29 સપ્ટેમ્બરે સ્વામી અખંડાનંદજી મહારાજની જન્મતિથિ પ્રસંગે

(શ્રીમત્ સ્વામી અખંડાનંદજી મહારાજ (1864-1937) શ્રીરામકૃષ્ણદેવના સોળ અંતરંગ સંન્યાસી શિષ્યો માંહેના એક હતા, અને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ત્રીજા પરમાધ્યક્ષ (1934-1937) હતા. તેમું પૂર્વાશ્રમનું નામ ગંગાધર ઘટક હતું. 1983માં તેમનો શ્રીરામકૃષ્ણ સાથે મેળાપ થયો. ત્રણ વર્ષો તેમના પાવન સાંનિધ્યમાં ગાળ્યા બાદ, 1886માં શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી, તેમણે પરિવ્રાજક સંન્યાસીનું જીવન અપનાવ્યું. અને હિમાલયને ઓળંગીને ઠેઠ તિબેટ સુધીનું પરિભ્રમણ ત્રણવાર કર્યું. ‘સ્મૃતિકથા’ નામના બંગાળી ગ્રંથમાં તેમણે પોતાનાં ભ્રમણોનું રસપ્રદ વર્ણન કર્યું છે. તેના થોડા અંશો “મારું ગુજરાત ભ્રમણ” એ શીર્ષક હેઠળ અમે જૂન માસથી ધારાવાહિક રૂપે આપી રહ્યા છીએ. આ વર્ષે શુક્રવારે 29મી સપ્ટેમ્બરે તેમની જન્મતિથિ ઉજવાશે. આ પ્રસંગે તેમના સંપર્કમાં આવેલા રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના દસમા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજના સંસ્મરણો ‘પ્રબુદ્ધ ભારત’ (માર્ચ 1970)માંથી ભાષાંતર કરી રજૂ કરીએ છીએ. આ લેખમાં પૂ. સ્વામી અખંડાનંદજી મહારાજના બાળસુલભ અને ઉદાર સ્વભાવનો પરિચય મળે છે. ભાષાંતરકાર : શ્રી નલિન વ્યાસ – સં.)

ગંગાધર મહારાજ (સ્વામી અખંડાનંદ)નો સ્વભાવ બાળક જેવો હતો. અમે તેની સાથે તેમના ગોઠિયાઓની જેમ ભળી જતા. મહાન માણસો બીજાની સાથેના વ્યવહારમાં પોતાના મનોભાવનો પડઘો સામા ઉપર પાડે છે. ઉદાહરણ રૂપે, એક વખતે કેટલી યુવતીઓ સ્નાન કરી રહી હતી, ત્યારે યુવાન શુકદેવ તદ્દન નગ્નાવસ્થામાં ત્યાંથી પસાર થયા. તેમનાં દર્શન માટે સ્નાન કરતી યુવતીઓ પાણીમાંથી બહાર આવી, રસ્તાની બાજુએ ઊભી રહી ગઈ, તેમને કાંઈ જ સંકોચ ન થયો. થોડીવારમાં જ શુકદેવના પિતાશ્રી વ્યાસમુનિ પણ એ જ રસ્તેથી નીકળ્યા. તેમને તો દૂરથી જોતાં જ યુવતીઓ શરમાઈ ગઈ. અને તેમણે ઝટઝટ વસ્ત્રો પહેરી લીધાં. વ્યાસમુનિએ નજીક આવીને પૂછ્યું : “દીકરીઓ, મારા યુવાન પુત્રને જોઈને તો તમે કોઈ શરમાયાં નહિ તો પછી મારા જેવા વૃદ્ધને જોઈ કેમ શરમાઓ છો ?” એમણે જવાબ આપ્યો : “આપના દીકરાને દેહભાવ છે જ નહીં, તેથી અમારા મનમાંથી પણ દેહભાવ જતો રહ્યો; પરંતુ આપને હજી દેહભાવ છે. તેથી અમે શરમાઈ ગયાં.” (શ્રીમદ્ભાગવદ 1/4/5)

