14 ઑક્ટોબર, રાસપૂર્ણિમાના પ્રસંગે
[શ્રીમદ્ સ્વામી તપસ્યાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. અંગ્રેજીમાં તેમણે અનુવાદ કરેલા અનેક ગ્રંથોમાંથી શ્રીમદ્ ભાગવતનો અંગ્રેજી અનુવાદ (ચાર ભાગોમાં) વિદ્વાનોમાં ઘણો આવકાર પામ્યો છે. આ ગ્રંથના ત્રીજા ભાગમાં દશમસ્કંધની ભૂમિકામાં તેમણે અનેક મહત્ત્વના મુદ્દાઓની ગૂઢ અને વિષદ વિવેચના કરી છે. રાસલીલા વિષે તેમણે કરેલી સુંદર વિવેચના અહીં સુજ્ઞ પાઠકોના લાભાર્થે રજૂ કરીએ છીએ. ભાષાંતરકાર: શ્રી કેશવલાલ શાસ્ત્રી]
ગોપીઓ સાથેના શ્રીકૃષ્ણના સંદિગ્ધ જણાતા સંબંધને લીધે શ્રીકૃષ્ણના નૈતિક જીવનધોરણ વિશે, તેમજ બીજે ક્યાંય નહિ ને વળી ભાગવત જેવા ભક્તિપ્રધાન ગ્રંથમાં જ એમના આવા અત્યંત કામુક્તાભર્યા પ્રસંગોના આબેહૂબ ચિત્રણનો જે સમાવેશ કરવામાં આવ્યો છે, એના ઔચિત્ય વિશે મિથ્યા નિંદા કરનારા છિદ્રાન્વેષી આલોચકો પણ કંઈ ઓછા નથી. આવી મુશ્કેલીઓમાંથી ઊગરવા માટે લોકોએ કેટલીય રીતની સૈદ્ધાંતિક વિચારધારાઓ દ્વારા ઘણા પ્રયત્નો કર્યા છે. એમાંથી કેટલીક અત્યંત મહત્ત્વની સૈદ્ધાંતિક વિચારધારાઓ અત્રે આપીએ છીએ:
(1) શ્રીકૃષ્ણ અને ગોપીઓનો એ આખોય પ્રસંગ કેવળ પ્રતીકાત્મક જ છે. એ કોઈ બનેલી વાસ્તવિક ઘટના નથી. અહીં ગોપીઓ, આત્માના- જીવાત્માના પ્રતીકરૂપે લેવામાં આવી છે અને શ્રીકૃષ્ણ પરમાત્માના પ્રતીકરૂપે લેવામાં આવ્યાં છે. ગોપીઓની (જીવાત્માઓની) શ્રીકૃષ્ણ (પરમાત્મા) પ્રત્યેની તીવ્રતમ ઝંખના જ અહીં સ્ત્રી-પુરુષના જાતીય પ્રેમ દ્વારા આલેખવામાં આવી છે. આ વિચારધારાના તત્ત્વજ્ઞાનમાં જીવને પરમાત્માની પ્રકૃતિના રૂપમાં લેવામાં આવેલ છે, અને એટલે જ એનું સ્ત્રીલિંગી રૂપ નિરૂપ્યું છે. આ વિચારધારામાં, વર્ણિત ઘટનાઓની ઐતિહાસિકતાને કાં તો નકારાઈ છે, અથવા તો એને ઉવેખવામાં આવી છે. અને એ ઘટનાઓ સાથે કેવળ પ્રતીકાત્મક અર્થ જ જોડવામાં આવ્યો છે.
