(ગતાંકથી આગળ)

યજ્ઞનું નવું રૂપ – કર્મયોગ: આગળ આપણે કહી ગયા કે કર્મયોગના રૂપમાં ગીતા આપણને એક એવું રસાયન બક્ષે છે કે જે કર્મોના સ્વાભાવિક ઝેરને ચૂસી લે છે. આપણે તો રાતદિવસ કર્મમાં જ ગળાડૂબ રહ્યા કરીએ છીએ. આપણે જીવવા માટે ખટપટો અને દોડાદોડી કરવી પડે છે. આવા કર્મસંકુલ જીવનમાં આપણે ભલા ઉચ્ચતર જીવનનું ચિંતન તો કેવી રીતે કરી શકીએ? ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે આ રસાયન એવું છે કે જે મનુષ્યને માટે, એવી ખટપટી, દોડાદોડી અને જીવનમાં મૂળ ઘાલી બેઠેલી વ્યસ્તતામાંથી ઊગરીને ઊંચે ઊઠવાનું સાધન બની શકે છે. મજૂર કોદાળીથી જમીન ખોદે છે, ખેડૂત ખેતરમાં હળ ચલાવે છે, શિક્ષક ભણાવે છે, વેપારી વેપાર કરે છે, સ્ત્રીઓ ઘરમાં રસોઈ પકાવે છે અને અધિકારીઓ જુદાંજુદાં વહીવટી કર્મો કરે છે – આ બધાં પ્રકારનાં કાર્યો, ગીતામાં દર્શાવેલા રસાયનના માધ્યમથી જીવનના લક્ષ્યનાં સાધન બની શકે છે.

ઈશાવાસ્ય ઉપનિષદ્‌માં આ પ્રકારનો કેવળ એક ઈશારો જોવા મળે છે. ત્યાં શિષ્ય આગળ એક સિદ્ધાંતનું પ્રતિપાદન કરતાં ગુરુ કહે છે:

“ईशावास्यमिदं सर्वं यत्किं च जगत्यां जगत् ।

तेन त्यक्तेन भुंजीथा मा गृधः कस्यस्विद् धनम् ॥”

‘આ આખું જગત ઈશ્વરનું બેઠકખાનું છે. આવો જ ભાવ ત્યાગનું મૂળ છે. આ જ્ઞાન જીવનમાં ધારણ કરીને બધાં કર્તવ્યકર્મો કરતા રહો અને પરાયા ધનની લાલચ કરશો નહિ.’ ઈશાવાસ્ય ઉપનિષદ્‌માં આ જે સિદ્ધાંતબીજ ઢબુરાયેલું પડ્યું હતું, એનો જ વિસ્તાર ગીતામાં કરવામાં આવ્યો છે. અહીં આપણને યજ્ઞનું એક નવું રૂપ જોવા મળે છે. શ્રીકૃષ્ણના મત અનુસાર આપણા શરીરની દરેક ક્રિયા, આપણા મનનું દરેક સ્વંસ્પપદન પણ યજ્ઞનું રૂપ ધારણ કરી શકે છે. પણ એ ત્યારે બની શકે છે કે જો એ બધી ક્રિયાઓ અને બધા વિચારોની પાછળ એ બધું ઈશ્વરને સમર્પિત કરી દેવાની ભાવના હોય. અને એટલા જ માટે દરેક કાર્યને યજ્ઞ બનાવી દેવાનો નિર્દેશ કરતાં તેઓ અર્જુનને કહે છે:

यज्ञार्थात् कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबंधनः ।

तदर्थं कर्म कौन्तेय मुक्तसंगः समाचर ॥ (3/9)

‘હે કૌન્ત્યે, યજ્ઞની ભાવના કે હેતુ વગર જે કર્મો કરવામાં આવે છે, તે બધાં બંધનકારક હોય છે. એટલે તું જે કર્મ કરીશ, તે યજ્ઞભાવનાથી જ કરજે અને આ રીતે આસક્તિરહિત થઈને વર્તન કરજે! યજ્ઞભાવનાથી કર્મ કરવાનું તાત્પર્ય શું છે? – ભગવત્સમર્પિત બુદ્ધિથી કર્મ કરવું તે. તો શું બધાં જ પ્રકારનાં કર્મો યજ્ઞ બની શકે ખરાં કે? શું દુષ્કર્મો પણ ભગવાનને સમર્પિત કરી શકાય ખરા? આનું સમાધાન રજૂ કરતાં કૃષ્ણ કહે છે:

किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः ।

तत्ते कर्म प्रवक्ष्यामि यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात् ॥ (8/16)

‘હે પાર્થ, કર્મ શું છે અને અકર્મ શું છે, આ બાબતમાં બુદ્ધિમાન લોકોય ભ્રમિત છે એટલે હું તને કર્મનો મર્મ સમજાવું છું. એ જાણીને તું અશુભથી મુક્ત થઈ જઈશ.’

कर्मणो ह्यपि बोद्धव्यं बोद्धव्यं च विकर्मणः ।

अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गतिः ॥ (8/17)

‘કર્મને સમજ, વિકર્મને સમજ અને અકર્મનેય સમજી લે. કારણ કે કર્મની ગતિ ગહન છે.’ એટલે કર્મનાં ત્રણ રૂપ છે: કર્મ, અકર્મ અને વિકર્મ. શાસ્ત્રનિંદિત અને અવળાં કે અશુભ કર્મોને વિકર્મ કહેવામાં આવે છે. જે કર્મને સમાજ સારું ન માને અથવા આપણે જે કર્મને નૈતિક દૃષ્ટિએ સારું ન માનીએ એ ‘વિકર્મ’ છે. જે કર્મોમાં મુખ્યત્વે જડતા, આળસ, તમોગુણ સમાયેલ હોય અને શુભકર્મનો સદંતર અભાવ હોય અને જેમાં વ્યક્તિ પ્રમાદી અને કઠોર બની રહે તે કર્મ ‘અકર્મ’ કહેવાય છે. શુભ, ઉચિત અને કરવા યોગ્ય કર્મને ‘કર્મ’ કહેવામાં આવે છે. કૃષ્ણ કહે છે કે ‘અકર્મ’ અને ‘વિકર્મ’થી બચો. અને કરવા યોગ્ય કર્તવ્ય કર્મ કરો. સમાજ અને રાષ્ટ્રને તેમજ પોતાને પણ હાનિકારક કર્મો ન કરવાં જોઈએ. હકીકતમાં તો જે માણસ સમાજને અને રાષ્ટ્રને છેતરે છે, તે સૌથી પહેલાં તો પોતે પોતાને જ છેતરે છે. એવો માણસ આ તથ્યને સમજી શકતો નથી અને પોતે જ પોતાના પગ પર કુહાડી મારે છે. આવો માણસ પોતે પોતાની હિંસા કરનારો – આત્માઘાતી – હોય છે. આ તો એક અટલ નિયમ છે કે જે કાર્યો સમાજનાં અને રાષ્ટ્રનાં વિરોધી હોય છે તે સૌથી પહેલાં તો આત્મવિરોધી હોય છે. એટલા માટે શ્રીકૃષ્ણ ઉપદેશ આપે છે:

उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् ।

आत्मैवह्यात्मनो बंधुरात्मैव रिपुरात्मनः ॥ (6/5)

‘માણસે પોતે જ પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ. એણે પોતાને નીચો ન પડવા દેવો જોઈએ. કારણ કે એ પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે.’ ખરી રીતે માણસ પોતે જ પોતાને ઉન્નત કરે છે અને પોતે જ પોતાને નીચો પણ પાડે છે. લોકો પોતાની નિષ્ફળતાનું દોષારોપણ સંજોગો અને સંબંધીઓને શિરે અવારનવાર ઠોકી બેસાડતા હોય છે. પણ આ સાચું નથી. ખરી રીતે તો આપણે પોતે જ આપણા એ પતનનું કારણ બનતા હોઈએ છીએ. એમ જ આપણે પોતાને ઊંચે પણ લઈ જતા હોઈએ છીએ. જે વ્યક્તિ પોતે પોતાને ઊંચે લઈ જાય છે, તે પોતાનો મિત્ર છે અને જે પોતે પોતાને નીચે પાડે છે તે પોતાનો શત્રુ બની જાય છે. એટલા માટે ભગવાન એવાં કર્મો કરવાનો ઉપદેશ આપે છે કે જે કરવા યોગ્ય છે અને એવાં કર્મોનો તિરસ્કાર કરે છે કે જેનાથી સમાજ અને રાષ્ટ્રને નુકસાન થતું હોય. તેઓ ‘અકર્મ’ અને ‘વિકર્મ’થી બચવાની સલાહ આપે છે. સંજોગવશાત્ જે કર્મો આપણને પ્રાપ્ત થયાં હોય તેમને ઈશ્વરાર્પણબુદ્ધિથી કરવામાં આવે તો તે યજ્ઞ બની જાય છે. આનાં કર્મો બંધનકારક રહેતાં નથી. પણ એ આપણને ઊંચે લઈ જાય છે. જ્યારે આવો અભ્યાસ સધાય, ત્યારે આપણા શરીરની પ્રત્યેક ક્રિયા યજ્ઞમય થઈ જાય છે:

पश्यन् श्रृण्वन् स्पृशन् जिघ्रन्, अश्नन् गच्छन् स्वपन् श्वसन् ।

प्रलपन् विसृजन् गृह्णन्, उन्मिषन् निमिषन् अपि ॥ (5/8)

‘આપણું જોવું, સાંભળવું, સ્પર્શ કરવો, સૂંઘવું, ખાવું, ચાલવું, સૂવું, શ્વાસ લેવો, બોલવું, છોડવું, લેવું – આ બધું જ યજ્ઞમય બની જાય છે. અરે, એક મટકું મારવા જેવી સાધારણ ક્રિયા, કે જેની આપણને ખબરેય હોતી નથી, તે પણ યજ્ઞસ્વરૂપ બની જાય છે. કૃષ્ણ કહે છે:

ब्रह्मण्याधाय कर्माणि संगं त्यक्त्वा करोति यः ।

लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा ॥ (5/10)

‘જે માણસ બ્રહ્મને આશ્રય-આધાર માનીને, આસક્તિ છોડીને, કર્તવ્યકર્મ કરે છે, એ માણસ પાણીમાં રહેલા કમળપત્રની પેઠે નિર્લેપ રહે છે.’ આ જ ગીતાની ચરમાવસ્થા છે, આ જ બ્રહ્મનિષ્ઠા છે, આ જ સ્થિતપ્રજ્ઞતાની સ્થિતિ છે.

માણસ સંસારમાં રહીને શાંતિ ચાહે છે. પણ સંસાર તો એવી જગ્યા છે કે જ્યાં અશાંતિનાં જ વાવાઝોડાં આવ્યા કરે છે, ત્યાં તો અશાંતિની ઘુમરીઓ જ ઊઠ્યા કરે છે! આવા દુઃખપૂર્ણ સંસારમાં માણસ એવું સુખ ઇચ્છે છે કે જે ક્યારેય એનો પીછો છોડે નહિ. આવી પરિસ્થિતિમાં ગીતા આવીને આપણને રસ્તો બતાવે છે. એ કહે છે કે આ સંસાર ઝંઝટો અને ઊહાપોહોથી ભરેલો તો છે જ, છતાં પણ અશાંતિના ઝંઝાવાતોથી ભરેલા આ સંસારમાં પણ તમને શાંતિ મળી શકે છે. પણ એ માટે તમારે તમારો દૃષ્ટિકોણ બદલવો પડશે. તમે જે દૃષ્ટિથી આજે તમારાં કર્મો પતાવી રહ્યા છો, એમાં ધરમૂળથી પરિવર્તન કરવું પડશે. જ્યારે દોરાઈને તમારાં કાર્યો કરશો ત્યારે આ સંસાર તારે માટે ઝંઝટ કે બોજાના રૂપમાં રહેશે નહિ. ત્યારે તો એ આનંદ અને સુખની ખાણ બની જશે.

