(ગતાંકથી આગળ)

વૈદિક શિક્ષણના પ્રયત્નો : એ જ ધન્વંતરી ધામની જોડાજોડ એક વૈદિક પાઠશાળા હતી. ઋક્, યજુઃ, સામ અને અથર્વવેદ ભણવાને માટે કાઠિયાવાડનાં જુદાં જુદાં ગામના રહેવાસી ગરીબ છોકરાઓ ભિક્ષામાં મળેલું અન્ન હાથે રાંધીને એકટાણું ભોજન કરીને વેદપાઠ કરતા.

વેદ ભણાવનાર શિક્ષકોને હસ્તપાઠ અને સ્વરપાઠ સિવાય વેદના એક પણ શબ્દનો અર્થ આવડતો નહિ. પરંતુ શુક્લયજુર્વેદના શિક્ષક ઉદાત્ત, અનુદાત્ત સ્વરિત સૂરે હાથ હલાવીને વિદ્યાર્થીઓ સાથે “શાર્દૂલરુતોયમ” (વાઘની ગર્જના સમા) ધ્વનિથી વેદપાઠ કરવા માંડ્યા, ત્યારે મેં પુલકિત શરીરે કદી નહિ અનુભવેલો જે આનંદ માણેલો, તેને શબ્દોમાં વર્ણવાય તેમ નથી. દરેક વૈદિક શિક્ષકની પાસે બેસીને મેં ચારે વેદોના પાઠ સાંભળ્યા. પણ દુઃખની વાત એ કે શિક્ષકોમાંથી એકેયને વેદાંગનું જરાય જ્ઞાન નહોતું.

જુદેજુદે ઠેકાણેથી વિદ્યાર્થી થઈને આવેલા ગરીબ બ્રાહ્મણના છોકરાઓનું કષ્ટ જોઈને મેં કાશીના ધનવાન અને સુપંડિત બાબુ પ્રમદાદાસ મિત્રની સહાયથી એક અન્નસત્ર ખોલી દીધેલું. એ સત્રમાંથી દરરોજ દરિદ્ર વિદ્યાર્થીઓને જરૂર મુજબ ઘઉંનો લોટ, દાળ, ઘી વગેરે આપવામાં આવતાં. રજાના દિવસોમાં વિદ્યાર્થીઓ જતા રહ્યા, ત્યારે એ અન્નસત્ર બંધ થઈ ગયું.

હું પણ શુક્લયજુર્વેદ (માધ્યન્દિની શાખા)નો વિદ્યાર્થી થઈને હસ્તપાઠ તથા સ્વરપાઠ શીખતો. આ પ્રમાણે વૈદિક પાઠશાળામાં પણ સાથે વેદજ્ઞ શિક્ષકનો અભાવ જોઈને મને મર્માંતક દુઃખ ઊપજેલું. ત્યારે મનમાં થતું કે વેદવેદાંગમાં પારંગત પંડિત કાશીધામમાં નક્કી મળે, પ્રયત્નો કરીશ.

વેદજ્ઞ દ્રાવિડ બ્રાહ્મણ : એ જ ધન્વંતરી ધામમાં એક મદુરાવાસી વેદજ્ઞ દ્રાવિડ પંડિત બ્રાહ્મણ ચાતુર્માસ ગાળી રહેલા. તેઓ રોજ સવારે બ્રાહ્મમુહૂર્તમાં ઊઠીને સ્નાન વગેરેથી પરવારીને માટીનાં એકદમ નાનાં-નાનાં સેંકડો શિવલિંગ ઘડતા, અને એ જ શિવલિંગોની ચોરસ વેદી બનાવીને એની વચમાં એ જ નાનાં-નાનાં શિવલિંગમાંથી જ બનાવેલ ગૌરીપટ્ટની સાથે એક મોટું શિવલિંગ મૂકતા. બપોરના બે વાગ્યા લગી પૂજા કરીને હાથે રાંધીને ખાઈપીને પછી મારી જોડે બેસીને શાસ્ત્રીય ચર્ચા કરતા.

એઓ કૃષ્ણયજુર્વેદીય તૈત્તિરીય શાખાના બ્રાહ્મણ હતા. કૃષ્ણયજુર્વેદ શાખાનો થોડો ઘણો અર્થબોધ એમને હતો. મને એ વખતે લગભગ રોજ ચંડીપાઠ કરવાની ટેવ હતી. સારો ચંડીપાઠ સાંભળીને તેઓ કહેતા કે, “અમે લોકો જેમ વેદપાઠમાં કુશળ છીએ, તેવી જ રીતે બંગાળીઓની ચંડીપાઠમાં ખ્યાતિ છે. તમારો ચંડીપાઠ સાંભળીને હું મુગ્ધ થઈ ગયો છું.”

