સૌરાષ્ટ્ર એક કાળે આફ્રિકાખંડ સાથે જોડાયેલો હતો. કાળની ઉથલપાથલમાં જમીનને સ્થળે જળ આવી ગયું અને સૌરાષ્ટ્ર દ્વીપકલ્પ બન્યો. એક કાળે સિંધુ નદી આ સૌરાષ્ટ્રની ભૂમિ ઉપરથી વહેતી હતી. ધરતીકંપના ધ્રૂજારાએ સિંધુનું વહેણ બદલી નાખ્યું અને એ મહાનદના અવશેષ સ્વરૂપે નળસરોવર આપણી પાસે રહ્યું. સૌરાષ્ટ્ર એ ભારતની લઘુઆવૃત્તિ છે. શીલ અને સ્વધર્મ માટે અહીં જુધ્ધો ખેલાયાં છે. બહારથી આવતી જાતિઓએ આ પ્રદેશની સુંદરતા નિહાળી અહીં જ વસવાટ કર્યા છે. સેંકડો વર્ષોથી દૂધ-સાકરના મિશ્રણની જેમ પ્રજા વચ્ચેનો એકરાગ સૌરાષ્ટ્રમાં સચવાયેલો રહ્યો છે.

નજર નીરખે અને હૈયું હલકે એવી સૌરાષ્ટ્રની આ પાણીવાળી ધરતી માથે શ્રી, સરસ્વતી, સૌંદર્ય, શક્તિ અને ભક્તિનો ભારે મેળ જામ્યો છે. એક લોકકવિએ કહ્યું છે તેમ –

સિંહ ગિરા મક મંદિરા,

નારી નીર નરા,

ખ્યાતાં બખાં બંદરા,

સોરઠ સંત સરા.

સોમનાથ અને દ્વારકા ભક્તિનાં પ્રતીક છે, તો ગિરિવર ગિરનાર નવનાથ અને ચોર્યાસી સિદ્ધોનું બેસણું ગણાયો છે. સૌરાષ્ટ્રના નાના-મોટા પહાડો-ડુંગરો તળેટીથી માંડીને ટોચ સુધી સાદુસંતોના બેસણાં બન્યાં છે.

કંઈક લંગોટધારી-ભભૂતધારી ખાખીબાવા અને નાથબાવા આ પહાડ, પાણી અને વનસ્પતિના આકર્ષણથી સૌરાષ્ટ્રમાં ઊતરી આવ્યા અને જગ્યાઓ બાંધીને રહ્યા. કેટલાય ભક્તો, સંતો ને વેરાગીઓ સંસારથી અળગા થઈને પહાડોની ગોદમાં કે નદીઓને કાંઠે આવી વસ્યા. સૌરાષ્ટ્રમાં એવી ધાર્મિક જગ્યાઓ અપરંપાર છે. બધા જ ભક્તો વૈરાગી ન હતા, એમાંના ઘણા સંસારી પણ હતા. બધા જ સંતો વાણીધારી ન હતા, એમાંના કેટલાય કર્મયોગી અને સેવાના દીક્ષાધારી પણ હતા. બધા સાધુઓ ભજનિક ન હતા, કેટલાક લોકસેવકો પણ હતા. આ સાધુ-સંતો કે ભક્તો લોકજીવનનો આધાર બન્યા હતા. આ સાધુ-સંતો જ્યાં-જ્યાં ફર્યા ત્યાં-ત્યાં તેમણે વર્ણાશ્રમના ભેદભાવ વિના સદાવ્રત ચાલુ કર્યાં, ધર્મશાળાઓ બાંધી અને રોગિયાંની સેવા ઉપાડી. તેમના બે પરમ સંસ્કાર એટલે અન્નદાન અને ગોસેવા. ધરમનું એકપણ સ્થાનક ગોશાળા વગરનું નહીં – સંતોની કોઈ જ જગ્યા રોટલા વગરની નહીં.

સંતોના શિષ્યો કે અનુયાયીઓની સેવાની શરૂઆત છાણવાસીદાથી થાય. પતિયાંનાં પસ-પરૂ ધોવાથી થાય. ફરતા ગામોમાંથી રોટલાની ભિક્ષાવૃત્તિથી થાય. ધર્મનો અને સેવાનો સૌને સમાન અધિકાર. આથી જ ગિરનારને એક છેડે ગુરુદત્તનું બેસણું છે, તો બીજે છેડે દાતારનાં આસન છે.