(2) શ્રીમદ્ ભાગવત દર્શાવે છે કે એ વખતે શ્રીકૃષ્ણ તો ફક્ત દસ કે અગિયાર વરસના જ હતા. એથી ભાગવતમાં વર્ણવાયેલી પાકટ ઉંમરવાળી જુવાન ગોપીઓ અને એવડા નાના શ્રીકૃષ્ણ વચ્ચેના સંબંધનાં અત્યંત કામુક્તાભર્યાં વર્ણનો તો ફક્ત શ્રીકૃષ્ણે જેમની વચ્ચે રહીને પોતાનું બાળપણ વિતાવ્યું હતું એવાં ગોપજાતિનાં છોકરા-છોકરીઓ જોડેની એમની કેટલીક ભોળીભલી ગ્રામીણ રમતોની કાવ્યાત્મક અતિશયોક્તિ જ છે. આવી રમતોને જે રીતે કામુકતાથી મઢી દેવાઈ છે, તેને તો પતનોન્મુખ સાંપ્રદાયિકતાનો એ એક ચક્રાવો જ છે, એમ સમજવું જોઈએ. આ વિચારધારામાં થોડીક જુદી રીતે પણ એ ઘટનાઓની ઐતિહાસિકતાનો તો સ્વીકાર કરવામાં આવ્યો છે, પણ એમાં કોઈ નૈતિક સમસ્યાની હસ્તી નકારવામાં આવી છે.
(3) ત્રીજી સૈદ્ધાંતિક વિચારધારા પ્રમાણે જો ઘટનાઓની ઐતિહાસિકતાનો બીજા મત પ્રમાણે સ્વીકાર કરી લઈએ તો એ ફલિત થાય છે કે ગોપીઓ દેહભાનરહિત હતી અને તેઓનું શ્રીકૃષ્ણ સાથે આધ્યાત્મિક સ્તરે મિલન થયું હતું. એટલે આ વર્ણનો સ્પષ્ટ રીતે જ તદ્દન એક નિગૂઢ-રહસ્યમય મહત્ત્વ ધરાવતાં હોવાથી એમાં કશી દૈહિકતા છે જ નહિ. આના પુરાવારૂપે ભાગવતના 10-33-38નો હવાલો આપવામાં આવ્યો છે. એ દર્શાવે છે કે, ગોપિકાઓ જ્યારે પોતાના ઘરથી દૂર જઈને રાસલીલામાં જોડાઈ ગઈ હતી, ત્યારે પણ એમનાં સ્વજનોએ તેમને ઘરમાંય નિહાળી હતી. રાસલીલાના વર્ણનની શરૂઆતમાં જ એક વિધાન કરવામાં આવ્યું છે કે શ્રીકૃષ્ણે પોતાની યોગમાયા કે નિગૂઢ શક્તિનો આશ્રય લઈને રાસલીલામાં ભાગ લીધો હતો. (ભાગવત-10/20/1) આ વિધાન પણ ગોપીઓની એ રહસ્યમય બાબત તરફ ઈશારો કરી જાય છે.
ગોપીપ્રેમની ભાગવતાનુસારી વ્યાખ્યા:
હવે આ મુદ્દા ઉપર ભાગવત પોતે શું કહે છે? જોકે એ તો સાચું છે કે ઉપર દર્શાવેલી ત્રણેય સ્પષ્ટતાઓનું ઔચિત્ય પ્રતિપાદિત કરતા કેટલાક સંકેતો ભાગવતશાસ્ત્રમાંથી સાંપડે છે તો ખરા, પરંતુ આપણને આકુલ કરીને મૂકે એવી એની ભાષા અને એ ગ્રંથમાં આપેલાં વર્ણનોનો પુરાવો તો નિઃશંકપણે છાપરે ચઢીને પોકારે છે કે ગોપીઓ અને કૃષ્ણનો આ પ્રસંગ એક ‘દૈહિક હકીકત’ જ હતી, અને એમાં દર્શાવેલા પ્રેમનાં બધાં પાસાં એવા સંબંધમાં જ સમાયેલાં હતાં. જેમની આગળ ભાગવતનું આખ્યાન કરવામાં આવ્યું હતું, તે રાજા પરિક્ષિત, એને આ જ અર્થમાં લે છે અને શ્રી શુકને પૂછે છે કે, ‘એમાં કશું નૈતિક ઔચિત્ય ખરું કે નહિ?’ આ પ્રશ્નના સૌના જાણીતા થયેલા ઉત્તરમાં શ્રી શુકે કંઈ એ હકીકતનો તો ઇન્કાર કર્યો નથી, પણ ઊલટું નીચે પ્રમાણે એના મહત્ત્વનો જ વિસ્તાર કર્યો છે: “દિવ્ય વિભૂતિઓ ધર્મમર્યાદાઓને, નીતિનિયમોને ઓળંગી જતી હોય છે, અને દેખીતી રીતે આપણને આંચકો આપે, એવાં કાર્યો કરતી હોય છે. પરંતુ જેવી રીતે સર્વસ્વ સ્વાહા કરતા અગ્નિને કોઈ પણ અશુદ્ધિની અસર થતી નથી તેવી જ રીતે અનંત વીર્યશાળી વિભૂતિને કશું જ કલંક લગાડી શકતું નથી. પરંતુ ઓછી શક્તિવાળા માણસે આવા સંજોગોમાં પોતાના મનમાં પણ આવી વિભૂતિઓનું અનુકરણ કરવાનું વિચારવું ન જોઈએ. પોતાની મૂર્ખતાને લીધે તેઓ જો આવું કરશે, તો તો રુદ્રનો દાખલો લઈને કોઈ એનું અનુકરણ કરીને ઝેર પી લે અને નાશ પામે એની પેઠે તેઓ તો નાશ જ પામશે. લોકોત્તર મહાત્માઓના ઉપદેશો જેમ શ્રદ્ધેય હોય છે, તેમ તેમનાં કેટલાંક કાર્યો પણ શ્રદ્ધેય હોય છે ખરાં, પણ શાણા માણસો તો એમનાં એવાં જ કાર્યોનું જ અનુસરણ કરશે કે જે કાર્યો એમણે આપેલા ઉપદેશો સાથે બંધબેસતાં થતાં હોય. એટલું તો બધા જ સ્વીકારશે કે અહંભાવરહિત જ્ઞાની માનવ માટે કોઈ કાર્ય દ્વારા કશો સ્વાર્થપરક લાભ મેળવવાપણું હોતું નથી, એ જ રીતે કોઈ કાર્યને તરછોડીને કશા દૂષણને દૂર કરવાપણું પણ એને હોતું નથી. તો પછી દેવ, માનવ, પ્રાણીઓ આદિ સકલ જગતના સ્વામી પરમાત્મસ્વરૂપ શ્રીકૃષ્ણને ભલા સારું કે નરસું કંઈ પણ શી રીતે અસર કરી શકે? અરે, જેમનાં પવિત્ર ચરણકમળોની ભક્તિ પામીને ભલભલા ઋષિમુનિઓ પણ યોગશક્તિ પ્રાપ્ત કરીને સર્વ કર્મબંધનોમાંથી મુક્ત થઈ જાય છે, એવા સ્વેચ્છામાત્રથી લીલાશરીર ધારણ કરનારા વિશ્વાત્માને તે વળી કોઈ બંધન કે પાપ સ્પર્શી જ કેમ શકે? એમની ભક્તિથી જ તો આ મહર્ષિઓ પણ પોતાની આધ્યાત્મિક ઉચ્ચતા પ્રાપ્ત કરે છે ને?
