પદલોલુપતા અને સ્વાર્થના આ યુગમાં સમાજમાં અધિકાર મેળવવા માટે રસાકસી ચાલી રહી છે. પુત્ર પિતા પાસે અધિકાર માગે છે, સેવક સ્વામીનો અધિકાર લેવા માગે છે. અધિકારી અને શાસક અધિકાર છોડવા નથી માગતા. કોઈપણ માનવી અધિકાર મેળવ્યા પહેલાં પોતાની યોગ્યતા અને પાત્રતાનો વિચાર નથી કરતો. આવા કટોકટીના સમયમાં મહાભારતની આ કથા સમુદ્રમાં ભટકેલા નાવિક માટે ધ્રુવતારાની જેમ આપણું માર્ગદર્શન કરે છે. તે આપણને ચેતવણી આપે છે કે જો અધિકાર મેળવ્યા પહેલાં આપણે પોતાને એ અધિકારને યોગ્ય ન બનાવીએ તો બેશક આપણો વિવેક આંધળો બની જશે અને આપણે પોતે જ આપણા પતન અને વિનાશનું કારણ બનીશું. – ભાષાંતરકાર – શ્રીમતી ઉષાબહેન ગોરસિયા – સં.)

એકવાર દેવોના રાજા ઇન્દ્રના હાથે બ્રહ્મહત્યા થઈ ગઈ. આ હત્યાના સંતાપથી તેઓ ઘણા દુઃખી થયા અને સ્વર્ગનું રાજ્ય છોડીને કોઈ અજ્ઞાત સ્થળમાં ચાલ્યા ગયા. એમના ચાલ્યા જવાથી સ્વર્ગની રાજ્યવ્યવસ્થા ચલાવવાની મુશ્કેલી ઊભી થઈ. બધા દેવતાઓ ઇચ્છતા હતા કે સ્વર્ગની રાજ્યવ્યવસ્થા ઉત્તમ રીતથી ચાલે, પણ કોઈ વ્યવસ્થાની જવાબદારી પોતાને માથે લેવા નહોતું માગતું. છેવટે વિદ્વાન ઋષિમુનિઓની સલાહ લઈને એમણે નિર્ણય કર્યો કે પૃથ્વીના મહાન તેજસ્વી તથા ધર્માત્મા રાજા નહુષને પ્રાર્થના કરવામાં આવે કે તેઓ સ્વર્ગનું રાજ્ય સ્વીકારીને અહીંના એના શાસનની વ્યવસ્થા કરે.

આવો વિચાર કરીને દેવતાઓ રાજા નહુષની સભામાં પધાર્યા. દેવતાઓને પોતાની સભામાં આવેલા જોઈને નહુષ ઘણા જ પ્રસન્ન થયા. તેઓનું સ્વાગત કરીને તેમણે કહ્યું, “દેવો ! તમોએ મારી રાજસભામાં આવવાની તકલીફ કેમ લીધી ? આજ્ઞા કરો, હું તમારી શી સેવા કરી શકું ?”

દેવતાઓએ કહ્યું : “રાજન્, શતક્રતુ ઇન્દ્ર કોઈ અજ્ઞાત સ્થળે ચાલ્યા ગયા છે. હાલમાં સ્વર્ગમાં કોઈ રાજા નથી, રાજા વગર સ્વર્ગની વ્યવસ્થા મુશ્કેલ થઈ ગઈ છે. તમો આ પૃથ્વીના પરાક્રમી તથા કુશળ શાસક છો. તમોને રાજકાજનો પૂરતો અનુભવ પણ છે. તેથી અમારી પ્રાર્થના છે કે તમો સ્વર્ગનું રાજ્ય સ્વીકારી લઈને તેની વ્યવસ્થા કરો.”

દેવોનો પ્રસ્તાવ સાંભળીને રાજા નહુષ સંકોચ પામ્યા. વિનયભર્યા સ્વરમાં તેમણે કહ્યું : “દેવો, હું તો ઘણો જ નિર્બળ છું. મારામાં સ્વર્ગની વ્યવસ્થા કરવાની તથા તમારી રક્ષા કરવાની શક્તિ નથી. તેથી હું સ્વર્ગનાં રાજ્યનો સ્વીકાર કરવામાં મને પોતાને અયોગ્ય માનું છું.”

દેવો તથા ઋષિઓએ એમને આશ્વાસન આપતાં કહ્યું : “રાજન્, તમે તમારી દુર્બળતાની ચિંતા ન કરો. તમોને દેવો, ગંધર્વો તથા સિદ્ધ ઋષિમુનિઓ થકી શક્તિ પ્રાપ્ત થશે. તે શક્તિથી તમો સ્વર્ગનું રાજ્ય ચલાવવામાં સમર્થ થઈ શકશો.”

