[શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલો તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને 1895માં પોતાના ગુરુભાઈઓને પત્રમાં લખ્યું હતું. “હમણાં જ મેં અક્ષયનું પુસ્તક વાંચ્યું. તેને મારા તરફથી પ્રેમપૂર્વકના લાખો આલિંગનો આપજો. તેની કલમ દ્વારા શ્રીરામકૃષ્ણ પોતાને વ્યક્ત કરે છે. આ ગ્રંથના થોડા અંશો અમે જુલાઈના અંકમાં પ્રગટ કર્યા હતા. અહીં આ ગ્રંથમાં આપેલ મા શારદાદેવીની સ્તુતિના અંશો, મા શારદાદેવીની જન્મતિથિ પ્રસંગે રજૂ કરીએ છીએ.]

જય જય રામકૃષ્ણ વાંછા કલ્પતરુ;

જય જય ભગવાન જગતના ગુરુ,

જય જય રામકૃષ્ણ તણા ભક્ત ગણ;

યાચું રજ ચોટેલી એ સહુને ચરણ.

રામકૃષ્ણ પુરાણ કથા આ શાંતિદાતા;

આટલા દી પછી ઘેર પામ્યો ગુરુમાતા.

શ્રીગુરુની સાથે જડી ગુરુમાની કથા;

હીરા કેરું નંગ જડ્યું સુવર્ણમાં યથા.

તેની ચારે બાજુ જાણે મોતીની ગૂંથણી;

જેવી શ્રેણી ભક્ત ગણ – ગુણગાન તણી.

જય જય ગુરુમાતા જગત જનની;

જય બ્રહ્મ સનાતની પતિત પાવની.

આદ્ય શક્તિ મહામાયા ઈશ્વરી પાર્વતી;

અંતર્યામી માતા સ્વીકારો પ્રણતિ.

તારો તો મહિમા ગાતાં ગયાં તંત્રો હારી;

માયા અંધ ગાઈ શકું કથા કેમ તારી.

અનંત રૂપિણી તું અપાર સિંધુવત;

અવતારો બિંદુ જેવા તવ અંતર્ગત.

મહાન પ્રકૃતિ સતી વિચારથી પાર;

બ્રહ્માંડ – આધેય શક્તિ બ્રહ્માંડ આધાર.

મહાલીલા સ્વરૂપિણી સરવનું મૂળ;

કારણ કરમ ફળ, સૂક્ષ્મ તથા સ્થૂળ.

લીલા પ્રકાશિકા ભક્તિ જ્ઞાનનું કારણ;

ચૈતન્ય રૂપિણી ચિત્ત-અંધાર નાશન.

ગુરુપદ – પ્રદર્શિત કુલકુંડલિની;

જય માતા રામકૃષ્ણ-ભક્તિ-પ્રદાયિની.

આવી એ મહાન માતા માયા વાસ કરે;

પંચમ વર્ષીયા રૂપે બ્રાહ્મણને ઘરે.

માનવ સમાન ભલે દેહ આદિ તારાં;

પણ માયામૂઢ જેવી નહિ કાર્યધારા.

ગમે તે હો તમે માતા, વિચાર શા કાજે;

તમારાં ચરણ રહો માત્ર હૈયા માઝે.

આવી માતા વિદ્યમાન એ શ્રદ્ધાને બળે;

અતિ સુખ દેખું સપ્ત સ્વર્ગ ને પાતાળે.

ચરણ યુગલ જ્યારે હૃદયમાં આણું;

બ્રહ્મા વિષ્ણુ મહેશને કાંઈ નવ ગણું.

થયે તવ આજ્ઞા માતા પૃથ્વીને ઉપાડું;

ઉત્તરનો હિમાલય દક્ષિણે બેસાડું.

ભૂતલે બેઠો હું ધરું ગગનનો ચંદ્ર;

વાયુ સુત સાથે કરી શકું યુદ્ધ દ્વંદ્વ.

કૃષ્ણાર્જુન તણો રથ ખોટકાવી નાખું;

ઊંધું ચત્તું કરી નાખું બ્રહ્માંડ આ આખું.

પાષાણનંદિની રીતિ છોડી નવ શકો;

પોતાનાં કે પરનો વિચાર નવ રાખો.

ક્યાંય નવ દેખું સુણું તવ સમ માતા;

પોતે જ કપાવા દીઓ સંતાનનાં માથાં.

નથી યાદ જનની શું ગણેશ કહાણી;

લોકો કહે માથું તેનું કાપનારો શનિ.

શનિની તાકાત શી તે આવે સ્કંદ પાસે;

તમારી સંમતિ વિના કેમ માથું કાપે.

જેહ કાળ હતો દક્ષ પિતાજી આપનો;

તેની સાથે કર્યો વરતાવ શી છાપનો.

ભૂતડાં બોલાવી માથું કાપી નાખ્યું ભોંયે;

માતાનું શું થશે એનો ખ્યાલ કર્યો ન્હોયે.

કાપ્યું માથું તોય નવ સંતોષ આપને;

લોકો હસે, ચોડ્યું માથું અજનું ગર્દને.

ભક્તો ઉપર દયા, એય ખબ જાણી;

યાદ કરી જુઓ તમે લંકાની કહાણી.

રાવણે જીવનભર પૂજા કરી હતી;

તેથી કોઈ રહીયું ન વંશે દેવા બત્તી.

આ વેળાએ અવતાર ગુપ્ત; અનુમાનું;

તેથી આપો આટલું જનની સહવાનું.

જપે તપે યોગી જેને પામે નવ ધ્યાને;

એ જ તમે માતા થઈ રહ્યાં વિદ્યમાને.

સામે જ આવ્યાં છો તેથી બધું દુઃખ કહું;

માનું બળ થઈ શાને જરા પણ સહું.

ગૃહીઓ અમસ્થા જાણે પરના,

તમે જ કર્યા છે ગૃહી નાખી માયા બેડી;

ફેરાવો ઘાણીના બેલ પેઠે દયા છોડી.

દોડી દોડી મરી, નહિ પેટે ખાવા ભાત;

અધૂરામાં પૂરા સાથે કઠોર આઘાત.

કેવો આ વિચાર તવ કળી ન શકાય;

એક બાળ ગોદે, એક ધૂળમાં રોળાય.

માવતર માટે આવું સારું ન કહેવાય;

આવી રીતે વરતે કયા દેશ તણી માય.

માતાની આ રીત નહિ, કેટલુંક સહું;

મુખર્જીના ખેતરમાંથી વાઢ્યા ક્યારે ઘઉં?

ઇચ્છામયી માતા તમે જગતપાલિકા;

નમો નમો શ્યામાસુતા બ્રાહ્મણબાલિકા.

કરું નિવેદન એક ચરણયુગલે;

દુઃખ ભલે પડે પણ ચિત્ત ન બદલે.

ફરિયાદે માની પાસે, યદી મારે માય;

પાસે ઊભું રડે બાળ, બીજે નવ જાય.

તેમ જ રે’વાની માગ તવ પાસ કરું;

મા કહીને તમ પાસે રડતો હું ફરું.

શી સરસ નરલીલા જાઉં બલિહારી;

અનાદિ પરમાશક્તિ સ્થિતિ લયકારી.

પંચમવર્ષીયા માત્ર બાલિકા આભાસે;

ખેલતાં ફરો ગરીબ દ્વિજને આવાસે.

લોકો માત્ર જાણે તમે મુખર્જીનંદિની;

સુણો રામકૃષ્ણ – કથા અદ્‌ભુતરંગિની.

Total Views: 109
By Published On: December 1, 1989Categories: Akshaykumar Sen0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram