(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રાજકોટ ખાતે શ્રીરામકૃષ્ણ આશ્રમમાં પધાર્યા ત્યારે ગુજરાતના ભાવિકજનો સાથે તા. 9, 10, 11 અને 12 ડિસેમ્બર 1988 દરરોજ સાંજના રસપ્રદ વાર્તાલાપો થયા હતા. વાચકોના લાભાર્થે આ વાર્તાલાપોને ધારાવાહિક રૂપે આપવાનો પ્રયત્ન કરશું. આ પ્રથમાંશ નવમી ડિસેમ્બર 1988નો વાર્તાલાપ સારસંક્ષેપ છે. – સં.)

પ્રશ્ન : તાજેતરમાં પશ્ચિમની અને જાપાનની આપની મુલાકાત પૂરી થઈ. શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદ પ્રત્યે લોકો અભિમુખ થયા હોય તેમ આપને લાગે છે ખરું ?

ઉત્તર : હું કોઈ પ્રચાર કરવા તો જતો નથી. હું જાઉં છું ભક્તોને મળવા. એટલે એમ ધારી લઈ શકો કે ભક્તો ત્યાં છે. એ લોકોને મળવા હું ગયો હતો. હું બીજું કંઈ જોવા-ફરવા ગયો ન હતો કે લોકોને ઉપદેશ આપવા પણ ગયો ન હતો. જે લોકો મારી પાસે આવતા તેમની સાથે હું વાતો કરતો અને એટલે સ્વાભાવિક રીતે એ લોકોને આ વિચારોમાં થોડોઘણો રસ છે તેમ તમે સમજી શકો.

એ લોકોને આપણા આશ્રમના જે આદર્શો છે તે પ્રત્યે રસ છે એટલે જ એ લોકો આવે, નહિ તો આવે જ નહિ. અને હું ત્યાં જઈને કોઈ જાહેરસભા તો કરતો નથી. જે લોકો આશ્રમમાં આવે એ લોકો પાસે હું વાત કરું, અને એ લોકો પૂછે એ પ્રમાણે જવાબ આપું. હું જાપાનમાં નવ વાર ગયો હતો. ત્યાં પહેલા એક સ્વતંત્ર ખાનગી કેન્દ્ર હતું. પરંતુ હવે ત્યાં એક આશ્રમ ચાલુ થયો છે જે ઈ. સ. 1984થી બેલુરમાં રામકૃષ્ણ મઠ સાથે જોડાઈ ગયો છે. એ આશ્રમમાંથી કંઈક સાહિત્ય પ્રકાશિત થાય છે. જાપાની ભાષામાં શ્રીરામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ અને મા શારદાનાં જીવન અને આદર્શ વિશે જે પુસ્તકો બહાર પડેલ છે એમાંથી એ લોકો આ તરફ આકર્ષાય છે. હું તો નવ-દશ વર્ષથી આવ-જા કરું છું અને જોઉં છું કે એ લોકો ખૂબ રસ લે છે. એ લોકોની સંખ્યા જો કે બહુ વધારે તો નથી, તો પણ જે આવે છે, તે સમજી વિચારીને આવે છે. ત્યાં અહીં જેવું નથી કે શ્રીરામકૃષ્ણ કોણ છે તે પણ ખબર ન હોય અને છતાં મંત્રદીક્ષા લેવી છે તેમ કહે ! ત્યાં લોકો ખરેખર રસ લઈને જ આવે છે અને આપણા દેશમાં વાંચે છે, તે કરતા જાપાની લોકો વધારે પુસ્તકો વાંચે છે. જાપાની ભાષામાં શ્રીરામકૃષ્ણ કથામૃત તેમજ જીવનચરિત્રો છપાઈ ગયાં છે. એ લોકો અંગ્રેજી જાણતા હોય તો પણ જાપાની ભાષામાં વાંચવાનું વધુ પસંદ કરે છે. બહારની ભાષા ઉપર આધાર રાખતા નથી. જાપાની ભાષા ઘણી કઠિન છે. બહુ નિષ્ણાંત જાપાની સિવાય કોઈ સારી રીતે એ વાંચી પણ ન શકે. છતાં એ લોકો ખૂબ રસ લે છે. ભલે સંખ્યા બહુ મોટી નથી. છતાં ધીરે ધીરે પ્રભાવ વધે છે.

આ જાપાનની વાત થઈ. પશ્ચિમમાં હું બે મહિનાથી વધારે રહ્યો નથી. અમેરિકા એક વિશાળ દેશ છે. એ લોકો બધાને તક અને સગવડ આપે છે. ત્યાં આગળ વધવાની પણ ઘણી તક છે એટલે લોકો તે તરફ ખેંચાય છે. પણ અમેરિકામાં લોકોને ધર્મ તરફ ખૂબ આકર્ષણ છે એમ હું ન કહી શકું. ત્યાં ચર્ચનાં મોટાં ભવનો છે પણ તેમાં આઠ-દસ માણસો આવે તોય ઘણું. જેને ધર્મ સાથે કશો સંબંધ ન હોય તેવા લોકોને આકર્ષવા પાદરીઓ ઘણી પ્રવૃત્તિઓ ચલાવે છે. ચર્ચમાં બૉલડાન્સ પણ થાય અને સિનેમા પણ દેખાડે, છતાંય એ તરફ લોકોને રસ નથી. ત્યાં ઐશ્વર્ય પુષ્કળ છે અને આનંદ-ઉપભોગની વસ્તુઓ પણ પુષ્કળ છે. અઠવાડિયામાં પાંચ દિવસ એ લોકો બહુ કામમાં હોય એટલે બે દિવસ રજા મળે ત્યારે આનંદ કરવા નીકળી પડે. એ રીતે ધર્મ એ લોકોના જીવનનો કોઈ આદર્શ નથી. પશ્ચિમના દેશમાં એ જ ખામી છે. ધાર્મિક વૃત્તિવાળા લોકો ત્યાં નથી, એવું નથી પણ એમની સંખ્યા બહુ ઓછી, કારણ કે ત્યાં વાતાવરણ અનુકૂળ નથી. આપણા દેશમાં વાતાવરણ બહુ જ અનુકૂળ છે. ભારત તીર્થમય પુણ્યભૂમિ છે એમ કહે છે. આપણા રીતરિવાજો, આપણી સંસ્કૃતિ એ બધું ધર્મ ઉપર જ આધારિત છે. અને છતાં જુઓ તો કેટલા લોકો એ તરફ આકર્ષાય છે ? બહુ નહીં. એટલે ધર્મ એ સૌને માટે આકર્ષક વસ્તુ છે, એમ નથી છતાં જીવનમાં એક મુખ્ય જરૂરી વસ્તુ તો છે. આપણું જીવન શા માટે છે, એ કોઈ વિચાર કરે નહીં. જેમ ગુજરાતીમાં કહે છે, “ખાઈ પીને મજા કરીએ.” એમાં શું કંઈ જીવનનો અર્થ છે ? આમ તો દરેક દેશમાં એવી સ્થિતિ છે પણ પશ્ચિમના દેશોમાં એ વધારે છે એટલું કહી શકાય. સ્વામી વિવેકાનંદ દુનિયામાં બધે ફરીને એ સિદ્ધાંતે પહોંચે છે કે ભારત પુણ્યભૂમિ છે અને ભારતમાંથી ધર્મભાવ ધીરેધીરે બીજા દેશોમાં જવાનો છે. “ભારત પુણ્યભૂમિ છે,” એનો અર્થ શું છે ? આપણે બધાય ધાર્મિક છીએ એમ નથી. પણ આપણું વાતાવરણ અનુકૂળ છે. જો આપણે ધારીએ તો એમાંથી લાભ મેળવી શકીએ છીએ. એ જ ભારતની વિશેષતા છે. પશ્ચિમના દેશોમાં એનો અભાવ છે. ત્યાં જીવન જીવવા માટે એટલી બધી પ્રવૃત્તિ કે ચિંતા કરવી ન પડે એવી સ્થિતિ છે. ત્યાં ઘડપણમાં સરકાર તરફથી પેન્શન અપાય છે. કોઈને નોકરી ન મળે તો તેને જીવન