24 ઑગષ્ટ, શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે

[શ્રીમત્ સ્વામી તપસ્યાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. અંગ્રેજીમાં તેમણે અનુવાદ કરેલા અનેક ગ્રંથોમાંથી શ્રીમદ્ભાગવતનો અંગ્રેજી અનુવાદ (ચાર ભાગ) વિદ્વાનોમાં ઘણો આવકાર પામ્યો છે. આ ગ્રંથના ત્રીજા ભાગમાં શ્રીમદ્ભાગવતના દશમ સ્કંદની ભૂમિકામાં તેમણે અનેક મહત્ત્વના મુદ્દાઓની ગૂઢ અને વિષદ વિવેચના કરી છે. તેના પ્રથમાંશમાં ભગવાન શ્રીકૃષ્ણના જીવનની ઐતિહાસિક અને રહસ્યાત્મક બંને રીતે સુંદર ચર્ચા કરી છે, જે અમે અહીં સુજ્ઞ પાઠકોના લાભાર્થે રજૂ કરીએ છીએ. ભાષાન્તરકાર – શ્રી કે. વિ. શાસ્ત્રી – સં.]

શ્રીકૃષ્ણ : તેની ઐતિહાસિકતા અને રહસ્યમયતા :

નેવું અધ્યાયો અને ત્રણ હજાર નવસો છેતાલીસ શ્લોકોમાં પથરાયેલો શ્રીમદ્ભાગવતનો દશમ સ્કંધ એક રીતે ભાગવતનું હૃદય છે, તો બીજી રીતે એની ચરમ સીમા પણ છે. કારણ કે એનો વિષય ‘અપાશ્રય’ એટલે કે સકળ જગતના આધાર સ્વયં પરમાત્મા છે, કે જેને અહીં શ્રીકૃષ્ણ સ્વરૂપે ઓળખવામાં આવ્યા છે. કેટલાક લોકો આ સ્કંધના મુખ્ય વિષય તરીકે ‘નિરોધ’ કે ‘પ્રલય’ને માને છે. તેમને મતે આ સ્કંધમાં વર્ણવાયેલી ભક્તિસભર કથાઓ અને દિવ્ય લીલાઓના શ્રવણથી તેમ જ ચિંતનમનનથી મન ભગવાન સાથે એકાકાર થઈ જાય છે, ભળી જાય છે, મનનો એમાં ‘લય’ થઈ જાય છે, એ એમનો ‘પ્રલય’ શબ્દનો અર્થ છે. તેઓ ‘અપાશ્રય’ને બારમા સ્કંધનો વિષય લેખે છે. પરંતુ આ રીતે પાડેલા ભેદમાં એક જાતની વ્યવસ્થા માત્ર કરવા સિવાય ઝાઝું વજૂદ જણાતું નથી. શ્રીમદ્ ભાગવતનો વિશિષ્ટ ઉપદેશ એ છે કે, ‘ભક્તિ’ એ મનુષ્ય દ્વારા સાધ્ય પાંચમો પુરુષાર્થ કે પાંચમું જીવનમૂલ્ય છે. આ રીતે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પરંપરાથી ચાલતી આવેલી ચાર પુરુષાર્થની વિભાવનામાં ભક્તિનો એટલે કે ઈશ્વરની આરાધનાનો અહીં પાંચમા પુરુષાર્થ તરીકે ઉમેરો થયો છે. દિવ્ય તત્ત્વમાં એકાકારતાની પ્રાપ્તિરૂપ મુક્તિ કરતાં પણ અહીં ભક્તિને ઊંચી ગણવામાં આવી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, ‘ભગવાન મુક્તિ તો કોઈ વાર આપેય ખરા, પણ ભક્તિ તો ભાગ્યે જ આપે છે.’ (ભાગવત, 5 : 6 : 18) આ ઉચ્ચતમ ભક્તિનું અનન્ય પાસું એ છે કે, એમાં જીવ સર્વશક્તિમાન પ્રભુને પોતાના કરીને માને છે. અને કોઈ પણ લાભ મેળવવાના પોતાના સ્વાર્થમય ખ્યાલોને વિસારે પાડીને પોતે કેવળ એની જ આરાધનામાં ખોવાઈ જાય છે. તે એટલે સુધી કે, ક્ષણિક હસ્તીમાંથી મુક્તિ મેળવવાનો ખ્યાલ પણ એને રહેતો નથી. પરમ પ્રભુની આરાધના જ જીવનું ચરમ લક્ષ્ય બની જાય છે.

