(સને 1948 થી માંડીને 1976 સુધી સંવિધાનના આમુખમાં “સમાજવાદ” શબ્દ રાખવા-ન રાખવા વિશે ભારતના અગ્રગણ્ય વિચક્ષણ બુદ્ધિવાદીઓએ મથામણ કરીને આખરે 1976માં તે શબ્દ ભારતીય સંવિધાન આમુખમાં દાખલ કર્યો. પણ આ “સમાજવાદ”નો અર્થ શો ? ડૉન ગ્રિફિથે સમાજવાદની 263 વ્યાખ્યા આપી હતી. જ્યારે લી ફિગોરાએ કુલ મળીને 600 પરિભાષા આપી છે ! ખુદ લેનિને કહેલું કે આપણે સમાજવાદની રૂપરેખા આપવા માટે અસમર્થ છીએ. તેનું છેલ્લુંવેલ્લું સ્વરૂપ કેવું અને કેવી રીતે આવશે તે આપણે જાણતા નથી કે કહી શકતા નથી. આજે બધા પક્ષો પોત-પોતાની રીતે “સમાજવાદ”નો અર્થ ઘટાવીને “સમાજવાદ”ના બણગા ફૂંકી રહ્યા છે, ત્યારે એ જાણવું રસપ્રદ રહેશે કે સ્વામી વિવેકાનંદજીના વિચારો પ્રમાણે સાચા સમાજવાદનું સ્વરૂપ શું હોવું જોઈએ. આજથી નેવું વર્ષો પહેલાં જ સ્વામીજીએ સમાજવાદની વાત કરી હતી એ ખરું, પણ તેમો સમાજવાદ, વાદ-પ્રતિવાદ-સમાધાન (Dialectical Materialism)ની માર્કસની અને હેગલની પ્રક્રિયાવાળા રૂઢાર્થક સમાજવાદ કરતાં જુદો હતો. ગરીબો અને પછાતો પ્રત્યે તેમની સહાનુભૂતિની પાછળ તેમની અદ્વૈતની અનુભૂતિ હતી અને તેમના સમાજવાદનો પાયો આધ્યાત્મિકતા પર આધારિત હતો. આ વિષયનું વિશદ વિશ્લેષણ રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના અગિયારમા પરમાધ્યક્ષશ્રી બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજે આ લેખમાં કર્યું છે. આ લેખ “પ્રબુદ્ધ ભારત” (જુલાઈ 1950)માંથી સાભાર લેવામાં આવ્યો છે. – ભાષાન્તરકાર – શ્રી વ. પિ. – સં.)

