જન્મજાત ગુરુ

શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ ભાગ ત્રીજો

ગુરુભાવ (પૂર્વાર્ધ)

લેખક: સ્વામી સારદાનંદ

(પ્રકાશક: શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, અનુવાદક: શ્રીમતી પ્રજ્ઞાબહેન શાહ, 1987)

પાકું પૂઠું: રૂ. 17, કાચું પૂઠું: રૂ. 14

ઈસુ ખ્રિસ્ત વિશેનાં ચાર કથામૃતોમાંથી સંત જોનનું કથામૃત કદમાં સૌથી નાનું પણ અસરમાં વેધક છે. અને એનું કારણ એ છે કે, પોતાના મોટાભાઈ જેય્મ્સની સાથે જોને, પોતાની કિશોરાવસ્થાથી ઈસુને જોયા સાંભળ્યા હતા. ઈસુની પાછળ ફરતાં વૃંદો સાથે ઈસુની પાછળ એ ફર્યા હતા અને ઈસુના પ્રથમ શિષ્યવૃંદમાંના એ એક બની ગયા હતા. શ્રીરામકૃષ્ણ પરમહંસનું જીવન આલેખનાર મેક્સમૂલરને કે રોમાં રોલાંને જે અલભ્ય લાભ મળ્યો ન હતો તે, શ્રીરામકૃષ્ણને નજીકથી નીરખવાનો તેમના શ્રીમુખેથી ઝરતાં વચનામૃતોનું પાન કરવાનો, તેમની તેજોમય ભાવવિભોર દશાને આશ્ચર્યવત્ જોવાનો, તેમના અંતેવાસી બનવાનો, તેમની સેવા કરવાનો તથા તેમના શિષ્ય બનવાનો અવર્ણનીય લહાવો શ્રી સારદાનંદને મળ્યો હતો. એટલે જ તો સારદાનંદની ભાષાનો રણકો જોનની ભાષાના રણકા જેવો – જો તેથી ચડિયાતો નહીં તો – છે.

‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ના આ ત્રીજા ભાગના આઠ અધ્યાયમાં લેખકે શ્રીરામકૃષ્ણના જન્મજાત ગુરુભાવનું સવિસ્તર, સદૃષ્ટાંત અને સાધાર આલેખન કર્યું છે. મોટાઈ વિશેના જાણીતા અંગ્રેજી કથનમાં થોડો ફેરફાર કરી એમ કહી શકાય કે, કેટલાક જન્મથી ગુરુ હોય છે, કેટલાક ગુરુપદ પ્રાપ્ત કરે છે અને કેટલાક પર ગુરુપદ ઠસાવી બેસાડવામાં આવે છે. શ્રીરામકૃષ્ણ, શ્રીશંકરાચાર્ય, ઈસુ વગેરેની માફક શ્રીરામકૃષ્ણ જન્મજાત ગુરુ હતા. સાંદીપનિ મુનિને આશ્રમે શ્રીકૃષ્ણ ભણવા ગયા હતા તેમ શ્રીરામકૃષ્ણ પણ ભૈરવી બ્રાહ્મણી, તોતાપુરી વગેરે પાસે શિષ્યભાવે બેઠા હતા. પરંતુ ચેલો જ ગુરુ કરતાં સવાયો પુરવાર થયો હતો. બ્રાહ્મણી અને તોતાપુરીજી બંને શ્રીરામકૃષ્ણ પાસેથી, પ્રત્યક્ષ કે પરોક્ષ, કશુંક નક્કર પામીને છૂટાં પડ્યાં હતાં. ગ્રંથને આરંભે મૂકેલા ‘હિંદુ ધર્મ અને શ્રીરામકૃષ્ણ’ નામક અદ્‌ભુત સુન્દર લેખમાં સ્વામી વિવેકાનંદ યોગ્ય રીતે જ જણાવે છે કે, ‘… અને સર્વોપરિ સનાતન ધર્મનાં જે સાર્વજનિક મર્મ અને વિશિષ્ટતા કાળક્રમે ભૂલાઈ ગયાં હતાં, તે સનાતન ધર્મમાં પોતાના અભૂતપૂર્વ જીવન દ્વારા પ્રાણ રેડવા ભગવાન શ્રીરામકૃષ્ણનો અવતાર થયો હતો.’ (પૃ. 4) એક વૈજ્ઞાનિકની શાસ્ત્રીય ઢબે અને પુરાવાઓ તેમજ હકીકતોની સામગ્રી તર્કબુદ્ધિરૂપે રજૂ કરીને સ્વામી શ્રીસારદાનંદ શ્રીરામકૃષ્ણની લોકોત્તરતાના આ ગ્રંથને પાને પાને, કંડિકાએ કંડિકાએ રજૂ કરે છે.