આગળના બધા સ્કંધોમાં પણ જો કે આ સિદ્ધાંતોની છાયા તો પડેલી જ છે; પરંતુ આ દશમ સ્કંધમાં તો શ્રીકૃષ્ણના જીવન અને ઉપદેશો દ્વારા તેમ જ વિવિધ ભક્તો સાથેના તેમના સંબંધ દ્વારા આ સિદ્ધાન્તો વ્યાવર્તક રીતે દર્શાવવામાં આવ્યા છે. ખાસ કરીને માનવના પ્રેમની વિવિધ પ્રણાલીઓ દ્વારા પરમેશ્વરને પોતાનો કરીને કેવી રીતે ચાહવો, એ વાત એમાં દર્શાવાઈ છે. એટલા માટે શ્રીકૃષ્ણના જીવનનું વિસ્તૃત વિવરણ એ આ સ્કંધનો મુખ્ય વિષય બન્યો છે.

સૈદ્ધાન્તિક બાબતનો વિચાર કરતા પહેલાં આ કથાના સ્વરૂપ વિશે વિચારી લેવું યોગ્ય ગણાશે. આ કથાઓ પરત્વે આધુનિક માનવમનનો સૌથી પહેલો સવાલ તો આ કથાઓમાં દર્શાવેલી ઘટનાઓની ઐતિહાસિકતા સંબંધે ઊઠશે. દિવ્ય અભિવ્યક્તિઓના સંદર્ભમાં ઐતિહાસિકતાનું મહત્ત્વ કેટલું બધું નગણ્ય છે, એ બાબતની ચર્ચા તો આપણે પહેલાં સામાન્ય ભૂમિકામાં કરી જ ચૂક્યા છીએ. ભારતીય પરંપરા અનુસાર કલિયુગની શરૂઆતની સાથોસાથ જ (ઈ. પૂ. 3102માં) શ્રીકૃષ્ણનો દેહોત્સર્ગ થયો. આધુનિક ઇતિહાસકારો જો કે કલિયુગને સ્વીકારતા નથી; છતાં પણ શ્રીકૃષ્ણની ઐતિહાસિકતા વિશે તેમણે પૂરતા વૈજ્ઞાનિક પુરાવા તો મેળવ્યા જ છે. પાર્ગીટરે પોતાના Ancient Indian Historical Traditions નામના પુસ્તકમાં દર્શાવેલ મત પ્રમાણે કૃષ્ણ વહેલા ન માનીએ તોય મોડામાં મોડા ઈશુ પહેલાંનાં 900 વર્ષે તો જન્મ્યા હશે જ. છંદોગ્યોપનિષદ ઘોરાંગિરસના શિષ્ય તરીકે દેવકીપુત્ર કૃષ્ણનો ઉલ્લેખ કરે છે, અને તેમને અહીં અપાયેલ ઉપદેશો ઘણે અંશે ગીતામાં આપેલા ઉપદેશોને મળતા આવે છે. સંસ્કૃત વ્યાકરણના પ્રણેતા પાણિનિ, કે જેઓ આર. જી. ભાંડારકરના મતે ‘વહેલા નહિ તો ય મોડામાં મોડા ઈ. પૂ. સાતમી સદીમાં હયાત હતા જ.’ તેમણે ‘વાસુદેવકો’ એટલે કે વાસુદેવના અનુયાયી સંપ્રદાય વિષે કહ્યું છે. આ બતાવે છે કે પાણિનિના સમયથી કેટલાંય વર્ષો પહેલાં વૃષ્ણિનાયક અને તત્ત્વજ્ઞાની એવા આ કૃષ્ણવાસુદેવ (વસુદેવના પુત્ર કૃષ્ણ) એક દિવ્ય પુરુષ-પુરુષોત્તમ તરીકેની માન્યતા પામી ચૂક્યા હતા. અને તેમના અનુયાયીઓ ચારે બાજુના વિશાળ ફલકમાં ફેલાઈ ચૂક્યા હતા. જે સ્થળે પાણિનિ રહેતા હતા ત્યાં, છેક ગાંધાર કે અફઘાનિસ્તાન સુધી પણ તેઓની પહોંચ હતી. ચોતરફ ફેલાયેલા આ કૃષ્ણપંથના પ્રભાવની માહિતીઓ, આપણને ગ્રીક એલચી મેગેસ્થિનિઝે એ વિશે કરેલા ઉલ્લેખોમાંથી (ઈ. પૂ. ચોથી સદી) સાંપડે છે. તદુપરાંત, વાસુદેવના મંદિરના પરિસરની દીવાલ બંધાવી આપનાર કોઈક ‘ભાગવત’-ભગવત્પંથીનો ઉલ્લેખ કરતા ઘોસંદીના શિલાલેખમાંથી (ઈ. પૂ. 200-100) પણ મળે છે. વળી હેલોડોરસ (Heliodorus) નામના એક ગ્રીકનો ‘પરમ ભાગવત’ તરીકે ઉલ્લેખ કરતા બસનગરના શિલાલેખ દ્વારા (ઈ. પૂ. 100) તેમ જ વાસુદેવને એક દેવ તરીકે વર્ણવતા નનઘરના શિલાલેખ (ઈ. પૂ. 100) દ્વારા પણ આવી જાણકારી મળે છે.

