[શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજની રાજકોટ ખાતેની મુલાકાત દરમ્યાન ભાવિકજનો સાથે તેમના 11 ડિસેમ્બર, 1988ના રોજ જે વાર્તાલાપો થયા હતા તેમાંનો પ્રથમાંશ અમે નવેમ્બરના અંકમાં આપ્યો હતો. અહીં બાકીનો અંશ રજૂ કરીએ છીએ.]

પ્રશ્ન: ‘गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः’ આ શબ્દનો શો અર્થ છે?

ઉત્તર: એ શબ્દોનો એ અર્થ છે કે ગુરુ એ કોઈ માણસ નથી, પણ સ્વયં પરમેશ્વર જ ગુરુ છે. એટલે પરમેશ્વર પોતે જ ગુરુ છે. એને બ્રહ્મા, વિષ્ણુ, પરબ્રહ્મ ગમે તે નામ કહો. એ પરમેશ્વર છે, તે જ ગુરુ છે અને એ ગુરુને મેળવવા માટે અથવા તો એ ગુરુ પાસેથી આદેશ મેળવવા માટે આપણે માનવગુરુનો આશ્રય લઈએ છીએ. કારણ કે આપણે સાક્ષાત્ પરમેશ્વર પાસેથી સીધો આદેશ મેળવી શકતા નથી. ભગવાન સાથે આપણો સંબંધ થયો નથી, એટલે આપણે કઈ રીતે એની પાસેથી આદેશ મેળવવો, એ ન સમજાવાથી માણસ, માનવગુરુના માધ્યમથી એવો આદેશ મેળવવા જાય છે. એટલે આ માનવગુરુ પ્રત્યે પણ ‘એ પરમેશ્વર છે’ એવી દૃષ્ટિ રાખવી જોઈએ. ખરેખર તો, માનવમાત્ર અપૂર્ણ જ છે. એક અપૂર્ણ માણસ બીજા અપૂર્ણ માણસને ભલા કેવી રીતે આગળ લઈ જાય? ‘अन्धेनैव नीयमाना यथान्धाः’ – એક આંધળો માણસ, બીજા આંધળા માણસને રસ્તો બતાવીને લઈ જાય, એ તો સંભવ નથી. એક અપૂર્ણ માણસ બીજા અપૂર્ણ માણસને ભગવાનને રસ્તે કેવી રીતે દોરી લઈ જઈ શકે? એટલે શાસ્ત્રો કહે છે કે, ‘ગુરુમાં ઈશ્વરદૃષ્ટિ રાખવી, માનવદૃષ્ટિ નહિ.’ એનાં બે ફળ મળે છે, એક તો શિષ્યની કે ભક્તની ગુરુ પ્રત્યેની અસીમ શ્રદ્ધાને લીધે ગુરુમાં ઈશ્વરી શક્તિનો વિકાસ થાય છે અને બીજું, શિષ્ય-ભક્તની એવી શ્રદ્ધાને લીધે ગુરુની અનુભૂતિઓ અને ગુરુના ઉપદેશો શિષ્ય-ભક્તના મનમાં વસી જાય છે અને વધારે ફળદાયી નીવડે છે. આમ, ગુરુ પ્રત્યે ઈશ્વરદૃષ્ટિ જરૂરી છે. ગુરુની ઊણપો તરફ ધ્યાન ન આપવું જોઈએ. કારણ કે માણસમાત્રમાં ઊણપો તો હોવાની જ. પણ ગુરુમાં રહેલ જે ઈશ્વરી શક્તિ, ઈશ્વરી પ્રકાશ, એ તરફ જ જોઈએ તો એ શક્તિ આપણને વધારે ફળ આપે છે અને આપણને સાધનામાર્ગમાં ઠીક ઠીક આગળ લઈ જાય. આમ, ગુરુ પ્રત્યે ઈશ્વરદૃષ્ટિ રાખવાથી ગુરુમાં એ શક્તિનો વિકાસ થાય છે અને શિષ્ય-ભક્તમાં ગ્રહણશક્તિ વધે છે. ઉપરના શબ્દોનો આ જ અર્થ છે.