અધિકારની લાલસા માનવની પ્રાકૃતિક પ્રવૃત્તિ છે. સંસારનો નાનામાં નાનો માનવ પણ મોટામાં મોટો હક્ક મેળવવાની લાલચ રાખે છે. જો અવસર અને સગવડતા મળે તો અણહકદાર અને અયોગ્ય માનવ પણ અધિકાર મેળવવા માટે બાઝી પડે છે. તેવા સમયે માનવ એ નથી વિચારતો કે પોતે એ અધિકાર વહન કરી શકશે કે નહીં. સંસારમાં એવું જ જોવા મળે છે કે અધિકારની લાલસાને વશ થઈને ઘણાખરા માનવો પોતાની યોગ્યતા કરતા પણ વધારે અધિકાર ગ્રહણ કરી લે છે; તેના પરિણામે અધિકારનાં મદમાં મસ્ત થઈને પતિત તથા અધિકારયુક્ત થઈને દુઃખ ભોગવે છે. સંસારમાં કોઈ વિરલા વિવેકી માનવો જ અધિકારોનાં પ્રલોભનોના અવસર વખતે પોતાની યોગ્યતાનો વિચાર કરીને તે પ્રમાણે અધિકાર ગ્રહણ કરે છે.

નહુષ પૃથ્વી પરના રાજા તો હતા જ; તેમણે અધિકારોનો સારો સ્વાદ ચાખ્યો હતો. છતાં પણ એમના વિવેકે એમને કહ્યું : “નહુષ ! તું આ અધિકારને ગ્રહણ કરવાને યોગ્ય નથી.” વિવેકની આ ચેતવણીને નહુષે દેવો આગળ પ્રકટ પણ કરી; પણ દેવતાઓએ જ્યારે શક્તિ પ્રાપ્તિનું આશ્વાસન આપ્યું, ત્યારે તેમના અંતઃકરણમાં છુપાયેલી અધિકારપ્રાપ્તિની લાલસાએ જોર કર્યું. તેઓ વિચારવા લાગ્યા : “મેં તો સ્વર્ગનું રાજ્ય માગ્યું નથી અને ન તો મેં તેને મેળવવા માટે કોઈ પ્રયત્ન કર્યો છે, એ તો આપમેળે જ મળી રહ્યું છે, વળી દેવતાઓએ અને ઋષિઓએ મને શક્તિ આપવાનું પણ આશ્વાસન આપ્યું છે…” તે સમયે જ એમના અહંકારે પણ એની પૂર્તિ કરી… “હું પણ પૃથ્વી પરનો રાજા તો છું જ. મારામાં રાજ્ય ચલાવવાની યોગ્યતા છે જ; એટલે જ તો દેવતાઓએ સ્વર્ગનું રાજ્ય ચલાવવા મને ચૂંટ્યો છે.”

અધિકારની લાલસા અને અહંકારનાં કોલાહલમાં વિવેકનો ધ્વનિ વિલીન થઈ ગયો. રાજા નહુષે દેવોનો આગ્રહ સ્વીકારી લીધો. સ્વર્ગના સિંહાસન પર એમનો અભિષેક કરીને તેમને સ્વર્ગના રાજા બનાવી દેવામાં આવ્યા.

પૃથ્વી પર રાજા નહુષ ધર્માત્મા કહેવાતા હતા. તેઓએ ઘણાં ધાર્મિક અનુષ્ઠાનો તથા પૂરતાં દાનપૂણ્ય પણ કરેલાં હતાં; પણ સ્વર્ગનું રાજ્ય હાથમાં આવ્યા પછી તેમની મનોવૃત્તિમાં ઘણો જ ફરક પડી ગયો. અસીમિત અધિકારો તથા અતિશય ભોગસામગ્રી તેમનાં ચરણોમાં હતી. માનવને જો અધિકારની સાથેસાથે ભોગની પણ સગવડતા મળે તો ભોગવાસના સેંકડો જીહ્વાઓ બનીને એ માનવનો જ ભોગ કરવા લાગે છે. આવો માનવ કામાંધ થઈને વિવેકશૂન્ય થઈ જાય છે.