એક પરમસિદ્ધ તત્ત્વજ્ઞાની અને મથુરાના એક રાજવંશના નાયક હોવા ઉપરાંત, કૃષ્ણનું એક બીજું તાત્વિક પાસું પણ છે. ભટકતી ગોપજાતિના અને ગોવાળિયાઓના જીવનના તમામ કાર્યકલાપો, એનાં સાહસો અને એના સ્નેહમાં ગળાડૂબ ભાગીદાર બનીને વૃંદાવનના ગોવાળિયાઓની વચ્ચે ‘ગોપાલકૃષ્ણ’ તરીકે રહેવાનું તેમના જીવનનું એક એવું વિશિષ્ટ પાસું છે કે આગળ જતાં એણે કૃષ્ણ પરાક્રમગાથાનાં અન્ય પાસાં ઉપર પોતાનું પ્રભુત્વ જમાવી દીધું. પશ્ચિમી વિદ્વાનોના દૃષ્ટિકોણથી અત્યંત પ્રભાવિત થયેલા અને વૈષ્ણવ ધર્મના ઇતિહાસના અભ્યાસુ ભાંડારકર જેવાઓ પૃથક્કરણ કરીને કૃષ્ણની આ આખી પરાક્રમગાથાને પરંપરાથી ચાલ્યાં આવતાં ત્રણ કથાનકોનું થઈ ગયેલું ભેળસળિયું સ્વરૂપ માનતા જણાય છે. એક તો, છાંદોગ્યોપનિષદના ઘોરાંગિરસના શિષ્ય, તત્ત્વજ્ઞાની દેવકીપુત્ર કૃષ્ણ; બીજા, મથુરાના રાજવંશના નાયક, વાસુદેવ કૃષ્ણ અને ત્રીજા, વૃંદાવનના ગોવાળોના ગોપાલકૃષ્ણ. આવો પૃથક્કરણાત્મક અભ્યાસ, પહેલી ઉપલક નજરે જોતાં ચમકદાર તો લાગે છે. પણ અનું સૂક્ષ્મ પરીક્ષણ કરતાં આવી શોધ એક તદ્દન અપ્રમાણિક અનુમાન જ ઠરે છે. એનો ચોખ્ખો ઇરાદો તો માત્ર કૃષ્ણના વ્યક્તિત્વને વિકૃત કરી મૂકવાનો અને એમને તેમ જ એમની હયાતીને હાસ્યાસ્પદ અને નિરર્થક કરી દેવાનો જ છે ! કોઈ મનુષ્યના પરમ સુંદર શરીરનું પૃથક્કરણ કરીને એને કાર્બન અને એવાં બીજાં શરીરઘટક તત્ત્વોને જુદાં જુદાં એકમોમાં જોવા જેવી આ વાત થઈ ! આવું પૃથક્કરણ આપણને બહુ બહુ તો કેટલીક રસિક માહિતી આપી શકે. પણ એ આપણને કૃષ્ણના વ્યક્તિત્વનું સાચું અને પૂરું જ્ઞાન આપવાની બાબતમાં તો નિરર્થક જ નીવડે. એટલે ઉપર બતાવેલા કૃષ્ણ જીવનના પૃથક્કરણાત્મક અધ્યયનથી ભલે આપણને કોઈક પ્રકારનો ફાયદો થઈ શકતો હોય તો પણ કૃષ્ણની ઐતિહાસિકતાનું મૂલ્યાંકન કરવામાં આપણે એને અપ્રસ્તુત ગણીને એક કોરાણે મૂકી દઈ શકીએ. ભાગવતના કૃષ્ણમાં એક જ વ્યક્તિમાં, એક જ વ્યક્તિત્વમાં ઉપરનાં ત્રણેય પાસાં અલગ-અલગ સમયે બતાવવામાં આવ્યાં છે, એ કંઈ ન માની શકાય એવી વાત નથી. અને વળી એ પાસાં એકબીજાનાં વિરોધી પણ નથી જ.

