મહારાજ વૃષદર્ભ પોતાની રાજ્યસભામાં મંત્રીઓ તથા સેનાપતિઓ વગેરે સાથે રાજવહીવટની ચર્ચા કરી રહ્યા હતા. એમના સભાભવનની સામે વિશાળ ખુલ્લો ભાગ હતો. ત્યાંથી શ્વેત આકાશ દેખાઈ રહ્યું હતું. હજુ રાજા ચર્ચામાં મગ્ન હતા જ, તેવામાં અચાનક આકાશમાંથી એક થાકેલું અને ભયભીત કબૂતર એમના ખોળામાં આવી પડ્યું. રાજા ચોંકી ઊઠ્યાં, તેમણે સ્નેહથી કબૂતરને ઉઠાવી લીધું. તથા શરીર પર હાથ ફેરવીને તેને થાબડવા લાગ્યા. રાજાના હાથનો કોમળ સ્પર્શ થવાથી કબૂતર થોડું શાંત થયું. તેણે આંખો ખોલી અને જોયું કે પોતે રાજાના હાથમાં સુરક્ષિત છે.

સુરક્ષા અનુભવી રહેલા કબૂતરે કાતર સ્વરમાં કહ્યું, “મહારાજ! મારી રક્ષા કરો. મારા પ્રાણ સંકટમાં છે.” રાજાએ તેને આશ્વાસન આપતાં અભયદાન આપ્યું અને કહ્યું, “કબૂતર, તું ડરીશ નહીં, તું મારા શરણે આવ્યું છે. હું મારી પૂર્ણશક્તિ લગાવીને પણ તારી રક્ષા કરીશ. તું જરા પણ સંકોચ કર્યા વગર તારા ભયનું કારણ કહે.”

હજુ તો કબૂતર કંઈ કહે એ પહેલાં જ એક ક્રૂર બાજ ઊડતો ઊડતો સભામાં આવી પહોંચ્યો. તેણે આવતાં જ કર્કશ અવાજમાં રાજાને કહ્યું, “રાજન! તમે આ કબૂતર મને આપી દો, તે મારું આજનું ભોજન છે. હું ભૂખ્યો છું. હમણાં જ હું એને મારી નાખીને એના માંસથી મારી ભૂખ શાંત કરીશ. હું ઘણે જ દૂરથી એનો પીછો કરતો આવી રહ્યો છું.”

કબૂતર બાજની વાત સાંભળીને ભયથી રાજાના ખોળામાં લપાઈ ગયું. તે ભયથી થરથર ધ્રૂજવા લાગ્યું. મહારાજ વૃષદર્ભ કબૂતરને પુચકારવા લાગ્યા અને એમણે બાજને કહ્યું, “પક્ષીરાજ, આ કબૂતર મારા શરણમાં આવ્યું છે. તેણે મારી પાસે આશ્રય માંગ્યો છે. મેં તેને અભય દાન આપ્યું છે તેથી તેના પ્રાણની રક્ષા કરવી એ મારો ધર્મ છે. હું આ કબૂતર તને નહીં સોંપી શકું.”

બાજે કહ્યું: “મહારાજ, તમો કબૂતરની પ્રાણરક્ષા કરીને મારા પ્રાણ લેવા માગો છે, હું ભૂખથી વ્યાકુળ થઈ રહ્યો છું. જો મને કબૂતર નહીં મળે તો હું ભૂખથી તડપીને મરી જઈશ. મારા મૃત્યુનું કારણ બનવું શું તમારા માટે યોગ્ય છે?” રાજાએ કહ્યું, “પક્ષીરાજ! હું તમારા મૃત્યુનું કારણ બનવા નથી માગતો, હું હમણાં જ તમારા ભોજનની વ્યવસ્થા કરી આપું છું. કહો, તમને કયા પશુનું માંસ પ્રિય છે? મારી પશુશાળામાં સૂવર, બકરા, ભેંસ વગેરે ઘણાં પશુઓ છે. તમને જેનું માંસ પ્રિય હશે, તેની વ્યવસ્થા કરી આપવામાં આવશે.”

બાજે કહ્યું: “રાજન્, હું આમાંના એકેય પશુનું માંસ નથી ખાતો, મારી ભૂખ તો આ કબૂતરથી જ શાંત થઈ શકે છે. તમો મને આ કબૂતર આપી દો.”

રાજાએ ફરી કહ્યું: “હે બાજ, તમને બીજું જે પણ ભોજન પ્રિય હોય તે કહો. હું તેની વ્યવસ્થા કરી આપીશ. પણ આ મારા શરણે આવેલ કબૂતરને હું નહીં આપી શકું.

તે પછી બાજે કહ્યું, “જો તમો કબૂતર ન આપવા માગતા હો તો મારી ભીખ શાંત કરવાનો એક જ ઉપાય છે. પણ એ ઉપાય ઘણો જ વિકટ છે.”

