રામકૃષ્ણ મઠ અને મિશનના સમાચાર

રાહતકાર્ય (સપ્ટેમ્બર ’89):

આસામના કાચાર અને કરીમગંજ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારના પૂરપીડિતોમાં લગભગ 3500 સાડી, 3500 ધોતી, 9000 વસ્ત્રો અને 500 ફાનસોનું વિતરણ થયું હતું. લગભગ 4000 લોકોને મફત દવાઓ તથા તબીબી સેવા અપાઈ હતી.

પં. બંગાળના મિદનાપુર જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારનાં પૂરપીડિતો માટે લગભગ 2500 સાડી, 2500 ધોતી, 3500 વસ્ત્રો, 125 કિ. દૂધપાઉડર અને 2000 કિ. ઘાસચારાનું વિતરણ થયું હતું.

મહારાષ્ટ્ર રાજ્યના રાયગઢ જિલ્લાના પૂર અને વાવાઝોડાગ્રસ્ત વિસ્તારના પરિવારોમાં લગભગ 1400 ધાબળા. 1300 પ્લાસ્ટીકની સાદડી વગેરેનું વિતરણ થયું હતું.

પુનર્વસવાટ કાર્ય (સપ્ટેમ્બર ’89):

પં. બંગાળના મિદનાપુર જિલ્લામાં રામનગરના વાવાઝોડાગ્રસ્ત લોકો માટે 59 મકાનોનું બાંધકામ ‘તમારું ઘર પોતે બાંધો’ એ યોજના હેઠળ ચાલુ છે.

બાંગલા દેશમાં ખુલના અને બાગેરહાટ જિલ્લામાં 156 મકાનોનું બાંધકામ પૂરું થયું હતું અને બે પ્રાથમિક શાળાઓનું સમારકામ કરવામાં આવ્યું હતું.

અરુણાચલ પ્રદેશ:

શ્રીરામકૃષ્ણ મિશન, નરોત્તમનગર શાળાના એક વિદ્યાર્થીએ રાજ્યકક્ષાના વિજ્ઞાન સેમિનારમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

પશ્ચિમ બંગાળ:

રામકૃષ્ણ મિશનના નરેન્દ્રપુર અને પુરુલિયાની શાળાના વિદ્યાર્થીઓએ માધ્યમિક પરીક્ષામાં આ પ્રમાણે સ્થાનો મેળવ્યાં છે:

પુરુલિયા – 2, 4, 8 અને 10 (બે વિદ્યાર્થીઓ) નરેન્દ્રપુર – 4, 11 અને 12

તામિલનાડુ:

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ કૉલેજ, મદ્રાસના બે વિદ્યાર્થીઓએ બી. એ. પરીક્ષામાં અર્થશાસ્ત્ર અને સંસ્કૃતમાં બીજું સ્થાન મેળવ્યું છે.

રામકૃષ્ણ મિશન આશ્રમ મદ્રાસની શાળાના આચાર્યશ્રીને 1989નો રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક અવૉર્ડ મળ્યો છે.

રામકૃષ્ણ મિશન ચેંગલપટ્ટની શાળાના આચાર્યશ્રીને 1989નો રાષ્ટ્રીય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક અ‍વૉર્ડ મળ્યો છે.

બિહાર:

રામકૃષ્ણ મિશન આશ્રમ રાંચીના દિવ્યાપન કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં, તા. 9થી 13 સપ્ટેમ્બર સુધી કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો, જેમાં દેશભરના 100 કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના અને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના લગભગ 200 વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (I CAR)ના અને રામકૃષ્ણ મિશન, રાંચીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ સેમિનારનું ઉદ્‌ઘાટન ભારતના રાજ્ય કક્ષાના કેન્દ્રીય કૃષિ અનુસંધાન મંત્રી શ્રી હરિકૃષ્ણ શાસ્ત્રીએ કર્યું હતું. રામકૃષ્ણ મિશન, લખનૌના સ્વામી શ્રીધરાનંદજી મહારાજે વૈજ્ઞાનિકોને સંબોધ્યા હતા.

મધ્યપ્રદેશ:

રામકૃષ્ણ મિશનના રાયપુર કેન્દ્રમાં 8 સપ્ટેમ્બરે સવારે વિશેષ પૂજા, ભજન, હવન અને સાંજે સ્વામી આત્માનંદજીને શ્રદ્ધાંજલિ અર્પવા એક સ્મૃતિ-સભાનું આયોજન થયું હતું. જેમાં લગભગ બે હજાર લોકોએ ભાગ લીધો હતો. મધ્યપ્રદેશના અન્ય ઘણાં શહેરોમાં (ભોપાલ, ઈન્દોર, ગ્વાલિયર, ભિલાઈ, બિલાસપુર વગેરે) અને દેશનાં અન્ય શહેરોમાં આવા કાર્યક્રમોનું આયોજન થયું હતું.

ગુજરાત:

શ્રીરામકૃષ્ણ સેવા કેન્દ્ર, આદિપુર (કચ્છ)

‘શ્રીરામકૃષ્ણ દેવના જીવન ને સંદેશ’ પર નિબંધ સ્પર્ધા યોજાઈ હતી. વિજેતાઓને પુરસ્કાર વિતરણ 26મી ઓગષ્ટે ગાંધીધામ કૉલેજિયેટ બોર્ડની પ્રમુખ શ્રીમતી કનલના હસ્તે કરવામાં આવ્યું હતું. દર શનિવારે સાંજે આ કેન્દ્રમાં સત્સંગનો કાર્યક્રમ રાબેતા મુજબ ચાલે છે.

શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિર, લીંબડી

22મી સપ્ટેમ્બરે “શ્રીરામકૃષ્ણ કથામૃત” પર પ્રવચન યોજાયું હતું.

શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદ કેન્દ્ર, અમદાવાદ

11મી ઑક્ટોબરે સાંજના 6-30 વાગ્યે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્રના ઉપક્રમે શ્રી ઠાકેરભાઈ દેસાઈ હોલમાં ગુજરાતના સન્માનીય રાજ્યપાલશ્રીના અધ્યક્ષપણા હેઠળ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે, ‘આજના સમાજમાં આધ્યાત્મિકતાનું મહત્ત્વ’ એ વિષય પર પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના સાન્નિધ્યમાં પ્રેરણાદાયી કાર્યક્રમો

રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ અને રામકૃષ્ણ મઠ, હૈદ્રાબાદના અધ્યક્ષ, સુખ્યાત વકતા અને વિદ્વાન લેખક શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ રાજકોટ આશ્રમની મુલાકાતે 12 અને 13મી ઑક્ટોબરે પધાર્યા હતા.

તેઓશ્રી 12 ઑક્ટોબરે સવારે 10-30 વાગ્યે રાજકોટ આશ્રમમાં પધાર્યા હતા. સાંજના 5-15થી 6-15 આશ્રમના શુભેચ્છકો અને ભક્તજનો સાથે અનૌપચારિક મિલન યોજ્યું હતું. ભાવિકજનોના આધ્યાત્મિક ઉન્નતિના પ્રશ્નોના ઉત્તર સ્વામીજીએ આપ્યા હતા. તે જ દિવસે સાંજના 7 વાગ્યે. ‘આપણા દૈનંદિન જીવનમાં શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોની સંગતતા અને આપણી રાષ્ટ્રીય એકતા’ એ વિષય પર જાહેર વ્યાખ્યાન હતું. આ વ્યાખ્યાનમાં તેમણે જણાવ્યું કે, શ્રીરામકૃષ્ણદેવના સર્વધર્મ સમન્વય અને શિવભાવે જીવસેવાના આદર્શને અનુસરવાથી આપણી અને રાષ્ટ્રની ઉન્નતિ શક્ય બનશે.

13મી ઑક્ટોબરે સવારે 8થી 12, 300 જેટલાં યુવા ભાઈ બહેનોનું યુવ-સંમેલન યોજાયું હતું. વિવિધ વિષયો પર યુવા ભાઈ-બહેનોએ પોતાના મંતવ્યો આપ્યાં હતાં. સ્વામી રંગનાથાનંદજીએ જણાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદનો સંદેશ યુવાનો માટે પ્રેરણાદાયી છે. આજના યુવાનો આપણા પાંચ હજાર વર્ષ જૂના ધર્મ-સંસ્કૃતિના અમૂલ્ય વારસાને સમજે. આત્મશ્રદ્ધા, ધૈર્ય, નૈતિક તાકાત, દૃઢ ચારિત્ર્ય દ્વારા ભારતનું ભાવિ નવોત્થાન કરે તેવી આકાંક્ષા યુવાનો પાસે તેમણે રાખી હતી. Be and makeના અને સૌની શિવભાવે જીવસેવાના આદર્શને આજના યુવાનો અનુસરે તો ભારતનું ભાવિ ઉજ્જવળ જ છે.

કાર્યક્રમને અંતે સ્વામીજીએ યુવા મિત્રોના કાર્યક્રમને અંતે સ્વામીજીએ યુવા મિત્રોના વિવિધ પ્રશ્નોના ઉત્તર આપીને યુવા-સંમેલનને રસદાયી અને પ્રેરણાદાયી બનાવ્યું હતું.