માતૃપક્ષે કૃષ્ણ દેવકીપુત્ર (દેવકીના દીકરા) હતા, અને પિતૃપક્ષે એ વાસુદેવ-કૃષ્ણ (વસુદેવના પુત્ર) હતા. તેથી તેઓ ‘વાસુદેવ’ અને ‘કૃષ્ણ’ એ નામે ઓળખાયા છે. તેઓ જે કુળમાં જન્મ્યા હતા તે વૃષ્ણિકુળ ખૂબ મહત્ત્વ ધરાવતું, ચોતરફ પથરાયેલું એક વૈદિક કુળ હતું. અને એ કુળના નેતા કૃષ્ણ પોતાના વ્યક્તિત્વના પ્રભાવથી, જીવનની નિષ્કલંકતાથી અને પોતાના સમકાલીન રાજકીય અને સાંસ્કૃતિક જનજીવનમાં તેમણે આપેલા યોગદાનથી પોતાના કુળમાં અને અન્ય અનેક લોકોમાં એક ‘ધર્મસંસ્થાપક’ બની ગયા હતા, એવું આપણને મહાભારતમાંથી જાણવા મળે છે.

તેમને વૈષ્ણવ તત્ત્વજ્ઞાનમાં ઇષ્ટ દેવ તરીકે મનાયેલા વિષ્ણુનો દિવ્ય અવતાર માનવામાં આવતા હતા. ઘોરાંગિરસે કૃષ્ણને, સવિતાદેવને કેન્દ્રમાં રાખીને ધ્યાન ધરવાનો ઉપદેશ આપ્યો હતો, એવું આપણને છાંદોગ્યોપનિષદમાંથી જાણવા મળે છે. વેદોના આ સવિતાદેવ વિષ્ણુનું જ સ્વરૂપ છે. અને વેદમાંના મહાન ગાયત્રી મંત્રથી તેમનું જ આવાહન કરવામાં આવે છે. સમય જતાં વેદના બધા દેવોમાં વિષ્ણુ જ સૌથી મહત્ત્વનું સ્થાન ધરાવતા થઈ જાય છે, અને સર્વોચ્ચ તત્ત્વ તરીકે સ્વીકાર પામે છે. એની અપેક્ષાએ ઇન્દ્ર, વરુણ, વગેરે બીજા દેવોનો ઉલ્લેખ ઓછો ને ઓછો થતો જાય છે. આ વિષ્ણુપરાયણ વૈષ્ણવતત્ત્વજ્ઞાનના ઉદ્ઘાટક અને ઉદ્બોધક હોવાને લીધે, કૃષ્ણ એ વિષ્ણુના જ અવતાર તરીકેની માન્યતા પામ્યા. ધર્મ પંથોના ઇતિહાસમાં તે તે પંથના પ્રવર્તકને કે પયગંબરને પોતપોતાના ઈષ્ટદેવના અવતાર કે ઈષ્ટદેવનું પ્રગટરૂપ જ માની લેવાની આ વાત કોઈ અસામાન્ય બાબત નથી.

કૃષ્ણના જીવનની મહત્ત્વની હકીકતો આપણે ભાગવત અને મહાભારતમાંથી ભેગી કરી શકીએ છીએ.

