સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું – “ઓ ભારતવાસી! ભૂલતો નહીં કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે.” આધુનિક નારીના મનમાં સ્વાભાવિક રીતે પ્રશ્ન ઉદ્ભવે છે – “શું આજના સમયમાં પણ આ આદર્શ ગ્રાહ્ય છે? ને જો ગ્રાહ્ય હોય તો એક આધુનિક નારી તેને વ્યાવહારિક જીવનમાં કેવી રીતે ઉતારી શકે?” ભગિની નિવેદિતા જાણે આ પ્રશ્નનો ઉત્તર આપતાં કહે છે, “મારી વાત કહું તો મને હંમેશાં એવું લાગ્યું છે કે, તેઓ (શ્રી શારદાદેવી) ભારતીય નારીત્વનાં આદર્શ માટે શ્રીરામકૃષ્ણનો અંતિમ શબ્દ છે. પરંતુ તેઓ જૂની પરંપરાની અંતિમ નારી છે કે નવી પરંપરાની પહેલી? ભારતીય નારીઓ માંહેની સાદામાં સાદી મહિલા જે બુદ્ધિમત્તા અને માધુર્યની ઉપલબ્ધિ કરી શકે, તે તેમનામાં કોઈ પણ વ્યક્તિ પ્રત્યક્ષ રૂપે નિહાળે છે અને આમ છતાં તેમની વ્યવહારકુશળતા અને મનની ઉદારતા તેમની સાધુચરિતતાની પેઠે જ મને અદ્‌ભુત લાગે છે.”

શ્રીમા શારદાદેવીના જીવનચરિત્રમાં આપણને ભારતીય નારીના પ્રાચીન અને અર્વાચીન આદર્શોનો અદ્‌ભુત સુમેળ જોવા મળે છે. પવિત્રતા, લજ્જાશીલતા, સહનશીલતા વગેરે પ્રાચીન અને સનાતન મૂલ્યોને જાળવી રાખીને પણ આધુનિક નારી કેવી રીતે સમાજસુધારણા કરી શકે, સંઘનું સંચાલન કરી શકે, પારિવારિક જીવનને સુમધુર બનાવી શકે, તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ શ્રીમા શારદાદેવી પૂરું પાડે છે. પ્રત્યેક આધુનિક નારી માટે શ્રીમા શારદાના જીવન ચરિત્રનું વાચન અત્યંત પ્રેરણાદાયી કરવા માટેની ગુરુચાવી આધુનિક નારીને આ વાચનથી સાંપડશે. શ્રીમા શારદા દેવીએ આ પ્રાચીન અને સનાતન આદર્શોને કેવી રીતે આધુનિક નારી સમક્ષ પ્રગટ કર્યા છે તેની વિસ્તૃત ચર્ચા તો એક અલગ લેખની અપેક્ષા રાખે છે. અહીં તો કેવળ શ્રીમા શારદાના જીવનમાં અને પ્રાચીન આદર્શોની મૂર્તિ સમાં સીતાના જીવનમાં કેવી અદ્‌ભુત સમાનતા હતી તેનો સહેજ ખ્યાલ આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

ગોસ્વામી તુલસીદાસ કૃત ‘રામચરિત માનસ’માં શ્રીરામ મનુની સમક્ષ શ્રીસીતાજીનો પરિચય દેતાં કહે છે:

आदिसक्ति जेहि जग उपजाया ।

सोउ अवतरिहि मोरि यह माया ।। (रामचरितमानस)

જ્યારે ભગવાન માનવ-જાતિના ઉદ્ધારને માટે આ ધરતી પર અવતરિત થાય છે, ત્યારે તેમની શક્તિનું પણ સ્ત્રી-રૂપમાં આગમન થાય છે, જે તેમની અભિન્ન સહચરી હોય છે. શ્રીરામચંદ્રની સાથે શ્રીસીતાજી, શ્રીકૃષ્ણની સાથે શ્રીરાધા, બુદ્ધદેવની સાથે યશોધરા, શ્રીચૈતન્યદેવની સાથે વિષ્ણુપ્રિયાના આગમનથી આ જ વાત પ્રમાણિત થાય છે. વર્તમાન યુગમાં તે જ દિવ્ય શક્તિ મા શારદાના રૂપમાં ભગવાન શ્રીરામકૃષ્ણનાં દૈવી કાર્યોને સંપન્ન કરવા માટે અવતરિત થઈ છે. એટલે જ તો શ્રીરામકૃષ્ણ તેમના વિષે કહેતા: “તે શારદા છે – સરસ્વતી છે. જ્ઞાન દેવા માટે જ તેનું આગમન થયું છે… તે મારી શક્તિ છે.” સ્વામી વિવેકાનંદજીએ પોતાના ગુરુભાઈઓને પત્રમાં લખ્યું હતું – “માના જીવનની અપૂર્વ વિશિષ્ટતા કોણ સમજી શક્યું છે? કોઈ પણ નહિ. પણ ધીરે ધીરે બધાં જાણશે. જે શક્તિ વિના જગતનો ઉદ્ધાર ન થઈ શકે, તે જ મહાશક્તિના પુનરાગમનને માટે મા અવતીર્ણ થયાં છે, અને તેમના આદર્શને લઈને ફરી એક વાર આ જગતમાં ગાર્ગી અને મૈત્રેયીરૂપી સ્ત્રી-રત્નો ઉત્પન્ન થશે… તેઓ કોણ છે, તે તમે કોઈ સમજી ન શક્યા; હજી સુધી તમારામાંનો કોઈ સમજી ન શક્યો. ધીરે ધીરે સમજી જશો… મારી આંખો ખૂલી ગઈ છે, દિવસે-દિવસે બધુ સમજતો જાઉં છું. મારા પર માની કૃપા પિતા (શ્રીરામકૃષ્ણ)ની કૃપાથી લાખ ગણી અધિક છે… ભાઈ, માફ કરજો. બે-ત્રણ વાતો ખુલ્લંખુલ્લાં કહી દીધી… બસ, અહીં મા સાથેના સંબંધમાં હું પણ જરા કટ્ટર છું. માની આજ્ઞા થતાં જ આ ભૂત વીરભદ્ર કંઈ પણ કરી શકે છે. અમેરિકા જતાં પહેલાં મેં પત્ર લખીને મા પાસેથી આશીર્વાદ માગ્યા હતા. તેઓએ આશીર્વાદ આપ્યા કે બસ, હું છલાંગ લગાવીને સાગર-પાર થઈ ગયો. આ પરથી જ સમજી લો… ભાઈ, માની વાત યાદ આવતાં જ ક્યારેક કહી ઊઠું છું – “को रामः”