નહુષની પણ એ જ દશા થઈ. સ્વર્ગમાં મળતી ભોગસામગ્રીમાં ગળાડૂબ રહીને એ નંદનવનનાં દેવઉદ્યાનોમાં ક્રીડા કરવા લાગ્યા. ભોગોમાં ડૂબી જવાને કારણે એમના ધાર્મિક સંસ્કારો ધીરે ધીરે ક્ષીણ થવા લાગ્યા. હૃદયજ ધર્મનું નિવાસસ્થાન છે. જેવી રીતે એક જ મ્યાનમાં બે તલવારો નથી રહી શકતી તેવી જ રીતે એક જ હૃદયમાં ધર્મ અને ભોગ એક સાથે નથી રહી શકતા. નહુષના હૃદયમાં ભોગજન્ય અધર્મના સંસ્કારો પ્રવેશ કરવા લાગ્યા, અને ધર્મના સંસ્કારો નષ્ટ થવા લાગ્યા. ધર્મના સંસ્કારો નષ્ટ થતાં જ માનવી પશુ બની જાય છે. નિમ્ન વાસનાઓ તેના પર પૂરો અધિકાર જમાવી લે છે. આવા માનવીનું જીવન વિવેક પ્રમાણે ન ચાલતાં વાસના પ્રમાણે ચાલવા લાગે છે.

એક દિવસ નહુષ દેવ ઉદ્યાનમાં ક્રીડારત હતા. અચાનક તેમની દૃષ્ટિ એક અનિંદ્ય સુંદરી ઉપર પડી. તેમણે દાસીઓને પૂછ્યું : “આ સુંદરી કોણ છે ?” એક દાસીએ કહ્યું, “મહારાજ ! આ શતક્રતુ ઇન્દ્રની પત્ની ઇન્દ્રાણી છે. ઇન્દ્રના અદૃશ્ય થઈ જવાથી તે ઘણી જ દુઃખી છે.”

કામાંધ નહુષ તો લોલુપ નજરથી શચી તરફ જોતો જ રહ્યો. ઇન્દ્રાણી લજ્જિત થઈને ત્યાંથી ચાલી ગઈ. અધિકારના મદમાં મસ્ત નહુષે બીજે દિવસે પોતાના સભાસદોને કહ્યું, “હું સ્વર્ગનો અધિપતિ છું, સ્વર્ગની બધી જ વસ્તુઓ પર મારો હક્ક છે. પણ ઇન્દ્રાણી હજુ સુધી મારી સેવામાં હાજર નથી થઈ. તેણે આજે મારા મહેલમાં આવવું જ જોઈશે.”

લંપટ નહુષની આવી ધૃણાસ્પદ આજ્ઞા સાંભળીને શચી ઘણી જ દુઃખી થઈ. પોતાની રક્ષાનો કોઈ ઉપાય ન દેખાતાં તે દેવગુરુ બૃહસ્પતિને શરણે ગઈ. રડતાં રડતાં તેણીએ દેવગુરુને નહુષની દુષ્ટતાના સમાચાર સંભળાવ્યા અને પોતાની રક્ષા કરવાની પ્રાર્થના કરી.

મહર્ષિ બૃહસ્પતિએ અભયદાન આપતાં શચીને કહ્યું : “મહારાણી, ચિંતા ન કરશો, તમે મારા શરણમાં આવ્યા છો ! હું અવશ્ય તમારી રક્ષા કરીશ. નહુષનાં પાપનો ઘડો હવે ભરાઈ ચૂક્યો છે પોતાનાં કુકર્મોના કારણે તે પોતે જ નષ્ટ થઈ જશે.”

આ તરફ જ્યારે નહુષને એ સમાચાર મળ્યા કે શચી બૃહસ્પતિને શરણે ગઈ છે, ત્યારે એ ઘણો જ ક્રોધિત થયો. દેવતાઓએ તેને બહુ સમજાવ્યો કે આપ સ્વર્ગના અધિપતિ છો ક્રોધ કરવો આપના માટે યોગ્ય નથી. ઋષિઓએ પણ પરસ્ત્રી પર કુદૃષ્ટિ રાખવાથી થનારાં પાપોની ચેતવણી આપીને તેને આવા કુકૃત્યથી બચાવવા ચાહ્યો. પણ મંદબુદ્ધિ નહુષે કોઈનું જ ન સાંભળ્યું. ઊલટાનું તેણે દેવતાઓને કહ્યું કે, “તમે બૃહસ્પતિને ઘરે જઈને શચીને કહો કે તે મારી સેવામાં હાજર થાય.”