તેઓ જ તો ગોપિકાઓ અને તેમના પતિઓ સહિત સર્વ પ્રાણીઓમાં વ્યાપ્ત થઈને રહ્યા છે, અને તેઓ જ એ સર્વનાં મન અને ઇન્દ્રિયોને દોરી રહ્યા છે! એમણે જ પોતાની લીલા કરવાની ઇચ્છાથી આ શ્રીકૃષ્ણનું શરીર ધારણ કર્યું છે. સર્વ જીવોને પોતાના અનુગ્રહનું દાન કરવા તેમણે આ શરીર ધારણ કર્યું છે, અને માનવોનું એમના પ્રત્યે આકર્ષણ થાય અને માનવોને રસ પડે, એ રીતે આ શરીર દ્વારા તેઓ લીલા કરી રહ્યા છે! આ શ્રીકૃષ્ણની રહસ્યમયી યોગમાયા-યોગશક્તિને લીધે વ્રજવાસીઓએ એ રાસલીલાને પ્રસંગે પણ પોતપોતાની પત્નીઓની હાજરી પોતપોતાના ઘરમાં જ અનુભવી! અને તેમને શ્રીકૃષ્ણ સાથે મનદુઃખ થવાનો કોઈ પ્રસંગ જ આવ્યો નહિ.” (ભાગ: 10/33/30-38)
આથી એ સ્પષ્ટ થાય છે કે શ્રીકૃષ્ણે જેવી રીતે શસ્ત્રધારી કંસ અને શિશુપાલનો (વિદ્વેષભક્તિ દ્વારા મોક્ષપ્રાપ્તિનાં ઉદાહરણ) સામનો કરીને તેમના પર એમને અનુરૂપ ભયંકર પ્રહારો કરીને તેમને આધ્યાત્મિક ઉચ્ચતમ સ્થાન બક્ષ્યું હતું, તેવી જ રીતે તેમના અત્યંત મનોહારી દેહલાવણ્યથી અને તેમના અવશપણે તીવ્રતાથી આકર્ષતા વેણુનાદથી ઉદીપ્ત થઈને કામવિકારવાળી બનેલી ગોપિકાઓનો પણ એમણે એને અનુરૂપ રીતે જ, જેમ કોઈ પાર્થિવ પ્રેમી પોતાની પ્રિયતમાનો સ્વીકાર કરે તે રીતે જ, સ્વીકાર કર્યો. છતાં માનસિક રીતે તો તેઓ અવિચલિત અને નિર્લેપ જ રહ્યા; પોતાના આધ્યાત્મિક સત્ત્વમાં સદાકાળ સુસ્થિત જ રહ્યા. અને થયું એવું કે શ્રીકૃષ્ણ સાથેના ગોપિકાઓના સંબંધમાં ક્રમે ક્રમે ગોપિકાઓનો એ દૈહિક વિકાર જ વિશુદ્ધ આધ્યાત્મિક અનુભૂતિઓમાં પરિવર્તિત થવા લાગ્યો. ગીતાના શબ્દોમાં જેમને પરબ્રહ્મ, પરમાત્મા, અસ્તિત્વના પરમોચ્ચ સ્વરૂપ અને સર્વ શુચિતા અને પવિત્રતાના સ્થાનરૂપે વર્ણવ્યા છે, તે શ્રીકૃષ્ણના સ્પર્શમાત્રથી જ પેલી ‘કામુકીઓ’ (કામવિકારવાળી સ્ત્રીઓ) અને અભિસારિકાઓ (પોતાના પ્રેમીને શોધવા જતી કામુક સ્ત્રીઓ) પણ પરમાનંદદાયક પ્રેમભક્તિવાળી પ્રેમિકાઓના રૂપમાં પલટાઈ ગઈ, પરમહંસની પેઠે દેહભાનને ઓળંગી ગઈ! ગોપી-કૃષ્ણ-લીલાના આ પાસાંને જો આપણે ધ્યાનમાં લઈએ તો આપણને જણાશે કે કૃષ્ણનો કશો જ બચાવ કરવાની આપણને આવશ્યકતા રહેતી નથી અને રાસલીલાની પેલી રૂપકાત્મક કે પ્રતીકાત્મક સ્પષ્ટતાનો આશરો લઈને તેમના ઉપરના દોષારોપણને નિવારવાનો પ્રયત્ન કરવાની પણ જરૂર રહેતી નથી. આ રૂપકો અને આ પ્રતીકો એમાં અવશ્ય છે અને એ મહત્ત્વનાં પણ છે જ, છતાં પણ આપણે એનો ઉપયોગ, ભાગવતના આ મુખ્ય સિદ્ધાંતની ઉપેક્ષા થાય અથવા તો એ ગૌણ ગણાઈ જાય એવી રીતે ન કરવો જોઈએ. ભાગવત પ્રમાણે તો જ્યારે જીવનું મન પરમાત્મામાં સુદૃઢપણે લાગી ગયું હોય ત્યારે તો પછી ગમે તેવા સંજોગોમાં અને ગમે તેવા અભિપ્રેરક ભાવો, ગમે તેવી લાગણીઓમાં પણ તે પરમાત્મા જીવના વલણને અનુરૂપ થાય એવી જ રીતે પ્રતિસાદ આપે જ છે અને પોતાના સ્પર્શમાત્રથી તે જીવનું રૂપાંતર કરી દે છે. ભાગવતમાં કહ્યું છે: “યોગીઓ પોતાના અંતરમાં રહેલા તે પરમાત્મા પર પોતાનું મન કેન્દ્રિત કરે છે; તત્ત્વજ્ઞાનીઓ એને સર્વવ્યાપકરૂપે જોવા મથામણ કરે છે; અસુરો એની સાથે વેર બાંધીને એને પોતાનો વિનાશક ભય સમજીને રહે છે અને કામુક વનિતાઓ બધી જ સામાજિક અને નૈતિક અનુજ્ઞાઓનું ઉલ્લંઘન કરીને એની સાથે દૈહિક મિલન ઝંખે છે! …આ બધાં જ એ પરમાત્માને તો સમાન જ છે.” (ભા. 10/87/23)
સાચી વાત તો એ છે કે આ બધાંનાં મન પરમાત્મા પ્રત્યે અતિતીવ્ર લગનીથી અભિમુખ બની ગયાં હતાં અને તેથી તેમણે પોતપોતાનાં વલણો અને અભિરુચિઓને અનુરૂપ થાય એવી રીતનો પરમાત્માનો પ્રતિસાદ પ્રાપ્ત કર્યો હતો. આ તીવ્ર લગની જ તેમનાં થયેલાં રૂપાંતર માટે પૂરતું કારણ છે. શ્રીકૃષ્ણના જીવનનો અભ્યાસ કરતી વખતે આપણે એ ન ભૂલવું જોઈએ કે, ભાગવત એમને કોઈ સર્વસાધારણ માનવી તરીકે માનતું નથી, પણ ‘भगवान्स्वयम्’ – માનવદેહમાં પ્રગટ થયેલા પરમાત્મા માને છે. તે એક હોવા છતાં અનેકરૂપે થાય છે. અને છતાંય એ પોતે નિર્લેપ નિર્દૂષણ પરમ આત્મસ્વરૂપે વિદ્યમાન જ રહે છે. પોતાનું ‘બહુ-સ્વરૂપ’માં રૂપાંતર કરવા છતાંય તે એકરૂપે-અખંડરૂપે રહે છે એનું રહસ્ય એવી યોગશક્તિ છે. એટલે શ્રીકૃષ્ણ ઉપર કોઈ દોષારોપણ કરવું એ તો એના જેવું થાય કે કોઈ માણસ ખુદ સર્જનહાર ઈશ્વર ઉપર જ આ ગૂંચવણભરી દુનિયાને અભિવ્યક્ત કરવા માટે દોષારોપણ કરી દે! એ તો નરી મૂર્ખતા જ કહેવાય. તેમનાં તો બધાં જ કાર્યો કોઈપણ સ્વકેન્દ્રી હેતુ વગરનાં હતાં તેમજ એ બધાં કાર્યો તો કેવળ જીવોને મુક્તિ આપવા માટેના ઈશ્વરના પ્રેમની અભિવ્યક્તિરૂપ જ હતાં. એ એક જ સત્ છે કે જે બહુસ્વરૂપ બન્યું છે અને સર્વ નૈતિક્તાની પેલે પારનું તત્ત્વ છે. એટલે એમની બાબતમાં માનવીય ધોરણોની કશી સંગતિ ઉચિત નથી.
કામુક્તાભરી કવિતાનું માધ્યમ શા માટે?
ભક્તિપ્રધાન ભાગવતશાસ્ત્રમાં કામુક્તાભર્યાં વર્ણનોના ઔચિત્ય વિશેના બીજા સંબદ્ધ પ્રશ્ન વિશે ખુદ ભાગવતે પોતાનો જ ઉત્તર આપ્યો છે: ભગવાને કૃષ્ણનો અવતાર ધાણ કર્યો, તે કંઈ ફક્ત વિદ્વાનો, તત્ત્વજ્ઞાનીઓ, તપસ્વીઓ, વિશુદ્ધ જીવન જીવનારાઓ અને નીતિમય આચરણ કરનારાઓ માટે જ નહોતો. એ તો લોકોની આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને નૈતિક ઉપલબ્ધિઓની કશી જ ખેવના રાખ્યા વગર, જે કોઈ પણ એમનામાં શ્રદ્ધા ધરાવતાં હોય તે સઘળાંના જ શ્રેય માટે ધારણ કર્યો હતો. કોઈ તત્ત્વજ્ઞાનીને તો કેવળ અમૂર્ત-નિગૂઢ વિચારમાં જ રસ પડશે. એને કંઈ શૌર્યરંજિત પરાક્રમો કે સાહસભરી કથાઓમાં રસ પડવાનો નથી, તો વળી બીજી બાજુ કોઈ અશિક્ષિત બાળક કે મોટી ઉંમરનો માણસ તત્ત્વજ્ઞાનની નીરસતાથી કંટાળી જ જશે પણ આવાં પરાક્રમો અને સાહસોથી ભરેલી કથાઓથી તો નાચી જ ઊઠશે. કોઈ રાજકારણી કે રાજનીતિજ્ઞને વળી આમાં રસ નહિ પડે. એને તો રાજકીય બાબતોમાં અને માનવીય સંબંધોમાં જ ઘણું કરીને રસ પડવાનો. તો વળી કોઈ કલાકાર સૌન્દર્યપૂજક ગુણીજનને તત્ત્વજ્ઞાન અને નીતિશાસ્ત્ર ત્રાસદાયક લાગશે. એ તો રંગદર્શી પ્રેમનાં અને સૌન્દર્યનાં સર્વાંશી ઉચ્ચ કલાત્મક વર્ણનો તરફ જ ખેંચાશે. તો પૂર્ણાવતાર કૃષ્ણનું જીવન-કવન તો આ બધા જ પ્રકારના લોકોને આકર્ષવા માટે હતું. એટલે તત્ત્વજ્ઞાનીઓ, ભક્તો, તપસ્વીઓ, સામાન્ય લોકો, ગોવાળિયાઓ, કામુકીસ્ત્રીઓ, ક્રૂરરાક્ષસો, જુલ્મી રાજાઓ, પુણ્યાત્મા શાસનકર્તાઓ, રાજનીતિજ્ઞો – વગેરે તરેહ તરેહની પ્રકૃતિવાળાં માણસો સાથેના અનેકાનેક સંબંધ વ્યવહારોથી ભરેલા તેમના જીવનથી શ્રીકૃષ્ણ માનવજાતને માટે એક વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ ઘટનાલેખ મૂકતા ગયા છે. અને એમણે પ્રવર્તાવેલા ભક્તિમાર્ગ તરફ ઇન્દ્રિયાસક્ત કહેવાતી માનવજાત પણ આકર્ષિત થાય, અને માનવોના વિચારો ઊર્ધ્વગામી થાય એટલા માટે પુરાણોએ એ આલેખની ગરિમા પ્રસ્થાપિત કરી છે. પછીના કાળમાં ભારતના મહાન ભક્તકવિ જયદેવે પણ ઘણું કરીને આ જ કારણે પોતાના વિરલ વિશિષ્ટ સુવિખ્યાત સાહિત્ય સંગીતમય મહાકાવ્ય ગીતગોવિંદમાં શ્રીકૃષ્ણ-ગોપીઓના આ પ્રેમસંબંધને કાવ્યવિષય તરીકે લીધો છે. આ કાવ્યગ્રંથ ભક્તિના ગૌરવ માટે અને સાથોસાથ સંસ્કૃત