વયમાં પોતાના કરતાં 43 વર્ષ મોટાં, દક્ષિણેશ્વરના કાલિમંદિરનાં સ્થાપક અને દાતા તથા મંદિરના સર્વ વહીવટનાં વડાં રાણી રાસમણિ એકવાર મંદિરમાં આવી મહાકાલીની મૂર્તિ સમક્ષ હાથ જોડી, આંખો બંધ કરી પ્રાર્થના કરતાં બેઠાં છે. રાણીની જ ઇચ્છાથી બાજુમાં બેઠેલો અને ભજન ગાતો, તેમનો આશ્રિત એવો યુવાન પૂજારી – ‘છોટા ભટ્ટાચાર્ય’ – ભજન ગાતા અટકી જઈ, કેવળ એ જ વિચાર, અહીં પણ એ જ ચિન્તા?’ બોલી, રાણીના કોમળ અંગ ઉપર થપાટ ચોડી દે છે! (પૃ. 129) કેમ જાણે પોતે ‘મોટા’ ભટ્ટાચાર્ય અને રાણી નાની છોકરી હોય!

તે સમયે મંદિરમાં જે કોઈ કર્મચારીઓ, દાસદાસીઓ, દરવાનો વગેરે હતાં તે સૌ આ ઘટનાથી પ્રથમ તો સ્તબ્ધ થઈ ગયાં. પછી તેઓને ભાન આવ્યું ત્યારે રાણીને થપાટ મારનાર છોકરડા પૂજારીને પાંસરો કરવાનું ને નાના-મોટાનો ભેદ સમજાવવાનું ભાન આવ્યું. કોઈ ‘હેં હેં’ બોલે છે, કોઈ હાંફળા-ફાંફળા થાય છે, કોઈ છોટા ભટ્ટાચાર્યને પકડવા દોડે છે. પણ છોટા ભટ્ટાચાર્ય તો એ જ આત્મતુષ્ટ સ્થિતિમાં, મુખે એ જ અનિમિત્ત હાસ્ય; તેઓ તો પોતે કશું જ અયોગ્ય કર્યું છે તેના ભાનનો સદંતર અભાવ ધારણ કરી, રાણીની બાજુમાં બેસી, પૂર્વવત્ ભજન ગાઈ રહ્યા છે. આ બૂમરાણ સાંભળી રાણીએ આંખ ઉઘાડી. ગંભીર સ્વરે રાણીએ આજ્ઞા કરી: ‘ભટ્ટાચાર્ય મહારાજનો કશો વાંક નથી. તમે કોઈ તેમને કશું જ કહેશો નહીં.’ (પૃ. 129), કારણ ‘છોટા ભટ્ટાચાર્ય’ સાચા હતા. માતાજીની મૂર્તિ સામે રાણી હાથ જોડી બેઠાં હતાં એ સાચું પણ, એમનું ધ્યાન હતું કોઈ અગત્યના મુકદ્દમાના પરિણામની ચિંતામાં, શિષ્યનું મનોગત જાણી, શિષ્યને વિમાર્ગે જતાં રોકે ને સન્માર્ગે વાળે તે ગુરુ. ગુરુને વળી વયના બાધ કેવા?

નવ-દશ વર્ષની કાચી વયના હતા ત્યારથી શ્રીરામકૃષ્ણે પ્રગટપણે ગુરુભાવ દર્શાવવાનો આરંભ કર્યો હતો. પોતાના વતન કામારપુકુરના જમીનદાર લાહાબાબુને ત્યાં શ્રાદ્ધ પ્રસંગે પંડિતો વાદે ચડ્યા હતા ને બે પક્ષમાં વહેંચાઈ ગયા હતા. પ્રશ્નનું નિરાકરણ આવતું ન હતું, અને સૌની મતિ મુંઝાઈ હતી. ત્યારે એ કૂટ પ્રશ્નનું નિરાકરણ બાળ ગદાધરે લાવી દીધું હતું. (પૃ. 105)

