શ્રીરામકૃષ્ણ અને શ્રીમાશારદાનું જીવન આપણી સમક્ષ એક આધ્યાત્મિક ઉચ્ચ દામ્પત્યનો આદર્શ રજ કરે છે. શ્રીરામકૃષ્ણ પરમહંસે હિંદુધર્મની વિધવિધ શાખાઓની અને પછીથી ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મની સાધના કરી. ‘एकम् सद्विप्रा बहुधा वदन्ति’નો સિદ્ધાંત પુનઃપ્રસ્થાપિત કર્યો. બાર બાર વર્ષ સુધી દક્ષિણેશ્વરને પોતાની તપોભૂમિ બનાવીને જે અપૂર્વ સાધના શ્રીરામકૃષ્ણે કરી તે સમસ્ત સાધનાનું ફળ ષોડશીપૂજા કરીને તેમણે પોતાનાં પત્ની શ્રીશારદામણિદેવીને ચરણે અર્પણ કર્યું. આ ઘટના ભારતીય ધર્મ-સંસ્કૃતિમાં અનોખી અને અપૂર્વ છે. કેવળ “પરસ્ત્રી માત સમાન” નહીં, પરંતુ સમસ્ત સ્ત્રીજાતિમાં, પોતાની પત્નીમાં પણ શ્રીરામકૃષ્ણ પરમહંસે દિવ્ય-માતૃશક્તિ, સ્વ-આરાધ્યદેવીનાં જ દર્શન કર્યાં.

બે સ્વરોના મધુર મિલાપથી જેમ રાગરચનામાં મધુર સંવાદિતા ઉત્પન્ન થાય છે, એ રીતે લગ્નજીવનના બે યોગ્ય ઉચ્ચ આત્માઓના મિલનથી આદર્શ દામ્પત્યનો આવિર્ભાવ થાય છે. શ્રીશારદામણિદેવી અને શ્રીરામકૃષ્ણદેવે કોઈ જંગલમાં કે ગુફામાં જઈ તપશ્ચર્યા કરી ન હતી. ગૃહસ્થાશ્રમી હોવા છતાં બંનેનાં ત્યાગ અને સંયમ અનોખાં હતાં. શ્રીશારદામણિદેવી શ્રીરામકૃષ્ણનાં પ્રથમ અને પરમ શિષ્યા હતાં. ગૃહસ્થાશ્રમની તાલીમની સાથે સાથે શ્રીરામકૃષ્ણદેવે તેમને પરા વિદ્યાની દીક્ષા પણ આપી અને શારદામણિદેવીએ એ દરેક વિદ્યા યોગ્ય રીતે ઝીલી અને એવી તો આત્મસાત્ કરી કે તેઓ શ્રીશ્રીઠાકુરનાં ખરા અર્થમાં સહધર્મચારિણી અને ઉત્તરાધિકારિણી બની રહ્યાં. દક્ષિણેશ્વરની પ્રયોગશાળામાં જ્યારે શ્રી ઠાકુર સ્વામી વિવેકાનંદ, સ્વામી બ્રહ્માનંદ, સ્વામી તુરીયાનંદ વગેરે શ્રીરામકૃષ્ણ સંઘના સ્તંભ જેવા સંન્યાસીઓનું ઘડતર કરી રહ્યા હતા ત્યારે શ્રી કાલી-મંદિરના નોબતખાનાની નાની ઓરડીમાં તેમનાં ભવ્ય આધ્યાત્મિક જીવનકાર્યને આગળ ચલાવનાર, એમના પરમોજ્જવલ આદર્શને ભવિષ્યમાં વિશેષરૂપે ચરિતાર્થ કરનાર શ્રીમાશારદાનું પણ ઘડતર થઈ રહ્યું હતું. જાણે કે ઉચ્ચ જીવનનું રસાયન ઘુંટાઈ ઘુંટાઈને ભાવિ પ્રજાના કલ્યાણાર્થે તૈયાર થઈ રહ્યું હતું. જ્યારે બંને પાત્રોનો સુભગ સમન્વય થાય, પતિપત્ની બંને પરસ્પર સહાયક બની રહે ત્યારે જ એક મહાન જીવન સંપૂર્ણ અંશે પ્રત્યક્ષ થઈ શકે. આ દામ્પત્યની વિશેષ્ટતા એ હતી કે ઈશ્વરપ્રાપ્તિ માટે કોઈએ બીજાનો ત્યાગ ન કર્યો બલ્કે પતિપત્ની બંનેએ પરસ્પરમાં પોતાના ઇષ્ટદેવને નિહાળ્યા. શ્રી શારદામણિદેવીનાં માતુશ્રીએ શ્રી ઠાકુરને એક વાર પ્રશ્ન કર્યો કે, “શું મારી શારદાને એક પણ બાળક નહીં હોય?” ત્યારે ઠાકુરે એમને કહેલું કે, “આ શારદાને એટલાં બધાં બાળકો થશે કે ‘મા’ ‘મા’ના પોકારોથી એના કાન ભરાઈ જશે.” અને આ શારદા દૈહિક રીતે જ પોતાનાં સીમિત કુટુંબના બાળકોની માતા બનવા આ પૃથ્વી પર અવતર્યા ન હતાં. પણ સ્થળ અને કાળની મર્યાદા વટાવીને સમસ્ત વિશ્વનાં દિવ્ય જનની બની ગયાં. આજે પણ ‘મા’ ‘મા’ના પોકારથી કેવળ ભારતમાં જ ભક્તો નહીં પરંતુ વિશ્વમાં વિસ્તરેલા શ્રીરામકૃષ્ણ સંઘના અનેક ભક્તો તેમની આરાધના કરે છે. શ્રીરામકૃષ્ણ પરમહંસ ખરેખ એક શિક્ષણકલાકાર હતા અને જે તે વ્યક્તિની યોગ્યતા મુજબ તેને તૈયાર કરતા હતા. ગૃહસ્થ અને સંન્યાસી ભક્તોની તેમની તાલીમ જુદી જુદી હતી અને સૌ પોતાની શક્તિ મુજબ આધ્યાત્મિક ઉન્નતિ સાધી શકે તે તેઓ ખૂબ પ્રેમ અને કાળજીપૂર્વક જોતા હતા.

શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પહેલાં તેમની કૅન્સરની જીવલેણ માંદગીના આખરી દિવસોમાં તેમણે શ્રીશારદામણિદેવીને આદેશ કર્યો હતો કે દુનિયાના લોકો માટે – દુઃખી માનવજાતને માટે તમારે મારા પણ ઘણું ઘણું કાર્ય કરવાનું છે. જ્યારે શારદામણિદેવીએ કહ્યું કે, “હું એક સ્ત્રી છું, હું શું કરી શકું?” ત્યારે ઠાકુરે તેમને કહેલું – “તમારામાં અનોખી દિવ્યશક્તિ છે અને તમે આ ધર્મકાર્યને સરસ રીતે આગળ વધારી શકશો.” પ્રેમાળ દિવ્ય પતિના વિયોગ બાદ પોતાના જીવનદોર ચાલુ રાખવો એ એમને માટે અતિ દુષ્કર હોવા છતાં તેમણે પોતાનાં આંસુને સેવા અને પ્રેમરૂપી મોતીઓમાં પરિવર્તિત કરી દીધાં અને વર્ષો સુધી ઠાકુરના ભક્તો અને શ્રીરામકૃષ્ણ સંઘનાં પ્રેરણાદાયી જનની અને અધિષ્ઠાત્રી બની રહ્યાં!

આવા તેજસ્વી દામ્પત્યમાંથી માત્ર ભારતની જ પ્રજા યુગો સુધી પ્રેરણા લઈ શકશે એવું નથી, આવા આધ્યાત્મિક જીવન સમસ્ત વિશ્વ માટે કલ્યાણકારી અને પ્રેરણાદાયી હોય છે. આ દામ્પત્યની મધુર સંવાદિતતામાંથી સમસ્ત વિશ્વ સમક્ષ એક મધુર સંગીત રજૂ થયું, જેના સ્વરો યુગો સુધી વિશ્વની પ્રજાના કાનમાં ગૂંજતા રહેશે અને ઊર્ધ્વગામી જીવનપંથે જવા પ્રેરણા આપતા રહેશે.

Total Views: 448

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.