મથુરાના ક્રૂર રાજા કંસના કારાગારની કોટડીમાં વૃષ્ણિઓના નાયક વસુદેવના પુત્ર તરીકે જન્મ્યા. કંસ વસુદેવને પીડવાના પ્રયત્નો કરી રહ્યો હતો. જન્મ્યા પછી તરત જે તેમને કંસની નગરીમાંથી ગોવાળિયાઓના આવાસમાં-ગોકુળમાં, નંદ નામના ગોવાળોના મુખીને ઘેર લઈ જવામાં આવ્યા. નંદના આ ગોકુળમાં જ તેઓ બૃહદ્દવન અને વૃંદાવન વગેરે સ્થળોએ રહીને મોટા થયા, યુવાવસ્થાએ પહોંચ્યા. કૃષ્ણાવતારની કેટલીક અત્યંત મહત્ત્વપૂર્ણ આધ્યાત્મિક અભિવ્યક્તિઓ આ સ્થળોમાં થઈ છે. વૃંદાવનથી તેઓ કંસની રાજધાની મથુરા આવ્યા અને પીડાકારી કંસનો એમણે વધ કર્યો. આ પછીના સમયગાળામાં ધીરે ધીરે તેઓ વૃષ્ણિકુળના નાયક બની ગયા. જો કે એમણે એ કુળનું રાજપદ ક્યારેય ધારણ કર્યું ન હતું. તેમણે પોતાના સમયના મગધના જરાસંધ, યવન, બાણ, શાલ્વ, શિશુપાલ વગેરે જેવા કેટલાય મુખ્ય મુખ્ય ક્રૂર રાજવીઓને નમાવ્યા અને વૃષ્ણિઓને તે સમયના અત્યંત પ્રભાવશાળી લોકોની કક્ષામાં મૂકી દીધા. સાગરને પશ્ચિમ કિનારે નવી રાજધાની દ્વારકાનું નિર્માણ કર્યું. અને તત્કાલીન ભારતના સાંસ્કૃતિક અને રાજકીય જીવનના ઘડતરમાં ઘણો જ અગત્યનો ભાગ ભજવ્યો. કુરુ વંશની બે કુટુંબશાખાઓ, ધૃતરાષ્ટ્રના પુત્રો અને પાંડુના પુત્રોના, અંતે મહાભારત વર્ણિત મહાયુદ્ધમાં પરિણમેલા એ ભારે સંઘર્ષમાં તેઓ પોતે ભલે ક્યારેય લડ્યા નહિ, છતાં પણ એમણે એમાં ઘણો આગળ પડતો અને નિર્ણાયક ભાગ લીધો હતો. તેમનું જીવન અનેકવિધ પ્રવૃત્તિઓથી ખીચોખીચ ભરેલું હતું. અને તોય તેઓ એક તત્ત્વજ્ઞાની અને આત્મ વિદ્યાના ઉદ્ગાતા, ઉપદેશક બન્યા હતા ! એમનો એ ઉપદેશ ‘ભાગવત ધર્મ’ ને નામે જાણીતો થયો છે. અને મુખ્યત્વે એ ભગવદ્ગીતા અને ભાગવતમાં વિસ્તારથી વર્ણવવામાં આવ્યો છે.