પ્રશ્ન: શ્રીરામાકૃષ્ણદેવના પ્રણામમંત્રમાં સ્વામી વિવેકાનંદ કહે છે:

“ૐ स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः” એનો સ્પષ્ટાર્થ શો?

ઉત્તર: આ શબ્દોનો અર્થ તો સ્પષ્ટ જ છે. આમાં શ્રીરામકૃષ્ણ વિશે વર્ણન છે. એ ધર્મના સ્થાપક છે, સર્વ ધર્મના સ્વરૂપ છે અને અવતારોમાં શ્રેષ્ઠ છે. ધર્મના સ્થાપક એટલે? અવતારો આવીને પોતાના જીવન અને વાણીથી ધર્મને પ્રતિષ્ઠાપિત કરે છે. અન્ય અવતારોની પેઠે શ્રીરામકૃષ્ણદેવે પણ એવું જ કર્યું, એટલે એમને ‘ધર્મના સ્થાપક’ કહી શકાય. બીજું, ‘સર્વધર્મસ્વરૂપ.’ એમને સર્વધર્મોના સ્વરૂપ એટલા માટે કહ્યા છે કે જુદા જુદા ધર્મોની સાધના કરીને શ્રીરામકૃષ્ણદેવે જોયું કે, તત્ત્વ તો એક જ છે. વિભિન્ન ધર્મોના અનુયાયીઓએ શ્રીરામકૃષ્ણદેવમાં પોતપોતાના આદર્શને અને પોતપોતાના ઈષ્ટદેવને જોયા છે. આથી શ્રીરામકૃષ્ણદેવને ‘સર્વધર્મસ્વરૂપ’ કહેવામાં આવ્યા છે. આ વાત આપણે એમના જીવનચરિત્રમાંથી જાણી શકીએ છીએ. ભક્ત મથુરાનાથને શ્રીરામકૃષ્ણદેવમાં પોતાનાં ઇષ્ટદેવી મા કાલી અને ભગવાન શંકર પ્રત્યક્ષ દેખાયાં. વૈષ્ણવ સંન્યાસી જટાધારીએ શ્રીરામકૃષ્ણદેવમાં પોતાના આદર્શ બાલરામચંદ્રને પ્રત્યક્ષ નિહાળ્યા હતા, જેમને શ્રીરામકૃષ્ણ ‘ગોપાલની મા’ કહીને સંબોધતા, તે અઘોરમણિએ પણ શ્રીરામકૃષ્ણદેવમાં પોતાના ઇષ્ટદેવ ‘બાલગોપાલ’નાં પ્રત્યક્ષ દર્શન કર્યાં હતાં. એવી જ રીતે હિન્દુ ધર્મના જુદા જુદા ઉપાસકોએ પણ શ્રીરામકૃષ્ણદેવમાં પોતપોતાના ઇષ્ટદેવ જોયા છે. આ દૃષ્ટિએ શ્રીરામકૃષ્ણદેવને ‘સર્વધર્મસ્વરૂપ’ કહી શકાય.

ત્રીજી વાત છે, ‘અવતારવરિષ્ઠ‘ની. કોઈ માણસના મનમાં કદાચ સંદેહ થાય કે, એમને ‘અવતારવરિષ્ઠ’ કેમ કહ્યા હશે? બીજા અવતારો શું કોઈ ઊતરતી કોટિના છે? અહીં આપણે એ યાદ રાખવું જોઈએ કે, ‘અવતાર’ એટલે જ ઈશ્વર. એટલે એક ‘અવતાર’ કરતાં બીજો ‘અવતાર’ કંઈ અલગ હોય ખરો? એવું તો નથી જ. એટલે બધા અવતારો એક જ ઈશ્વરના અવતારો છે, એમાં કશો તફાવત નથી. છતાં તે તે અવતારોનાં કાર્યો, જીવનકાર્યોમાં, અને તે તે અવતારના કાર્યક્ષેત્રમાં તફાવત નજરે પડે જ છે. દરેક અવતારને પોતાનું વિશિષ્ટ કાર્ય હોય છે. જેમ કે મત્સ્યાવતારનું વેદોનું ઉદ્ધાર કરવાનું કાર્ય, કૂર્માવતારનું જગતને પાતાળમાંથી બહાર કાઢવાનું કાર્ય, વગેરે. શાસ્ત્રોમાં એ અવતારોમાં અન્ય કોઈ કાર્યનો ઉલ્લેખ નથી. આ બધી તો પુરાણની વાતો છે. એ અવતારોના જીવનચરિત્રનો કે એમના ઉપદેશોનો કે માનવને ઈશ્વર તરફ લઈ જવાના કાર્યનો કોઈ ખાસ ઉલ્લેખ આપણને એમાંથી મળતો નથી. એક વાત નક્કી છે કે અવતાર જ્યારે પણ આવે છે, ત્યારે જગતમાં તે સમયે જે સમસ્યા છે, એ સમસ્યાનું સમાધાન તે અવતારમાંથી મળી રહે છે અને દરેક વખતે જગતની સમસ્યા કંઈ એકસરખી તો હોતી નથી. એક વખતે એક તો બીજે વખતે બીજી હોય છે. એટલે એ બધી જ સમસ્યાઓનું સમાધાન કંઈ એક જ અવતારમાં થઈ શકતું નથી. જુદા-જુદા અવતારોનાં કાર્યક્ષેત્રો જુદાં જુદાં હોય છે. કારણ કે તત્કાલીન સમયની આવશ્યકતાનુસાર જ અવતારો થયા કરે છે.

આમ, કાર્યક્ષેત્રની દૃષ્ટિથી અવતારોમાં તફાવત પડી જાય છે. અવતારકાર્ય એટલે અવતારોનો શક્તિપ્રકાશ. શક્તિ તો બધા અવતારોમાં હોય જ છે. પણ ‘શક્તિપ્રકાશ’ને જોઈને જ શક્તિનું મૂલ્યાંકન કરી શકાય. શક્તિ કારણ છે અને પ્રકાશ એનું કાર્ય છે. પ્રકાશ ભલે એકસરખો હોય, ઓછોવત્તો હોવાનું કોઈ કારણ પણ નથી, એ જરૂરી પણ નથી. પણ એ પ્રકાશ જુદા જુદા સમયનો હોય છે. જે સમયે જે પ્રકાશની જરૂર હોય, એ પ્રકાશ એ અવતારોમાં દેખાય છે. આ દૃષ્ટિએ અવતારે અવતારે તફાવત થઈ જાય છે અને એ રીતે જોતાં તેમનો જે સમયે આવિર્ભાવ થયો, તે સમયે જગતમાં સમસ્યાઓનો કોઈ પાર ન હતો. એ તમામ સમસ્યાઓનું સમાધાન આપણને શ્રીરામકૃષ્ણદેવના જીવનમાંથી સાંપડે છે. એક બીજી વાત. જે સમયે શ્રીરામકૃષ્ણનો આવિર્ભાવ થયો એ વખતે સમગ્ર જગત જાણે કે એક પરિવાર સમું થઈ ગયું હતું. વૈજ્ઞાનિક સાધનોની મદદથી સર્વે માનવીય ગતિવિધિઓનું અવલોકન સહજ અને સર્વગામી બન્યું હતું. આથી શ્રીરામકૃષ્ણદેવનો પ્રભાવ થોડા જ સમયમાં સમગ્ર વિશ્વમાં જે રીતે ફેલાઈ ગયો, એ રીતે બીજા કોઈ અવતારમાં ફેલાયો હોય, એવો ઇતિહાસ નથી. આ રીતે એમને ‘શ્રેષ્ઠ’ ગણી શકાય. તાત્વિક દૃષ્ટિએ તો બધા અવતારોમાં કશો જ તફાવત નથી, અવતારો વચ્ચે કશો જ ભેદભાવ નથી, બધા અવતારો ઈશ્વર જ છે પણ ઈશ્વર પોતાના ‘શક્તિપ્રકાશ’ને જુદી જુદી રીતે જુદા જુદા પ્રમાણે કહે છે. ઈશ્વરથી જ એમ થાય છે. એ પ્રમાણે આપણે વ્યાપકતાની દૃષ્ટિએ જોઈએ તો શ્રીરામકૃષ્ણદેવના જીવનમાં જેટલી વ્યાપકતા હતી, વિશ્વમાં સ્વલ્પ સમયમાં એ વ્યાપક થઈ ગયા હતા, એવું એકેય અવતારમાં થયું નથી. એટલે એ દૃષ્ટિએ એમને ‘અવતારવરિષ્ઠ’ કહી શકાય.