યુગના પ્રયોજન અનુસાર ભગવાન અવતાર ગ્રહણ કરે છે. ભગવાન શ્રીરામે અવતાર લીધો હતો – રાવણ, કુંભકર્ણ, મેઘનાદ વગેરે રાક્ષસોનો વધ કરી જગતમાં ધર્મ અને શાંતિની સ્થાપના માટે, અને તેમની સાથે આવી હતી તેમની શક્તિ – જનકનંદિની શ્રીસીતા, પતિવ્રતા નારીના આદર્શની સ્થાપના માટે. આ વખતે શ્રીરામકૃષ્ણે અવતાર લીધો છે એક ગરીબ બ્રાહ્મણના પરિવારમાં, રાજમહેલ પણ નહીં, સાથે ધનુષ્ય-બાણ પણ નહીં, આ વખતે સત્ત્વનો પૂર્ણ વિકાસ છે. કારણ કે કલિકાળથી ગ્રસિત એવા બધા મનુષ્યોની અંદર પેઠેલા રાવણ, કુંભકર્ણ, મેઘનાદ જેવા કામ, ક્રોધ, લોભ વગેરે દુર્ગુણોનો નાશ કરવાનો છે; ત્યાગનો આદર્શ દેખાડવાનો છે, અને બધા ધર્મોનો સમન્વય કરીને જગતમાં શાંતિ અને આધ્યાત્મિક્તાની સ્થાપના કરવાની છે, સાથે અવતરિત થયાં છે મા શારદા – એક ગરીબ બ્રાહ્મણ પરિવારમાં એક નાનકડા એવા ગામ જયરામવાટીમાં.

આ વખતે પતિવ્રતાનો આદર્શ તો દેખાડવાનો જ છે, પણ સાથે સાથે કલિયુગની કાલિમાથી પરિપૂર્ણ જગતમાં પવિત્રતા, સહિષ્ણુતા અને સર્વોપરી માતૃભાવનો આદર્શ સ્થાપિત કરવાનો છે. માટે સ્વાભાવિક છે કે શ્રીસીતાજી અને શ્રીમા શારદાના જીવનમાં યુગના પ્રયોજન અનુસારે ભિન્નતા જોવા મળે. વળી, મા શારદા વિષે ઉપલબ્ધ છે તેવી શ્રીસીતાજીની જીવન વિષે વિસ્તૃત ઐતિહાસિક અને પ્રમાણભૂત સામગ્રી પણ નથી કે, જેથી આપણે શ્રીમા શારદાના જીવનનું શ્રીસીતાજીના જીવન સાથે તુલનાત્મક અધ્યયન કરી શકીએ, પણ તોય ઉપલબ્ધ જાણકારી ઉપર જ દૃષ્ટિ રાખતાં બંને ચરિત્રો ઉપર આપણે જ્યારે મનન કરીએ છીએ, ત્યારે કેટલીક વાતોમાં અદ્‌ભુત સમાનતા જોવા મળે છે.

મા શારદાએ જન્મ લીધો હતો શ્રીરામચંદ્ર મુખોપાધ્યાયની પુત્રીના રૂપમાં. પિતા શ્રીરામના ઉપાસક હતા, ઘરના કુળદેવતા પણ શ્રીરામ જ હતા. વળી પતિનું નામ હતું શ્રીરામકૃષ્ણ, સસરાનું ‘ખુદીરામ’ અને શ્વસુર પક્ષના કુળદેવતા પણ રઘુવીર જ હતા. શું આ અદ્‌ભુત સંયોગ નથી?