આ ભાગવત ધર્મ દરેકે દરેક મનુષ્ય માટે સમાન રીતે સુલભ છે, એ હકીકત એની નોંધપાત્ર વિશેષતા છે. વૈદિક ઉપદેશો તો ખાસ કરીને એક વિશિષ્ટ બુદ્ધિપ્રધાન જનસમુદાય માટે જ પીરસવામાં આવ્યા છે. આ વૈદિક ધર્મ, એક બાજુ એવી તો યજ્ઞસંબંધી આંટીઘૂંટીવાળી વ્યવસ્થા જાળમાં પથરાયેલો હતો કે જેમાં માત્ર બ્રાહ્મણો અને ક્ષત્રિયો જ ભાગ લઈ શકતા. તો વળી બીજી બાજુ, એણે ઉપનિષદોનું તત્ત્વજ્ઞાન વિકસાવ્યું. એને સમજવા માટે પણ ઊંચી બૌદ્ધિક તાલીમની અને સુયોગ્ય સાધુતાની આવશ્યકતા હતી. આવા વખતે, જ્યારે ભારતવર્ષનો સામાન્ય જનસમાજ કોઈ સીધા-સાદા અને પ્રાણદાયી ધર્મથી વછોડાયેલો પડ્યો હતો ત્યારે કૃષ્ણે એને એવો ભક્તિપ્રવણ ધર્મોપદેશ આપ્યો કે જેમાં કર્મ, પ્રેમભક્તિ અને બુદ્ધિ એકસરખી રીતે હિસ્સેદાર બની રહ્યાં ! શ્રીકૃષ્ણે એને એવો એક વૈશ્વિક ઈશ્વર બક્ષ્યો કે જેની સાથે મનુષ્ય પ્રેમ અને સેવાથી સંવાદ સાધી શકે, અને જે માનવની ગહનતમ ઝંખનાઓ અને પ્રાર્થનાઓનો પ્રતિસાદ આપી શકે. આવો ઉપદેશ આપવાનું શ્રેય શ્રીકૃષ્ણને ફાળે જાય છે.

પુરાણોના સંદર્ભમાં શ્રીકૃષ્ણની રહસ્યમયતા

ભાગવત અને મહાભારતનાં કથાનકો દ્વારા કૃષ્ણની ઐતિહાસિકતાનું સ્પષ્ટ માળખું તો આપણને મળે છે; પરંતુ ભાગવતના કેન્દ્રવર્તી પાત્ર તરીકે તો એમનું પૂરેપૂરું વ્યક્તિત્વ પ્રકાશી ઊઠ્યું છે. એમાં એ નથી તો કેવળ માનવ કે નથી તો કેવળ કોઈ નાયક. એ કેવળ કોઈ તત્ત્વજ્ઞાનીય નથી કે કેવળ કોઈ સાધુજન પણ નથી. એ તો છે સાક્ષાત્ પરમેશ્વર ! એ એવા પ્રભુ છે કે જેમના સંપર્કથી પાપીઓ પણ પુણ્યાત્મા સંતો બની જાય; અજ્ઞાનીઓ પણ ઋષિઓ બની જાય; ઇન્દ્રિયાસક્ત જીવોય આધ્યાત્મિક તપસ્વીઓ બની જાય. અરે, પ્રાણીઓ પણ ભગવદ્ભક્તો બની જાય ! એ કૃષ્ણ તો માનવદેહમાં મૂર્ત થયેલું સચ્ચિદાનંદનું સારતત્ત્વ છે. સમાધિ કે ધ્યાન દ્વારા ઊંચે ન ઊઠી શકનારા નબળા માનવોને પણ એ કૃષ્ણનો આશ્રય લઈને પોતાના આધ્યાત્મિક અધિષ્ઠાન રૂપે રહેલા એ જ સમાધિગમ્ય કે ધ્યાનગમ્ય પરમ દિવ્ય તત્ત્વ સાથે સંવાદ સ્થાપિત કરવાનો મોકો મેળવી શકે છે અને એ પણ પોતાની ભૌતિક ઇન્દ્રિયો દ્વારા જ ! પોતાના પાર્થિવ જીવનકાળ દરમિયાન તેમણે કરેલાં બધાં જ માનવીય કાર્યો અને સત્યના પાયા ઉપર તેમણે આ ધરતી પર કરેલું ધર્મસંસ્થાપન વગેરે આ બધું જ કંઈ કેવળ તેમના સમકાલીન લોકો ઉપર આશીર્વાદ વરસાવવા પૂરતું જ મર્યાદિત ન હતું. પંરતુ આગામી અનેકાનેક પેઢીઓને પણ પાવનકારી ચિંતનમનન પૂરું પાડનારું હતું. આ ધરતી પરનાં તેમનાં અધ્યાત્મસભર સત્ત્વશીલ કાર્યોનો આ એક એવો આલેખ છે કે, જેનું ચિંતનમનન કરવાથી ભવિષ્યની અનેક પ્રજાઓ પણ તેમની સાથે જીવતો-જાગતો સંવાદ સાધી શકી છે. અને એ પણ એવો જીવંત સંવાદ કે, જે તેમના જીવનકાળ દરમિયાન તેમના મહાન ભક્તોએ તેમની સાથે રહીને સાધ્યો હતો ! પરમાત્માના ઉદ્ધારક પ્રેમની અભિવ્યક્તિ (ઈશ્વરની અનુગ્રહ શક્તિ) તરીકે તેમને આલેખવામાં આવ્યા છે. જુદા જુદા સમયે અને જુદા જુદા ભૂભાગોમાં તે પ્રગટ થયા કરે છે અને એના વિરહે દુઃખી થઈ ગયેલા જન સમુદાયના જીવનમાં પ્રકાશ અને આનંદ પાથર્યા કરે છે.