‘સંસારમાં સરસો રહે, મન મારી પાસ’એ અખાની ઉક્તિને જાણે ચરિતાર્થ કરવા માટે જ શ્રીરામકૃષ્ણે લગ્ન કર્યાં હતાં. ગદાધરે પોતે જ જયરામવાટીના મુખોપાધ્યાયને ત્યાં માગું નાખવા સૂચન કર્યું હતું – પોતાનાથી 18 વર્ષ નાની કન્યા, શારદામણિ સાથે, એ જ સ્વીકારાયું હતું અને લગ્ન પછી પાછા તેઓ કલકત્તા જઈ સાધનામાં મગ્ન થઈ ગયા અને જાણે લગ્નની વાતને વીસરી જ ગયા. અનેક કષ્ટો વેઠી એ ‘પાગલ’ પતિ પાસે શારદામણિ આવ્યાં ત્યારે પતિના પ્રેમામૃતમાં નાહી રહ્યાં. જગતનાં પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ વરસાવનાર શ્રીરામકૃષ્ણ પત્નીને પ્રેમથી વંચિત રાખે એ કલ્પના જ થઈ શકે નહીં. પરંતુ, એ પ્રેમ વાસનાવિહીન, સ્વાર્થવિહીન, પ્રેમ હતો. શારદામણિને ગૃહિણી બનવાની અને સચિવ બનવાની પૂરી તાલીમ એ વિરક્ત પુરુષ પ્રેમથી આપે છે, તેમની સાથે ‘એક બિછાને શયન’ સુધ્ધાં કરે છે. (પૃ. 116) પરંતુ, મનવાણીવર્તનથી વિકારથી સર્વદા પર રહે છે. ‘સર્વભૂતેષુ’ જેમને જગન્માતા જ દેખાય છે તે પત્ની શારદામણીમાં ‘જગદંબાના સાક્ષાત્ આવિર્ભાવને પ્રત્યક્ષ કરીને શ્રી ષોડશી મહાવિદ્યાના રૂપમાં તેમનું પૂજન કરે છે’ (પૃ. 119). આમ શ્રી શારદામાનું ઘડતર કરી શ્રીરામકૃષ્ણ તેમના ગુરુ બને છે અને પોતાના અનન્યસાધારણ દાંપ્ત્ય દ્વારા દાંપ્ત્યનું એક સમુજ્જ્વલા દૃષ્ટાંત પૂરું પાડી, સમસ્ત જગતના ગુરુ બને છે.

એ જમાનાના સુપ્રસિદ્ધ બંગાળી નાટ્યકાર ગિરીશ ઘોષથી શ્રીરામકૃષ્ણે ચીંધ્યું કશું જ બની શકતું નથી, આખા દિવસમાં એક જ વાર ભગવાનનું નામ લેવાનું પણ નહીં. પરંતુ એમણે શરણું લીધું છે – શ્રીરામકૃષ્ણનું, અશરણશરણનું. ‘ઠીક, તો પછી મને મુખત્યારનામું આપી દે,’ કહી ઠાકુર સામેથી એની ભીડ ભાંગે છે. (પૃ. 5)

રાણી રાસમણિના જમાઈ અને રાણીના વહીવટદાર, શ્રી મથુરાનાથ વિશ્વાસને જે દિવ્યાનુભૂતિ પ્રાપ્ત થઈ તે વિશે અધ્યાય 6 અને 7માં વિગતવાર પ્રતીતિકર શબ્દોમાં લેખકે વર્ણવ્યું છે.

પરંતુ આ અષ્ટાધ્યાયી ગ્રંથનો આઠમો અધ્યાય ગ્રંથના મુકુટમણિ જેવો છે. એ અધ્યાયમાં શ્રીરામકૃષ્ણને તંત્રની સાધનાનો માર્ગ બતાવનાર ભૈરવી બ્રાહ્મણી અને નિર્વિકલ્પ સમાધિ દ્વારા અદ્વૈતાનુભૂતિ કરાવનાર નાગા સંન્યાસી તોતાપુરી બંનેને ગુરુભાવે, પણ પોતાની વિશિષ્ટતાભરી નમ્ર રીતે, એમના આધ્યાત્મિક જીવનમાં ખૂટતી કડી જોડી આપે છે. શ્રીરામકૃષ્ણની વિશિષ્ટ આધ્યાત્મિક શક્તિની આ ઘટનાઓ દ્યોતક છે, એટલે જ તો ગાર્ગી – શ્રીમતી મેરી લુઈ બર્ક – કહે છે કે, ‘શ્રીરામકૃષ્ણમાં આધ્યાત્મિક જ્ઞાનનો સંપૂર્ણ વ્યાપ હતો, આધ્યાત્મિક અનુભૂતિઓ અને વૃત્તિઓનાં બધાં જ સખંડો હતાં અને મુક્તિ માટેની કશી જ મર્યાદા વગરની અમોઘ શક્તિ હતી. [‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ (જૂન-1989), પૃ. 123].

