[બ્રહ્મલીન સ્વામી બુધાનંદજીનો લેખ ‘Attainment of Peace’ અંગ્રેજી માસિક પત્રિકા ‘પ્રબુદ્ધ ભારત’ (સપ્ટેમ્બર અને ઓક્ટોબર, 1976)માં પ્રકાશિત થયો હતો. શ્રી ગણપતરામ હ. વ્યાસે કરેલ ભાષાંતરનો પહેલો અંશ જૂનના અંકમાં અને બીજો અંશ જૂલાઈના અંકમાં પ્રકાશિત થયો હતો. હવે અહીં ત્રીજો અંશ રજૂ કરીએ છીએ. – સં.]

(ગતાંકથી આગળ)

આપણે જોયું કે, મનની શઆંતિ માટે મનોવૈજ્ઞાનિક રીતની આવશ્યકતા છે. અને તે માટે આપણે લાયક નથી, એમ આપણે માની બેઠા છીએ. “આવી રીતે, મારે મનની શાંતિ મેળવવી છે.” એ વિચાર જ આપણા મનની શાંતિ હરી લે છે. તો પછી શું ? આપણામાંના સામાન્ય માણસો માટે માનસિક શાંતિ શક્ય નથી ? બીજી કોઈ સરળ રીત નથી ? આપણને માત્ર આમ કરો અને તેમ કરો, એમ જ કહી દેવામાં આવે, તો મનની શાંતિ મળશે એમ આપણે ઇચ્છીએ છીએ. પેલી મનની ગૂંચવણોના ઊંડાણમાં આપણે જવા માગતા નથી. એવા વિચાર માત્રથી પણ આપણું તો માથું ભમી જાય છે. અને આપણે ગોટાળામાં પડી જઈએ છીએ.

ખરેખર સહેલી રીતો છે, પરંતુ તેનું ય મનોવિજ્ઞાન તો તેનું તે જ છે. પરંતુ આપણે જે કરવાનું છે, તે સંબંધી વિચાર આપણા માથામાં ભલે ઘૂસવા ન દઈએ, પણ તેની સાથે આપણા મનમાં એવી ભ્રમણા ન હોવી જોઈએ કે, સહેલી રીતોમાં આપણે જાતે કંઈ (Self Application) જ કરવાનું નથી.

મનની શાંતિ તો ધન, વિદ્યા, કીર્તિ, ભૌતિક સુખો અને જીવનમાં મળતા અનેક ભોગો કરતાં ય કિંમતી છે. અને તેથી તે શાંતિ મેળવવા જે કિંમત ચૂકવવી પડે, તે ચૂકવ્યા સિવાય તે મળે તેમ નથી. એટલે એમ પણ માનવાનું નથી કે, “આ કરો અને આ ન કરો” એવી રીત બિલકુલ બિનજરૂરી છે.

આ રીત અગર આ રસ્તાને મનોવૈજ્ઞાનિક નહિ, પણ ધાર્મિક એવું નામ આપી શકાય. પ્રથમ તો જીવનની કેટલીક અનિવાર્ય અનિવાર્યતાઓ સ્વીકારવી પડશે. આપણામાંના ઘણા આવી અનિવાર્યતાઓ સાથે હઠપૂર્વક તકરાર કરતા હોઈ માનસિક શાંતિ ગુમાવે છે. તેઓ આ અનિવાર્યતાઓનો સ્વીકાર કરતા જ નથી. વહેલું કે મોડું જે સ્વીકારવાનું જ છે, તે હમણાં નહિ સ્વીકારીએ તો પછી ધપ્પા ખાઈને ય સ્વીકારવું જ પડશે. પરંતુ આવા ધપ્પા ખાવાની કોઈ જરૂર નથી. મનની શાંતિનો પ્રશ્ન ઊભો થાય કે તરત જ તેને માટે જરૂરી એવી અનિવાર્યતાઓને સ્વીકારી લેવી જોઈએ.

જીવનની આ કઈ અનિવાર્યતાઓ છે ? એ મુખ્ય પાંચ છે :

(1)      યુવાની એક વખત ચાલી જશે અને વૃદ્ધાવસ્થા આવશે. તે નિવારી શકાય તેમ નથી.