આજે હાલતાંચાલતાં લોકો સમાજવાદની વાતો કરે છે. લોકોની કલ્પનામાં એ વસી ગયો છે, અને એના હેતુ માટે જૂના જમાનાના મોટા મોટા માણસોનેય યથાશક્ય વધુ ને વધુ એમાં સાંકળવાના, ખેંચવાના પ્રયત્નો ચાલુ છે. સારા સમાજ – ભાષ્યકારોને મહાત્મા ગાંધીમાં “સમાજવાદી” સાંપડે છે. એમની સમજણ અનુસાર સ્વામી વિવેકાનંદ પણ “સમાજવાદી” હતા અને સમાજવાદી તરીકે સ્વામીજીનાં ગુણગાન ગવાતાં સાંભળીને તેમના કેટલાક ધાર્મિક અનુયાયીઓ ફૂલાય છે તે વિધીની એક વક્રતા છે. સમાજવાદ પ્રત્યેના સ્વામીજીના પક્ષપાતનો પહેલ-વહેલો ઉલ્લેખ કરનાર હતા ડૉ. ભૂપેન્દ્ર દત્ત, સ્વામીજીના સૌથી નાનાભાઈ. “હું સમાજવાદી છું,” – એવા સ્વામીજીના કથનને ડૉ. દત્ત ચુસ્તપણે વળગી રહ્યા હતા. ડૉ. દત્તના મત અનુસાર સ્વામીજી આધ્યાત્મિકતાના ધર્મની જે વાત કરતા તે મધ્યયુગીન ધાર્મિક વિચારણાઓમાં રત રહેલા લોકોમાં પોતાના સમાજવાદી વિચારો ફેલાવવા માટેનો એમનો છદ્મવેશ હતો. પોતાની રૂઢ માન્યતાને કારણે કે પછી અસાવધ પ્રજાને વશ કરી લેવાના એક વ્યૂહ તરીકે સમાજવાદીઓ ભલે આમ વાત કરે; પરંતુ સ્વામીજીના ધાર્મિક અનુયાયીઓ પણ એ લોકોના આ ફાંસલામાં ફસાય અથવા શિથિલ થઈ જાય ત્યારે તો થોભીને વિચાર કરવાનો સમય આવી ચૂક્યો છે. આ તો વિચારણાનો એક ભારે મોટો ગોટાળો થયો છે. અને આવી આ પ્રક્રિયામાં તો સ્વામીજી જે મૂલ્યોનું પ્રતિપાદન કરતા, તેને જ કોઈ વીસરી જાય ! સ્વામીજીએ ધર્મ અને સમાજવાદ-બંનેની વાત કરી છે; પણ એમના સંદેશનો સારગર્ભ શો હતો ? માનવતાના અર્કમાં એમને આધ્યાત્મિકતા લાધી હતી કે, એ કશું બીજું હતું ? એ પ્રશ્ન છે.

આ સંદર્ભમાં મહાપુરુષ મહારાજ સ્વામી શિવાનંદજીનાં સંસ્મરણોમાં વર્ણવાયેલો એક પ્રસંગ યાદ આવે છે : એક વૃદ્ધાએ એમની પાસેથી દીક્ષા લીધી હતી. પરંતુ એ સ્ત્રીનો ભાઈ પણ પોતાની રીતે “ગુરુ” હતો અને રૂઢ દેવતાઓનાં નામે અનેકને દીક્ષા આપતો. એ ભાઈ પોતાની બહેનને ઘણીવાર ટોકતો ને કહેતો કે “તને કોઈએ ભરમાવી છે અને તારા એ મંત્રનું કશું મૂલ્ય નથી, તું એ મંત્ર રટવાનું છોડી દે અને મોક્ષ જોઈતો હોય તો મારી પાસેથી નવેસરથી દીક્ષા લે.” આવું એટલી બધી લાંબીવાર ચાલ્યું કે એ બાઈની શ્રદ્ધા જરા ડગી ગઈ; અને એક દહાડે “તારા ગુરુ પાસેથી તું કયો મંત્ર પામી છો ?” એમ એની ભાભીએ પૂછ્યું એટલે મૂંઝાઈને તે સ્ત્રીએ તે મંત્ર એક કાગળના ટુકડા પર લખી દીધો. જો કે હિન્દુ પ્રણાલિકા પ્રમાણે મંત્રનું રહસ્ય બીજા આગળ છતું ન કરાય. એના ભાઈને કદાચ પોતાના ઉપયોગ માટે એ રહસ્ય પોતાની પત્ની દ્વારા જાણી લેવું હતું અને એમ કરવામાં એ ફળીભૂત પણ થયો. કારણ કે ભાઈના કાયમના ઢોંગથી એ બાઈએ એ સમય પૂરતો પોતાની જાત પરનો કાબૂ ગુમાવી દીધો હતો. આ ઘટનામાંથી આપણે શીખવાનુંછે. સમાજવાદીઓ સ્વામીજીનું અર્થઘટન પોતાની રીતે કરે અને છાપરે ચડીને પોકારે કે, “સ્વામીજીના તત્ત્વજ્ઞાનની ગુરુચાવી તો અમારી પાસે છે. તમારી પાસે નહીં,” ત્યારે આપણે આપણો આત્મવિશ્વાસ ગુમાવી બેસીએ, અને આપણો મંત્ર છોડી અવશ્યપણે કોઈ પ્રચલિત પ્રવૃત્તિમાં જોડાઈ ગેરલાભ ઉઠાવવા માંડીએ એવું કદાચ બની જાય, એટલા માટે “હું સમાજવાદી છું,” એમ કહેતી વખતે સ્વામીજીના કહેવાનું તાત્પર્ય ખરેખર શું હતું ?