ઐતિહાસિકતાની બાબત ભલે ગમે તે હોય પણ પુરાણે એનું આધ્યાત્મિક સત્યની અભિવ્યક્તિ સ્વરૂપે જ પુનર્ગઠન કર્યું. ભાગવતના આ પ્રસિદ્ધ સૂત્રમાં સુપેરે પ્રગટ થાય છે કે જે છે “कृष्णस्तु भगवान् स्वयम्-કૃષ્ણ એ સાક્ષાત્ સ્વયં ભગવાન છે.” કેટલાક અધ્યાત્મવાદીઓએ મહાવિષ્ણુના અન્ય અવતારોને અને અન્ય ધારણાઓને હીણાં બતાવવા માટે આ સૂત્રનો ઉપયોગ કર્યો છે. અને એક વિવાદ ઊભો કરી દીધો છે કે કૃષ્ણ જ મૂળ દિવ્ય તત્ત્વ છે અને વિષ્ણુની અન્ય વિભાવનાઓ એ મૂળ કૃષ્ણ તત્ત્વનાં જ પ્રકટીકરણો-અંશો છે. આ એક કેવળ સાંપ્રદાયિક સમજૂતી છે. પરંતુ જો બીજી રીતે જોઈએ તો, આ સૂત્ર વધારે ખાતરીપૂર્વક એ વાત સ્થાપિત કરતું જણાય છે કે કૃષ્ણ એ માનવદેહની પરિચ્છિન્નતામાં-સીમિતતામાં ઉદ્ઘાટિત થયેલું ઉપનિષદોનું અનન્ત સચ્ચિદાનંદ પરબ્રહ્મ જ છે. સર્વ વ્યાપક પૂર્ણ બ્રહ્મ તો આ દૃશ્યમાન અને પરિવર્તનશીલ જગતનું નિર્લેપ અધિષ્ઠાન છે અને તોય વળી એ જ તો જગતનું ઉપાદાનકારણ પણ છે અને નિમિત્ત કારણ પણ છે ! એણે પોતે જ પોતામાં જ આ ભેદભાવભર્યા જગતની સંકલ્પના કરી છે. આ જગતમાં એની ઉન્નત અને ઉદાત્ત અભિવ્યક્તિઓય થઈ. એના સત્યના ઊંચા આદર્શો, આત્મ બલિદાન, પ્રેમ, સેવા, વગેરે પણ પ્રગટ્યાં, તો વળી એની સાથોસાથ જ એની વિરુદ્ધનાં અપમૂલ્યોનાં વલણો-ક્રૂરતા, ગરીબી, સ્વાર્થ, શોષણ અને સર્વાંગીણ પતન જેવાં નરસાં જીવન પાસાં, પણ પ્રગટ્યાં. આ બધાં પરસ્પર વિરોધી જીવન મૂલ્યોની વચ્ચે રહ્યા છતાં બ્રહ્મ તેમાંના કોઈનીય અસર તળે આવ્યા વગર સદા સર્વદા પોતાના પૂર્ણ સચ્ચિદાનંદ સ્વરૂપે (અસ્તિત્વ, જ્ઞાન અને આનંદ સ્વરૂપે) પોતાના સ્વરૂપની કશીય વધઘટ વગર પ્રકાશતું રહે છે. કૃષ્ણ આ ઉપનિષદના આધ્યાત્મિક સચ્ચિદાનંદનું માનવીય રૂપ છે. અપૂર્ણ સ્થળકાળમાં એ એક પૂર્ણ પુરુષ છે. એ ભલે ગોવાળિયાઓના અંતરિયાળ આવાસમાં ગરીબી અને મુશ્કેલીઓ વચ્ચે રહેતા હોય કે પછી વનવાસી તપસ્વીઓ અને અધ્યાત્મસાધકોનાં તપોવનોમાં રહેતા હોય; ભલે ને તેઓ નર્તન્તાં સૌંદર્યોની સંમોહક રમણીયતા વચ્ચે હોય કે પછી સમરાંગણનાં લોહિયાળ દૃશ્યો વચ્ચે ખડા હોય; ભલે તેઓ પોતાનાં જ સગાંસંબંધીઓના આત્મઘાતી હવન વચ્ચે ઊભા હોય કે પછી જીવનના શાંતિદાયક સંબંધો વચ્ચે હોય; પણ એ તો છે કેવળ ચિર-કુમાર અને પુરુષ સૌંદર્યનો આદર્શ ! એ તો સર્વદા પોતાની આધ્યાત્મિકતાના પરમોચ્ચ શિખરે જ બિરાજમાન રહે છે અને આ કશાથી જરા પણ વિચલિત થતા નથી. એમણે પોતે જેવો ઉપદેશ આપ્યો, તે જ પ્રમાણે, તેઓ પોતે જળમાં કમલદલની પેઠે, એવા વાતાવરણથી લેશમાત્ર પણ લેપાયા વગર કે સહેજ પણ વિક્ષુબ્ધ થયા વગર, નિજસ્વરૂપે એ બધાંના સાક્ષીભાવે જ રહે છે અને ક્યારેય એ બધાંના ભાગીદાર બનતા નથી.