વિવશ થઈને દેવો આચાર્ય બૃહસ્પતિ પાસે ગયા. તેમને નહુષની નીચતાભરી આજ્ઞાના સમાચાર સંભળાવ્યા, અને શચીને નહુષ પાસે મોકલવાની પ્રાર્થના પણ કરી. દેવોની વાત સાંભળીને શચી જોર જોરથી રડવા લાગી. આચાર્ય બૃહસ્પતિએ આશ્વાસન આપતાં કહ્યું, “મહારાણી, દુઃખી ન થશો; તમે નહુષની સભામાં જઈને તેને કહેજો કે તમને થોડો સમય આપે. આ સમય દરમિયાન તમે ફરી ઇન્દ્રની શોધ કરજો. ઇન્દ્ર સાથે તમારી મુલાકાત થઈ જશે અને તેઓ તમારી રક્ષાનો ઉપાય બતાવશે.”

આચાર્યની વાતોથી આશ્વસ્ત થઈને ઇન્દ્રાણી નહુષની સભામાં ગઈ અને તેને કહ્યું, “મહારાજ ! હું તમારી સેવામાં હાજર થવા તૈયાર છું, પણ તમે એ પહેલાં મને એક અવસર આપો કે હું ઇન્દ્રને શોધી કાઢું. જો ઇન્દ્રને નહીં શોધી શકું, તો હું તમારી સેવામાં હાજર થઈ જઈશ.”

નહુષે કહ્યું : “સુંદરી, હું તમને ઇન્દ્રને શોધવાનો સમય આપું છું, પણ તમે પોતાનાં વચનોને યાદ રાખજો. જો ઇન્દ્રને શોધી ન શકો, તો મારી સેવામાં ઉપસ્થિત થઈ જશો.”

નહુષની સભામાંથી પાછી ફરીને ઇન્દ્રાણી ફરીથી બૃહસ્પતિને ઘેર ગઈ. નહુષ સાથે થયેલી વાતો તેણીએ આચાર્યને કહી સંભળાવી. આચાર્યે તેણીને દેવી ઉપશ્રુતિની ઉપાસના કરવા કહ્યું. શચીની પ્રાર્થના સાંભળી દેવી ત્યાં પ્રગટ થયાં. શચી તેમનાં ચરણોમાં પડીને તેમને પોતાના પતિનાં દર્શન કરાવવા માટે પ્રાર્થના કરી. દેવીએ શચીને તે સ્થાનમાં પહોંચાડી દીધી કે જ્યાં ઇન્દ્ર અજ્ઞાતવાસ કરી રહ્યા હતા. પોતાના પતિને જોઈને ઇન્દ્રાણી અત્યંત પ્રસન્ન થઈ ગઈ. તે જ સમયે ત્યાં આચાર્ય બૃહસ્પતિ અને બીજા દેવતાઓ પણ આવી પહોંચ્યા. તે બધાએ ઇન્દ્રને નહુષની લંપટતાના સમાચાર કહી સંભળાવ્યા. થોડા દેવતાઓએ તો પરાક્રમ કરીને નહુષને રાજ્યચ્યુત કરીને દંડ આપવાની પણ વાત કહી.

પણ ઇન્દ્રે કહ્યું, “દેવો, નહુષ અત્યારે સ્વર્ગનો રાજા છે. તેને અનેક શક્તિઓ વરેલી છે. આ સમય પરાક્રમનો નથી. શક્તિથી તેના પર વિજય મેળવવો મુશ્કેલ છે. તે ઘણો જ જલ્દી પોતાનાં પાપોથી નષ્ટ થઈ જશે. હમણાં આપણે ધીરજ રાખીને યુક્તિથી કામ લેવું જોઈશે.”

દેવતાઓને સમજાવીને ઇન્દ્રે શચીને કહ્યું : “મહારાણી ! તમે નહુષ આગળ જાઓ અને તેને કહો કે “જો તમે સિદ્ધ ઋષિઓ પાસે પાલખી ઉંચકાવીને મારા ભવનમાં પધારશો તો હું ઘણી ખુશીથી તમને આધીન થઈ જઈશ.” હે શચી સ્મિતા, તમે નક્કી જાણજો કે આ ઉપાયથી દુષ્ટ નહુષનું પતન જરૂર થઈ જશે.”

પતિ-આજ્ઞા માથે ચડાવીને શચી નહુષની રાજ્યસભામાં હાજર થઈ અને તેણે તેને કહ્યું, “મહારાજ, ઇન્દ્રના તો હજુ સુધી મને કોઈ સમાચાર મળી શક્યા નથી. હવે હું તમારી સેવામાં હાજર થઈ જઈશ. પણ મારું એક નિવેદન છે.”