પ્રશ્ન: કામ, ક્રોધ વગેરે દૂર કરવાનો ઉપાય શો છે?

ઉત્તર: કામ, ક્રોધ વગેરે માણસમાં સ્વભાવતઃ હોય જ છે. એવો કોઈ જ માણસ નથી કે જેની અંદર એ ન હોય. એટલે ગીતાજીમાં કહ્યું છે:

शक्नोतीहैव यः सोढुं प्राक् शरीर विमोक्षणात् ।

कामक्रोधोद्भवं वेगं स युक्तः स सुखी नरः ।।

“જે માણસ શરીરનો ત્યાગ થયા સુધી કામ ક્રોધથી ઉત્પન્ન થતા વેગોને સહન કરી શકે, એ જ યોગી કહેવાય. એ માણસ સુખી હોય છે.” પણ કામ ક્રોધને સહન કરવા એટલે શું: અર્થ એટલો જ કે એનાથી વિચલિત ન થવું. કામક્રોધની આવનજાવનને સહ્યે રાખવી, એમ નહિ, એને કાબૂમાં રાખવા, એવો અર્થ છે. એનાથી ચલિત ન થઈ જવું. જે એવું કરે તે ‘યોગી’ કહેવાય. પણ એને કાબૂમાં રાખવા કેવી રીતે? હું ફરીથી કહું છું કે અભ્યાસથી અને વૈરાગ્યથી. એ સિવાય અન્ય કોઈ જ સામાન્ય માર્ગ નથી. કામ-ક્રોધને જ્ઞાનપૂર્વક તુચ્છ વસ્તુ ગણવાનો એક વધારાનો ઉપાય છે. સમજણપૂર્વક આ વાત મનમાં ઠસી જાય, તો એવી તુચ્છ વસ્તુ તરફ મન ખેંચાય નહિ. એવા જ્ઞાનીને કામ-ક્રોધ થવાનો સંભવ નથી. હજુય એક અન્ય માર્ગ છે. એ માર્ગ શ્રીરામકૃષ્ણે બતાવ્યો છે. શ્રીરામકૃષ્ણદેવ કહે છે કે, “જો સાકર મળે તો ગોળ તરફ મન ન જાય. સારો પેંડો મળે, તો કાજુ તરફ કોણ લલચાય? એ રીતે એક ઊંચી વસ્તુ તરફ મનનું આકર્ષણ થાય, તો તુચ્છ વસ્તુ તરફનું આકર્ષણ નીકળી જાય. એટલે ભગવાન તરફ જેટલું મન ખેંચાય, તેટલું એ જગતના તુચ્છ વિષયોમાંથી પોતાની મેળે નીકળી જશે.” આ પણ ઉપાય છે. અભ્યાસ-વૈરાગ્ય ઉપરાંતના આ આગળ બતાવેલા બે માર્ગોમાં પહેલો માર્ગ વિધેયાત્મક છે અને બીજો નિષેધાત્મક છે. એક ત્યાગનો માર્ગ છે અને બીજો ઉચ્ચતમ પ્રત્યેનો આકર્ષણનો છે. આ બે ઉપાયોથી પણ મનમાંના કામ-ક્રોધ દૂર કરી શકાય છે.

