અદ્ભુત ત્યાગ
લક્ષ્મીનારાયણ નામના એક પૈસાદાર મારવાડી ગૃહસ્થ સત્સંગમાં રહેતા. તેઓ એક વખત દક્ષિણેશ્વરમાં પરમહંસનાં દર્શને આવ્યા અને તેમની સાથે ઘણી વાર સુધી વેદાંતની વાતો કરી. તેમની ધર્મચર્ચા અને વેદાંત સંબંધી વિચાર સાંભળીને લક્ષ્મીનારાયણ ઘણાં ખુશી થયા. છેવટે મહારાજ પાસેથી રજા માગતી વખતે બોલ્યા કે, ‘હું દશ હજાર રૂપિયા આપની સેવાને માટે આપવા માગું છું.’ આ વાત સાંભળી કે તુરત જ માથામાં જાણે ઝાટકો લાગ્યો હોય તેમ પરમહંસદેવ મૂર્છિત થઈ ગયા. થોડીવાર પછી ઘણી નારાજી બતાવીને બાળકની માફક તેને કહેવા લાગ્યા કે, ‘સાલા, તુમ યહાંસે અભી ઊઠ જાઓ. તુમ મુઝે માયાકા પ્રભોલન દિખાતે હો.’ મારવાડી ભક્ત ઝંખવાણા પડી જઈ, પરમહંસદેવને કહેવા લાગ્યા કે, ‘આપ અભી થોડે કચ્ચે હૈં.’ તેના જવાબમાં પરમહંસદેવે પૂછ્યું, ‘કૈસા હૂં?’ મારવાડી ભક્તે કહ્યું કે ‘મહાપુરુષ લોગોંકી બહુત ઉચ્ચ અવસ્થા હોનેસે ત્યાજ્ય ઔર ગ્રાહ્ય બરાબર એક સમાન હો જાતે હૈં. કોઈ કુછ દે અથવા લે ઉસસે ઉનકે ચિત્તમેં સંતોષ યા ક્ષોભ કુછ નહીં હોતા.’ પરમહંસદેવ એ વાત સાંભળીને જરા હસ્યા અને તેને સમજાવવા લાગ્યા કે, ‘જો અરીસામાં જરાય મેલનો ડાઘ હોય તો તેમાં મોઢું બરાબર દેખાય નહીં. જેનું મન ચોખ્ખું થયું છે તેના મન ઉપર કામિની-કાંચનનો ડાઘ પડે તે ઠીક નહીં.’ મારવાડી ભક્તે કહ્યું કે, ‘બહુ સારી વાત. હૃદય મુકરજી આપની સેવા કરે છે તેને નામે આપની સેવા માટે આ રૂપિયા રાખો.’ તેના જવાબમાં પરમહંસદેવ બોલ્યા કે, ‘ના, તે પણ બને નહીં. કારણ કે તેની પાસે પૈસા રહે ને કોઈ વખત હું કહું કે ફલાણાને કાંઈ દે અથવા કાંઈ ખરચ કરવાની મારી મરજી થાય અને તેની મરજી દેવાની ન થાય તેવે વખતે મારામાં સહેજે એવું અભિમાન આવી જાય કે આ પૈસા કાંઈ તારા નથી. આ તો મારે માટે દીધા છે. એવું થાય તે પણ ઠીક નહીં.’ મારવાડી ભક્ત પરમહંસદેવની આ વાત સાંભળી બહુ અચંબો પામ્યા અને બીજા કોઈનામાં ન જોયેલો એવો ત્યાગ પરમહંસદેવમાં જોઈને હદ ઉપરાંત ખુશી થયા અને પોતાના ઘેર ગયા.
ધનની વ્યર્થતા
એકવાર ગુરુનાનક બગદાદ ગયા. ત્યાંના શાસક ખલીફા અત્યાચારી હતા અને પ્રજાનું શોષણ કરીને રાજ્યનો ખજાનો ભરવામાં રાચતા હતા. ગુરુનાનક એક દિવસ આ ખલીફાને મળવા ગયા. પોતાની સાથે, કેટલાક પથ્થર-કાંકરા લઈ ગયા. પથ્થર-કાંકરા જોઈને ખલીફાએ નવાઈ સાથે પૂછ્યું, “આ શો બધો ખોટો પથારો લાવ્યા છો?” નાનકે શાંતિથી જવાબ વાળ્યો, “આ તો આપને મારી થાપણ સોંપવા આવ્યો છું.” ખલીફાએ પૂછ્યું, “તમારી થાપણ ક્યારે લઈ જશો?” નાનકે કહ્યું, “ક્યામતના દિવસે ખુદાના દરબારમાં આ અનામત સાથે લેતા આવજો.” સાંભળીને ખલીફાએ આશ્ચર્ય સાથે કહ્યું, “ભાઈ તમે શું વાત કરો છો? મૃત્યુ પછી કોઈ પાર્થિવ વસ્તુ પોતાની સાથે લઈ ગયો છે હું કે તમે લઈ જશો?”
ગુરુનાનકે ગંભીર સ્વરે કહ્યું, “ભાઈસાહેબ, મનેય ખબર છે કે મૃત્યુ પછી કોઈ કંઈ પોતાની સાથે લઈ જઈ શકતું નથી. ત્યાં તો ખુદા સામે ખાલીહાથે જ જવાનું છે અને પોતાનાં કાર્યોનો હિસાબ આપવો પડે છે. પણ ભાઈ તમે તો પ્રજાને ચૂસીચૂસીને ધન ભેગું કર્યું છે. તમારી પ્રજા ભૂખે મરે છે અને તમે તમારો ખજાનો ભર્યે રાખો છો! મૃત્યુ પછી આ બધી ધન-સંપત્તિ સાથે મારા થોડા પથ્થરાય લેતા આવજો.
ખલીફાની આંખ ઉઘડી ગઈ અને તે દિવસથી પ્રજાકલ્યાણ એ જ એનો ધર્મ બની ગયો.
Your Content Goes Here