(‘ઑગસ્ટ’ના અંકથી આગળ)

કર્મકાંડ અન જ્ઞાનકાંડનો ભેદ:

આ બધી ચર્ચાથી આપણને ટૂંકમાં એટલું જાણવા મળ્યું કે વેદ માનવમનની ગાથા રજૂ કરે છે. આપણે એ પણ જાણ્યું કે વેદોને બે ભાગોમાં વહેંચવામાં આવ્યા છે. અને એ બે ભાગોમાં – કર્મકાંડ અને જ્ઞાનકાંડમાં – વિવાદ શરૂ થઈ ગયો. કર્મકાંડ, “પૂર્વમીમાંસા”ને નામે પણ ઓળખાય છે. યજ્ઞ, ક્રિયાનુષ્ઠાન વગેરે જ કર્મકાંડના પ્રાણ હતા. જ્ઞાનકાંડ, “ઉત્તરમીમાંસા”ને નામે ઓળખાવા લાગ્યો. એમાં વિચારની પ્રધાનતા હતી. આ વિશ્વની ભીતરમાં અધિષ્ઠિત સત્યને જાણવા-પામવાનો એમાં આગ્રહ હતો. કર્મકાંડ જો યજ્ઞો દ્વારા દેવતાઓને પ્રસન્ન કરીને સ્વર્ગપ્રાપ્તિને જ જીવનનું લક્ષ્ય માનતો હતો, તો જ્ઞાનકાંડ એને બદલે એ સ્વર્ગને કેવળ મર્ત્યલોકની જ એક આવૃત્તિ માનીને ચિંતન અને મનનથી જીવનનાં આધારભૂત સત્યોને પકડવા માટે મથામણ કરતો હતો. એટલે એકદમ સ્વાભાવિક રીતે જ કર્મકાંડને અનુસરનારાઓએ આ સંસારને સત્ય સમજીને એને જ પકડવા – પામવાનો પ્રયત્ન કર્યો, જ્યારે જ્ઞાનકાંડને અનુસરનારાઓએ સંસારને એક પ્રપંચ અને બંધનરૂપ માન્યો. એમનું કહેવું એવું હતું કે સ્વર્ગ વગેરેનું આકર્ષણ જીવનના વાસ્તવિક સત્યને ઢાંકીઢબૂરી દે છે. આ એક એવી વૈજ્ઞાનિક પદ્ધતિવાળી પ્રવૃત્તિ હતી કે જેના અંકુર ભારતની વસુંધરા પર ફૂટી રહ્યા હતા!

આપણે આગળ જણાવી ગયા છીએ કે જ્ઞાનકાંડના અનુયાયી લોકો “ચિંતક” પ્રકારના હતા. એમણે સત્યની ખોજ માટે નવી નવી પદ્ધતિઓ શોધી કાઢી અને છેવટે એક દિવસ એમણે સત્યને પ્રીછી લીધું. એમણે ઉદ્ઘોષણા કરી કે અજ્ઞાન જ બધાં દુઃખોનું કારણ છે. અજ્ઞાન જ મનુષ્યને સંસાર અને એના ભોગો સાથે બાંધી દે છે. સ્વર્ગ પણ એક રીતે તો સંસારનો જ ભોગ છે. એટલે બંધનમાંથી છૂટવાનો ઉપાય એમણે જ્ઞાનમાં જ ભાળ્યો.