શ્રીમા શારદામણિદેવી એક વખતે જયરામવાટીથી કલકત્તા ચાલીને જતાં હતાં. ત્યારે એક લુંટારાના હાથમાં ઝડપાયાં. શ્રીમાએ તેને તો એવું ભાવવાહી રીતે “પિતા”નું સંબોધન કર્યું, કે તરત જ લુંટારાના મનમાં ખરેખ પિતૃભાવ જાગ્રત થયો. આ રીતે મહાન આત્માઓ પોતાનો ભાવ સામાના મનમાં જગાડી શકે છે.

એક દિવસ ગંગાધર મહારાજ “ઉદ્‌બોધન”ની ઑફિસે આવ્યા. ત્યાં બધાએ તેમને દબાણ કર્યું કે “મહારાજ, અમને રસગુલ્લાં ખવડાવો.” તેમણે કહ્યું : “મારી પાસે પૈસા ક્યાં છે ? હું તમને કઈ રીતે રસગુલ્લાં ખવડાવું ?” પણ એક જણ જાણી ગયો કે તેમની પાસે કમરે ધોતિયામાં બાંધેલાં થોડાં પૈસા છે. તેણે ત્યાં હાથ મૂકીને ખાતરી પણ કરી લીધી. એટલે મહારાજ તેને બાજુના રૂમમાં સ્વામી સારદાનંદજી (ઉદ્‌બોધન ઑફિસના તે વખતના વડા) પાસે ખેંચી ગયા અને તેમણે કહ્યું : “જુઓ તો, તમે આ લોકોને કેવી તાલીમ આપી છે ! તેઓ રસગુલ્લાંની મહેફીલ બળજબરીથી માણવા માગે છે.” સ્વામી સારદાનંદજીએ જવાબમાં કહ્યું : “ઘણું સારું, તેઓની ઇચ્છા જ છે, તો કેમ તમે આપતા નથી ?” “વાહ !” ગંગાધર મહારાજે કહ્યું, “તમે પણ તેમનો પક્ષ લો છો ?” હકીકતમાં તો તેઓ તે પૈસા એ લોકોને મીઠાઈ ખવડાવવા માટે જ લાવેલા. પણ જરાક મજાક ખાતર આમ કહેતા હતા. અમે આ રીતે વર્ત્યા તેમાં તેઓ પણ રાજી જ હતા. હવે હું સ્વામી વિવેકાનંદજી તરફના તેમના પ્રેમ અને આદર બતાવતાં એક બે પ્રસંગો કહીશ. હું જ્યારે અદ્વૈત આશ્રમમાં હતો, ત્યારે ગંગાધર મહારાજ થોડો વખત પૂંટીઆના રાણીનાં કલકત્તાના નિવાસસ્થાને રહેલા. પૂંટીઆનાં રાણીનં પૌત્રો સ્વામી સારદાનંદના અનુયાયીઓ હતા. એકવાર અદ્વૈત આશ્રમમાં એક-બે દિવસ માટે આવેલા એક ભક્તજને થોડા પૈસા ખરચીને સાધુઓને રસગુલ્લાં અને લીલા નાળિયેરની મિજબાની બપોરના ભોજન વખતે આપી. અમે જમી રહ્યા હતા, તે જ વખતે એક સંન્યાસી “ઉદ્‌બોધન”માંથી આવ્યા. તેમણે પણ મીઠાઈ અને નાળિયેર મળ્યાં. પછી તેમણે ગંગાધર મહારાજને મળીને કહ્યું : “મહારાજ, આજે તો અદ્વૈત આશ્રમમાં સરસ ઉજાણી હતી. કેટલાંય રસગુલ્લાં અને લીલાં નાળિયેરની તો વાત જ જવા દો ! મહારાજ, આપ અહીં હોવા છતાં આવી મોટી ઉજાણીમાં અદ્વૈત આશ્રમમાં આપને કેમ ન બોલાવ્યા ?” આમ આ સાંભળીને ગંગાધર મહારાજે એક બાળકની માફક કહ્યું : “આ તો નવાઈ જેવું ! હું અહીં આટલો નજીક છું, અને પ્રભુ (લેખકનું પૂર્વાશ્રમનું નામ)એ મને આમંત્રણ ન મોકલ્યું ? આવવા દે તેને !” એ સંન્યાસીએ પાછા ફરીને મને કહ્યું : “મેં તમારી વિરુદ્ધમાં મહારાજને ફરિયાદ કરી છે. તમે તેમને મળો, ત્યારે જો જો મજા !”