ત્યાર પછી કહ્યું કે, એમના બચપણના વખતમાં એમનાં સગાં-સંબંધી અને દ્રાવિડ દેશના બ્રાહ્મણ અધ્યાપકો તેડુ મળતાં બંગદેશ જતા. એમની શાસ્ત્રચર્ચા એક મહિનાથી વધુ વખત વીતી જાય તોયે પૂરી થતી નહિ. એના પછી તેઓ વિદાય લઈને પુષ્કળ સીધુંસામાન લઈને ઘેર પાછા ફરતા અને ઘણા પૈસાટકા પણ પામતા. એ રીતે મેળવેલાં સીધાંથી એમનો ઘણા દહાડાનો ગુજારો થઈ જતો.

આમ, જ્યારે તેઓ બંગાળનાં ખૂબ વખાણ કરતા હતા ત્યારે એક દિવસ મેં તેમને કહ્યું કે, “મહારાજ, બંગાળી લોકો પુષ્કળ માછલી ખાય, એ શું તમે નથી જાણતા ? સારા ઘરના બંગાળી સજ્જનો ચતુરાઈથી માછલી પકડવા માટે આખો દહાડો તળાવને કાંઠે બેસી રહે, એને તમે સારી વાત કહો છો ?”

એ વાત સાંભળીને કૃષ્ણયજુર્વેદમાંથી એક મંત્ર સંભળાવ્યો. આખો મંત્ર તો યાદ નથી આવતો; પણ એની શરૂઆતમાં –

“अग्रेस्त्रयो जयासांसो भ्रातराआसन्

ते देवेभ्यो सत्यं प्रमीयत्न…”

एने एंतमां

“धिया धिया त्वा वध्गःस्गुः” એમ છે.

કથા આવી છે : અગ્નિનું બીજું એક નામ છે હવ્યવાહન. દેવતાઓનો હવિ લઈ જવાની જવાબદારી અગ્નિની ઉપર. અગ્નિના ત્રણ મોટા ભાઈઓ હવિ પહોંચાડતા પહોંચાડતા મરી ગયા. અગ્નિ એ જ ડરથી બી જઈને એ જ જલાશયમાં જઈને સંતાઈ ગયો. એણે વિચાર્યું કે, “ત્રણ ત્રણ ભાઈઓનો અંજામ આવો આવ્યો ત્યારે હું એકલો તે કેટલા દહાડા હવિવહન કરવાનો ? થોડા જ દહાડામાં મારી પણ એ જ દશા થશે.” આ બાજુ દેવતાઓ થોડા દહાડા ખાધાપીધા વગરના રહ્યા એટલે ભેગા થઈને મૃત્યુલોકમાં અગ્નિને શોધતા ફરવા માંડ્યા. દેવતાઓની બીકે જે જળાશયમાં અગ્નિ સંતાઈ રહેલો હતો ત્યાં દેવતાઓ આવી પહોંચતાં કેટલીક માછલીઓએ પાણીની ઉપર મોઢાં કાઢીને સંતાયેલા અગ્નિની વાત કહી દીધી. માછલીઓએ પોતે સામેથી ચાંપલી થઈને અગ્નિને પકડાવી દીધો. તેથી અગ્નિએ એકદમ કાળઝાળ થઈ ઊઠીને એમને શાપ આપ્યો કે, “તમે જે રીતે ચિબાવલાં થઈને મને પકડાવી દીધો, તે રીતે તમે પણ મૃત્યુલોકમાં અનેક પ્રકારે મરાશો, લોકો ચાલાકીથી ખોળી-ખોળીને તમને મારશે.”

પછી એમણે કહ્યું કે “બંગાળીઓ તો વૈદિક અનુશાસન પ્રમાણે જ ચાલી રહેલા છે.” એમને મોઢેથી મત્સ્યભક્ષી બંગાળીઓની તરફેણમાં આવા વૈદિક પ્રમાણની વાત સાંભળીને મને અતિશય આશ્ચર્ય થયું.

જામનગરમાં ઘણાં જૈનમંદિરો છે. જૈનોના પ્રભાવથી વૈદિક હિંદુઓ પણ જૈન ભાવવાળા થયેલા છે. ઉઘાડેછોગ જૈનોની વિરુદ્ધનું એકેય કામ કરવાની કોઈની ગુંજાશ રહી નહોતી. આચારમાં જૈન અને વૈષ્ણવ આચાર જ મુખ્યત્વે હતા.

(ક્રમશઃ)

ભાષાંતરકાર : શ્રીમતી પ્રજ્ઞાબહેન શાહ

Total Views: 424

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.