કયા સમાજવાદની તેઓ વાત કરતા હતા, અને પોતાનો સમાજવાદ તેઓ કઈ રીતે લાવવા માગતા હતા, તે આપણે શાંતિથી ને ઝીણવટથી જોવું જોઈએ.

કોઈ એક દૃષ્ટિબિંદુથી ખાલી વાતો કરવી, એનાં વખાણ કરવાં અથવા તો એને માટે માનસિક પક્ષપાત દાખવવો એનો અર્થ કંઈ તે દૃષ્ટિબિંદુ સાથે તદ્રુપતા હોવી કે તેમાં આસક્તિ હોવી તેવો થતો નથી. આ તો એક સામાન્ય સમજની બાબત છે. એવી વાતો અને પ્રશંસાઓ પેલા વિશેષ દૃષ્ટિબિંદુની તરફેણમાં હોવા કરતાં તો કદાચ વક્તાને પીડતી કોઈ અન્ય બાબત કે એવા પ્રસંગ સામેનો એક ક્ષણિક ઉભરો જ માત્ર હોઈ શકે.

પ્રવર્તમાન સામાજિક પરિસ્થિતિથી સ્વામીજી સંતુષ્ટ ન હતા એ તો જાણીતી હકીકત છે. અને સંપૂર્ણ પરિવર્તન માગતી એ અસહ્ય પરિસ્થિતિ પ્રત્યે પોતાના દેશબાંધવોનું ધ્યાન ખેંચવાના ઉદ્દેશથી, પોતે “વાસ્તવિક રીતે તેવા નથી” એમ માનતા હોવા છતાં, સ્વામીજી નિરાશામાં પોકારી ઊઠ્યા હોય કે, “હું સમાજવાદી છું.” એમના આવા વિધાનને એના સંદર્ભમાંથી ઉખેડીને અને સ્વામીજીના જીવનને અને સમાજને લગતા તત્ત્વજ્ઞાનને લક્ષમાં લીધા વિના જ કોઈ એકાદ વાક્યના વાચ્યાર્થને વળગી રહેવું જોઈએ નહીં. તેમ જ “હું સંત નથી” અથવા “તમારા માટે મારાથી શક્ય બધું જ હું કરી ચૂક્યો છું હવે તમે જાતે જ તમારું ફોડી લો,” જેવાં એમનાં બીજાં વાક્યો વિશે પણ સમજવું જોઈએ.