રાજાએ તેને વચ્ચે જ અટકાવતાં કહ્યું, “પક્ષીરાજ, તમે સંકોચ ન કરો. કબૂતરના સિવાય જેનાથી પણ તમારી ભૂખ શાંત થઈ શકતી હોય તે મને કહો. હું જરૂર તે ભોજનની વ્યવસ્થા કરીશ, પછી ભલે મારે ગમે તેટલી મુશ્કેલીઓ સાથે ઝૂઝવું પડે.”

રાજાની વાત સાંભળીને બાજ બોલ્યો, “મહારાજ, જો ખરેખર તમો મારી ભૂખ શાંત કરવા માગતા હો તો આ કબૂતરના વજનનું માંસ તમારા શરીરમાંથી તમો પોતે જ કાપીને મૂકી દો.”

ક્ષુદ્રવૃત્તિવાળા બાજની આ શરત સાંભળી સભાની બધી જ વ્યક્તિઓ ચોંકી ઊઠી. સેનાપતિઓ પોતાની તલવારો ઉઠાવવાને વ્યાકુળ થઈ ગયા. પણ રાજાએ બધાને શાંત રહેવાનો હુકમ કર્યો અને બાજને કહ્યું: “પક્ષીરાજ, જો મારા શરીરના માંસથી તમારી ભૂખ શાંત થઈ શકે એમ હોય અને આ નિર્દોષ કબૂતરનો જીવ બચી શકતો હોય તો હું મારા શરીરનું માંસ આપવા રાજી છું.”

રાજાની આજ્ઞા પ્રમાણે ત્યાં એક ત્રાજવું રાખી દેવામાં આવ્યું. તેના એક પલ્લા ઉપર કબૂતરને બેસાડવામાં આવ્યું અને બીજા પલ્લા પર રાજાએ પોતાના જ હાથે પોતાના શરીરમાંથી માંસ કાઢીને રાખ્યું, પણ કબૂતરનું વજન હજુ પણ ઘણું વધારે જ હતું. રાજાએ ફરી પોતાના શરીરમાંથી થોડું માંસ કાઢ્યું અને બીજા પલ્લામાં રાખ્યું, પણ કબૂતરનું વજન હજુ પણ વધારે જ હતું. રાજા પોતાનાં બધાં અંગોમાંથી માંસ કાપી કાપીને ત્રાજવામાં ઉમેરતા ગયા, એમનું આખી શરીર લગભગ માંસ-વિહોણું થઈ ગયું, પણ એટલું માંસ પણ નિર્દોષ કબૂતરના વજનના બરાબર ન થઈ શક્યું. અંતે રાજા પોતે જ એ ત્રાજવાના પલ્લા પર ચડવા તૈયાર થયા.

તે જ સમયે નભમંડળમાં ચારેબાજુએ દેવદુદુંભિઓ વાગવા લાગી. દેવો ધન્ય ધન્યના ધ્વનિઓ કરી પુષ્પો વરસાવવા લાગ્યા. બાજ અને કબૂતર બંને ત્યાંથી અંતર્ધાન થઈ ગયા પણ બીજી જ ક્ષણે ચારે દિશાઓને પ્રકાશિત કરતા દેવોના રાજા ઇન્દ્ર તથા અગ્નિદેવતા ત્યાં પ્રગટ થયા, ઇન્દ્રે અમૃત છાંટીને રાજા વૃષદર્ભને ફરીથી સ્વસ્થ કર્યા. રાજાનું શરીર દિવ્ય બની ગયું, દેવરાજે તેમને ગળે વળગીને કહ્યું, “રાજન્! તમે ધન્ય છો. બાજના રૂપે હું અને કબૂતરના રૂપમાં અગ્નિદેવ તમારી ધીરજ તથા ધર્મની કસોટી કરતા હતા. તમે આ પરીક્ષામાં પૂર્ણ સફળ થયા છો. જ્યાં સુધી આ સંસારમાં સૂર્ય અને ચંદ્રમા રહેશે ત્યાં સુધી તમારી કીર્તિ અક્ષય રહેશે, અને લોકો તમારા અપૂર્વ ચરિત્રથી પ્રેરણા લેતા રહેશે.”

સમય જતાં સ્વધર્મપાલનમાં તત્પર રહેવાવાળા મહારાજ વૃષદર્ભને પરમપદની પ્રાપ્તિ થઈ.

મહાભારતની આ કથા એક આધ્યાત્મિક સત્યનું ઉદ્‌ઘાટન કરે છે, કે માનવી બીજાઓની નિઃસ્વાર્થ સેવા કરીને એ જ પદને મેળવી શકે છે, કે જેને જ્ઞાનીનો જ્ઞાનથી, યોગીઓ યોગથી અને તપસ્વીઓ તપસ્યાથી પ્રાપ્ત કરે છે.

(ભાષાંતરકાર: શ્રીમતી ઉષાબહેન ગોરસિયા)

Total Views: 420

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.