જ્ઞાનનું તાત્પર્ય એ છે કે જે અધિષ્ઠાનરૂપે નિહિત છે, એની અભિવ્યક્તિ થઈ જાય. જ્ઞાનનું તાત્પર્ય એવું નથી કે જે “નથી”, એને જાણવા પ્રયત્ન કરવામાં આવે. જે “છે”, એને જ જાણવું, એ જ્ઞાનનું મુખ્ય કાર્ય છે. જ્યાં લગી આપણે કોઈ નિયમ ન જાણતા હોઈએ, ત્યાં સુધી એ નિયમ આપણને ચલાવતો રહે છે. પણ જ્યારે એ નિયમને આપણે જાણી લઈએ, ત્યારે તો આપણે પોતે એ નિયમના ચાલક બની જઈએ છીએ. જ્ઞાનનું એ જ સૌન્દર્ય છે. જ્યાં સુધી આપણે કોઈ યંત્રને જાણતા હોતા નથી, ત્યાં સુધી એ યંત્ર આપણને ચલાવે છે, પણ જ્યારે આપણે એ યંત્રની ચાવીઓ અને વિભાગો જાણી લઈએ, ત્યારે પછી આપણે જ એ યંત્ર ચલાવવા માંડીએ છીએ. જ્ઞાન પોતે પોતાને બે ભૂમિકાએ વ્યક્ત કરે છે: એક છે બાહ્ય અને બીજી છે આંતરિક. બાહ્ય ભૂમિકા પરના જ્ઞાનના પ્રાકટ્યને આપણે “વિજ્ઞાન” અથવા “સાયંસ” કહીએ છીએ. અને આંતરિક ભૂમિકાએ જ્ઞાનના પ્રાકટ્યને આપણે “આધ્યાત્મિક્તા” અથવા સાધારણ રીતે “ધર્મના” નામે ઓળખીએ છીએ.

જ્ઞાન આપણને બંધનમાંથી મુક્તિ અપાવે છે. ન્યૂટને જ્યાં સુધી ગુરુત્વાકર્ષણનો નિયમ ખોળી કાઢ્યો ન હતો, ત્યાં સુધી ગુરુત્વાકર્ષણની શક્તિ ન્યૂટન અને આપણા સૌના ઉપર સવાર થઈને બેઠી હતી. પરંતુ જે દિવસે ન્યૂટને કુદરતની એ છુપાયેલી શક્તિને ઓળખી લીધી, ત્યારથી તે એના ઉપર સવાર થઈ બેઠો. અને એણે ગ્રહ-નક્ષત્રો સંબંધી કેટકેટલાં તથ્યો પ્રકાશિત કરી દીધાં. જ્યાં સુધી આપણે અવકાશ વિજ્ઞાન જાણતા ન હતા ત્યાં સુધી આપણે માટે બંધન હતું. પણ જ્યારથી વૈજ્ઞાનિકોએ અંતરિક્ષના નિયમોની જાણકારી મેળવી લીધી ત્યારથી હવે તેઓ અવકાશમાંય આંટા મારી આવી શકે છે.

આ જ રીતે આંતરિક ભૂમિકાએ પ્રકટ થયેલું જ્ઞાન, આપણાં મનોગત બંધનોને કાપી નાખે છે, અને આપણી સામે ચેતનાનાં નવાં પરિમાણો રજૂ કરે છે. આંતરિક ભૂમિકાએ જ્ઞાન પ્રકટ કરનાર વિધિ, “યોગ” નામે ઓળખાય છે. છેલ્લે ચર્ચા કરતી વખતે આપણે એનો ઉલ્લેખ કરીને જાણ્યું હતું કે શાસ્ત્રીય અર્થમાં “યોગ”નું તાત્પર્ય, મનની વૃત્તિઓનો નિરોધ કરવો, એવું થાય છે. આપણું મન ખૂબ ચંચળ છે, એ સ્થિર રહી શકતું નથી. મનમાં જોકે અસીમ સંભાવનાઓ વ્યક્ત થઈ શકતી નથી. મન જો કોઈ ઉપાયે પોતાના ખુદના ઉપર જ એકાગ્ર થઈ જાય, તો ધીરે ધીરે તે પોતાના ઉપરનાં પડોને ભેદવા લાગે છે, અને આ રીતે પોતાનાં વિવિધ પડોમાં છુપાયેલાં નિયમો અને સત્યોને પ્રગટ કરવા લાગે છે. પછી એક સ્થિતિ એવી પણ આવી જાય છે કે પોતાનાં પડોને ભેદતું ભેદતું મન, પોતાને ખુદને પણ ઓળંગી જાય છે. અને આ જ સત્યના સાક્ષાત્કારની અવસ્થા છે; આને જ આત્મસાક્ષાત્કાર કે બ્રહ્માનુભૂતિ કહેવામાં આવે છે. આ અવસ્થા “અમની મન”ને નામે પણ ઓળખાય છે.