કોઈ બાપ બજારને રસ્તેથી ઘેર પાછો ફરે છે. બજારમાંની રંગબેરંગી કપડાંની દુકાનો એનું ધ્યાન ખેંચે છે. દુકાનમાં જઈને પોતાના દીકરા માટે કોઈક ચીજની તપાસ કરવાનું એ વિચારે છે. પછી દુકાનમાં જઈને પોતાના દીકરા માટે એ કપડું ખરીદી લે છે. દીકરાએ તો એ ખરીદવા માટે બાપને કંઈ કહ્યું તો ન હતું. છતાં બાપે પોતે જ પોતાના દીકરા તરફના પ્રેમ અને આકર્ષણને લીધે દુકાનમાં જઈને કપડું ખરીદી લીધું. આ ખરીદીમાં એને પોતાની ખાસ્સી કમાણીનો ખર્ચ કરવા માટે કશોય વસવસો થતો નથી. પણ એને તો ઊલટો આનંદ થાય છે, કારણ કે એની પાછળ સ્નેહની પ્રેરણા કામ કરી રહી હોય છે. જો દીકરાએ બાપને એ લાવવાનું કહ્યું હોત અને એ બાપે એને પોતાનું કર્તવ્ય સમજીને પૂર્ણ કર્યું હોત તો એને આટલો આનંદ ન થાત. વ્યક્તિ જો કર્તવ્યની ભાવનાથી કર્મો પૂરાં કરે તો એમાં ભારેપણું આવી જાય છે. ગીતા પ્રમાણે ‘ડ્યુટી ફર ડ્યુટીઝ સેક’ – ‘કર્તવ્ય માટે કર્તવ્ય’ની ભાવના ઉચિત નથી. કારણ કે એમાં એક પ્રકારનું સંઘર્ષણ કે ટકરાવ વર્તાય છે, એમાં બળપૂર્વક કાર્ય કરવું પડે છે અને એથી સુખ સાંપડતું નથી. ગીતા ‘કર્તવ્ય માટે કર્તવ્ય’ને બદલે પૂજાના ભાવથી, યજ્ઞના ભાવથી કર્મ કરવાનો ઉપદેશ આપે છે. એ કહે છે કે તમે તમારું બધું કંઈ ઈશ્વરની પ્રસન્નતા મેળવવા કરો. જ્યારે ઈશ્વરના સંતોષ માટે કર્મ કરવામાં આવે ત્યારે કર્મનો બોજો લાગતો નથી. જીવનની ગાડીમાં સંઘર્ષ તો ત્યારે પેદા થાય છે કે જ્યારે એનાં પૈડાંમાં સ્નેહનું તેલ ન લાગ્યું હોય. જ્યારે એમાં પ્રેમરૂપી તેલ લાગે છે ત્યારે સંઘર્ષ મટી જાય છે. આવો પ્રેમભાવ જો ઈશ્વર પ્રત્યે થઈ જાય તો આપણું બધું કર્મ એમની પૂજા જ બની જશે. ત્યારે આપણે કહી ઊઠીએ છીએ કે ‘હે પ્રભુ હું તારી પ્રસન્નતા માટે જ આ કામ કરી રહ્યો છું. જે કર્મ તેં મારે માટે નક્કી કર્યું છે, એને હું મારી પૂરેપૂરી શક્તિ અને કુશળતાથી કરીશ. પણ એનું બધું ફળાફળ તારાં ચરણોમાં જ સમર્પિત છે.’ આ યોગીની ભાષા છે. (ક્રમશ:)

  ભાષાંતરકાર: શ્રી કેશવલાલ શાસ્ત્રી

Total Views: 454

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.