ભાગવત પુરાણમાં કરેલા કૃષ્ણના ચરિત્ર ચિત્રણમાં આ વાત સ્પષ્ટપણે રજૂ કરવામાં આવી છે. છતાં પણ કેટલાક આલોચકો આ સત્યને સમજવાનો ઇન્કાર કરે છે અને કૃષ્ણનું એક મનુષ્ય તરીકે મૂલ્યાંકન કરીને તેમના ગોપીઓ સાથેના સંબંધો, સોળ હજાર પત્નીઓવાળો તેમનો ઘરસંસાર, અસંખ્ય રાજવીઓ અને તેમનાં સૈન્યનો તેમણે કરેલો સંહાર, વગેરે તેમના જીવનનાં કેટલાંક પાસાં ઉપર નૈતિક શિથિલતાનું દોષારોપણ કરે છે. પણ આવી રીતે તો તે લોકો ખુદ સર્જનહાર પ્રભુને ય ઘાતકી અને અનૈતિક ઠરાવી શકે. કારણ કે એણે આ વિશ્વ એવું વિષમતાભર્યું બનાવ્યું છે કે જેમાં સારા સાથે નરસું ય સરખે હિસ્સે ટકરાતું દેખાય છે; જેમાં દરેક વ્યક્તિ મરવા માટે જ જન્મ લે છે; જેમાં કામ, ક્રોધ, લોભ અને અસત્ય પ્રભાવક ભાગ ભજવતાં જણાય છે ! પણ ઈશ્વરનો વિચાર સ્વીકારનાર કોઈ પણ જન આવી વાતોને સહન કરી શકે નહિ. એટલું જ નહિ પરંતુ, એ તો એની સામે પણ કહેશે કે દુનિયાના કોઈ દોષથી ઈશ્વર ખરડાતો નથી. અને આ દુનિયાના સર્જન-પ્રકટીકરણમાં તેમના તટસ્થ સાક્ષી સ્વરૂપની કશી વધઘટ થતી નથી. કૃષ્ણના આલોચકો એ ભૂલી ગયા છે કે કૃષ્ણને ‘ભગવાન્ સ્વયમ્’ કહેવાનું આ જ રહસ્ય છે. કૃષ્ણના આ અનન્ય મહત્ત્વને જે લોકો સ્વીકારતા નથી અને એમને કેવળ એક મનુષ્ય તરીકે માને છે અને એ જ રીતે એમને મૂલવે છે, તેઓ તો ભાગવતનો દશમ સ્કંધ ન વાંચે તો સારું. કારણ કે એનાથી એવાઓને કશો ફાયદો થવાનો નથી.

Total Views: 415
By Published On: August 1, 1989Categories: Tapasyananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram