23મી ડિસેમ્બરે મહાપુરુષ મહારાજની જન્મતિથિ પ્રસંગે

[શ્રીમત્ સ્વામી શિવાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના એક અંતરંગ પાર્ષદ હતા. અને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના બીજા મહાધ્યક્ષ હતા. સ્વામી વિવેકાનંદજી તેમની મહાનતાથી પ્રભાવિત થઈ તેમને ‘મહાપુરુષ’ કહીને બોલાવતા. માટે ભક્તો અને સંન્યાસીઓ પણ તેમને ‘મહાપુરુષ મહારાજ’ તરીકે જ ઓળખે છે. ભક્તો અને સંન્યાસીઓની સાથે થયેલા તેમના ધર્માલાપ બંગાળી પુસ્તક ‘શિવાનંદ વાણી’ માં સંગ્રહીત કરવામાં આવ્યા છે. એ પુસ્તકનું ભાષાન્તર ડૉ. કમલકાન્ત તથા શ્રીમતી શાન્તિબહેન દીધે કરી રહ્યા છે. તેનો થોડા અંશો અહીં રજૂ કરવામાં આવે છે.]

ઉટાકામંડ – 1926

પૂજ્યપાદ શ્રી મહાપુરુષ મહારાજ મદ્રાસથી 4થી જૂને નીલગિરિ પર્વત પર આવ્યા અન ત્યાં દક્ષિણના પ્રસિદ્ધ તીર્થ બાલાજી (તિરૂપતિ)ના મહંત મહારાજના ગ્રીષ્મ નિવાસ – શ્રી હાથીરામજી મઠ નામના બંગલામાં રહ્યા. ઉટાકામંડનાં હવાપાણી ઘણાં સારાં અને પ્રાકૃતિક દૃશ્ય પણ અતિ મનોરમ. સમુદ્રની સપાટીથી આઠ હજાર ફૂટની ઊંચાઈ પર આ સ્થળ આવેલ છે. રાજ્યપાલનું ગ્રીષ્મ નિવાસ સ્થાન છે. 1924ના મે માસના પ્રથમ ભાગમાં શ્રી મહાપુરુષ મહારાજ પહેલાં પણ એક વાર નીલગિરિ પર્વત પર આવ્યા હતા. ઉટાકામંડથી દસબાર માઈલ નીચે કુતૂર નામના સ્થળે કેટલાક મહિના રહ્યા હતા. તે દરમિયાનમાં તેઓએ ઉટાકામંડમાં શ્રીરામકૃષ્ણ આશ્રમનો શિલાન્યાસ કર્યો હતો.

ઉટાકામંડમાં આવ્યા પછી શ્રી મહાપુરુષ મહારાજ ઘણુંખરું એકાકી, અને પોતાના ભાવમાં મસ્ત રહેતા – લોકસંપર્ક મોટા ભાગે પસંદ કરતા નહિ. પરંતુ સ્થાનિક ભક્તો રોજ સાંજે એમની પાસે આવે તથા જુદા જુદા પ્રકારના ધર્મપ્રસંગોનું શ્રવણ કરે અને તેમના પવિત્ર આશીર્વાદ ગ્રહણ કરીને સંતુષ્ટ હૃદયે પાછા જાય. એમના ભગવદ્ભાવથી આકર્ષાઈ ભક્તોની સંખ્યા ધીમે ધીમે વધતી જાય છે. ભક્ત સમાગમ સિવાયના બાકીના સમયે તેઓ આત્મારામ થઈને જાણે કે ચિદાનંદ-સાગરમાં નિમગ્ન રહે છે.

દિવસે દિવસે બાહ્ય જગતથી એમનું મન ઊઠી જતું હતું અને ધીમે ધીમે તેઓ ખૂબ ગંભીર અને અતંર્મુખ થઈ જતા હતા. સાધારણ વાતચીત અથવા હળવા-મળવાનું જે કાંઈ થતું તે માત્ર સરળ નિર્મળ સ્વભાવનાં પહાડી પ્રદેશનાં બાળકો સાથે રોજ રોજ સવારે અને સાંજે જ્યારે તેઓ એકલા ફરવા જતા હતા ત્યારે સાથે થોડા પૈસા અને ખાદ્યપદાર્થ લઈ જતા હતા. રસ્તામાં એ પૈસા અને ખાવાનું નાનાં નાનાં પહાડી બાળકોમાં વહેંચતા, તેમની સાથે તેઓ એવી સહજતાથી હળીમળી જતા જાણે તેઓ તેમની ઉંમરના જ હોય.

શ્રી હાથીરામ મઠના પોતાના ખંડમાં જ્યારે તેઓ એકલા બેસતા ત્યારે મોટા ભાગના સમયે મુદ્રિત-સ્થિર નયને અથવા ઉદાસ દૃષ્ટિભાવે જાણે કે કોઈ ઇન્દ્રિયાતીત પ્રદેશમાં એમનું મન વિચરી રહ્યું હોય એમ જોઈ રહેતા. એ સમયે એમની પાસે જતાં ભય અનુભવાતો. તેઓ ક્યારેક ક્યારેક કહેતા કે સમસ્ત મઠ-મિશનના અધ્યક્ષની જવાબદારી ફેંકી દઈ એ નીલગિરિ પર્વતની ગાઢ નીરવતામાં જીવનના શેષ દિવસો પસાર કરશે. જાણે કે કશામાં એમને આસક્તિ રહી નથી. દરેક બાબતમાં એવો નિર્લિપ્તભાવ.

એક દિવસ જ્યારે ફરીને પાછા આવ્યા પછી પોતાના ખંડમાં તેઓ ચુપચાપ બેસી રહ્યા હતા, એક મોટી કાચવાળી બારી તરફ તેમનું મુખ હતું, સમુદ્રનાં મોજાં જેવી નીલગિરિમાળા ઉપર તેમની દૃષ્ટિ સ્થિર હતી. એક સેવકે ખંડમાં પ્રવેશ કરીને એમને તદ્દન વિરક્તભાવે બેઠેલા જોઈને શંકાશીલ હૃદયે પૂછ્યું – “મહારાજ, આપની તબિયત તો ઠીક છે ને?” લાગ્યું કે સેવકના પ્રશ્નથી એમની વિચારધારા તૂટી પરંતુ પ્રશ્ન તેમના કાને પહોંચ્યો નહિ. તેઓ પોતે જે વિચારધારામાં મગ્ન હતા તે બાબત સંબંધી કંઈક બોલ્યા – “જુઓ, આ પ્રદેશનું આધ્યાત્મિક વાતાવરણ ખૂબ સરસ છે. મન પોતાની મેળે જ અસીમ નિરાકાર તરફ ખેંચાતું દોડી જાય છે આ સ્થળે આટલું ઉચ્ચ આધ્યાત્મિક વાતાવરણ છે એનો ખ્યાલ પણ હતો નહિ. દિવસો જેમ જેમ પસાર થતા જાય છે તેમ તેમ અતિ આશ્ચર્યકારક અનુભૂતિ થતાં મુગ્ધ થઈ જાઉં છું, વિચારું છું કે શ્રીશ્રી ઠાકુરની કેટલી અસીમ કૃપા! તેઓ દયા કરી આ બધી દિવ્ય અનુભૂતિઓનો આનંદ કરાવવા માટે લાગે છે કે મને અહીં લઈ આવ્યા. અનેક વર્ષો પહેલાં હિમાલયમાં હતો ત્યારે બરાબર આ જ પ્રમાણે અનુભવ થતો હતો. મનની સહજ ગતિ ધ્યાન તરફ રહે છે અને પોતાની મેળે જ મન સ્થિર અને શાંત થઈ જાય છે. પ્રયત્નપૂર્વક મનને નીચે લાવવું પડે છે. આ સ્થળે પ્રાચીન સમયમાં અનેક ઋષિ મુનિઓએ કઠોર તપશ્ચર્યા કરી હશે, એટલા માટે જ આજ પર્યંત આવું ઘનીભૂત આધ્યાત્મિકભાવનું વાતાવરણ છે. આ સ્થળ તપશ્ચર્યા માટે ખૂબ અનુકૂળ છે. તે દિવસે ચિ. – કહેતા હતા કે આ પ્રદેશના જંગલમાં વિવિધ પ્રકારનાં કંદમૂળ અને ફળ છે. એમ લાગે છે કે આ ફળમૂળ ખાઈને એ બધા ઋષિઓ આ સ્થળે તપશ્ચર્યા કરતા હશે.”

થોડીક વાર મૌન રહી પછી કહ્યું, “તે દિવસે આ જ પ્રમાણે નીલપર્વત શ્રેણી તરફ જોઈ બેઠો હતો; જોયું કે આ શરીરમાંથી એક જણ બહાર આવી ધીમે ધીમે સમસ્ત ભુવનમાં વ્યાપ્ત થઈ ગયો.” આટલું કહીને તેઓ તદ્દન મૌન થઈ ગયા. લાંબા સમય પછી દીર્ઘ નિશ્વાસ સાથે કહેવા લાગ્યા – “શ્રીશ્રી રામકૃષ્ણદેવ જ મારા અંતરાત્મા છે, તેઓ આ વિરાટ વિશ્વબ્રહ્માંડમાં વ્યાપ્ત છે.”

‘पादोऽस्य विश्व भूतानि त्रिपादस्यामृतम् दिवि’ (ऋग्वेद 10-90)

થોડો સમય મૌન રહી મુગ્ધભાવે પ્રતીક્ષા કરીને સેવકે હાથ જોડીને પ્રશ્ન કર્યો – “અમને શું આવા અનુભવ નહિ થાય, મહારાજ? આ પ્રદેશના આધ્યાત્મિક વાતાવરણમાં શું વિશેષતા છે એ અમે સમજી શકતા નથી.”

શ્રી મહાપુરુષજી: “જુઓ ભાઈ, અનુભૂતિ કરાવનાર એકમાત્ર માલિક તેઓ જ. તેમને પકડી રાખો. તેમને આશરે રહો. તેમની પાસે રડી રડીને પ્રાર્થના કરો. જ્યારે એની જરૂર હશે તે તેઓ કૃપા કરી આપશે. મનના પ્રભુ તો તેઓ જ – તે જ પરમાત્મા સ્વરૂપ શ્રી શ્રી રામકૃષ્ણદેવ છે. તેઓ કૃપા કરી મનની ગતિ ફેરવી આપે તો મદાંધ હાથી જેવું અશાંત મન પણ પ્રશાંત અને સમાધિસ્થ થઈ જાય – સાવ નિર્વિકાર નિર્વિષય થઈ જાય. મન અતિસૂક્ષ્મ થાય નહિ ત્યાં સુધી કેવી રીતે આધ્યાત્મિક ભાવની અનુભૂતિ થાય? અને એક જ દિવસમાં મન નિર્વિકાર કેવી રીતે થાય? એ માટે કેટલાય સાધનભજનની જરૂર છે! જ્યારે મન સૂક્ષ્મથી પણ અતિસૂક્ષ્મ થાય અને એકદમ ઉચ્ચત્તમ ભૂમિકાએ પહોંચી રહે ત્યારે જ એ બધા સૂક્ષ્મ વિષયોની અનુભૂતિ થઈ શકે. મન શુદ્ધ થતાં એ જ મનમાં આધ્યાત્મિક ભાવનાનાં સ્પંદન ઊઠે છે. મન જેમ જેમ ઉચ્ચ ભૂમિકાએ આરોહણ કરે તેમ તેમ તે મનમાં વધુ ને વધુ ઉચ્ચ આધ્યાત્મિક અનુભૂતિ પ્રતિબિંબિત થાય. મુખ્ય વાત એ છે કે તેમનાં ચરણકમળમાં શ્રદ્ધા ભક્તિ ઊપજે, એમ બને તો બધું જ મળે.”

Total Views: 432

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.