અમૃતવાણી

  •   સંસાર જાણે કે પાણી અને મન જાણે કે દૂધ. દૂધને જો પાણીમાં નાખો તો દૂધ પાણી મળીને એક થઈ જાય, ચોખ્ખું દૂધ મળે નહિ. પણ દૂધનું દહીં જમાવી, તેમાંથી માખણ કાઢીને જો પાણીમાં રાખીએ તો તે તરે. એટલા માટે એકાંતમાં સાધના કરીને પ્રથમ જ્ઞાનભક્તિરૂપી માખણ કાઢી લો. એ માખણ સંસારજળમાં રાખી મૂકો તો તે તેમાં ભળી ન જાય, તર્યા કરે. વળી જુઓ, એ જ મન દ્વારા એકાંતમાં ઈશ્વર-ચિંતન કરવાથી જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ મળે. પણ સંસારમાં તેને પડ્યું રાખવાથી તે નીચે ઊતરી જાય. સંસારમાં કેવળ કામિની-કાંચનના જ વિચાર આવે.
  •   સંસારમાં રહીનેય જો ઈશ્વરને પામવો હોય તો સાધુસંગ અને નિરંતર પ્રાર્થના કરવી જોઈએ. ઈશ્વરની પાસે રડવું જોઈએ. મનનો બધો મેલ ધોવાઈ જાય તો ઈશ્વરનાં દર્શન થાય. મન જાણે કે ધૂળ ચડેલી લોઢાની સોય, ઈશ્વર જાણે કે લોહચુંબક. પથ્થર ઉપરથી ધૂળ ધોવાઈ ગયા વિના લોહચુંબકની સાથે સોય જોડાય નહિ. રુદન કરતાં-કરતાં સોય પરની માટી ધોવાઈ જાય. સોય પરની માટી એટલે કે કામ, ક્રોધ, લોભ, પાપી વિચારો, વિષયવાસના. એ માટી ધોવાઈ જતાંવેંત સોયને લોહચુંબક ખેંચી લે, અર્થાત્ ઈશ્વર-દર્શન થાય. ચિત્તશુદ્ધિ થાય ત્યારે ઈશ્વર-દર્શન (ઈશ્વરની પ્રાપ્તિ) થાય.
  •   સોનીનું ત્રાજવું તેમાં એક બાજુ વજન પડે તો નીચેનો કાંટો ઉપરના કાંટાની સાથે એક થાય નહિ. નીચેનો કાંટો એ મન, ઉપરનો કાંટો ઈશ્વર. નીચેના કાંટાનું ઉપરના કાંટાની સાથે એક થવાનું નામ યોગ.
  •   મન સ્થિર થાય નહિ તો યોગ થાય નહિ. સંસારરૂપી પવન મનરૂપી દીવાને હંમેશાં ચંચળ કરે છે. એ દીવો જો જરાય હલે નહિ તો બરાબર યોગની અવસ્થા થઈ જાય.
  •   બધોય આધાર મન ઉપર. મનથી જ બદ્ધ અને મનથી જ મુક્ત. મનને જે રંગે રંગો, તે રંગે રંગાય. જેમ કે ધોબીનું ધોયેલું ધોળું કપડું લાલ રંગમાં બોળો તો લાલ, વાદળીમાં બોળો તો વાદળી, લીલામાં બોળો તો લીલું. જે રંગમાં બોળો તે રંગ જ ચડે, તેમ મનને કુસંગમાં રાખો તો એ પ્રકારનાં વાતચીત, વિચાર થઈ જાય. જો ભક્તના સંગમાં રાખો તો ઈશ્વરચિંતન, હરિકથા એ બધું આવે. મન ઉપર જ બધો આધાર.
  •   વિષયાસક્ત મન ભીંજાયેલી દીવાસળી જેવું. તેને ગમે તેટલી ઘસો તોપણ કોઈ રીતે સળગે નહિ; માત્ર ઢગલાબંધ સળીઓનું નુકસાન થાય.

      શ્રીરામકૃષ્ણ પરમહંસ

Total Views: 583

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.