શ્રીસીતાનો જન્મ અલૌકિક રૂપે થયો હતો. કહેવાય છે કે, રાજા જનકને તેઓ ખેતર ખેડતી વખતે ધરતીમાતાની ભેટ રૂપે પ્રાપ્ત થયાં હતાં. મા શારદાનો જન્મ પણ અલૌકિક રૂપે થયો હતો. એક વાર માતા શ્યામાસુંદરી દેવીને, પોતાના પિયર શિહડ ગામે હાજતે જવાની તકલીફ થઈ. અંધારી રાતમાં તેઓ એકલાં તળાવને કિનારે જવા લાગ્યાં, પણ એકાએક ક્યાં જવું, તે નિર્ણય ન કરી શક્યાં અને એક બિલ્વ વૃક્ષની નીચે બેસી પડ્યાં. એટલામાં પેલી બાજુ પરથી ઝન્-ઝન્ અવાજ આવવા લાગ્યો અને બિલ્વ વૃક્ષની ડાળી પરથી ઊતરીને એક નાની બાલિકાએ પોતાના કોમળ હાથો શ્યામાસુંદરીદેવીના કંઠમાં પરોવી દીધા. શ્યામાસુંદરીદેવી બેભાન થઈ ત્યાં જમીન પર જ પડી ગયાં. તેઓ આ હાલતમાં કેટલો સમય રહ્યા, તેનું ભાન તેમને પોતાને પણ ન રહ્યું. સગાં-સંબંધીઓ તેમને શોધતાં-શોધતાં આવ્યાં, તેઓએ તેમને ભાનમાં આણ્યાં, ત્યારે તેમણે અનુભવ કર્યો કે, જાણે તે નાની બાલિકાએ તેમના ગર્ભમાં પ્રવેશ કર્યો છે. એ વખતે શ્રીમાના પિતા શ્રીરામચંદ્ર મુખોપાધ્યાય કલકત્તામાં હતા. કલકત્તા જવાના એક દિવસ પહેલાં જયરામવાટીમાં બપોરના ભોજન પછીથી તેઓ પોતાની ગરીબીની ચિંતમાં દુઃખી થતાં થતાં સૂઈ ગયેલા. સ્વપ્નમાં તેમણે જોયું કે એક હેમવર્ણી બાલિકાએ પોતાના કોમળ હાથો તેમના ગળામાં પરોવી દીધા છે. બાલિકાનું અલૌકિક રૂપ અને મૂલ્યવાન આભૂષણો તેની અસાધારણતાનો પરિચય આપતાં હતાં. રામચંદ્ર આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમણે પૂછ્યું: “ઓ નાની બાલિકા, તું કોણ છે?” સ્નેહપૂર્ણ અવાજે તે બાલિકાએ જવાબ આપ્યો, “બસ! હવે હું તમારી પાસે જ આવી ગઈ છું.” રામચંદ્રની નિદ્રા ભાંગી ગઈ. સ્વપ્નમાં બનેલી ઘટનાનો વિચાર આવતાં જ તેમને વિશ્વાસ થઈ ગયો કે સ્વયં લક્ષ્મીજીએ કૃપા કરી દર્શન દીધાં છે. ઘરે પાછાં ફરીને જ્યારે તેમણે પોતાની ધર્મપત્ની પાસેથી શિહડમાં દેવીના આવિર્ભાવના સમાચાર સાંભળ્યા, ત્યારે તેમના આસ્તિક અને ધર્મપરાયણ મને સહજતાથી આ વાતને સાચી માની લીધી. ભક્ત બ્રાહ્મણ-દંપતી ત્યારથી દુન્યવી સુખો તરફ ઉદાસીન બનીને પવિત્ર શરીર તેમજ શુદ્ધ અંતઃકરણ દ્વારા દેવ શિશુના આગમનની પ્રતીક્ષા કરવા લાગ્યાં. શ્રીમાના જન્મ સુધી રામચંદ્રે શ્યામાસુંદરીનો અંગ-સ્પર્શ ન કર્યો. સંવત 1910, પોષ કૃષ્ણ સપ્તમી, ગુરુવાર (22મી ડિસેમ્બર, 1853 ઈ. સ.) સાંજના પહેલા મુહૂર્તની અતિ શુભ ઘડીમાં શ્રીશારદામણિ દેવીએ જન્મ ગ્રહણ કર્યો.

બચપણમાં જ શ્રીસીતાજીએ શિવનું ધનુષ્ય ઉઠાવીને દૈવી શક્તિનો પરિચય આપ્યો હતો. મા શારદા પણ જ્યારે બચપણમાં ઢોર માટે ચારાનું ઘાસ કાપવા માટે ખેતરમાં જતાં, ત્યારે જોતાં કે તેમની જ સમવયસ્ક એક છોકરી પણ ઘાસ કાપી રહી છે. ઘાસનો એક પૂળો કાપીને જ્યારે તેઓ એક બાજુએ રાખવા જતાં ત્યારે ત્યારે જોતાં કે એટલી વારમાં પેલી છોકરીએ બીજો એક ઘાસનો પૂળો કાપીને તૈયાર રાખ્યો છે. તે વખતની વાતોનું સ્મરણ કરતાં શ્રીમા કહેતાં: “નાનપણમાં હું જોતી કે મારા જેવી જ એક છોકરી મારાં બધાં કામોમાં મને મદદ કરી, મારી સાથે હાસ્ય-વિનોદ કરતી, પણ બીજું કોઈ તેને જોઈ ન શકતું. દસ-બાર વર્ષ સુધી આમ થતું રહ્યું હતું.” તેર વર્ષની ઉંમરે જ્યારે મા પોતાને સાસરે કામારપુકુર હતાં ત્યારે અલૌકિક રૂપવાળી આઠ કિશોરીઓ તેમને હલદાર તળાવમાં નહાવા માટે રોજ લઈ જતી. જયરામવાટીમાં શ્રીમાના બાલ્યકાળમાં એક વાર જગદ્ધાત્રીની પૂજાને વખતે હલદેપુકુર ગામના શ્રીરામહૃદય ઘોષાલ ઉપસ્થિત હતા. શ્રીમા ત્યારે દેવી જગદ્ધાત્રીની સામે બેસીને ધ્યાન કરતાં હતા. તેઓ ઘણા સમય સુધી વિસ્ફારિત નેત્રે જોઈ રહ્યા કે કોણ દેવી જગદ્ધાત્રી અને કોણ શ્રીમા? અંતે તેઓ કંઈ જ નિર્ણય ન કરી શક્યા, અને ભય પામીને ત્યાંથી જતા રહ્યા.

શ્રીસીતાજીનો વિવાહ શ્રીરામની સાથે સ્વયંવર પછી થયો હતો. પણ પુષ્પવાટિકામાં પ્રથમ દર્શન વખતે જ તેમણે શ્રીરામને પોતાના ભાવિ પતિ તરીકે માની લીધા હતા. શ્રીમાએ પણ આવી જ રીતે શ્રીરામકૃષ્ણનું વિવાહ પહેલાં જ ચયન કરી લીધું હતું. શ્રીરામકૃષ્ણના ભાણેજ હૃદયરામ મુખોપાધ્યાયનું ઘર શિહડમાં હતું. આથી શ્રીરામકૃષ્ણ ત્યાં ઉત્સવ તેમ જ કીર્તનાદિ માટે જતા-આવતા રહેતા. શ્રીમાનું મોસાળ પણ આ જ ગામમાં હતું. એક વખત હૃદયના ઘરમાં આવા કોઈ એક ઉત્સવનું આયોજન થયેલું. તેમાં નાની શારદા પણ એક મહિલાના ખોળામાં બેઠેલી. સમાપ્તિ વખતે પેલી મહિલાએ રમૂજમાં નાની શારદાને પૂછ્યું “અહીં ઘણા માણસો આવેલા છે. આમાંથી તું કોની સાથે વિવાહ કરવા માગે છે?” નાની શારદાએ તરત પોતાના બંને હાથો ઉઠાવીને થોડે દૂર બેઠેલા શ્રીરામકૃષ્ણ તરફ પોતાની આંગળી ચીંધી. જે દિવસે શ્રીમાનો આવી રીતે ‘સ્વયંવર’ થયો ત્યરે તેઓને સંસારી દૃષ્ટિએ ‘વિવાહ’ કોને કહેવાય, તેનું પણ ભાન ન હતું. પરંતુ જે દૈવી-પ્રેરણાથી તેઓએ પોતાના ભાવિ-પતિને બતાવી આપ્યા, તે જ દૈવ-વિધાન વડે તેમના મનની આ સત્યસંકલ્પરૂપી અભિલાષા પૂર્ણ થઈ. શ્રીમા જ્યારે છ વર્ષનાં થયાં હતાં, ત્યારે જ તેમના વિવાહ શ્રીરામકૃષ્ણની સાથે થઈ ગયા. વિવાહની પહેલાં શ્રીરામકૃષ્ણની માતા ચંદ્રમણિએ પુત્રના વૈરાગ્યપૂર્ણ હૃદયમાં વિવાહના કોડ જગાવવા માટે તેમની જાણ વગર યોગ્ય કન્યા માટે શોધ આદરી હતી, પણ તેઓના બધા પ્રયત્ન વિફળ થયા હતા. અંતે શ્રીરામકૃષ્ણે સ્વયં આ માટે કહ્યું હતું: “જયરામવાટીના શ્રીરામચંદ્ર મુખર્જીના ઘરે જઈને તપાસ કરો. ત્યાં મારા માટે કન્યા નિર્ધારિત થયેલી છે.”

વિવાહ પછી શ્રીમા જ્યારે દક્ષિણેશ્વર રહેવા આવ્યાં ત્યારે નોબતખાનાની એક નાની એવી ઓરડીમાં તેઓએ ઘણાં વર્ષ વીતાવ્યાં. ક્યારેક ક્યારેક તો ઓરડીમાં હરફર કરતાં તેમનું માથું ટકરાઈ જતું. એક વાર તો માથું ફૂટી જ ગયું. કલકત્તાથી જ્યારે કોઈ સ્ત્રી-ભક્તો તેમને મળવા માટે આવતાં ત્યારે તેઓ કહેતાં: “અહા! કેવી નાની ઓરડીમાં આપણી મા સતી લક્ષ્મી રહે છે, જાણે કે વનવાસ.” શ્રીસીતાજીના વનવાસથી શ્રીમાનો નોબતખાનામાં વાસ ઓછો કષ્ટદાયક નહોતો.

શ્રીસીતાજીએ જેવી રીતે ‘અગ્નિપરીક્ષા’ દઈને પતિવ્રતાધર્મનો આદર્શ સ્થાપિત કર્યો, તેવી જ રીતે શ્રીમાએ પણ શ્રીરામકૃષ્ણની મહાસમાધિ પછી ‘પંચતપા-યજ્ઞ’નું પાલન કર્યું. તે વખતે શ્રીમાના મનમાં તીવ્ર વૈરાગ્ય અને વિષાદ હતો. શ્રીરામકૃષ્ણના શરીરત્યાગ પછી તેમણે ઘણીવાર એક દર્શન થતું કે દાઢી-મૂછવાળા એક સંન્યાસી તેઓને પંચતપા-યજ્ઞ-અનુષ્ઠાન કરવાની સલાહ આપી રહ્યા છે. આથી બેલુરમાં (કલકત્તા પાસે) વસવાટ સમયે તેમણે યોગીનમાની સાથે આ અનુષ્ઠાન કર્યું. છતની ઉપર ચારે બાજુ માટી નાખી તેનાથી પાંચ પાંચ હાથ છેટે અગ્નિ પ્રગટાવ્યો હતો. અગ્નિનો ઘેરાવો ઘણો મોટો હતો અને આગની લપેટો પણ ઘણે ઊંચે સુધી પહોંચી રહી હતી. ઉપર આકાશમાં ગ્રીષ્મઋતુનો સૂર્ય ઉગ્ર તાપ વરસાવી રહ્યો હતો. શ્રીરામકૃષ્ણનું સ્મરણ કરીને શ્રીમાએ પ્રચંડ અગ્નિની વચ્ચે પોતાનું આસન જમાવ્યું. સવારથી સાંજ સુધી આમ સાત-સાત દિવસ સુધી શ્રીમાની આ તપસ્યા ચાલી. તેમના શરીરની ચામડી કાળી પડી ગઈ. ત્યાર પછી તેમના મનનો અગ્નિ થોડો શાંત થયો.

રાજરાજેશ્વરી શ્રીસીતાના દુઃખ-ક્લેશોનો કોઈ અંત ન હતો. શ્રીમાનું પણ આખું જીવન દરિદ્રતા, પારિવારિક ક્લેશો અને ઝઘડાઓની વચ્ચે વીત્યું. શ્રીરામકૃષ્ણના મૃત્યુ પછી જ્યારે તેઓ તેમના સાસરિયે કામારપુકુરમાં રહેવા લાગ્યાં ત્યારે લોકોએ દરેક પ્રકારની તકલીફો આપવી શરૂ કરી. અસહાય વિધવાને જે 10-15 રૂપિયા દરેક માસે દક્ષિણેશ્વર મંદિરમાંથી મળતા, તે પણ તેમનાં સગાં-વહાલાંએ બંધ કરાવી દીધા. ગ્રામવાસીઓ પણ તેમની રહેણીકરણી વિષે જાતજાતનાં કડવાં વેણ સંભળાવવા લાગ્યાં. આ વખતે શ્રીમા પોતાની અસહાય દશાનો અનુભવ કરતાં. કેટલાય દિવસો એવા પણ ગયા છે કે જ્યારે શ્રીમાને ભાત અને મીઠું મળ્યું નથી. તેઓ ફાટેલાં કપડાંમાં ગાંઠો લગાવીને પહેરતાં, હાથમાં પાવડો-કોદાળી લઈને શાકભાજી વાવીને તેઓ પોતાના જીવનનિર્વાહ માટે દરેક પ્રકારે તૈયાર હતાં. પણ તેમની ભવિષ્યની અનિશ્ચિતતા, પારિવારિક વૈમનસ્ય અને સામાજિક અત્યાચારોનો કોઈ અંત ન હતો.