તે ઉપરાંત ધાર્મિક નેતાએ પણ લાગતા વળગતા લોકોની ભાષામાં જ બોલવું જોઈએ એટલું જ નહીં પણ એ નેતાએ લોકોનાં વલણો અને લોકોની આકાંક્ષાઓનો તથા લોકોની આસપાસ ફેલાયેલા સામાજિક તણાવોનો પણ ખ્યાલ રાખવો જોઈએ. પ્રવર્તતી પરિસ્થિતિમાં અસરકારક બનવા માટે અને પોતાના સંદેશને ચિરંતન અને વૈશ્વિક સ્વરૂપ આપવા માટે એણે કોઈક વખત પયગંબરી વાણી ઉચ્ચારવી પડે છે. અને કેટલાક ખાસ અટપટા સંજોગોમાં એના પરિણામોનો નિર્દેશ પણ કરવો પડે છે. આમ કરવામાં એ નેતા કદાચ પરોક્ષ રીતે સામાજિક વ્યવહારને સુગમ બનાવે છે. અને સારી સમાજવ્યવસ્થા માટેના કાર્યરત પ્રગતિવાદી અને ઔદાર્યસભર દૃષ્ટિકોણને વિકસાવે છે. તેઓ મુખે વાત તો કેવળ ધર્મની જ કરતા હોય છે. પણ આવા પરિપ્રેક્ષ્યમાં કહેવાયેલા એમના શબ્દો સામાજિક પ્રવૃત્તિઓ સાથે કોઈ કોઈ વાર કંઈક અંશે સેળભેળ થઈ જાય છે. કોઈ પ્રામાણિક વિચારક પણ ક્યારેક એવા નેતાઓના સંદેશના સારગર્ભને કે એમના હેતુઓ વિશે ગેરસમજ કરી બેસશે. જેમ કે પોતાના ભક્તો સાથેની વાતોમાં શ્રીરામકૃષ્ણ અનેક વાર સામાજિક સમસ્યાઓનો ઉલ્લેખ કરતા : ‘ખાલી પેટ અને ધર્મ સાથે રહી શકે નહીં.’ ‘ભક્તોને જ્ઞાતિ હોતી નથી.’ ‘ડુક્કરનું માંસ ખાનારો પણ ઈશ્વરમાં ચિત્ત રાખતો હોય તો એનું સન્માન કરવું પણ શુદ્ધ શાકાહારી મનુષ્ય જો વૈભવ અને વાસના પાછળ પડ્યો હોય તો તેને ત્યજવો.’ ‘ભગવાનનો ભક્ત હોય તેવા શુદ્રને ત્યાં પણ ભોજન લઈ શકાય’ – એવાં એવાં વચનો “શ્રીરામકૃષ્ણ કથામૃત”માં આપણને જોવા મળે છે. આવાં અનેક વચનો એમણે કહ્યાં, છતાં એમના આકરામાં આકરા ટીકાકારો પણ એમ નહીં કહે કે શ્રીરામકૃષ્ણ સમાજ સુધારક હતા. એ જ રીતે સ્વામીજીનો આપણે યથાયોગ્ય અભ્યાસ કરીશું, તો સ્વામીજીને સમાજવાદી માનતા આપણે બંધ પડીશું.

દાખલા તરીકે ડૉ. ભૂપેન્દ્ર દત્તે આપેલ અવતરણ વાક્ય “હું સમાજવાદી છું”ના સંદર્ભ ઉપર આપણે દૃષ્ટિપાત કરીએ. એ કંડિકા નીચે પ્રમાણે છે :

“હું સમાજવાદી છું. તે એટલા માટે નહીં કે એ વ્યવસ્થાને હું પરિપૂર્ણ માનું છું. પણ એટલા માટે કે રોટલાના સદંતર અભાવ કરતાં અર્ધો રોટલો વધારે સારો છે. તે માટે અમલી બનેલી અજમાવાઈ ચૂકેલી બીજી બધી વ્યવસ્થાઓમાં ઊણપ વરતાઈ છે. તો હવે આને પણ અજમાવી જોઈએ – બીજા કશા ખાતર નહીં તો યે એની નવીનતા ખાતર એકના એક જ લોકો દુઃખો અને સુખો ભોગવ્યા કરે, તેના કરતાં તો દુઃખ સુખનું પુનર્વિભાજન વધારે સારું છે. આ પીડામય જગતમાં દરેક કૂતરાનેય પોતાનો વારો લેવા દો.”1

