિંમત ચૂકવવી પડે છે.

વૃત્રનો અર્થ છે ઘનઘોર અંધારું. આ અંધકાર આપણા અજ્ઞાનનું જ મૂર્ત રૂપ છે. દાનવોનો સેનાપતિ આ વૃત્ર જ થઈ શકે છે. આપણી હીન અસદ્ વૃત્તિઓ અજ્ઞાનનો આશરો મેળવીને જ પ્રબળ બને છે.

બુદ્ધિ એ ઇન્દ્ર છે. અજ્ઞાનરૂપી વૃત્ર એ બુદ્ધિરૂપી ઇન્દ્ર ઉપર પ્રહાર કરવાનો પ્રયત્ન કરે છે. કારણ કે બુદ્ધિ હારી જાય તો જ ઇન્દ્રિયોરૂપી દેવો આપમેળે વૃત્ર એટલે કે અજ્ઞાનને આધીન થઈ જાય છે.

ઘણી વાર ઇન્દ્ર દેવોનું પતન થતું જોઈને પોતાના પરાભવના અણસાર મેળવી લે છે અને તયારે પોતાની સુરક્ષા અને વિજયનો ઉપાય પૂછવા બ્રહ્મા પાસે જાય છે. પ્રલોભનોની સામે જ્યારે આપણી ઇન્દ્રિયો પરાજિત થઈને વાસનાલોલુપ થવા લાગે છે, ત્યારે જો માણસ સાવધાન હોય તો બુદ્ધિરૂપી ઇન્દ્રને પોતાના પર થનારા આક્રમણનો અણસાર મળી જાય છે ત્યારે એ પોતાની રક્ષાનો ઉપાય પૂછવા વિવેકરૂપી બ્રહ્મા પાસે જાય છે. બ્રહ્મા એને એના છૂટકારા અને વિજયનો ઉપાય બતાવે છે. આ ઉપાય હંમેશાં પોતાના ઇન્દ્રત્વ અથવા શ્રેષ્ઠપણાના અભિમાનના ત્યાગ ઉપર આધારિત હોય છે. ત્યારે જ તો ઇન્દ્ર પોતાની શ્રેષ્ઠતાનો ત્યાગ કરીને મહર્ષિ દધીચિની પાસે એક યાચકના રૂપમાં જઈને એમની પાસે એમનાં અસ્થિઓનું દાન માગે છે. તાત્પર્ય એ છે કે, બુદ્ધિરૂપી ઇન્દ્રને પણ પોતાનું અભિમાન છોડીને શ્રદ્ધારૂપી દધીચિ પાસે એક યાચકરૂપે જવું પડે છે. આ શ્રદ્ધારૂપી દધીચિનાં અસ્થિઓ એ જ્ઞાન છે. શ્રદ્ધાની ચરમ સીમા – ત્યાગ જ જ્ઞાન છે. અને એ જ દધીચિનો દેહત્યાગ છે. જ્ઞાનના મહાવજ્રથી અજ્ઞાનના વૃત્રાસુરનો નાશ થાય છે.

Total Views: 508

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.