પ્રશ્ન: શ્રીગુરુદેવના ધ્યાનમાં બેસતી વખતે તો દિવ્ય દર્શન થાય છે. પણ સ્વામી વિવેકાનંદનાં પુસ્તકોમાં આવે છે કે એની કશી કિંમત નથી. તો આ બાબતમાં માર્ગદર્શન આપશો?

ઉત્તર: આવાં અલૌકિક દર્શનોનું પોતાનું તો કશું મૂલ્ય હોતું નથી. જો એવાં દર્શનો માણસના જીવનમાં પરિવર્તન લાવે, તો જ એને સાચાં દર્શન ગણી શકાય. નહિ તો દર્શન તો મનમાં ઘણા પ્રકારનાં થાય છે. અતિસાધારણ માણસ પણ કહે છે કે, ‘હું રામને જોઉં છું, હું કૃષ્ણને જોઉં છું, હું કાલીને જોઉં છું.’ પણ જીવન તો જેવું તેવું સાધારણ જ જીવે છે. એવાં દર્શનનો બિલકુલ અર્થ નથી. દર્શન કરનારના જીવનમાં દર્શનથી કેટલો ફેરફાર થાય છે તે ઉપરથી દર્શનનો અર્થ નક્કી કરાય. એટલે ખાલી દર્શન ઉપર બહુ આધાર રાખવાની જરૂર નથી. મનના વિચારોની ધારણા જ આવાં દર્શનનું રૂપ લે છે. એટલે તો એને સ્વપ્નની જેમ ‘નિર્જન’ કહે છે. કોઈ કહે કે “સ્વપ્નમાં આવીને શિવજી મને આવું આવું કહી ગયા.” એવાઓને હું કહું કે, “સ્વપ્નમાં આવીને તમારા ભાઈ તમને અમુક – તમુક કહી જાય, પછી જાગીને તમે તમારા ભાઈ પાસે જઈને પૂછી જુઓ કે, તેણે તમને શું કહ્યું હતું?” એક બહેને મને કહ્યું કે, “આપે મને સ્વપ્નમાં દીક્ષા આપી છે, તો ક્યો મંત્ર આપ્યો છે?” મેં એને જવાબમાં કહ્યું કે, “તમે સ્વપ્નમાં જોયું છે, પણ મેં તો કંઈ સ્વપ્નમાં જોયું નથી. એ સ્વપ્નમાં હું પણ જો તમારી સાથે હોત તો કહી શકત કે, મેં કયો મંત્ર આપ્યો હતો!” આથી સમજાય છે કે, સ્વપ્નને સાચું માનતાં કેવી વિભ્રાન્તિ ઊભી થાય છે, અને દરેક સ્વપ્ન જો મિથ્યા હોય તો તેમાંના જ એકને સાચું કહેવું કઠિન છે.

આમ તો સ્વપ્ન માત્ર મિથ્યા છે, છતાં કોઈ કોઈ વાર એવી મિથ્યા વસ્તુ તો સત્ય સાથે સેળભેળ થઈ જાય છે, એનું કારણ ‘દૈવાત્’ છે એ accidental જ છે એને ‘દૈવાત્’ કહેવાય છે, એનો અર્થ કંઈ ‘મેં જોયું તે સાચું હતું’ એવો થતો નથી. એ તો છે ખાલી સાદૃશ્ય. ઘણી વાર તો આપણું મન એવા સાદૃશ્યને પારખી પણ લે છે અને કહે છે કે, “મેં જે જોયું છે, તેવું કંઈ થતું તો નથી. સ્વપ્ન તો આખરે સ્વપ્ન જ છે.” પરંતુ સ્વપ્નોનો એક તફાવત ધ્યાનમાં રાખવો જોઈએ. આવેલું સ્વપ્ન જો સારું હોય, દાખલા તરીકે દેવસ્વપ્ન, ગુરુસ્વપ્ન કે કોઈ ઉચ્ચ આદર્શ પ્રેરક સ્વપ્ન હોય, તો એવું સ્વપ્ન માણસના મનમાં સારા સંસ્કાર પાડે છે. એ રીતે એવાં સ્વપ્નો ઉપયોગી અને કલ્યાણકારી છે. પણ એનો અર્થ, સ્વપ્નો સાચાં છે, એવો ન જ કરાય. સ્વપ્નનો અર્થ જ ‘જે સાચું નથી તે’ એવો થાય છે. શંકરાચાર્ય મહારાજે એક દૃષ્ટાંત આપ્યું છે: કોઈક માણસે સ્વપ્નમાં જોયું કે કોઈક સિંહે એના ઉપર આક્રમણ કર્યું, એ માણસના મનમાં ગભરાટ ઉત્પન્ન થયો, એટલામાં એ જાગી ગયો. પણ પેલા સ્વપ્નના ગભરાટથી થયેલા હૃદયના ધબકારા તો જાગૃત અવસ્થામાંય ચાલુ જ રહ્યાં હતાં! આમાં પેલું સ્વપ્ન તો સ્વપ્ન જ હતું પણ હૃદયના એ ધબકારા જ સાચા છે. આ ઉપરથી સ્વપ્નનું મિથ્યાત્વ સમજી શકાય છે.