થોડા દિવસો પછી હું ગંગાધર મહારાજને મળવા ગયો. પ્રણામ કરીને હું તેમને ચરણે બેઠો. હવે શો તાલ થાય છે, તે જોવા પૂંટીઆનાં રાણીનાં પૌત્રો અને બીજા સાધુઓ પણ ત્યાં આવીને બેઠા. મારી વિરુદ્ધ ફરિયાદ કરનાર સંન્યાસી પણ ત્યાં હતા. ગંગાધર મહારાજ મોં ચડાવીને બેસી રહ્યા, બોલ્યા નહીં, હું પણ મૂંગો રહ્યો.

થોડીવાર પછી મારા તરફ તર્જની ચીંધીને કહ્યું : “મારે તારી સામે કંઈક કહેવાનું છે !” મેં જવાબ આપ્યો : “મારે પણ આપની સામે કંઈક કહેવાનું છે.” “તારે મારી સામે શું કહેવાનું છે ?” “પહેલાં આપને જે કહેવાનું હોય તે કહો. શું આક્ષેપ છે. તે જોયા બાદ મારે જે કહેવું હશે તે કહીશ.” “તો કોઈને નિર્ણાયક નીમો,” ગંગાધર મહારાજે બાળકની જેમ કહ્યું. “આપ જ શ્રેષ્ઠ નિર્ણાયક થઈ શકો,” – મેં કહ્યું “મેં જ ફરિયાદ કરી હોય તો હું કેવી નિર્ણાયક થઈ શકું ?” “અહીં હાજર રહેલા કોઈપણ કરતાં મને આપનામાં વધુ વિશ્વાસ છે.” “ભલે તો પછી એમ રાખો.” પછી તેમણે કહ્યું : “તમારે ત્યાં આટલી મોટી ઉજાણી હતી. હું અહીં આટલો નજીક હતો. છતાં મને નિમંત્રણ કેમ ન આપ્યું ?” “મહારાજ, ખરેખર તો એ ઉજાણી હતી જ નહીં,” મેં કહ્યું : પછી મેં આખી વાત સમજાવી અને છેલ્લે ઉમેર્યું  “આ સંન્યાસીએ કાંઈ કારણ વિના આપને મારી વિરુદ્ધ ફરિયાદ કરી છે. અને આપે પણ ખરેખ શું બન્યું છે, તેની તપાસ કર્યા વિના જ મને આરોપી ઠરાવ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે : “જો કોઈનો વાંક હોય તો એને બોલાવો અને તેને જ પૂછો; બીજા કોઈને કાંઈ કહેતા નહીં. પણ મહારાજ તમે તો જુદી જ રીતે વર્ત્યા છો. સ્વામી વિવેકાનંદનો ઉલ્લેખ મેં કર્યો કે તરત જ ગંગાધર મહારાજે કહ્યું : “તેં સાચી વાત કરી, એ મારી ભૂલ હતી.” આમ કહી ફરિયાદ કરનાર સાધુ તરફ આંગળી ચીંધીને કહ્યું : “આણે જ બધો ગોટાળો કર્યો છે.” અને બધા હસી પડ્યા.