કોઈ પાકા સમાજવાદીની માન્યતા સાથે આ વલણ શું સુસંગત છે ? શું કોઈ સમાજવાદી આમ અચકાતામાં અને માફી માગતાં વાત કરશે કે ? પરંતુ આપણે હજી જરા ઊંડા ઉતરીએ. સ્વામી વિવેકાનંદને લાગતું હતું કે એ સમયે પ્રવર્તતી હતી તે સામાજિક પરિસ્થિતિનું સમાજવાદમાં પરિણમવું અનિવાર્ય બનશે. એટલેથી જ નહીં અટકતા તે સમયના સંજોગોનાં તેમણે સમાજવાદને માનસિક તાર્કિક અગ્રતાક્રમ પણ આપ્યો હતો. ભારતની સામાજિક ગતિશીલતાનું પૃથક્કરણ એમણે આ પ્રમાણે કર્યું હતું : “એવો પણ એક સમય આવશે કે જ્યારે પોતાની શૂદ્રતાને આગળ ધરી શૂદ્રવર્ગ બંડ પોકારશે અર્થાત્ અત્યારની માફક વૈશ્યનાં કે ક્ષત્રિયનાં લક્ષણો પ્રાપ્ત કરીને શૂદ્રો જે રીતે આગળ આવી રહ્યા છે, તે રીતે નહીં. પરંતુ દરેક દેશના શૂદ્રો પોતાની શૂદ્ર પ્રકૃતિ અને આદતો સાથે જ (વૈશ્ય કે ક્ષત્રિય બનીને નહીં) આગળ આવશે. દરેક સમાજમાં શૂદ્રો આમ પોતાનું વર્ચસ્વ સ્થાપે તેવો સમય આવશે.”2 અને તેમણે ભવિષ્યકથન કર્યું હતું : “પ્રત્યેક બાબત પુરવાર કરે છે કે સમાજવાદ કિંવા કોઈક પ્રકારનું લોકરાજ્ય-નામ તમને ઠીક લાગે તે આપો – આવી રહ્યું છે.”3 સ્વામીજી રંકો માટે રુદન કરતા. “મૃત્યુની સમીપે પણ ગરીબો માટે, પતિતો માટે સહાનુભૂતિ” એમ એમણે ઘોષણા કરી અને ઉમેર્યું કે, “પીડિતો માટે સંવેદનશીલ બનો અને સહાય માગો તમને એ મળશે.” સ્વામીજી માનતા કે એ આવવી જ જોઈએ કારણ કે પ્રભુને પણ ગરીબો માટે લાગણી છે. અને એમના ઉદ્ધાર માટે એ અવારનવાર અવતાર ધારણ કરે છે. તેઓ જાણતા હતા કે પ્રભુને રંકો પ્રત્યે સહાનુભૂતિ છે. તે છતાંય તેમણે જોયું કે તે લોકો સમાજથી કેટલા તરછોડાયેલા છે ! “ભારતના હીન-રંક લોકો માટે આપણે શું વિચારીએ છીએ, એનો વિચાર કરતા મારા હૃદયમાં કેવું શૂળ ભોંકાય છે !” એમ તેઓ કહેતા. એમની ગર્જના હતી કે, “પ્રભુ ઝૂંપડીઓમાં વસે છે તે બરાબર યાદ રાખો.” “સમૃદ્ધિના સાચા ઉત્પાદકો શૂદ્રો છે. તે છતાંય તેમની સતત અવગણના જ થતી આવી છે. ને, કચડી નાખતા બોજા અને ત્રાસના પરિણામે માનવ સ્મૃતિમાંયે ન રહે એટલા લાંબા કાળથી શૂદ્રો દાસ બની ગયા છે. અને પોતાના ઉત્કર્ષ માટેની પ્રેરણા જ ગુમાવી બેઠા છે. એમના પરિશ્રમના ફળ લૂંટી લેવાયા છે. અને એમનું ખૂબ શોષણ થયું છે. એટલા બધા લાંબા વખત સુધી માનવબુદ્ધિથી દોરવાતા યંત્રોની માફક એમણે એકધારો શ્રમ કર્યો છે. અને એમના શ્રમના ફળના મોટાભાગને બુદ્ધિશાળી, ભણેલા વર્ગે પચાવી પાડ્યો છે. એમને કશી તક નથી, છટકવાની કોઈ બારી નથી, આગળ વધવા કોઈ માર્ગ નથી… તેઓ રોજ વધારે ને વધારે ઊંડા ગરકતા જાય છે. સમાજના ક્રૂર ઘાની વૃષ્ટિ તેઓ સહન કરે છે. અને એ ઘા ક્યાંથી આવે છે તે તેઓ જાણતાં પણ નથી. તેઓ ભૂલી ગયા છે કે પોતે પણ માણસ છે. લોકોને કચડાયેલા રાખીને ઉચ્ચવર્ણો પણ પતિત થયા છે. કેમ કે, પોતાના બાંધવને નીચે ધકેલતો માનવી નૈતિક અને આધ્યાત્મિક રીતે પતિત થયા વિના રહી શકે નહીં. ભારતે ઘરઆંગણે પોતાની જ પ્રજાને સ્વાતંત્ર્યથી વંચિત રાખી, માટે તો ભારતે સ્વાતંત્ર્ય ગુમાવ્યું.