યુવાનોની માંગણીને ધ્યાનમાં લઈ 15મી ઑક્ટોબરથી શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટમાં દર રવિવારે સાંજના 4થી 5 દરમ્યાન યુવાન ભાઈઓ માટે “સ્વામી વિવેકાનંદ સ્ટડી સર્કલ” શરૂ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

સાંજના 4-45 થી 5-45 રાજકોટ શહેરના શિક્ષણવિદ્-શાળા-કૉલેજોના આચાર્ય, પ્રાધ્યાપકો, શિક્ષકો, સંચાલકો સાથે સંગોષ્ઠિ યોજાઈ હતી. સ્વામીજીએ જણાવ્યું કે શિક્ષક, વિદ્યાર્થી, સમાજ, રાષ્ટ્રના ઘડતરમાં મહત્ત્વનું પ્રદાન કરી શકે છે. શિક્ષક જ સમાજ પરિવર્તન લાવી શકે છે. આ માટે શિક્ષણ પ્રત્યે દૃઢ મનોબળ કેળવવાની જરૂર છે. સારા શિક્ષકો હજુ પણ નવસર્જન કરતા રહે છે. વિદ્યાર્થીઓને બીજાને માટે જીવતા કરવા અને દેશમાં જાગૃતિ લાવવાનું કામ શિક્ષકો જ કરી શકે છે. સ્વામી વિવેકાનંદનો જીવન-સંદેશ આ માટે પ્રેરણાદાયી છે.

13મીની સાંજની જાહેરસભામાં “આજના ભારતને સ્વામી વિવેકાનંદનો સંદેશ” એ વિષય પર બોલતાં સ્વામીજીએ જણાવ્યું કે, સ્વામી વિવેકાનંદના આદર્શો આજે પણ માર્ગદર્શક અને સૌને માટે કલ્યાણકારક છે. ગાંધીજીએ “દરિદ્ર નારાયણ” શબ્દ લોકપ્રિય બનાવ્યો, આ શબ્દ સ્વામીજીએ આપ્યો હતો. અસ્પૃશ્યતા નિવારણ ઝૂંબેશ એ સ્વામી વિવેકાનંદના આદર્શોનું જ પરિણામ છે. મંદિરમાં રહેલ મૂર્તિના ભગવાનને ભજવા કરતાં જીવંત મનુષ્યની પૂજા કરવી વધારે સારી છે. આપણી વિચિત્રતા એ છે કે, આપણે ભગવાનની મૂર્તિ સમક્ષ આંસુ સારીએ છીએ. પરંતુ પાડોશી કે પોતાના દેશબંધુઓની ઇર્ષ્યા કરીએ છીએ અને તેમનું નુકશાન કરીએ છીએ. ઇર્ષ્યા રાજકારણ, વિજ્ઞાન, શિક્ષણ જેવા સ્તરોમાં પણ પ્રવેશ કરી ગઈ છે, જે આપણી લોકશાહીને માટે ખતરારૂપ છે. ધર્મ કોઈ અંધશ્રદ્ધા નથી, તે વૈજ્ઞાનિક વિવેક દૃષ્ટિયુક્ત પથ છે. જે ધર્મ ભૂખ્યાંને અન્ન ન આપી શકે અને વિધવાના આંસુ લૂછી ન શકે તે ધર્મમાં હું માનતો નથી. સામાન્ય જનને ઉચ્ચવર્ણોએ નિર્માલ્ય અને નિર્બળ બનાવી દીધા, તેજ આપણા સર્વાંગી પતનનું કારણ છે. બીજાનાં સ્વત્વ અને અસ્મિતા જગાડવાનું કાર્ય કરીશું તો આપણું અને રાષ્ટ્રનું કલ્યાણ દૂર નથી. આમ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના સાંનિધ્યમાં બે દિવસના કાર્યક્રમો પ્રેરણાદાયી બની ગયા.

રાહત કાર્યો:

ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં પૂરપીડિત લોકોને 29 અને 30 સપ્ટેમ્બરે રાહત સેવા શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા પહોંચાડવામાં આવી હતી. સેવા કાર્યમાં 4200 કિલો બાજરી, 602 કિલો મગ, 202 ધોતી, 202 કાપડના પીસ, 208 સાડી, 208 ટુકડા પોપલીન, 420 ચાદરનું વિતરણ થયું હતું. 420 નંગ થાળી અને વાટકા પણ આપવામાં આવેલ. નાનાં બાળકો માટે 200 ચિત્રાંકિત પુસ્તકો અને સ્વામી વિવેકાનંદજીના 227 ચિત્રો આપવામાં આવ્યાં હતાં. આ સેવાકાર્ય હેઠળ ગોધરા તાલુકાના મોટી ટીંબા, મોટી કાટડી, ગોઠડા અને રતનપુર ગામના 210 કુટુંબોનાં 1153 કુટુંબીજનો લાભાન્વિત થયા હતા.

Total Views: 406

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.