જીવી શકે તેટલું સરકાર આપે છે. બધી બાબતમાં સરકાર સંભાળ રાખે છે. આમ છતાંય માણસને શાંતિ નથી ! એ લોકો જીવનમાં સુખી છે એમ કહી ન શકાય. શરીરને મજબૂત રાખવા રસ્તા પર બધા દોડે છે અને તંદુરસ્ત પણ છે. ખાવાનું પુષ્કળ મળે છે. એ લોકો આપણે ખાઈએ છીએ તેનાથી બે-ત્રણ ગણું ખાય છે. છતાં મનમાં શાંતિ નથી. એ શાંતિને માટે શું જોઈએ છે ? ધર્મ એ શાંતિનો આધાર છે. એ તરફ જ્યાં સુધી લોકોની દૃષ્ટિ વધારે ન વળે ત્યાં સુધી અશાંતિ રહેવાની અને મનમાં અશાંતિ હોય એટલે લડાઈ વગેરે ચાલ્યા કરે. એટલે સો વર્ષ પહેલાં સ્વામીજી જે કહી ગયા, હાલમાં ત્યાં જઈને જોઈએ તો ખબર પડે, કે હજી પણ ત્યાં એવી જ સ્થિતિ છે. માણસોને સાચા રસ્તા પર લાવવાની કોશિષ ચાલુ જ છે અને ધર્મ તરફ તેમનું ખેંચાણ થાય એ માટે સાહિત્ય પણ પ્રકાશિત થાય છે. જે કેટલાક માણસો આપણી તરફ આવે છે તેમને જોઈને ખબર પડે છે કે જાગ્રતિ ધીરે ધીરે આવતી જાય છે. ખ્રિસ્તી ધર્મમાં મુશ્કેલી એ છે કે જે બહુ પ્રાચીન ધારણાઓ હતી, એને વિશે એમાં હજુ ચર્ચાઓ ચાલે છે. જેમ કે ભગવાને સાત દિવસમાં સૃષ્ટિ કરી નાખી. આની સામે વિજ્ઞાનનો વિરોધ છે. એટલે લોકો ચર્ચના સિદ્ધાંત તરફ રસ દાખવતા નથી. એવા લોકો પણ વિચાર કરે છે કે આવી રૂઢિગત માન્યતાઓમાંથી ધર્મને કઈ રીતે મુક્ત કરી શકાય ? નવી દૃષ્ટિ મેળવવા માટે ત્યાં પ્રયાસ ચાલુ છે અને સ્વામીજીના જે ગ્રંથો છે તે નવી દૃષ્ટિ પ્રાપ્ત કરવા માટે ખૂબ ઉપયોગી છે. એટલે સ્વામીજીના આદર્શો તરફ તે લોકોનું આકર્ષણ વધતું જાય છે. એ જોઈને લાગે છે કે દૂરના ભવિષ્યમાં એમની દૃષ્ટિમાં કંઈક ફેર પડશે. ત્યાંના આશ્રમમાં જે લોકો આવે છે અને વાતો કરે છે એને અમે નવીન કંઈ કહેતા નથી પણ જે આદર્શો શ્રીરામકૃષ્ણ અને સ્વામીજી મૂકી ગયા છે, એ જ તેમને કહીએ છીએ અને એ લોકોને તે પ્રત્યે ખાસ રસ પણ પડે છે એમ મને લાગે છે. એટલે આપણે જે પ્રયાસો કરીએ છીએ એ નિષ્ફળ છે એમ કહી ન શકાય. પરંતુ તાત્કાલિક કંઈ થઈ જશે એવું નથી. આ પ્રવૃત્તિને વર્ષો સુધી જાળવી રાખવાની જરૂર છે. સાધારણ માણસો પણ એમાં રસ લે, એ રીતે આપણી પ્રવૃત્તિ ચાલુ રાખવાની જરૂર છે એટલું હું કહું છું.