આ પ્રસંગમાં બે બાબતો નોંધવા જેવી છે. એક, તો ગંગાધર મહારાજનો સ્વામી વિવેકાનંદ તરફ છલકાતો પ્રેમ અને આદર અને બીજું, તેમનું એક મહાપુરુષને છાજે એવું વલણ. એટલે કે મારા જેવા એક નાના સંન્યાસીભાઈ પાસે પોતાની ભૂલ કબૂલી લેવી તે ! આપણામાંથી કોઈ આમ ન કરી શક્યું હોત. પછી મેં કહ્યું : “મહારાજ, હું જીતી ગયો. હવે હું આપની પાસે નુકસાની માગીશ.” “ભલે, કહો શું નુકસાની જોઈએ છે ?” “આપને અદ્વૈત આશ્રમની મુલાકાત લેવી પડશે. ત્યાં તમારે જમવાનું, આરામ કરવાનો અને બપોરની ચા પીધા બાદ, સાંજે પાછા ફરવાનું.” મહારાજે સંમતિ આપતા કહ્યું : “ભલે હું આવીશ.” આમ તેઓ એક દિવસ સવારના અદ્વૈત આશ્રમે આવ્યા ને રોકાયા. પણ જમ્યા પછી તેમણે કહ્યું : “હવે હું જઈશ.” ત્યારે ઉનાળો હતો, એ જમાનામાં હાલની જેમ ટેક્સીઓ ન હતી. વેલિંગ્ટન લેનથી શ્યામ બઝાર સુધી તેમને ટાંગામાં જ જવું પડે. આવા તડકામાં તે રીતે જવાનું તેમને મુશ્કેલી પડશે એમ માની મેં કહ્યું : “મહારાજ, આપણી તો શરત હતી કે આપ સાંજે પાછા ફરશો. આપ આમ ન જઈ શકો.” “ના, ના મારે તો હમણાં જ જવું છે.” તેમણે કહ્યું. તેમને રોકી રાખવા માટે મને કહેવાની ફરજ પડી કે – “મહારાજ, જો આપ રોકાઈ જાઓ તો એવી ચીજ ચખાડીશ, જે આપે કદી નહીં ચાખી હોય.” “તું વળી મને શું ચખાડીશ ? હું ઘણા રાજા-મહારાજાઓ અને ધનિકોનો મહેમાન બની ચૂક્યો છું. ઘણા પ્રદેશોમાં ફર્યો છું, અનેક પ્રકારની વાનગીઓ ખાધી છે. તું વળી મને ખાવા કે પીવા નવું શું આપીશ ?” “આપ ગમે તે કહો, હું જે વાનગી આપવા માગું છું, તે આપે કદી નહીં જ ચાખી હોય.” “ઠીક, જોઉં તો ખરો, તું મને શું આપે છે. હું રોકાઈ જાઉં છું.” હું તેમને આવા તડકામાં જતા રોકી શક્યો, તેથી મને ખૂબ રાહત થઈ. જેવા ચાર વાગ્યા કે મહારાજે મને કહ્યું : “ક્યાં છે તારી નવીન વાનગી ? જલદી લાવ.” તેઓ આરામ કરવા ગયા, ત્યારે મેં કૉફી બનાવીને ઠંડી થવા માટે બરફ ઉપર રાખેલી. એ જમાનામાં કલકત્તામાં કૉફી હાઉસ નહોતાં કે રૅફ્રીજરેટર્સ પણ નહોતાં. મેં તેમને ગ્લાસ ભરીને ઠંડી કૉફી આપી. તેમણે પીધી અને ખૂબ ખુશ થયા. કહ્યું : “સાચા જ, આ તો મેં કદી પીધી નહોતી.”