કાવ્યશાસ્ત્રના બધા નિયમો અનુસાર કામુકતાદર્શન કરાવવા માટે પણ ઉલ્લેખનીય છે. અને તોય કોઈ પણ માણસ એ હકીકતનો તો ઇન્કાર નહિ જ કરી શકે કે આ ગ્રંથે ભારતના કલાપ્રિય અને ભક્તિપ્રવણ જીવન પર ભારે અસર ઉપજાવી છે અને અસંખ્ય લોકોને શ્રીકૃષ્ણ તરફ આકર્ષિત કર્યા છે. આ ગ્રંથ ન લખાયો હોત તો એ બધા લોકો ઈશ્વર પ્રત્યે કદાપિ અભિમુખ બનત જ નહિ. એટલે આવાં શ્રૃંગારપ્રચુર વર્ણનોનું ઔચિત્ય દર્શાવતાં ભાગવત પોતે જ કહે છે: “માનવજાતિના કલ્યાણ માટે તેમણે માનવશરીર ધારણ કરીને એવી એવી લીલાઓ કરી કે જે વિવિધ પ્રકારના માનવોને રસદાયક નીવડે અને તેઓનું તેમના તરફ આકર્ષણ થાય. પોતાના હૃદયમાં શ્રીકૃષ્ણ પ્રત્યે શ્રદ્ધા રાખીને જે માણસ તેમની ગોપીઓ સાથેની આ શ્રૃંગારમય લીલાઓને સાંભળે, વાંચે કે ગાય, તે ધીર પુરુષ ભગવાન પ્રત્યેની ઊંચી ભક્તિ પ્રાપ્ત કરશે અને જલદીથી માનવજાતના ‘હૃદયરોગ’થી મુક્ત થઈ જશે.” (ભાગવત 10/33/37-40)
આની પાછળની ધારણા તો એવી છે કે શ્રીકૃષ્ણ પ્રત્યે શ્રદ્ધા ધરાવતું સાધકનું મન ધીરે ધીરે આ વર્ણનોના પ્રતીકાત્મક અને આધ્યાત્મિક મહત્ત્વથી છલકાઈ ઊઠશે કે આ તો માનવના વિશુદ્ધ આત્માનું ઈશ્વર પ્રત્યેનું એવું રાગાત્મક ભાવાકર્ષણ છે કે જે શ્રીકૃષ્ણ માટે તડપતી ગોપીઓમાં નિરૂપાયું છે. અને આપણે આપણામાં પણ જો એવા રાગાત્મક ભાવાકર્ષણને અનુભવીએ, તો આપણનેય એવી દિવ્યતાની ઉપલબ્ધિ થાય. શ્રીરામકૃષ્ણદેવના કેટલાય સાધુચરિત શિષ્યોએ ગોપીઓના શ્રીકૃષ્ણ પ્રત્યેના પ્રેમને નૈતિક ભૂમિકાની દૃષ્ટિએ અસ્વીકાર્ય દર્શાવ્યો ત્યારે શ્રીરામકૃષ્ણદેવે તો જો કે પ્રેમની વાસ્તવિકતા વિશે ક્યારેય કશો સંદેહ ન બતાવ્યો હોવા છતાં આવો ઉત્તર આપ્યો હતો કે, ‘જો તમને ગોપીકાઓ ગમતી ન હોય તો ભલે તમે તેમને ભૂલી જાઓ; પરંતુ ગોપીઓની સર્વેશ્વર કૃષ્ણ તરફ જે પ્રેમભાવની તીવ્રતા હતી, એની સોમા ભાગની તીવ્રતા પણ જો તમે પ્રભુ પ્રત્યે બતાવી શકો, તો તમારે તમને પોતાને અવશ્ય ધન્ય-ધન્ય જ માનવા જોઈએ.’ ભાગવતનો કથિતાર્થ એ છે કે ગોપીકાઓએ પોતાના ઉદાહરણ દ્વારા, ઈશ્વર પાસે પહોંચવાની એક અનન્ય ભક્તિસ્રોતસ્વિની કંડારી દીધી છે; અને જો માનવો પોતાની નાવને ગોપીકાઓએ નિર્મેલી એ નદીમાં તરતી ન મૂકે તો એટલી પ્રગાઢતા અને તીવ્રતાથી પ્રભુને પામી જ ન શકે.
ભાગવતને ધ્યાનથી વાંચનાર એ જોઈ શકશે કે ગોપીકાઓનો શ્રીકૃષ્ણ પ્રત્યેનો પ્રેમ, એક કામુક વૈયક્તિક પ્રેમમાંથી વધતાં વધતાં તેમને વિશ્વાત્મા માનવા સુધી વિસ્તર્યો હતો. પ્રેમના આ વર્ધન-વિકાસના સંકેતો દર્શાવવામાં ભાગવત પ્રયત્નશીલ રહ્યું છે. એ સાચું છે કે બીજા સાધારણ ભક્તોની પેઠે ગોપીઓએ ભક્તિસાધનાનાં પહેલાંનાં પ્રારંભિક પગથિયાં પસાર કર્યાં ન હતાં. ઈશ્વરાવતાર શ્રીકૃષ્ણની સમકાલીન હોવાનું પરમ ભાગ્ય ધરાવતી એ બધીની વિશુદ્ધિ તો તેમની સાથેના પ્રત્યક્ષ સંપર્કથી જ થઈ ગઈ હતી. કામુક આકર્ષણ સામાન્ય રીતે તો આધ્યાત્મિક પતનનું જ કારણ હોય છે. પણ ગોપીઓનું આવું આકર્ષણ, ઈશ્વરાવતાર શ્રીકૃષ્ણ પ્રત્યે થયું હોવાથી એનું પરિણામ સાવ જુદું જ – એમની વિશુદ્ધિ કરનારું અને એમને ઊર્ધ્વગામી કરી દેવાનું આવ્યું. ગોપીઓના પ્રેમના પ્રતિસાદમાં શ્રીકૃષ્ણે પોતાના દિવ્ય સહચાર વડે એમને કૃતાર્થ કરી દીધી. પણ પછી થોડા જ વખતમાં મથુરા જવા માટે તેમણે ગોકુળ છોડ્યું અને ગોપીઓને તેમનો વિયોગ થયો. મથુરાથી શ્રીકૃષ્ણે સંદેશ મોકલ્યો: “વિયોગ તો પ્રેમને પ્રબલ કરે છે. થોડા જ વખતમાં તમે બ્રહ્માનંદની પ્રાપ્તિ કરશો અને એ તમને એવી અનુભૂતિ કરાવશે કે વિયોગ અને સંયોગ, બંને એક સરખા જ શ્રેયસ્કર છે.” (નારાયણીયમ્) કેટલાંક વર્ષો પછી તેઓ સ્યમન્તપંચકમાં તેમને ફરીથી મળી ત્યારે અતિ સંતાપકારી અને છતાંય સુખકર એવી વિરહવેદના વચ્ચે તેમનામાં પ્રેમની ગહનતાનું વિકસિત રૂપ જોવા મળે છે. એ પ્રસંગે શ્રીકૃષ્ણે તેમને પૂર્ણ જ્ઞાન આપ્યું. એથી તેઓ સર્વ દેશકાળમાં શ્રીકૃષ્ણની ઉપસ્થિતિની અનુભૂતિ પામી શકી. તેઓએ પોતાના અંતિમ સંદેશ તરીકે તે સૌને કહ્યું: “મારામાં ભક્તિ જ માનવનું અમર શ્રેય સાધવાનો એકમાત્ર ઉપાય છે. મારામાં તમારો સ્નેહ વધ્યો, એ સદ્ભાગ્ય છે. મને મેળવવાનું એ એકમાત્ર સાધન છે. જેમ બધા ભૌતિક વિષયોની ઉત્પત્તિ અને નાશ પાંચ મહાભૂતોમાં જ થઈ જાય છે, અને બધા વિષયોની ભીતર અને બહાર એ પાંચ મહાભૂતો જ વ્યાપેલાં છે, એવી જ રીતે મને જ આ જડ, ચેતન, સમગ્ર જગતમાં વ્યાપ્ત થયેલો અને એના અધિષ્ઠાનરૂપ રહેલો સત્તામય તમે જાણો. ચેતન જીવો બાહ્ય વિષયોનો ફક્ત અનુભવ કરે છે, પણ એ બાહ્ય વિષયો કંઈ એ જીવોની અંદર રહેતા હોતા નથી. એ બાહ્ય વિષયો તો એનાં સંરચક પંચતત્ત્વોમાં જ રહે છે. એ બંનેય – અનુભવ કરનાર જીવો તથા અનુભૂત પંચભૂવાત્મક સર્વે વિષયો તો કેવળ પરમચૈતન્યસ્વરૂપ મારામાં જ પોતાનું સત્ત્વ અને સ્વત્વ રાખીને રહેલા છે અને મારામાંથી જ એ અભિવ્યક્ત થાય છે.” (ભાગવત 10-82-45થી 47). આનાથી એ પણ જાણી શકાય કે આ પ્રકારની ભક્તિ એ કંઈ ‘મૂઢ ભક્તિ’ – દિવ્ય શ્રેષ્ઠતાના અજ્ઞાનવાળી ભક્તિ નથી. ભલે એની શરૂઆતમાં એ કદાચ એવી હોય. પણ અંતે એ પૂર્ણજ્ઞાનયુક્ત પણ બને છે અને એ પૂર્ણજ્ઞાન તો ભક્તિનું સંવર્ધન કરે છે. એ કંઈ ભક્તિનો નાશ કરતું નથી.
Your Content Goes Here