(2)          કોઈ રોગ કોઈ વખત આવશે. તે નિવારી શકાશે નહિ.

(3)          મૃત્યુ કોઈ વખતે આવશે. તે નિવારી શકાશે નહિ.

(4)     જે જે ચીજો આપણને ખૂબ ગમે છે, તે સઘળીમાં પરિવર્તન, સડો અને તેનો વિયોગ નક્કી જ છે અને તે નિવારી શકાય તેમ નથી.

(5)      આપણા સારાં કે નરસા વિચાર અને કર્મનાં ફળ આપણે ભોગવવાં જ પડશે. તે નિવારી શકાય તેમ જ નથી.

આપણે આ પાંચ અનિવાર્યતાઓનો અને એની અસરોનો સ્વીકાર કરીએ કે તરત જ માનસિક શાંતિ મેળવવાની ભૂમિકા મળી જશે.

અને આ ભૂમિકા ઉપર આપણે પાંચ હકારાત્મક અને નકારાત્મક સૂત્રોનું રટણ (Practice) કરવું પડશે અને ત્યારે આપણે શાંતિના ધામમાં આગળ વધીશું

આ હકારાત્મક સૂત્રો કયાં છે ?

  1. આપણે નીતિમય જીવન જીવવું જોઈએ. અનીતિવાળો અને ચારિત્ર્યહીન મનુષ્ય માનસિક શાંતિ મેળવી શકે નહિ. નીતિ ઉપર ચર્ચા કે સંવાદની જરૂરી નથી. દરેકે ખરા અને ખોટાનો વિચાર કરીને પોતાનું જીવન ગોઠવવું જોઈએ.
  2. શુદ્ધ જીવનને માટે ભોગ આપવા તૈયાર રહેવું જોઈએ. કારણ કે એમ કર્યા સિવાય નીતિમય જીવન જીવી શકાશે નહિ. આપણે આપણા કુટુંબ તરફ, આપણા ઉપરી તરફ, સમાજ તરફ, દેશ તરફ અને આખી માનવજાત તરફની જવાબદારી સંપૂર્ણ પ્રેમપૂર્વક બજાવવી જોઈએ. આમ કરવામાં જે ચૂકે, તેને માનસિક શાંતિ મળે નહિ. અને તેનું અંતઃકરણ એને ડંખતું રહે. આપણી ફરજના ખ્યાલમાં અતિશયોક્તિ ન હોવી જોઈએ, અને સાથોસાથ, આપણા સ્વાર્થ ખાતર એને ઓછી પણ આંકવી ન જોઈએ.
  3. જીવનો આદર્શ ઉમદા હોવો જોઈએ અને તે આદર્શને પ્રેમથી અને અંતઃકરણપૂર્વક વળગી રહેવું જોઈએ, કે જેથી આપણા અંતઃકરણમાં સંતોષ રહે. જેને જીવનમાં કોઈ આદર્શ નથી, તેને નવરાશના વખતે મનને ક્યાં રોકવું તે સમજાતું નથી અને તે કાયમ માટે અશાંત રહે છે. જ્યારે આદર્શ ઉચ્ચ હશે, તો મનમાં ઉમદા વિચારોનો ઉદય થશે.
  4. આપણે આપણી જાત ઉપર, આપણા સાથીદારો તેમ જ પરમાત્મા ઉપર શ્રદ્ધા રાખી હિંમતપૂર્વક સહનશીલતા અને સબૂરીથી કાર્ય કરતાં શીખવું. બીજાના દોષો જણાય તો તે ગમે તેટલા હોય તો પણ માફ કરવા અને એમ માનવું કે, તેઓ પણ હંમેશાં આપણે માટે આમ જ કરતા હશે. તો પછી પરમાત્મા તો જરૂર માફ કરે જ. તેમ જ આપણા ઉપર ઉપરના અનુભવો તેમ કરવા ના પાડે તો પણ મનુષ્યમાત્રમાં જે સ્વાભાવિક સારાપણાનો ભાવ રહેલો છે, તેના ઉપર વિશ્વાસ રાખવો.
  5. મનનો બગાડ સમૂળો બંધ કરવો. એક જાણીતી વાત છે કે, એક માણસ પોતાની માંદી પત્નીને મનોવૈજ્ઞાનિક ચિકિત્સક પાસે લઈ ગયો, તેણે તપાસીને જણાવ્યું કે, “તેનું મન તદ્દન ખલાસ થઈ ગયું છે.” તેના પતિએ જવાબ આપ્યો કે, “તેથી મને નવાઈ લાગતી નથી. કારણ કે છેલ્લાં વીસ વરસથી તે દરરોજ મનની થોડી-થોડી શાંતિ ખોતી રહી હતી.” આપણે બધા પણ દરરોજ કંઈક આવું જ કરી રહ્યા હોઈએ છીએ. આપણે આપણા મનની શક્તિ તદ્દન નિરુપયોગી કલ્પનાઓમાં, નકામી ચર્ચાઓમાં ઉપયોગી ન હોય એવી બાબતોનો વિચાર કરવામાં, હવાઈ કિલ્લા બાંધવામાં અને જાગતાં સ્વપ્ન જોવામાં વાપરી નાખીએ છીએ. આવી રીતે મનની શક્તિ વેડફાતી હોય, તો મન મજબૂત બની શકે નહિ. નબળું મન એ માંદું મન છે અને માંદા મનમાં શાંતિ સંભવી શકે નહિ. તેથી આપણે મનનો બધો બગાડ થતો અટકાવવો જોઈએ. છેવટે તો મજબૂત મન એ જ મનની શાંતિ છે.