પરમ સહિષ્ણુ સીતામાતાએ અશોક-વાટિકામાં કેટલાંયે કડવા વેણ સાંભળ્યાં હતાં. રાવણ, રાક્ષસો તેમજ રાક્ષસીઓના અત્યાચાર સહન કર્યા હતા. એક વખત તો ત્રિજટાને આગ લઈ આવવાનું પણ સીતાએ કહ્યું હતું કે જેથી પોતાના શરીરનો ત્યાગ કરી શકે અને શૂળ જેવાં કઠોર વચનો ન સાંભળવાં પડે.

आनिकाठ रघु चिता बनाई । मातु अनल पुनि देहि लगाई ।।

सत्य करहि मम प्रीति सयानी । सुनै को श्रवन सूल समबानी ।।    (रामचरितमानस)

પણ શ્રીમાને પોતાના પરિવારમાં રહેતાં રહેતાં જ સગાં-સંબંધીઓના જે અત્યાચારો સહન કરવા પડતા અને કટુ વેણ સાંભળવા પડતાં તે આનાથી ઓછાં ન હતાં. ભાઈઓની સ્વાર્થપરાયણતા, ભત્રીજીઓની પરસ્પર ઇર્ષ્યા અને ઝઘડા, નલીની દીદીનો છૂતઅછૂતનો ભાવ, રાધુ (પાગલી મામીની છોકરી કે જેને શ્રીમાએ ઉછેરી હતી)ની જીદ અને પાગલીમામી (શ્રીમાની ભાભી સુરબાલા)નું ગાંડપણ – આ બધું મળી એક એવું અવર્ણનીય વાતાવરણ સર્જાતું હતું કે જેમાં શાંત રહેવું એકમાત્ર ધીરતાસ્વરૂપિણી શ્રીમા માટે જ સંભવ હતું.

ઈ. સ. 1913, ફેબ્રુઆરીમાં શ્રીમા કલકત્તાના ‘ઉદ્‌બોધનભવન’માં હતાં. પાગલી મામી (સુરબાલા)ની ધારણા હતી કે શ્રીમા દવાદારૂ વડે તેની પુત્રી રાધુને પોતાના વશમાં કરીને તેનાથી દૂર રાખે છે. આથી તે શ્રીમાને સતત ગાળો દેતી હતી. એક રાત્રે વાળુ કર્યા પછી આ પ્રકારની ગાળો દેવાનું શરૂ થવાથી શ્રીમાએ કંટાળીને કહ્યું: “તું શું મને સામાન્ય સમજે છે? તું મને મા-બાપ સુધીની ગાળો દે છે – પણ હું તારો દોષ ધ્યાનમાં નથી લેતી, એમ વિચારીને કે ભલેને બે-ચાર શબ્દો સંભળાવે. પણ યાદ રાખજે, જ્યારે હું તારી ત્રુટિઓ ધ્યાનમાં લઈશ, ત્યારે તારી રક્ષા કરવાવાળું કોઈ નહીં હોય. હું જ્યાં સુધી જીવું છું, એમાં તારી જ ભલાઈ છે. તારી પુત્રી તારી પોતાની જ રહેશે. જ્યાં સુધી મોટી નથી થઈ ત્યાં સુધી જ હું તેની દેખભાળ કરીશ. બાકી, મને વળી કેવી માયા? અત્યારે જ તોડી નાખું.” એક દિવસ સાંજે જ્યારે શ્રીમા શાકભાજી સમારી રહ્યાં હતાં, ત્યારે અચાનક પાગલીમામી આવીને કહેવા લાગી, “તેં જ તો રાધુને અફીણ ખવડાવી ખવડાવીને તારા વશમાં કરી લીધી છે. એને મારી પાસે ફરકવા નથી દેતી.” પણ શ્રીમાએ એક જ નિર્વિકાર ભાવ બતાવીને કહ્યું, “લઈ જા ને બાપુ, તારી દીકરીને! આ રહી, મેં કંઈ છુપાવીને થોડી રાખી છે?” પણ મામી તો ઝઘડવા જ આવી હતી. આથી શ્રીમાની આ પ્રકારની ઉદાસીનતાએ જાણે તેના ઘા પર મીઠું ભભરાવ્યું. ગાળોથી માંડીને બે-ચાર વાતો પછી તેનું ગાંડપણ ચરમ સીમા પર પહોંચી ગયું. શ્રીમાને મારવા માટે એક સળગતું લાકડું લઈને તે દોડી. મામીનું આ વિનાશકારી સ્વરૂપ જોઈને શ્રીમા ગભરાઈને ચીસ પાડી ઊઠ્યાં – “અરે, કોઈ છે? આ ગાંડીએ મને મારી નાખી!” વરદા મહારાજ દોડીને આવ્યા. તેમણે જોયું તો લાકડું શ્રીમાના માથા પર પડ્યું કે પડશે. તેમણે પળનો વિલંબ ન કરતાં સરકીને ઝટકા સાથે લાકડાને દૂર ફેંકી દીધું, અને મામીને દરવાજાની બહાર ધકેલી દીધાં. આ બાજુ ઉત્તેજનામાં શ્રીમાનું સ્વરૂપ જાણે બદલાઈ ગયું, અચાનક તેઓ બોલી ઊઠ્યાં: “અરે ગાંડી, તું શું કરવા જઈ રહી હતી, તેનું તને ભાન છે? જે હાથ મને મારવા માટે ઉગામ્યો હતો તે હાથ પડી જશે.” પોતે શું કહી દીધું તેવા ખ્યાલથી તેમના મુખમાંથી સિસકારો નીકળી ગયો. તરત જ શ્રીરામકૃષ્ણદેવની છબી સમક્ષ હાથ જોડીને તેઓ કહેવા લાગ્યાં, “ઠાકુર, આજ સુધી મારા મુખમાંથી કોઈના પણ માટે અભિશાપ નથી નીકળ્યો, અરેરે! આ મેં શું કર્યું? હવે શું થશે? છેલ્લે આ પણ થયું? હવે જીવીને શું ફાયદો?” આ વખતે શ્રીમાની આંખોમાંથી આંસુની ધાર ટપકતી હતી. શ્રીમાના દેહાવસાનના થોડા દિવસો પછી જ મામી સુરબાલાના હાથનાં આંગળાં રક્તપિત્તને પરિણામે ખરી પડ્યાં. થોડો સમય પીડા ભોગવીને જ પાગલી મામી કાયમને માટે શ્રીશ્રીમાનાં ચરણકમલોમાં લીન થઈ ગઈ.

રાધુ સંતાન-પ્રસવ પછી બીમાર પડી ગઈ હતી અને તેને અફીણ ખાવાની ટેવ પડી ગઈ હતી. વધારે અફીણ ખાવા માટે શ્રીમાને તે ખૂબ જ કષ્ટ દેતી. એક વખત શ્રીમા જ્યારે શાક સમારી રહ્યાં હતાં ત્યારે અફીણ ખાવા માટે એ જીદ કરવા લાગી. શ્રીમા જ્યારે તેને સમજાવવા ગયાં, ત્યારે ગુસ્સે થઈને રાધુએ પાસેની છાબડીમાંથી એક મોટું રીંગણું ઉઠાવીને શ્રીમાની પીઠ પર જોરથી માર્યું. શ્રીમાની પીઠ સૂઝીને લાલ થઈ ગઈ. આમ છતાં શ્રીમા શ્રીઠાકુરની છબી સમક્ષ હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યાં, “હે ઠાકુર, તેના દોષ-ત્રુટિ ન લેશો. બિચારી નાદાન છે!” પછી પોતાની ચરણરજ લઈને રાધુના માથા પર લગાવતાં તેમણે કહ્યું, “જાણે છે રાધી? આને (પોતાની તરફ બતાવીને) ઠાકુરે કદી ઊંચે અવાજે એક શબ્દ પણ નથી કહ્યો, અને તું મને કેટલી તકલીફો આપે છે! તું જાણે છે કે મારું સ્થાન ક્યાં છે?… રાધુ, હું જો નારાજ થઈ જઈશ, તો ત્રિભુવનમાં કોઈ તારો આશ્રયદાતા નહીં હોય.” એપ્રિલ 1920ના એક દિવસે ‘ઉદ્‌બોધન’માં સંધ્યા-આરતી પછી રાધુએ જીદ પકડી કે તેના છોકરાને અત્યારે જ ખવડાવવું જોઈએ. જ્યારે શ્રીમા સમજાવવાં લાગ્યાં કે હજુ સમય થયો નથી, ત્યારે તે ગાળો દેવા લાગી, “તું મરી જા, તારા મોઢામાં આગ લાગે” ઇત્યાદી. શ્રીમા ઘણાં દિવસોથી માંદગી ભોગવતાં હતાં, અને અવર્ણનીય કષ્ટ સહન કરી રહ્યાં હતાં. આથી તેમનાથી રહેવાયું નહીં. કંટાળીને તેમણે કહ્યું, “હા, મારા મરવા પછી તારી શી દશા થશે, તેની તને ત્યારે જ ખબર પડશે.” બરાબર ત્રણ મહિના પછી શ્રીમાએ લીલા સંકેલી લીધી. આ પછી રાધુને ખરેખ ઘણાં કષ્ટો ઉઠાવવાં પડેલાં.

શ્રીસીતાજી શ્રીરામના ધ્યાન અને જપમાં જ તલ્લીન રહેતાં. હનુમાનજીએ લંકાથી પાછા ફરીને તેમની આ અવસ્થાનું વર્ણન કરતાં કહ્યું છે –

नाम पाहरु दिवस निसि ध्यान तुम्हारा कपाट ।

लोचन निज पद जंत्रित जाहिं प्रान कोहि बाट ।। (रामचरितमानस)

‘તમારું નામ તો પહેરો દેવાવાળું છે, તમારું ધ્યાન જ જાણે કે વાડ છે. નેત્રોને તમારાં ચરણોમાં લગાવી રાખ્યાં છે, આજ જાણે તાળું લાગેલું છે, જો પ્રાણ જાય, તોય ક્યા રસ્તેથી?’

શ્રીમા પણ દિવસ-રાત શ્રીરામકૃષ્ણના ધ્યાનમાં રત રહેતાં, એટલે જ શ્રીરામકૃષ્ણના અન્તરંગ પાર્ષદ સ્વામી અભેદાનંદજીએ ‘શારદાદેવી સ્તોત્ર’માં લખ્યું છે:

रामकृष्णगतप्राणां तन्नामश्रवणप्रियाम् ।

तद्भावरंजिताकारां प्रणमामि मुहुर्मुहुः ।।

‘હે મા, તમારું હૃદય શ્રીરામકૃષ્ણમય છે, તેમનાં નામ અને શ્રવણ તમને પ્રિય છે. તેમના ભાવમાં જ તમે સદા વિરાજો છો. હું તમને વારંવાર પ્રણામ કરું છું.’

જગજનની જાનકીનું વાત્સલ્ય અસીમ હતું. તેમના વાત્સલ્યની છાયામાં લક્ષ્મણ આદિ ભાઈઓએ, હનુમાને તેમજ અન્ય વાનરોએ હૃદયથી સંતુષ્ટિ મેળવી હતી. શ્રીમાના જીવનમાં તો આ માતૃભાવની પરાકાષ્ઠા જ જોવા મળે છે. સાધુ, ગૃહસ્થ, ઊંચ, નીચ, બાલક, વૃદ્ધ, પાપી, તાપી બધાંએ તેમની વાત્સલ્યની છાયામાં આશ્રય મેળવ્યો હતો. અમજદ જેવા મુસલમાન ડાકુને પણ તેઓએ પોતાના સ્નેહબળે જીતી લીધો હતો. એક વખત અમજદને ખાવાનું પીરસીને શ્રીમાએ પોતે એઠું ઉપાડીને જગ્યા સાફ કરી દીધી. આ જોઈને નલીની દીદી તાડૂકી ઊઠ્યાં, “ફોઈ, તારી તો જાત ગઈ.” આ વખતે પોતા માતૃભાવ પર અધિષ્ઠિત થઈને શ્રીમા બોલી ઊઠ્યાં, “જેવી રીતે શરત (સ્વામી શારદાનંદ) મારો પુત્ર છે, તેવી જ રીતે આ અમજગ પણ મારો જ પુત્ર છે.”