જેમ કે, પ્રકાશનું સામાન્ય કિરણ. આ કિરણમાં ભેદવાની શક્તિ નથી હોતી; એ કોઈ વસ્તુના વધારે પડતા ઊંડાણમાં પ્રવેશી શકતું નથી. પરંતુ જો એ જ કિરણની સ્પન્દનગતિ(ફ્રિકવન્સી)ને તીવ્ર બનાવી દઈએ, તો એ “એક્સ રે” બની જાય છે, અને કેટલાંય પડોને ભેદીને પસાર થઈ જાય છે. આ વાત મનને પણ લાગુ પડે છે. જ્યાં સુધી એ ચંચળ હોય છે, ત્યાં સુધી એમાં અન્તર્ભેદનની શક્તિ હોતી નથી, એ છીછરું અને પોતાની અસીમ શક્તિઓથી અજાણ હોય છે. પણ જે વખતે મનને ખુદ તેના પોતાના ઉપર જ એકાગ્ર કરી દેવામાં આવે છે, ત્યારે એનામાં પોતાની અંદર ઊતરવાનું સામર્થ્ય આવી જાય છે.

આમ તો મન પોતાની રુચિના વિષયોમાં સ્વાભાવિક રીતે જ એકાગ્ર  બની જતું હોય છે, પણ મનની એવી એકાગ્રતાને કંઈ “યોગ” કહી શકા નહિ. જે વખતે મનને બીજા બધા જ વિષયોમાંથી પાછું વાળીને એને ફક્ત પોતાના ઉપર જ કેન્દ્રિત કરવામાં આવે ત્યારે જ યોગની સાધના શરૂ થાય છે. ચિંતન, મનન અને ધ્યાન આ સાધનાનાં અંગો-ઉપાંગો છે.

તો, જેઓ જ્ઞાનકાંડના-ઉત્તરમીમાંસાના અનુયાયીઓ હતા, તેમની આવી વિચારધારા હતી. એમને માટે સંસાર મિથ્યા અને સ્વપ્ન સમો હતો. એટલે એમનો કર્મકાંડના અનુયાયીઓ સાથે વિરોધ થાય, એ સ્વાભાવિક હતું. કારણ કે કર્મકાંડીઓ માટે તો આ સંસાર ઉપભોગ્ય અને વરેણ્ય હતો.

યુગાચાર્ય ભગવાન કૃષ્ણ:

મહાભારતકાલીન સમાજમાં આપણને આ જ વિરોધનું સૂર સંભળાય છે. શ્રેય અને પ્રેયની આ બે વિચારધારાઓ અરસપરસ જોરથી અથડાય છે. થવું તો એવું જોઈતું હતું કે આ બંને વિચારધારાઓ પરસ્પર સમન્વિત થઈ જઈને માનવને ઊંચે લઈ જાય. પણ એને બદલે એ બંનેમાં ઝગડો જામી પડ્યો. વેદોના અર્થો કરવામાં ખેંચતાણ કરવામાં આવી ત્યારે, “यस्य निःश्वसितं वेदा यो वेदेभ्योऽखिलं जगत्” – “જે ભગવાને વેદોને નિઃશ્વાસ દ્વારા સર્જ્યો અને એ વેદોના આધાર પર સકલ સૃષ્ટિનું સર્જન કર્યું” – એ આવી હોંસાતોંસી સહી ન શક્યા અને એમણે માનવરૂપ અવતાર લીધો. જ્યારે એમણે જોયું કે વેદોના અર્થનો અનર્થ થઈ રહ્યો છે ત્યારે તેઓ આ અનર્થને દૂર કરવા અને ખરા અર્થનું સ્થાપન કરવા અવતર્યા. એ પધાર્યા કૃષ્ણના રૂપમાં, અને ગીતાના માધ્યમથી વેદોના મર્મનું ગાન કરીને ચાલ્યા ગયા. બીજા લોકો તો વેદો પર ભાષ્યો લખે છે; પણ ભગવાનને ભાષ્ય લખવું ન પડ્યું. એ તો ગાયન છે. લેખનમાં પ્રયાસ કરવો પડે છે પણ ગાયનમાં તો અનુભૂતિનો ઉચ્છ્વાસ હોય છે. ગીતા, ભગવાન કૃષ્ણની અનુભૂતિનો ઉચ્છ્વાસ છે. વેદો પર અનેક ભાષ્યો અને ટીકાઓ મળે છે પણ હું તો ગીતાને જ વેદોની સર્વોત્તમ ટીકા ગણું છું.

ભગવાન કૃષ્ણ યુગાચાર્ય હતા. જેઓ યુગાચાર્ય હોય તેઓ તે યુગની માન્યતાઓને અનુરૂપ એક નવો માર્ગ, એક નવો ઉપાય જનસમાજ સામે ધીરે છે. આપણે આગળ કહ્યું છે કે તે સમયે યજ્ઞોની બોલબાલા હતી. એવું માનવામાં આવતું કે યજ્ઞ કરવાથી જ્યાં સુધી આપણે જીવતા રહીએ ત્યાં સુધી કોઈ રીતે ધનધાન્યની ઊણપ ન વરતાય, અને મરણ પછી આપણને સ્વર્ગ મળે. પણ યજ્ઞ એક એવો ઉપાય હતો કે જે ગરીબો માટે ગજા ઉપરવટની વાત હતી. જે માણસ નિર્ધન હોય, અન્નવસ્ત્રનું જેને ઠેકાણું ન હોય, એવો માણસ ભલા યજ્ઞ જેવું ખર્ચાળ કાર્ય કેમ કરી શકે? જો એમ જ હોય તો તો જે માણસ યજ્ઞ ન કરી શકે તે દેવોને પણ પ્રસન્ન ન કરી શકે. તાત્પર્ય એ છે કે એ દેવોની કૃપાથી વછોડાયેલો જ રહે. આ તો અતિ અયોગ્ય અને ખોટી વાત હતી. કૃષ્ણને એ વાત તો ગળે ન ઊતરી કે માત્ર ધનિક જ યજ્ઞ કરી શકે અને પરિણામે સ્વર્ગ અને પૃથ્વીની સંપત્તિનો અધિકારી બની શકે. અને નિર્ધન માણસ યજ્ઞ ન કરી શકવાને લીધે ભૌતિક સુખો અને સ્વર્ગથી વંચિત રહી જાય છે. એટલા જ માટે કૃષ્ણ ગીતામાં એક એવો ઉપાય બતાવે છે કે જે ગરીબ અને અમીર બંનેને માટે એકસરખી રીતે અજમાવવો શક્ય હોય. એ યુગમાં યજ્ઞની માન્યતા હતી એટલે કૃષ્ણ “યજ્ઞ” શબ્દનો પ્રયોગ તો કર્યો, પણ એમણે એ શબ્દને એક નવો અર્થ આપ્યો. યુગાચાર્યો આવું જ કામ કરે છે. તેઓ પ્રચલિત શબ્દો તો અપનાવે છે, પણ એના અર્થો યુગાનુરૂપ રીતે બદલી નાખે છે. શ્રીરામકૃષ્ણ પરમહંસ વારંવાર કહેતા કે બાદશાહી અમલનો સિક્કો અંગ્રેજી રાજ્યમાં ન ચાલે. આ વાત જોકે સાવ નાનકડી લાગે છે પણ એમાં ગૂઢ અર્થ ભરેલો છે. બાદશાહી અમલનો સિક્કો હોય છે તો સોનાનો, અને સોના તરીકે એનું મૂલ્ય પણ હોય છે. પણ એ અંગ્રેજી રાજમાં ચાલતો નથી. અંગ્રેજી રાજમાં ચલાવવા માટે બાદશાહી અમલના સિક્કાને ગાળવો પડે છે અને અમાં અંગ્રેજી રાજની છાપ મારવી પડે છે. એના સોનામાં તો કશો ફરક પડતો નથી પણ એનું બાહ્ય રૂપ તો ફરી જ જાય છે. જો એક યુગના સિક્કાને, એનું બાહ્ય રૂપ બદલ્યા વિના જ બીજા યુગમાં ચલાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો એ “ડિફંક્ટ” બની જશે – ખોટો ગણાઈ જશે.