સમાજવાદીઓના અન્ય બધા સિદ્ધાંતો અને માન્યતાઓથી સ્વામીજી પરિચિત હતા ને નિર્ભીકપણે અને સ્પષ્ટતાપૂર્વક તેઓ એ વ્યક્ત કરતાં. “સમાજનું જ્ઞાન, સત્તાના કે સમૃદ્ધિના ઈજારદારો પાસે ભલે હોય પણ એ શક્તિનો સ્રોત તો પ્રજાજનો જ છે.”

“પોતાની ભૌતિક જરૂરિયાતોને સંતોષવા લોકો ઇચ્છશે. ઓછું કામ, દમન નહીં, યુદ્ધ નહીં; વધારે અનાજ, ભૌતિક સંસ્કૃતિ, અરે વૈભવ સુદ્ધાં, ગરીબ લોકોને કામ મળે તે માટે જરૂરનાં છે. સંપત્તિની વહેંચણીની હાલની પ્રથા ગરીબને વધારે ગરીબ અને પૈસાદારને વધારે પૈસાદાર બનાવે છે. ભારતની હલકી જ્ઞાતિઓના લોકો સદીઓથી જરાપણ ફરિયાદ વિના મૂંગા મૂંગા કામ કરી રહ્યા છે. તેઓ દેશની બધી સંપત્તિનું ઉત્પાદન કરી રહ્યા છે. હાલ તેઓ વિભક્ત હોઈ શોષણનો ભોગ બની રહ્યા છે, પણ તેઓ અર્વાચીન વિદ્યા પ્રાપ્ત કરી રહ્યા છે અને થોડા સમયમાં જ પોતાના સ્થાનનું ભાન તેમને થવાનું. પોતાના ઘેનમાંથી તેઓ જાગ્રત થશે તેવા જ પોતાને થયેલા બધા અન્યાયો તેઓ દૂર કરશે. એ દહાડો હવે દૂર નથી.”

આ શક્યતાનો સ્વામીજીને ભય ન હતો, શૂદ્રોનું આવું ઉત્થાન એમને મન અનિવાર્ય હતું; અને શૂદ્રોની પરિસ્થિતિ સુધારવાનો બીજો માર્ગ ન હોત તો તેમણે આ માર્ગને આવકાર્યો હોત !