શ્રીસીતાજીની જેમ જ શ્રીમા પણ અત્યંત લજ્જાશીલ હતાં. નિરહંકારિતા તેમ જ નમ્રતાની પ્રતિમૂર્તિ શ્રીમા પોતાને હંમેશાં શ્રીરામકૃષ્ણચરણોની દાસી જ સમજતાં. પણ કોઈક વારા પારિવારિક સંબંધો અથવા સામાન્યજનો સાથેની વાતચીત દરમ્યાન તેમનું દેવીત્વ સહસા પ્રગટ થઈ જતું. એક વખત કાશીમાં પાગલી મામી શ્રીમાને રાતભર ગાળો દેતી રહી, “નણંદ મારી મરી જાય, નણંદ મારી મરી જાય.” સવારે આ વાતનો ઉલ્લેખ કરીને શ્રીમાને કહ્યું, “નાની વહુ નથી જાણતી કે હું તો મૃત્યુંજય છું.” એક વાર ભૂલથી શ્રીમાનો હાથ પાગલી મામીના પગ સાથે અથડાયો. બસ, થઈ રહ્યું! પાગલી મામી ભયમિશ્રિત સ્વરે ચિડાઈને બોલી ઊઠી, “તેં શા માટે મારા પગે હાથ અડાડયો? હાય, હાય, હવે મારું શું થશે?” શ્રીમા તેના બોલવાના રંગઢંગ જોઈને હસીને બેવડ વળી ગયાં. બ્રહ્મચારી રાસબિહારી મહારાજે કહ્યું, “જોયું! પાગલી મામી આમ ભલેને ગાળો દે, અપમાન કરે પણ તોય એને આપના પગે હાથ અડી જવાનો ડર છે ખરો!” શ્રીમા કહે, “બેટા, રાવણ શું નહોતો જાણતો કે શ્રીરામચંદ્ર પૂર્ણબ્રહ્મ અને શ્રીસીતા સાક્ષાત્ જગન્માતા છે? તોય તેણે તો પોતાનો પાઠ ભજવવાનો જ હતો શું તે પાગલી મને જાણતી નથી? બધુંય જાણે છે. પણ જાણએ કે આવું કરવાને માટે જ તે આવી છે.”

સ્વામી તન્મયાનંદજીએ એક વાર શ્રીમાને પૂછ્યું, “ઠાકુર જો સ્વયં ભગવાન હતા, તો… પછી તમે કોણ છો?” જરાય સંકોચાયા વગર શ્રીમાએ જવાબ આપ્યો, “હું વળી કોણ? હું પણ ભગવતી છું.” મેદિનીપુરના નલિનીબાબુએ પ્રશ્ન કર્યો, “મા, તમે શું દરેક અવતારોની સાથે આવેલાં?” ત્યારે શ્રીમાએ ઉત્તર આપ્યો – “હા બેટા!”

એક વખત વરસાદ ન પડવાથી જયરામવાટી તેમજ આસપાસનાં ગામડાંમાં પાક સુકાવા લાગેલો. ગામના ખેડૂતો શ્રીમાની પાસે અસહાય દશામાં આવ્યા  કરુણ સ્વરે પોતાનાં દુઃખની કથની કહેવા લાગ્યા, “મા, આ વખતે તો અમારાં બાળબચ્ચાં ભૂખે મરવાં પડ્યાં છે.” શ્રીમાનું હૃદય આ જોઈને અત્યંત દ્રવિત થઈ ગયું. તેઓ સ્વયં ખેડૂતોની સાથે તેમનાં ખેતરોની દુર્દશા જોવા ચાલ્યાં. ચારે બાજુ દૃષ્ટિપાત કરીને આકુળતાથી શ્રીરામકૃષ્ણદેવને પ્રાર્થના કરવા લાગ્યાં, “હાય, હાય, ઠાકુર! આ વખતે તમે શું કર્યું? શું આ બધાંને ભૂખે મરવાનો વારો આવશે?” તે જ દિવસે રાત્રે એટલો વરસાદ વરસ્યો અને પાક પણ એટલો થયો કે આ પહેલાં તેવો પાક કદી પણ થયો ન હતો.

એક વખત કલકત્તાને રસ્તે વિષ્ણુપુર રેલ્વે-સ્ટેશનમાં શ્રીમા ટ્રેન માટે રાહ જોઈ રહ્યાં હતાં. એવામાં એક હમાલ તેમને જોઈને હેરત પામ્યો અને દોડતો તેમની પાસે આવીને કહેવા લાગ્યો, ‘અરે! તું જ તો મારી જાનકી માઈ છે. કેટલા દિવસોથી તને ગોતતો ફરું છું, આટલા દિવસો સુધી તું ક્યાં હતી, મા?’ આટલું કહેતાં જ તેની આંખોમાંથી દડ દડ આંસુ વહેવા લાગ્યાં. પરમકૃપાળું મા તેને સાન્ત્વના દેવા લાગ્યાં. એટલું જ નહીં પણ, અચંબો પમાડે તેવી વસ્તુ તો એ છે કે, ત્યાં સ્ટેશન પર જ કૃપામયી શ્રીમાએ તેને મંત્રદીક્ષા પણ આપી. બાગદાના શ્રીશશીભૂષણ મુખોપાધ્યાયે જ્યારે શ્રીમા પાસે શક્તિમંત્રની પ્રાર્થના કરી ત્યારે તેમણે કહ્યું, “હું તારી અંદર શ્રીરામચંદ્રનાં દર્શન કરું છું. તારા કુળદેવતા શું શ્રીરામ છે? રામ અને શક્તિ તો અભિન્ન છે તો તને રામ-મંત્ર લેતાં શાનો સંકોચ થાય છે?” સાચે જ તેઓના કુળદેવતા શ્રીરામ જ હતા.