સૌરાષ્ટ્રના સંતોમાં એક બીજો સંસ્કાર દેખાય છે તે આ ધરતીના શૂરાતનનો. સૌરાષ્ટ્ર એટલે સમરાંગણની ધરતી. અનેક ભ્રમણશીલ જાતિઓ આ ભૂમિ પર ઊતરી છે. શૌર્યનો સંસ્કાર સંતોમાં પણ ઊતર્યો છે. ભક્તિ ખરી પણ જોરાવર. યુદ્ધમાં જેમ માથું લેતાં વાર ન લાગે, તેમ સંતો માથું ઉતારી દેતાં ન અચકાય. તેમની વાણીમાં પણ આ સંસ્કાર ઊતર્યો છે. એથી આ સંતો સાધકશૂરા કહેવાયા છે. કરપીણ ડાકુઓ માટે પણ સંતોનાં દ્વાર અહોનિશ ઉઘાડાં રહ્યાં છે. ભલભલા ડાકુઓની ડાકુગીરી છોડાવીને તેમને માનવધર્મની કંઠી બાંધી છે. જેમણે કંઠી નહોતી બાંધી એવા ભીમોજત, જોગીદાસ ખુમાણ, ચાંપરાજવાળા કે બાવાવાળા જેવા બહારવટિયા પણ એમની મર્યાદામાં ઊજળા શીલવાળા હતા.

સામે ગિસ્ત આવી હોય તો પણ હાથમાંથી માળા કે તસ્લી પૂરી કર્યા વગર છોડે નહીં. રસ્તે જતાં પરસ્ત્રીના રૂપ પર નજર પડી જાય તો વિકારને નીચોવી નાખવા આંખમાં મરચાં ભરીને સૂવે. ભક્તિના પ્રવાહે આ ભૂમિના બહારવટિયાઓને પણ ભીંજવ્યા છે. સંતોની સેવા અને ભક્તિપ્રવાહો માણસોને જેમ પાપ કરતાં પાછા વાળ્યા છે, તેમ જીવહિંસા છોડાવી છે. વહેમોનાં જાળાં તોડ્યા છે અને સદાચારનું પાલન કરાવી માનવધર્મનો સંસ્કાર પ્રબોધ્યો છે. નિરક્ષરતા વચ્ચે ક્ષર અને અક્ષરનો બોધ આપ્યો છે. અનીતિ અને અનાચારો સામે પ્રહારો કરીને લોકસંસ્કારમાં સત્-ધરમનું જતન કરીને સમાજસેવાની પગદંડી ચીંધી છે.

વિનોબાજીએ કહ્યું છે તેમ જ્યારથી માનવતાનો ઉગમ થયો ત્યારથી સંતોનો આવિર્ભાવ થયો છે. જેમ પરિભ્રમણ કરતી જાતિઓ સૌરાષ્ટ્રમાં આવી તેમ મહાપંથ, નાથપંથ અને કબીરપંથની ભક્તિત્રિવેણી પણ આ પ્રદેશે આવીને સ્થિર થઈ. દક્ષિણના રામાનુજ અને ઉત્તરના કબીરજીની સાધનાએ આ ભૂમિને પખાળી છે. મધ્યકાળમાં મારે તેની તલવારના જમાનામાં સૌરાષ્ટ્ર સચવાયું હોય તો તે આ સંતકવિઓનો પ્રતાપ છે.

વેદવાણી એ જેમ તે સમયની લોકવાણી હતી, તેમ સંતવાણી સૌરાષ્ટ્રના જીવનમાં નીતિ અને આચારધર્મ માટેનું એકમાત્ર આલંબન બની રહી હતી. સૌરાષ્ટ્રમાં સંતોનાં સ્થાનકો ચોક્કસ રીતે ક્યારથી શરૂ થયાં તે વિશે માહિતી ઓછી મળે છે. સેંકડો વર્ષોથી આ સ્થાનકો ઊભાં થતાં આવ્યાં હોય અને કાલાધીન ઘસારામાં વિલીન થઈ ગયાં હોય, એમ પણ બને. લોકોક્તિઓ તો કૃષ્ણભગવાનની પહેલાંથી અને ઠેઠ પાંડવોના વખતથી સ્થાનકો ચાલ્યાં આવતાં હોય તેમ કહે છે. ઋષિઓનાં અને પૌરાણિકપાત્રોનાં નામોના કૈંક અવશેષોનાં નામ અત્યારે પણ બોલાય છે અને બતાવાય છે. પૌરાણિક રીતે તે બરાબર હશે, પણ ઐતિહાસિક રીતે એનો તાળો મેળવવો મુશ્કેલ બને છે. એથી ઘણી વખત પુરાણો કે લોકોક્તિઓને આધારે જ આગળ ચાલવું પડે છે.

સમયના વહેણ સાથે સંતોની ઊજળી પરંપરા લુપ્ત થઈ છે. પણ તેના અવશેષો આ ભૂમિ પર પડ્યા છે. સંતો તથા ધાર્મિક સ્થાનકોનું આજે સૌથી મોટું કાર્ય નૈતિક અને આધ્યાત્મિક પુનરુત્થાનની સાથે માનવસેવાનું છે. સંતના સથવારે ગુંજેલાં એ પગલાં ફરી ગુંજતાં થાય તેવી ઇચ્છા સાથે આગામી માસથી સૌરાષ્ટ્રના લોકસંતોનો પરિચય આ લેખમાળામાં આપણે મેળવશું.

સદ્‌ગુરુ મેરે ગારૂડી,

કીધી મુજ પર મે’ર;

મોરો દીનો મરમનો,

ઊતરી ગયાં છે ઝેર.

Total Views: 425

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.