આ છે પાંચ હકારાત્મક સૂત્રો.

તો પાંચ નકારાત્મક સૂત્રો ક્યાં છે ?

  1. જો આપણને મનની શાંતિ જોઈતી હોય, તો આપણને કોઈ દુઃખ પડે છે, તે અન્યાય છે એમ ન સમજવું જોઈએ. આપણી ઇચ્છા મુજબ બધું થાય, ત્યારે તે સંપૂર્ણ જ છે, એમ ધારવું ન જોઈએ.
  2. આપણા જીવનમાં લાલચો, કસોટીઓ, દિલગીરીઓ વગેરે કોઈ સેતાન તરફથી આવે છે, એમ સમજવું ન જોઈએ. રહસ્યવાદીઓ (Mystics) જણાવે છે કે, આ થાય છે તે પરમાત્માની કરુણાની નિશાની છે.
  3. બીજાઓના વ્યવહાર (Behaviour) ઉપર કોઈ અવિચારી અભિપ્રાય આપશો નહિ. તેમ જ કોઈના કામમાં તમને પૂછવામાં ન આવે ત્યાં સુધી માથું મારશો નહિ.
  4. આપણા ઉપર પરમાત્માની વિશિષ્ટ કૃપા છે, એમ ધારશો નહિ. તેમ જ આપણી નબળાઈઓ અને દુરાચરણો માટે પણ અતિશયોક્તિભર્યા વિચાર કરશો નહિ. આપણા સર્વમાં અંતર્ગત શક્તિઓ રહેલી છે જ, પરંતુ તે શક્તિઓ ખુલ્લી થવામાં દરેક વ્યક્તિ માટે સરખો સમય નથી હોતો. અને તેથી કોઈ પણ બે વ્યક્તિઓમાં તફાવત માલૂમ પડે છે અને તેથી આપણી શક્તિ ગમે તેટલી વ્યક્ત (Manifest) થઈ હોય, તો પણ વધારે પડતી આકાંક્ષા ન રાખવી જોઈએ. સાથોસાથ, આપણે આપણી શક્તિઓમાં અશ્રદ્ધાવાળા અને શંકાવાળા પણ ન રહેવું જોઈએ.
  5. બીજાના દોષ નહિ જોતાં આપણે આપણા પોતાના દોષ જોવા જોઈએ. તેમ જ કોઈને પણ અપરિચિત નહિ સમજવો જોઈએ. આવું આપણને શ્રીશ્રી શારદાદેવીએ શીખવ્યું છે.

ઉપર બતાવેલી પાંચ અનિવાર્યતાઓ સ્વીકારીએ, અને પાંચ હકારાત્મક અને પાંચ નકારાત્મક સૂત્રોનું પાલન કરીએ, તો જરૂર મનની શાંતિ મળે.

(ક્રમશઃ)

Total Views: 466

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.