ચલાળા ને ખાંભા વચ્ચે ધારગણીથી ઉગમણે બે’ક માઈલ છેટે શેલ નદીના કાંઠે આંબેરણમાં નાનું એવું ખંભાળિયા ગામ આજેય ઝૂલી રહ્યું છે. ખંભાળિયા એટલે ચલાળાના આપા દાનાનું ગુરુસ્થાન.

ગામ વચાળે ડેરીવાળાની જગ્યા છે. જગ્યામાં સતજુગની સુવાસ ફેલાવતી સંતોની સમાધિઓ આવેલી છે. એક કાળે આ જગ્યા સાધુસંતો ને અભિયાગતોથી હમહમતી. બપોર-સાંજ હરિહરના સાદ પડતા. આ જગ્યા પાછળ પણ એક કથા પડેલી છે.

ગીરના બોદાના નેસમાં એક ચારણ રહે, ભક્તિ સોસરવી ઊતરી ગઈ છે. જુવાન ચારણિયાણી અને પાંચ વર્ષના પુત્ર નથુને ઈશ્વરને ભળાવી ચારણ સંસાર છોડીને હાલી નીકળ્યો. હાલતાં હાલતાં ગોંડલ વડવાળાની જગ્યામાં એનું મન ઠર્યું. લોહલંગરી મહારાજની પરંપરાની કંઠી બાંધીને એણે અમર સ્વામી નામ ધારણ કર્યું.

ભેખ લઈને અમર સ્વામીએ તીર્થાટન આદર્યું. ફરતાં ફતાં બરાબર ગીરમાં બોદાના નેસે આવીને તેઓ ઊતર્યાં. અડખેપડખેથી છોકરાં ભેગાં થઈ ગયાં. એમાં નવ વરસનો થઈ ગયેલો નથુ પણ હતો. સાંજ પડી એટલે અમરસ્વામી કહે, ‘છોકરાંવ, હવે ઘરે જતાં રહો. સાંજ પડી ગઈ.’

છોકરાં નથુને કહે, ‘હાલ નથુડા!’ નથુડો કહે, ‘મારે તો નથી આવવું. હવે સાધુ બની જવું છે.’

અમરસ્વામીએ ઘણું ઘણું સમજાવ્યું કે, “હું એક હાલી નીકળ્યો એટલું બસ છે. તારી આઈ કાળું કલ્પાંત કરશે.” પણ નથુડો ન માન્યો. ધરાર અમરસ્વામી ભેળો હાલી નીકળ્યો. નથુનાં મા હટાણું કરવા ગયેલાં. ઘરે આવ્યાં ત્યાં દીકરો ન મળે! ખબર મળ્યા કે બાપની ભેગો દીકરો પણ સાધુ થઈને હાલી નીકળ્યો છે. આઈએ કાળું રોણું આદર્યું. પુત્રવિજોગે થોડા દિવસોમાં આઈને દેહ પાડી નાખ્યા.

સાધુ પિતા સાથે ફરતો નથુ સાધુતાના ઊજળા સંસ્કારથી ઘડાતો જાય છે. અંતરની સાધુતા અંગે અંગ ઝળકવા લાગી છે. પિતા પાસેથી દીક્ષા લઈ નથુના નથુરામ થયા. એક દિવસ શેલ નદીને કાંઠે દીતલા ગામને પાધર મુકામ કર્યો છે. શેલના રળિયામણા કાંઠે અમરસ્વામીનું મન ઠર્યું છે. સવારે જે ભાવિકનું ગાડું વહેલું આવે ત્યાં જગ્યા બાંધવાનો સંકલ્પ કર્યો.

ઈશ્વરને કરવું છે તે દીતલા નજીક હોવા છતાં દોઢેક ગાઉ દૂર આવેલા ખંભાળિયાના ભાવિકનું ગાડું વહેલું પહોંચ્યું. અમરસ્વામીએ ખંભાળિયામાં જગ્યા બાંધી. થોડેક સમયે અમરસ્વામી દેવ થયા એટલે નથુરામજી ગાદીએ આવ્યા. ધીમે ધીમે તેમણે જમાવટ કરવા માંડી. નથુરામજીની નામના ચોતરફ ફેલાઈ ગઈ હતી. ખંભાળિયા સંત નથુરામનું ખંભાળિયા કહેવાતું. શ્રદ્ધાળુ લોકોની માનતાઓ ચાલતી.

એક દિવસ નથુરામજી ખંભાળિયાના એક લુહાણા સેવક શેઠ સાથે કુંડલા જાય છે. તે વખતે રાજનું ભરણું લેવા જાળીવાળી તિજોરી ગાડામાં ગોઠવાતી. ભેળી આરબોની બેરખ રહેતી. ભાવનગર રાજનું આવું-ભરણું આ પંથકમાં ફરે. ખંભાળિયા અને કાનાનવાવ ગામની વચ્ચે નથુરામજી અને સેવકશેઠ ને આરબો સામસામા થઈ ગયા. નથુરામજીએ સાધુઓ પહેરે છે તેવી કપાળથી ડોકઠંક ટોપી પહેરેલી. આરબોમાંથી કોઈને ઠેકડી કરવાનું સૂઝ્યું. એક સૈનિક સંતની ટોપીમાં ઝીણી સોટી ભરાવીને માથેથી ટોપી હેઠે પાડી દીધી!

બેરખ આઘી જતાં સાધુએ ટોપી ઉપાડી લીધી. તિજોરી અને બેરખ કુંડલા પહોંચ્યાં. નથુરામજી તથા સેવક પણ કુંડલાના માર્ગે વળ્યા. શેઠથી ન રહેવાયું. કહે, “બાપુ, આપ જેવા સંતની આવી ઠેકડી આરબો ઉડાડે છે તો સામાન્ય માનવીને તો કેટલા રંજાડતા હશે?”

નથુરામજી કહે, “ભાઈ, કળજગમાં ગાય અને સાધુપુરુષની આવી જ દશા થવાની છે. પણ સાધુને સંતાપનારા સળગી જવાના છે, એટલું નક્કી જાણજો. અહીં સંતને બોલવું ત્યાં કુંડલાના પાધરમાં ટોપી ઉડાડી નાખનાર આરબનો દારૂ ભરેલ માબર (બંદૂકમાં ભરવાના દારૂ સાથે રાખવાનું સાધન) કાંઈક તણખો પડતાં અચાનક સળગી ઊઠ્યો. આરબ પણ તેમાં બળી ગયો. શ્રદ્ધાળુ લોકોએ આ ઉપરથી દૂહો જોડ્યો:

બાવે આરબને બાળિયો,

પીરાઈ હકવી પીર;

ગોંડળિયાની ગાદીએ,

નથવે ચડાવ્યાં નીર.

આ નથુરામજીના શામળદાસ થયાં અને તે પછી કેટલીક પેઢીએ વનમાળીદાસ થયા. ખંભાળિયાની નથુરામજીની આ ગાદીએ સમયનાં વહેણ સાથે આજે તો કાળની થપાટો લાગી ગઈ છે. છતાં  ઘણા માલધારીઓ અને ગરાસદારોની માનતા હજી ચાલે છે.

Total Views: 471

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.