પ્રશ્ન: આપણે આપણા સાધના જીવનમાં ઈશ્વર તરફ આગળ વધી રહ્યા છીએ કે કેમ, એ કેવી રીતે જાણી શકાય?

ઉત્તર: આ બહુ જરૂરી પ્રશ્ન છે. માણસના મનમાં આવી શંકા ઉત્પન્ન થાય એ સ્વાભાવિક છે. કેટલાક માણસો પોતાને સ્વપ્નમાં અતિ અલૌકિક દૃશ્યો જોવામાં આવતાં, એ જ ઈશ્વર તરફ કંઈક આગળ વધવાનું ચિહ્ન છે, એવું સમજે છે. કેટલાક વળી જાગૃત અવસ્થામાં કે ધ્યાનમાં થતાં એવાં દર્શનોને એવું ચિહ્ન માને છે. આવી બાબતોમાં હંમેશાં શંકાને સ્થાન હોય જ છે. પણ એ જાણવા માટે ભાગવતમાં સ્પષ્ટ શબ્દોમાં સુંદર રીતે લખ્યું છે:

‘भक्तिः परेशानुभवो विरक्तिरन्यत्र,

प्रपद्यमानस्य यथाश्नतः स्युः तुष्टिश्च पुष्टिः

क्षुद्पायनंच’

એક માણસ ભૂખ્યો છે, અને ભૂખને લીધે તકલીફ છે, અસંતોષ છે, એને અશક્તિ આવી ગઈ છે. હવે તમે એને જો ખાવાનું આપો અને એ ખાવા માંડે તો દરેક કોળિયાથી એની ભૂખની તકલીફ ધીરે ધીરે મટતી જાય છે. એના શરીરમાં શક્તિ આવવા માંડે છે, એમાં બળ પુરાય છે, એના મનનો અસંતોષ દૂર થાય છે. આમાં ત્રણ વસ્તુ છે; સંતુષ્ટિ, તુષ્ટિ અને પુષ્ટિ (બળ). ભૂખની તકલીફ આ ત્રણ વસ્તુથી દૂર થઈ જાય છે.

એવી જ રીતે, કોઈ માણસ ભગવાનનું શરણ લે, તો એને ત્રણ વસ્તુ એકી સાથે મળે છે, ‘પ્રપદ્યમાન’ હોય તો એને એકી સાથે ત્રણ વસ્તુ સાંપડે છે: એક તો ‘ભક્તિઃ’ એટલે કે ભગવાન પ્રત્યે અનુરાગ. બીજી વસ્તુ છે ‘પરેશાનુભવઃ’ એટલે ભગવાન પ્રત્યે મનની અસંદિગ્ધતા – સ્પષ્ટતા અને ત્રીજી વસ્તુ ‘વિરક્તિઃ અન્યત્ર’ એટલે કે ભગવાન સિવાય અન્ય વસ્તુઓ તરફનો અનુરાગ-આકર્ષણ દૂર થઈ જાય તે. સોનાની સચ્ચાઈ પારખવા માટે જેમ નિકષ (બંગાળી કષ્ટિપાથર)માં ઘસવામાં આવે છે તેમ આ ત્રણ વસ્તુઓ ઈશ્વર પ્રત્યે આગળ વધવાની ખરાઈનો માપદંડ છે. ભક્તિ – ભગવાન પ્રત્યે અનુરાગ વધે છે કે કેમ? બીજું, ભગવાનની બાબતમાં અસંદિગ્તતા – સંશયાભાવ – સ્પષ્ટતા છે કે કેમ? અને ત્રીજું, અન્યત્ર વિરક્તિ-અન્ય વિષયોમાંથી મનનું આકર્ષણ દૂર થાય છે કે કેમ?