1 ફેબ્રુઆરી, 1909ની વાત છે. શ્રીમા જયરામવાટીમાં હતાં. એક ભક્તે પૂછ્યું કે, શ્રીરામકૃષ્ણ સનાતન પૂર્ણબ્રહ્મ છે કે નહીં? માએ સમર્થન કરતાં તે ભક્ત ફરી બોલ્યો, “એમ તો દરેક પત્ની માટે તેના પતિદેવ સ્વંય બ્રહ્મ હોય છે, હું આ રીતે નથી પૂછતો.” શ્રીમાએ દૃઢતાપૂર્વક જવાબ આપ્યો, “હા, તેઓ સનાતન બ્રહ્મ જ છે. મારા પતિને હિસાબે તેમજ આ જગતની સૃષ્ટિ-સ્થિતિ-લયના કરનારને હિસાબે પણ.” ભક્ત વિચારે છે કે, જેમ સીતારામ અને રાધાકૃષ્ણ અભિન્ન છે તેમ શ્રીરામકૃષ્ણ અને શ્રીમા પણ અભિન્ન છે. પણ તોય તેમના માનવોચિત વ્યવહારોને જોઈને વારંવાર સંદેહ થાય છે. આ માનસિક દ્વન્દ્વ દૂર કરવા અંતે તેમણે પૂછી જ નાખ્યું, “પણ તમને તો કોઈ પણ સાધારણ સ્ત્રીની જેમ જ રોટલીઓ વણતાં જોઉં છું, આ બધું શું છે? માયા કે બીજું કંઈ?” શ્રીમાએ ઉત્તર આપ્યો, “ખરેખર માયા જ, બીજું વળી શું? માયા જો ન હોત તો, હું આ દશામાં થોડી હોત? હું તો વૈકુંઠમાં નારાયણની બાજુમાં લક્ષ્મી થઈને બિરાજત, પણ ભગવાન સ્વયં તેની આ દિવ્ય નરલીલામાં જ રહેવાનું પસંદ કરે છે.”

ફેબ્રુઆરી, 1911માં શ્રીમાએ પોતાની દક્ષિણ તીર્થયાત્રા દરમ્યાન રામેશ્વરનાં પણ દર્શન કરેલાં. આ વખતે શ્રીમાના એક સેવક સ્વામી ધીરાનંદજીએ એક દિવસ સરલાદેવીને કહેલું કે, અનાચ્છાદિત રામેશ્વરના લિંગને જોઈ શ્રીમા એકાએક બોલી ઊઠ્યાં, “જેવું છોડી ગઈ હતી, ઠીક તેવું જ છે.” આજુબાજુમાં ભક્ત મહિલાઓ ઊભી હતી. તેઓએ પૂછ્યું, “મા, આ હમણાં તમે શું બોલ્યા?” શ્રીમાએ પોતાની જીભ પણ જાણે કે લગામ દઈ દીઈ, કહ્યું, “કંઈ નહીં, એ તો અમસ્તું જ મુખમાંથી કંઈ નીકળી ગયું.” રામેશ્વર દર્શન પછી શ્રીમા જ્યારે કલકત્તા પાછાં ફર્યાં ત્યારે કોઆલપાડાના શ્રીકેદારબાબુએ પૂછ્યું, “રામેશ્વરનાં દર્શન કેવાં થયાં?” શ્રીમાએ ઉત્તરમાં કહ્યું, “બેટા, જેવું રાખીને ગઈ હતી, એકદમ તેવું જ છે.” આ વખતે ત્યાંથી શ્રીગોલાપ-મા પસાર થતાં હતાં તેમણે શ્રીમામને પૂછ્યું, “હેં, હેં મા, શું કહ્યું? ફરીથી કહો!” શ્રીમાએ જરા ગભરાઈને જવાબ આપ્યો, “મેં? મેં વળી શું કહ્યું? એમ જ કહેતી હતી કે તમારી લોકોની પાસે જેવું સાંભળ્યું હતું. બરાબર તેવું જ છે આથી મને ઘણો જ આનંદ થયેલો” ગોલાપ-મા પણ છોડે તેવાં ન હતાં. કહે, “ના ના મા, મેં બધું જ સાંભળી લીધું છે, હવે વાત ઉડાવવાથી શો ફાયદો! કેમ કેદાર?” આમ કહી તેઓ ચાલ્યાં ગયાં, અને જઈને બધાને આ વાત કહી દીધી.

કેટલાક ભક્તોનો વિશ્વાસ છે કે જેઓ ત્રેતાયુગમાં શ્રીરામચંદ્રપ્રિયા, જગજનની જાનકીના રૂપમાં અવતીર્ણ થયાં હતાં અને સમુદ્રને કિનારે રેતીથી બનેલા શિવલિંગની પૂજા કરેલી હતી, તેઓ જ આ કળિયુગમાં અશેષ-કલ્યાણમયી-ભક્તજનની શ્રીશારદાના રૂપમાં અવતીર્ણ થયાં છે. સ્વપ્રતિષ્ઠિત લિંગને આટલા લાંબા ગાળા પછી પણ એકદમ એવું ને એવું જ જોઈને અચાનક જાણે પોતાનું અત્યારનું સ્વરૂપ ભૂલી જઈને ત્રેતાયુગમાં તેઓ પહોંચી ગયાં હતાં. આમ તે વખતનાં તેમનાં જૂનાં સંસ્મરણો પોતાની મેળે જ જાણે કે તેમના હૃદયના ઊંડાણમાંથી સરી પડ્યાં હતાં. ઘણાને કદાચ આ વાતમાં વિશ્વાસ ન બેસે. આ વાતમાં કોઈને વિશ્વાસ બેસે કે ન બેસે, સીતાનું પાત્ર ઐતિહાસિક હોય કે ન હોય પણ તોયે એટલું તો ખરું કે શ્રીમા શારદા આધુનિક નારી માટે ભારતના પ્રાચીન નારીત્વના આદર્શને આજના યુગના પ્રયોજન અનુસાર રજૂ કરે છે.

Total Views: 465

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.