જનસામાન્યની અવગણના કરતા અને ઘટનાઓના એકદમ થતા જતાં ફેરફારો સામે આંખો બંધ રાખતા ઉચ્ચ વર્ણના ભારતીય લોકો સામે એમણે ગર્જના કરી હતી : “તમે ભારતના ઉચ્ચ વર્ણના લોકો શું એમ માનો છો કે તમે જીવતા છો ? જે લોકોને “ચાલતાં મુડદાલ કંકાલ કહી તમારા પૂર્વજો તિરસ્કારતા હતા તેમનામાં કંઈકેય ચેતના રહેલી તે એમ ભારતમાં જોવા મળે છે અને ખરેખાં “ચાલતાં શબ” તો તમે છો… શૂન્યમાં સમાઈ તમે અદૃશ્ય થઈ જાઓ અને, તમારી જગ્યાએ નૂતન-ભારતને અવતરવા દો. હાથમાં હળ પકડતા ખેડૂતની ઝૂંપડીમાંથી, માછીમારો, મોચીઓ અને ભંગીઓની ઘોલકીમાંથી એને ઊભું થવા દો. કણિયાની હાટડીમાંથી, ભઠિયારાની ભઠ્ઠીમાંથી એને જન્મવા દો. કારખાનાઓમાંથી, બજારોમાંથી અને પીઠોમાંથી એને બહાર આવવા દો. કુંજો અને વનોમાંથી, ટેકરીઓ અને પહાડો પરથી એને પ્રગટ થવા દો. તમે અદૃશ્ય થશો કે તરત જ અહીં પુનર્જાગ્રત ભારતનો અવાજ કોટિકંઠનિનાદ વિશ્વભરમાં પડઘાતો ધ્વનિ, તમને અવશ્ય સંભળાશે. “વાહ ગુરુકી ફત્તેહ, ગુરુનો જય હો.”6 ગમે તે ભોગે આમજનતાને ઊંચે લાવી મુક્ત કરવાની જ રહી. એને ઊંચે લાવવામાં ઉચ્ચ વર્ણો નિષ્ફળ ગયા હતા અને આ નિષ્ફળતા જ જો ચાલુ રહી તો એ જનગણને જ પોતાનો માર્ગ કાઢવાનું સોંપવું હિતાવહ નહીં થાય ? સ્વામીજીએ આમ વિચાર્યું જણાય છે, આટલે સુધી તો આપણે સમાજવાદીઓનાં હાથમાં હાથ મિલાવીને ચાલીએ છીએ. પરંતુ તરત જ નોખા પડવાનું આવે છે. આપણે ફરીથી પ્રશ્ન વિચારીએ – સ્વામીજીને નિસ્બત શાની સાથે હતી – આધ્યાત્મિકતા સાથે કે સમાજવાદ સાથે ? સ્વામીજીનો જ ઉત્તર જોઈએ : “મારો આદર્શ થોડા શબ્દોમાં જ વ્યક્ત કરી શકાય છે, અને તે આ છે : માનવજાતને દિવ્યતાનો સંદેશ આપવો.”7 એ દિવ્યતા જીવનની પ્રત્યેક ક્ષણે કેવી રીતે પ્રગટ કરવી એ વિશે કોઈનાં મનમાં કશી ગડબડ ઊભી ન થાય એ માટે, એમની બીજી એક ભાવવાહી કંડિકા ઉતારીએ : “ભારતને ‘સમાજવાદી’ કે બીજા રાજકીય વિચારોનાં પૂરમાં ઝબોળી દઈએ એ પહેલાં દેશને આધ્યાત્મિક વિચારોથી તરબોળ કરીએ. આપણા ઉપનિષદોમાં, શાસ્ત્રોમાં, પુરાણોમાં જે આશ્ચર્યજનક સત્યો સંઘરાયેલા, છુપાયેલા પડ્યા છે. તેમને ગ્રંથોમાંથી અને મઠોમાંથી, બહાર કાઢી… આખા દેશમાં એમને ફેલાવવા અને તેમનો પ્રચાર કરવો, તે આપણું લક્ષ માગી લેતું પ્રથમ કાર્ય છે.”8                                                           

(ક્રમશઃ)

સંદર્ભ સૂચિ

  1. કંપ્લીટ વર્ક્સ ઑફ સ્વામી વિવેકાનંદ 1963ની આ. ભા. 6. પૃષ્ઠ 182-83
  2. એજન ભાગ. 4. પૃ. 468
  3. એજન ભાગ. 5. પૃ. 202
  4. એજન ભાગ. 7. પૃ. 148-49
  5. એજન ભાગ. પૃ. 148
  6. એજન ભાગ. પૃ. 326-28
  7. એજન ભાગ. પૃ. 408
  8. એજન ભાગ. પૃ. 221
Total Views: 442

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.