આ જ રીતે જે તત્ત્વો શાશ્વત હોય છે તેમનું બાહ્ય રૂપ પણ કાળપ્રવાહમાં ખોટું પડી જાય છે. અને ત્યારે આવા મહાપુરુષ કે યુગાચાર્ય આવે છે કે જે બધાં પ્રચલિત તત્ત્વોને ગાળીને એનું બહારનું રૂપ બદલી નાખીને પોતાના યુગને યોગ્ય એક નવું રૂપ આપે છે. કૃષ્ણે આ જ કાર્ય કર્યું. એમણે યજ્ઞરૂપી સિક્કાને ગાળ્યો અને એને યુગાનુરૂપ નવું સ્વરૂપ આપ્યું. પહેલાં યજ્ઞોનું તાત્પર્ય આહુતિઓ અને બલિદાનો પૂરતું હતું. યજ્ઞને નામે પશુઓનું બલિદાન દેવાનું ભારે જોર હતું. આ કુરિવાજમાંથી શ્રીકૃષ્ણે જનસમાજને છોડાવ્યો. એમણે યજ્ઞનો જ વિરોધ કર્યો. ભાગવતમાં કથા આવે છે કે જ્યારે નંદબાબા ઇન્દ્રપૂજા માટે યજ્ઞ આરંભે છે, ત્યારે કૃષ્ણ એનો વિરોધ કરે છે. નંદ એમને સમજાવે છે કે જો ઇન્દ્રને આહુતિ નહિ આપીએ તો એ કોપાયમાન થશે; એના કોપથી આપણે ભારે હેરાનગતિ ભોગવવી પડશે. ઇન્દ્ર ગુસ્સે થશે તો આપણા જાનમાલનો નાશ કરી નાખશે; આગળથી ચાલ્યા આવેલા રિવાજ મુજબ ઇન્દ્રને એનો યજ્ઞભાગ અપાતો જ રહ્યો છે. આ ચાલ્યા આવેલા રિવાજને આપણે તોડીએ નહિ, એ જ આપણે માટે યોગ્ય છે. પણ કૃષ્ણ તો પરંપરાના ભંજક તરીકે અડગ જ રહે છે. તેઓ કહે છે કે ઇન્દ્ર જો દેખાતો જ નથી, તો એની પૂજા ભલા શા માટે કરવી? એના કરતાં તો આ ગોવર્ધનની પૂજા કરવી સારી. ગોવર્ધનને આપણે સગી આંખે જોઈ તો શકીએ છીએ! આ પર્વત આપણી ગાયોને ચારો આપે છે અને આપણી ભૂમિ પર વરસાદ વરસાવે છે. તેથી આપણે બધા મળીને ગોવર્ધનની પૂજા કેમ ન કરીએ? એની ઉપાસના કેમ ન કરીએ? કૃષ્ણ રૂઢિ પર જબરો ઘા કરીને ગોવર્ધનપૂજાનું આયોજન કરે છે. ભાગવતના આ પ્રસંગના મૂળમાં આ જ અર્થ સમાયેલો છે કે કૃષ્ણ એક ક્રાન્તિકારી મહાપુરુષ અને એક યુગાચાર્ય છે. એ પોતાના યુગને અનુકૂળ એક નવો માર્ગ ચીંધવા આવ્યા છે અને ગીતાના રૂપમાં પોતાનો અમર ઉપદેશ આપી જાય છે.

(ક્રમશઃ)

ભાષાંતરકાર: શ્રી કેશવલાલ શાસ્ત્રી

Total Views: 485

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.