આ ત્રણ વસ્તુમાંથી તમને ખબર પડશે કે તમે ઈશ્વર તરફ આગળ જાઓ છો કે કેમ? આ સિવાય બીજો કોઈ રસ્તો નથી.

વધુ સમજવા માટે દૃષ્ટાંત રૂપે કહી શકાય કે, કોઈ માણસ ભગવાનનું નામ લે, ત્યારે એની આંખમાંથી આંસુ નીકળે છે અને એને બહુ આનંદ આવ્યો હોય, એમ દેખાય છે. બીજા માણસો એ જોઈને સમજશે કે આ તો બહુ સારા ભક્ત છે પણ જ્યારે વિષય ઉપસ્થિતિ થાય, ત્યારે એ વિષય તરફ – વિષયમાં – એનું જો એટલું જ આકર્ષણ હોય, તો એનાં આંસુ કંઈ સાચાં આંસુ નથી અને કોઈને જો એમ થાય કે વિષય તરફ આકર્ષણ નથી અને ભગવદ્ વસ્તુ તરફ પણ આકર્ષણ નથી, તો તેવા માણસનું જીવન વિભ્રાન્ત જીવન છે, Frustrated life છે. એને કોઈ વસ્તુ તરફ આકર્ષણ નથી. એટલે એ કહે છે કે, મને કોઈ વસ્તુ ગમતી નથી. આ તો દુઃખમય જીવન છે. કોઈ વસ્તુ ગમે જ નહિ, એ કંઈ વૈરાગ્ય નથી. આથી જે વૈરાગ્ય આપણને ઈશ્વર તરફ ન લઈ જાય, પણ ઈશ્વર તરફ જવામાં જ મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય, તો એવો વૈરાગ્ય નથી. એટલે ત્રણેય બતાવેલ વસ્તુ એકસાથે હોય, તો એ સાચો ગણાય. જો વિષયો પ્રત્યે વૈરાગ્ય ન થાય, તો ઈશ્વર તરફ આગળ જઈ શકાતું નથી, આગળ વધી શકાતું નથી. જો ઈશ્વરભક્તિ ન હોય, તો ગમે તેટલી પૂજા, પુરશ્ચરણ, શાસ્ત્રપાઠ વગેરે વ્યર્થ છે અને એ આગળ લઈ જઈ શકતાં નથી. તો એ પ્રમાણે ભક્તિ અને ભગવાન પ્રત્યે અસંદિગ્ધતા – નિઃસંદેશપણું મહત્ત્વની વાત છે. માણસ જ્યાં સુધી ઈશ્વર દર્શન ન કરે, ત્યાં સુધી સંદેહ ખરેખરો જતો નથી અને એ સંદેહ કંઈ અચાનક ચાલ્યો જાય, એવું બનતું નથી. એ તો ધીરે ધીરે જાય છે. આમ, જેમ જેમ સાધક આગળ વધતો જાય, તેમ તેમ આ ત્રણેય વસ્તુઓ વધ્યા કરે છે. ઈશ્વરભક્તિ, ઈશ્વર વિશેની અસંદિગ્ધતા અને વિષયવૈરાગ્ય – આ ત્રણેય ધીરે ધીરે વધ્યા કરે છે એ રીતે વિચાર કરવાનો છે.

Total Views: 533

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.