વિષયલોલુપ નહુષે તુરત જ વચમાં જ કહ્યું, “કહો, સુંદરી, તમે શું કરવાથી પ્રસન્ન થશો ? તમને જે ગમશે એ કરવા હું તૈયાર છું.”

શચીએ કહ્યું : “રાજન્ ! જો તમે સિદ્ધઋષિઓ પાસે તમારી પાલખી ઉંચકાવીને મારા ભવનમાં પધારશો તો હું પ્રસન્નતાથી તમારે આધીન થઈ જઈશ.”

કામ સહુ પ્રથમ વિવેકની આંખો ઉપર જ પ્રહાર કરે છે. કારણ કે જ્યાં સુધી માણસની વિવેકની આંખો ઉઘાડી હોય, જ્યાં સુધી એ સજાગ થઈને જોઈ રહ્યો હોય, ત્યાં સુધી કામ માનવીનાં હૃદયમાં પ્રવેશ નથી મેળવી શકતો. પણ નહુષ તો અધિકાર-મદમાં મસ્ત જ થઈ ગયો હતો. તેથી કામના પ્રથમ પ્રહારે જ તેના વિવેકને આંધળો બનાવી દીધો.

તેણે ગર્વથી શચીને કહ્યું : “સુંદરી ! તમે ખરેખર જ પ્રશંસાને યોગ્ય છો. તમે મારા માટે એવું ઉત્તમ વાહન સુઝાડ્યું છે કે જેના પર ત્રિલોકના સ્વામી વિષ્ણુ પણ ક્યારેય નહીં બેઠા હોય. હું જરૂર ઋષિઓ પાસે પાલખી ઉપડાવીને તમારા ભવનમાં આવીશ.”

કામના નશામાં અંધ બનેલો નહુષ એ ભૂલી ગયો કે જે ઋષિઓને ભગવાન વિષ્ણુ પણ પ્રણામ કરે છે. જેમની શક્તિને દેવરાજ ઇન્દ્ર પણ મહત્ત્વ આપે છે, તેઓને જ એ પોતાની પાલખીના વાહક બનાવવા માગતો હતો !

બીજે દિવસે નહુષે અગસ્ત્ય તથા બીજા ઋષિઓને પોતાની સભામાં બોલાવ્યા. બધા ઋષિઓ સમયસર સભામાં આવ્યા. પરંતુ ઉદ્દંડ નહુષે તેમનું અભિવાદન પણ ન કર્યું. સભાભવનમાં એક સુંદર સજાવેલી પાલખી તૈયાર કરીને રાખેલ હતી. ઋષિઓને આવેલા જોઈને નહુષ તેના પર બેસી ગયો અને ઋષિઓને આજ્ઞા કરી : “પાલખી તમારા ખભા ઉપર ઉપાડો અને મને શચીના ભવનમાં લઈ ચાલો !”

નહુષની આજ્ઞા સાંભળીને બધાં જ સભાસદો સ્તબ્ધ થઈ ગયા. નિર્વિકાર ઋષિઓએ પાલખી ઉપાડી અને ચાલવા માંડ્યું, નબળા તપસ્વીઓ માટે આ કામ ઘણું જ કપરું હતું, તેથી તેઓ ધીરે ધીરે ચાલતા હતા. પણ નહુષ કામવાસનાથી બળી રહ્યો હતો. તે તો ઊડીને શચી પાસે પહોંચી જવા માગતો હતો. ઋષિઓને ધીમે ધીમે ચાલતા જોઈને તે અધીરો બની ગયો અને ‘સર્પ ! સર્પ ! જલ્દી ચાલો, જલ્દી ચાલો !’ એમ કહેવા લાગ્યો. છતાં પણ અગસ્ત્યને જલ્દી ચાલતા ન જોઈને એ ક્રોધિત થઈ ઊઠ્યો અને આવેશમાં આવી જઈને તેમના કપાળ પર લાત મારી. આ અપમાનથી ઋષિ ક્રોધિત થઈ ઊઠ્યા અને નહુષને શાપ દેતા બોલ્યા, “દુષ્ટ ! તું કામાંધ થઈને ‘સર્પ ! સર્પ !’ એમ બરાડી રહ્યો છે. તો જા, તું સર્પ જ થઈ જા !”

નહુષના પાપનો ઘડો ભરાઈ ગયો હતો. ઋષિઓના શાપથી એ તુરત જ મૃત્યુલોકમાં પડ્યો અને દસ સહસ્ર વર્ષો સુધી અજગર યોનિમાં સબડતો રહ્યો.

Total Views: 494

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.