એક બીજો પ્રસંગ : એક વખત સારગાછીથી કલકત્તા આવીને ગંઘાધર મહારાજ એક ભક્તને ત્યાં ઊતર્યા હતા. ત્યાં તેમને સુંદર ફર્નિચરવાળો એક અલગ ઓરડો આપવામાં આવેલો. અમે તેમને મળવા ગયા. તેઓ એક બાળકની જેમ કહેવા લાગ્યા : “જુઓ, અહીં આ લોકો મારી કેટલી કાળજી રાખે છે ? શું તમે બેલુડ મઠમાં મને આ રીતે રાખી શકશો ?” “આ ઘરને આપણા મઠ સાથે કેવી રીતે સરખાવાય ?” મેં કહ્યું : “આ તો પૈસાપાત્રનું ઘર છે. અને મઠ સાધુઓનો નિવાસ છે. પણ એક અગત્યની વાત એ છે કે મઠ સ્વામીજીનું નિવાસસ્થાન છે. એક વખતે સ્વામીજી અહીં રહેતા હતા.” મેં આમ કહ્યું કે તરત જ તેઓ બોલી ઊઠ્યા : “સાચી વાત, હું કાલે સવારે જ મઠમાં આવીશ.” અને તરત જ તેમણે પેલા ભક્તને કહ્યું, “કાલે સવારે મારે મઠમાં જવાનું છે. તેની ગોઠવણ કરો.” તે ભક્ત અને અમે બધા સ્તબ્ધ થઈ ગયા. ભક્ત તો તેમને એક બે દિવસ વધુ રોકાણ માટે ખૂબ આગ્રહ કરવા લાગ્યો. અમે પણ એમ કહ્યું. પણ તેઓ તો બીજે દિવસે સવારમાં જ મઠમાં જવા નીકળી ગયા.

ગંગાધર મહારાજને બંગાળી અને સંસ્કૃત પ્રત્યે અનહદ પ્રેમ હતો. બંગાળી બોલતી વખતે વચ્ચે અંગ્રેજી શબ્દો આવે તો તેમને ન ગમતું. ત્યારે અદ્વૈત આશ્રમનો પ્રકાશન વિભાગ (કલકત્તામાં) કૉલેજ સ્ટ્રીટ માર્કેટવાળા મકાનમાં ઉપરના માળે હતો. એક દિવસ તેઓ ત્યાં આવ્યા અને કહ્યું : “ચાલો, ખાદી ભંડાર જોવા.” ખાદી ભંડાર તે વખતે આલ્બર્ટ હૉલના ભોંયતળીયે હતો. અમે બધા સાથે ત્યાં ગયા. તેઓ આખા ભંડારમાં ફર્યા. પ્રખ્યાત વૈજ્ઞાનિક શ્રી પી. સી. રોય પણ ત્યાં હાજર હતા. તેઓ ઈન્ડીયન નેશનલ કૉંગ્રેસ તરફથી ખાદીનો પ્રચાર કરતા હતા. ખાદી કાર્યકરો સાથે વાતો કરતા કરતા ડૉ. રોય અવારનવાર અંગ્રેજી શબ્દો વાપરતા. ગંગાધર મહારાજ દુકાનમાં બીજો માલ જોતાં જોતાં આ વાતચીત સાંભળતા હતા. થોડીવાર સાંભળીને પછી નમ્રતાપૂર્વક મહારાજે ડૉ. રોયને કહ્યું : “શ્રી રોય, તમારી ભાષા પણ જરા ખાદીની બનાવોને ?” (એટલે કે વિદેશી શબ્દો વિનાની) જરાપણ ખરાબ ન લગાડતા ડૉ. રોયે પણ નમ્રતાથી કહ્યું : “સ્વામીજી ! આપની વાત સાચી છે. અમે છોકરાઓને શિક્ષણ અંગ્રેજીમાં આપીએ છીએ. તેથી બંગાળી બોલતી વખતે પણ અંગ્રેજી શબ્દો વાપવરાની ટેવ પડી ગઈ છે.”

ગંગાધર મહારાજ અમારી સાથે એક બાળકની જેમ ભળી જતા અને તેથી જ તો અમે પણ તેમના ગોઠિયાઓ બની જતા. ચંદ્રનું પ્રતિબિંબ જ્યારે પાણીમાં પડે, ત્યારે માછળી ગેલમાં આવીને, ચંદ્ર પોતાની જેવો છે, એમ માનીને, તેની સાથે રમવા માંડે. તેને ચંદ્રના ખરા મહત્ત્વની કાંઈ જ ખબર નથી પડતી.

Total Views: 442

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.