યુરોપ અને અમેરિકા – એમાં બહુ ફરક નથી. યુરોપની બાબતમાં મને કોઈ પ્રત્યક્ષ અનુભવ નથી. ફક્ત લંડનમાં છએક દિવસ રહ્યો ત્યાં પણ એ રીતે ભક્તો આવે છે તેમની સાથે મેં વાતો કરી. ઇંગ્લેન્ડમાં ખાસ કરીને લંડનમાં જ્યારે ફરીએ ત્યારે લાગે કે બધી જગ્યાઓ આપણી પરિચિત છે. એનું સાહિત્ય વાંચીને એમ લાગે કે આ બધું પરિચિત છે. ત્યાં પ્રાચીન સંસ્કૃતિનું રક્ષણ કરવા પ્રયાસો ચાલે છે. અમેરિકામાં જે ચારે બાજુ ઊંચા ઊંચા મકાનો બનાવ્યાં છે તેવું અહીં નથી. ઘણે ઠેકાણે પ્રાચીન લંડન જ છે. અમેરિકામાં જેવા મોટા મોટા રસ્તાઓ છે તેવા અહીં નથી. આપણા કલકત્તામાં છે તે પ્રમાણે સાંકડી શેરીઓ છે. પણ આપણા દેશ કરતાં ત્યાં સ્વચ્છતા વધારે છે. ત્યાં નદીઓ છે એમાં બહુ સ્વચ્છ પાણી છે પણ એ પાણી કોઈ પીતું નથી. તેમ તેનાથી નાહતા પણ નથી કે તરવાય જતા નથી. કારણ કે, પાણી પ્રદૂષિત છે તેમ તેઓ માને. મીલો અને કારખાનાંને કારણે એ પાણી પ્રદૂષિત થાય છે એમ કહે છે. અમેરિકામાં પણ એ જ સ્થિતિ છે. આપણે ત્યાં ભારતમાં ગંગા, યમુના વગેરેનાં પાણી સાફ કરવા માટે હે પ્રયાસ શરૂ થયા છે. ત્યાં મને એમ લાગ્યું કે આ નદી તો બહુ સુંદર છે. એમાં કેમ તેઓ તરતા નથી ? તો તેઓ કહે છે કે તરવું હોય તો સ્વીમીંગ પુલમાં જવાય; બધું જ કૃત્રિમ. પીવા માટે તેઓ “મીનરલ વોટર” (Mineral Water)ની બોટલ ખરીદે છે. સ્વાભાવિક કુદરતી જીવન જાણે કે એકદમ તેમણે કાઢી જ નાખ્યું છે પણ એની બીજી બાજુય છે. સ્વાસ્થ્ય જાળવવા બધાય ખૂબ મહેનત કરે છે. દોડી-દોડીને શરીરને મજબૂત બનાવવા માટે પ્રયાસ કરે છે. પણ મનના સ્વાસ્થ્ય માટે શું કરે છે, તે ખબર ન પડે. જો કે ત્યાં વિજ્ઞાનનાં રિસર્ચ વગેરે ખૂબ ચાલે છે પણ સાધારણ જીવનમાં એ લોકો જુદી રીતે જીવે છે. તંદુરસ્તી મેળવે છે પણ ધર્મ તરફ બહુ પ્રગતિ નથી એમ કહી શકાય. જૂના જમાનામાં ધર્મ તરફ જે રસ હતો એ પણ હવે ઊતરતો જાય છે. નવી પેઢી લગભગ નાસ્તિક છે એમ કહી શકાય. છતાં એ લોકોને એમ લાગે છે વિદ્વાનો પણ કહે છે કે “ત્યાં પરિવર્તન થઈ રહ્યું છે અને આ પરિવર્તન ધીરે-ધીરે વધારે ને વધારે વિસ્તૃત થતું જશે.” કારણ કે અહીં ભારતમાં આપણે હીપ્પીઓ જોઈએ છીએ તે પાશ્ચાત્ય દેશમાં નથી. એ યુગ હવે ગયો છે. ગરીબી તો ત્યાં પણ છે. અમેરિકા એટલો સમૃદ્ધ દેશ હોવા છતાં ત્યાં પણ ગરીબી છે. મેં મારી સગી આંખે જોયું કે માણસ કચરાપેટીમાં કોઈએ નાખેલા ખોરાકનો કચરો લેવા પ્રયાસ કરે છે અને ભીખ પણ માગવા આવે છે. એટલે કે ખરાબીઓ પણ છે તેમ છતાં એકંદરે લોકોની સમૃદ્ધિ જોવા જેવી તો છે. પણ ધર્મની બાબતમાં ત્યાં બહુ લોકો ખાસ રસ લે છે એમ ન કહી શકાય. અમે જોયું છે કે ત્યાં મોટાં મોટાં ચર્ચ તો ઘણાં છે પણ એમાં માણસો આવતાં નથી. એ મોટાં ચર્ચો કરતાં આપણી નાની નાની સંસ્થાઓમાં માણસો વધારે આવે છે, કારણ કે તેમાં કંઈક સાંભળવા જેવું મળે છે, કાંઈ આદર્શ તેમાંથી લઈ શકાય તેવું લાગે છે. આમ આપણે આશા રાખી શકીએ કે ધીરેધીરે એ લોકોની દૃષ્ટિ ફરી જશે. અને શ્રીરામકૃષ્ણદેવ અને સ્વમી વિવેકાનંદ પ્રત્યે તેઓ અભિમુખ થશે.

Total Views: 425

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.