કેનેડામાં રામકૃષ્ણ મઠનું નવું કેન્દ્ર

કેનેડાના, શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાથી અનુપ્રાણિત ભાવિકોની લાંબા સમયની માંગણીને માન આપીને શ્રીરામકૃષ્ણ મઠ દ્વારા ટોરન્ટોમાં “વેદાંત સોસાયટી ઑફ ટોરન્ટો” કેન્દ્ર 1989 જુલાઈથી શરૂ કરવામાં આવ્યું છે.

શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિર, લીંબડી

ઈ. સ. 1968માં સ્થપાયેલ શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિર, લીંબડીનો સ્થાપના દિવસ 5 જુલાઈએ (રથયાત્રાના દિવસે) ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સવારે શ્રીરામકૃષ્ણદેવની વિશેષ પૂજા, હવન, ભજન, વગેરેનું આયોજન થયું હતું. અને સાંજે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી મુમુક્ષાનંદજીનું “શ્રીરામકૃષ્ણઃ જીવન અને સંદેશ” એ વિષય પર પ્રવચન યોજવામાં આવ્યું હતું. લગભગ દોઢસો ભાવિકોએ આ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

આદિપુર (કચ્છ)માં ભાવિકજનો દ્વારા રામકૃષ્ણ સેવા કેન્દ્રનો પ્રારંભ

ગાંધીધામ કૉલેજીયેટ બોર્ડના પ્રયાસોથી આદિપુર (કચ્છ)માં “શ્રીરામકૃષ્ણ સેવા કેન્દ્ર”ની સ્થાપના થઈ છે. તા. 10મી જુલાઈએ સવારે 8-30 વાગે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સ્વામી નિખિલેશ્વરાનંદજીએ દીપ પ્રગટાવી આ કેન્દ્રનો શુભારંભ કર્યો. સાપ્તાહિક વિચાર ગોષ્ઠિ, ભજન, પુસ્તકાલય, વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધા વગેરે પ્રવૃત્તિઓની સાથે આ કેન્દ્ર હાલ પૂરતું ગાંધીધામ કૉલેજીયેટ બોર્ડના એક ખાલી ફ્લેટમાં ચાલશે. આ અવસરે બોલતાં ગાંધીધામ કૉલેજીયેટ બોર્ડના સેક્રેટરી શ્રી મોહન ચંદનાનીએ કહ્યું કે ગાંધી ધામ કૉલેજીયેટ બોર્ડના સંસ્થાપક શ્રી પી. એસ. તોલાનીની આ કેન્દ્ર ખોલવાની ઘણા વર્ષોની ઇચ્છા આજે તેમની પ્રથમ પુણ્યતિથિના દિવસે સાકાર થઈ રહી છે. સ્વામી નિખિલેશ્વરાનંદજી એ આ પ્રસંગે બોલતાં કહ્યું કે દેશ-વિદેશમાં આવા સેકડો કેન્દ્રો શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાથી અનુપ્રાણિત થઈને સ્થાનિક ભાવિકજનો દ્વારા ચાલી રહ્યા છે અને હજુ પણ વધારે કેન્દ્રો ખોલવાની આવશ્યકતા છે. કારણ કે રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનની રાહબરી હેઠળ દેશ-વિદેશમાં ફક્ત 123 કેન્દ્રો છે. સંન્યાસીઓની પૂરતી સંખ્યાના અભાવે ભાવિકજનોની પ્રબળ ઇચ્છા છતાં રામકૃષ્ણ મઠ દ્વારા વધુ કેન્દ્રો સ્થાપી શકાતા નથી. તેમણે આશા વ્યક્ત કરી કે આદિપુરનું આ કેન્દ્ર સારી અને અવિરત પ્રગતિ સાધશે.

આ કેન્દ્ર દ્વારા તે જ દિવસે સવારે 9-30થી 11-30 સુધી શાળા મહાશાળાઓમાંથી પસંદ કરાયેલ વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો વિષય હતો : “આધુનિક માનવ માટે સ્વામી વિવેકાનંદનો સંદેશ” પ્રતિયોગિતામાં સફળતા મેળવનારાઓને સ્વામી નિખિલેશ્વરાનંદજી દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સ્વામીજીએ “યુવા વર્ગને સ્વામી વિવેકાનંદનું આહવાન” વિષય પર હિંદીમાં પોતાનું પ્રવચન આપ્યું હતું. લગભગ 500 યુવક-યુવતીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

શ્રીરામકૃષ્ણ યુવા મંડળ, ભૂજ (કચ્છ)

તા. 10મી જુલાઈએ સાંજે સાત વાગે ભૂજના શ્રીરામકૃષ્ણ યુવા મંડળ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં સ્વામી નિખિલેશ્વરાનંદનું “શ્રીરામકૃષ્ણ કથામૃત”. એક અણમોલ ગ્રંથ વિષય પર ગુજરાતીમાં પ્રવચનનું આયોજન થયું હતું. ઈ. સ. 1969માં સ્થપાયેલ આ મંડળ દ્વારા દૈનિક પ્રાર્થના, સાપ્તાહિક ભજન-સત્સંગ, પુસ્તકાલય, રમકડાં વિભાગ વગેરે પ્રવૃત્તિઓ રાબેતા મુજબ ચાલે છે.

શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, અમદાવાદ

તા. 20 જુને આ કેન્દ્ર દ્વારા સ્વામી મુમુક્ષાનંદજીનું “ગુરુ અને આધ્યાત્મિક જીવન” વિષે પ્રવચન (હિન્દીમાં) યોજવામાં આવ્યું હતું. પ્રવચન પહેલા નિયમ પ્રમાણે એકાદશી નિમિત્તે શ્રીરામ નામ સંકીર્તન થયું હતું. સાપ્તાહિક ભક્ત સંમેલનનું દર શનિવારે સાંજે રાબેતા મુજબ આયોજન થાય છે.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

તા. 18મી જુલાઈએ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ વિશેષ પૂજા, ભજન, હવન વગેરેથી ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સવારે “શ્રીરામકૃષ્ણ કથામૃત” પર સ્વામી જ્ઞાનેશાનંદજી અને સાંજે ‘ગુરુ અને આધ્યાત્મિક જીવન’ વિશે સ્વામી મુમુક્ષાનંદજી તથા સ્વામી નિખિલેશ્વરાનંદજીના પ્રવચનો થયા હતા. દર રવિવારે સાંજે સ્વામી મુમુક્ષાનંદજીના “શ્રીમદ્ ભગવદ્” ગીતા પર (હિન્દીમાં) અને દર શનિવારે સાંજે સ્વામી નિખિલેશ્વરાનંદજીના “શ્રીરામકૃષ્ણ કથામૃત” પર પ્રવચનો થાય છે.

Total Views: 447

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.