દેહાભિમાન હતું પાશેર,

વિદ્યા ભણતાં વાધ્યું શેર;

ચર્ચા વદતાં તોલું થયો,

ગુરુ થયો ત્યાં મણમાં ગયો;

અખા, એમ હલકાથી ભારે હોય,

આત્મજ્ઞાન તે મૂળગું ખોય.

ગુરુ વિશે અખાએ આ છપ્પામાં જે ‘લક્ષણો’ ગણાવ્યાં છે. તેમાનું એક પણ શ્રીરામકૃષ્ણમાં ન હતું. પોતાના દેહસૌન્દર્યનું જરાય અભિમાન તો શું, ભાન પણ એમને ન હતું. વિદ્યા એ ભણ્યા ન હતા. કોઈ પંડિતસભામાં ચર્ચા કે વાદ કરી પોતાનો કક્કો ખરો કરવા – એમને મન બધા જ કક્કા ખરા હતા – તેથી ગયા ન હતા. પોતે કોઈના ગુરુ પણ છે એમ એઓ માનતા ન હતા. પ્રથમ નમન હંમેશાં એ પોતે જ કરતા. વિવિધ ધર્મો અને સંપ્રદાયોની આધ્યાત્મિક અનુભૂતિઓના સમગ્ર ઇન્દ્રચાપને અને ચાપ પારનું (અલ્ટ્રા અને ઇન્ફ્રા) પણ – પોતાનું કર્યું હતું. બધાં દર્શનોનાં, દિવ્ય જ્યોતિથી ઝળહળતાં, ઉચ્ચાવચ્ચ શિખરોને તેઓ સરળતાથી આંબી ગયા હતા. કોઈના પણ ગુરુ બનવા ન ઇચ્છતા શ્રીરામકૃષ્ણ જગદ્‌ગુરુ હતા, હતા નહીં, આજે પણ છે. સ્વામી વિવેકાનંદે યોગ્ય જ કહ્યું છે કે, શ્રીરામકૃષ્ણ ભૂતકાળના સર્વ યુગધર્મપ્રવર્તકોનું નવસંસ્કરણ પામેલું પ્રકટ સ્વરૂપ છે. (પૃ. 24), હા, આજે પણ એટલું જ પ્રકટ.

આ ગ્રંથમાં લેખકનું ઊંડુ શાસ્ત્રજ્ઞાન અને શાસ્ત્રીય દૃષ્ટિ, સંન્યાસીનો સંયમ અને ભક્તની લગન તથા ગુરુ પ્રત્યે પૂજ્યભાવ અને લોકસંગ્રહની દૃષ્ટિ રહેલાં જોવા મળે છે. રાણી રાસમણિને શ્રીરામકૃષ્ણ થપાટ મારે છે, પરસાળમાં ટહેલતા શ્રીરામકૃષ્ણમાં મથુરાનાથને બે જુદાજુદા દેવોનાં દર્શન થાય છે. ને દોડી આવી શ્રીરામકૃષ્ણને પાયે પડે છે, તોતાપુરી જળસમાધિના પ્રયત્નમાં નિષ્ફળ જાય છે, વગેરે એવી કે, અન્ય કોઈ ઘટનાના વર્ણનમાં લેખકની કલમ પૂરી ખીલી ઊઠે છે. આવાં વેધક શબ્દચિત્રોથી ગ્રંથ શોભી ઊઠે છે.

આવા સુંદર ગ્રંથનો સુવાચ્ય અનુવાદ ગુજરાતી વાચકને સુલભ કરી આપવા બદલ પ્રકાશક તથા અનુવાદક ધન્યવાદના અધિકારી છે.

  દુષ્યંત પંડ્યા, જામનગર

Total Views: 301
By Published On: November 1, 1989Categories: Sankalan0 CommentsTags: , , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram