[કલકત્તા વિશ્વવિદ્યાલયના અધ્યાપક પ્રો. બસુ બંગાળના સુપ્રસિદ્ધ સાહિત્યકાર છે. અને ‘સાહિત્ય અકાદમી પુરસ્કાર’, ‘વિવેકાનંદ પુરસ્કાર’ વગેરેથી વિભૂષિત થયા છે. તેમણે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવ-આંદોલન, વિશેષત: સ્વામી વિવેકાનંદ વિષે બંગાળીમાં ઘણા શોધ ગ્રંથો લખેલ છે, જેમાં ‘વિવેકાનંદ ઓ સમકાલીન ભારતવર્ષ, (સાત ભાગમાં) અને ‘લોકમાતા નિવેદિતા’ (બે ભાગમાં) નોંધપાત્ર છે.]

  1.   વર્તમાન દૃશ્ય અને યુવાનોના પ્રતિસાદની આવશ્યકતા –

ધર્મના પાયા ઉપર ભારતના ભાગલા પડ્યા અને પાકિસ્તાનનું અલગ રાજ્ય રચાયું. એટલું જ પૂરતું ન થયું; સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછીનાં પોતાની હસ્તીનાં ચાલીસ વર્ષો દરમ્યાન, આવાં ખાલિસ્તાન, અહોમસ્તાન, ઝારકંડાસ્તાન, ગોરખાસ્તાન, ઉર્દૂસ્તાન વગેરે અનેકાનેક ‘સ્તાનો’ની ખુલ્લે આમ કે છૂપી રીતે થતી રહેલી નવી નવી માગણીઓનો સામનો આજે ભારત કરી રહ્યું છે. સ્વતંત્ર નાગાલેન્ડની માગણી તો ઘણા વખતથી ઊભી જ છે. ટૂંકમાં, વર્તમાન પરિસ્થિતિ ઘણી જ વિષાદમય છે.

ભારતની સામે આજે ગંભીર પડકારો ખડા થયા છે. પોતાની માતૃભૂમિને અખંડિત રાખવા માટે ભારતના યુવાનોને સંગઠિત થવાની તાતી જરૂર ઊભી થઈ છે. તેમના ઉપર સ્વામી વિવેકાનંદે પોતાનાં આશા-અરમાનો બાંધ્યાં હતાં. તેમને તેઓશ્રીએ માતૃભૂમિ પ્રત્યેનો અને દેશબાંધવો પ્રત્યેનો પ્રેમ વારસામાં ભેટ આપ્યો હતો. પોતાના જીવનરક્તથી રસાયેલા આવા શબ્દો તેમણે ઉચ્ચાર્યા હતા:

‘લાખ લાખ સ્ત્રીઓ અને પુરુષો … ઈશ્વર પરની શાશ્વત શ્રદ્ધાથી રક્ષાયેલો … મુક્તિનો સંદેશ, સમાજોત્થાનનો સંદેશ, સમાનતાનો સંદેશ વહાવતા-આચરતા ધરતીને ખૂણે ખાંચરે – બધે જ ઘૂમી વળશે.’

પ્રમાણિત નોંધો પરથી એ સ્પષ્ટ થાય છે કે, ભારતમાં સ્વામી વિવેકાનંદે યુવા-આંદોલનનાં મંડાણ કર્યાં હતાં. સેંકડો યુવાનો તેમની આસપાસ ભેગા થતા, તેમના નામનો જયજયકાર પોકારતા, તેમના આદર્શોને મૂર્તિમંત કરવા પોતાનાં જીવન સમર્પતા. મહાત્મા ગાંધીજીથી માંડીને નેતાજી સુભાષચંદ્ર બોઝ સુધી સૌ આ હકીકતનો સ્વીકાર કરે છે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી પણ વિવેકાનંદના આદર્શોની સમયોચિતતા તલભાર પણ ઘટી નથી, બલ્કે ખૂબખૂબ વધી ગઈ છે. શું વર્તમાન ભારત અખંડિત અને પ્રગતિશીલ રહેવું જોઈએ કે? આનો જવાબ ભારતના યુવાનોએ આપવાનો છે: “હા, રહેવું જોઈએ; આપણે સ્વામી વિવેકાનંદનાં બાળકો છીએ, એમને આપણામાં વિશ્વાસ હતો, એમને ભારતમાં વિશ્વાસ હતો, એમનો વિશ્વાસ એ આપણો વિશ્વાસ છે. ભારત આપણો છે અને આપણો થઈને જ રહેશે.”

  1.   પોતાના સમયમાં જણાતા અલગતાવાદની સમસ્યાઓનો સ્વામીજીએ કેવી રીતે સામનો કર્યો?

એક તો, ભારતના મહાન વારસાના ખજાનાને ખુલ્લો મૂકીને અને બીજું, મતભેદનાં કારણો પૂરેપૂરાં પિછાણીને એનો પ્રતિકાર કરવાના માર્ગો બતાવીને.

  1.   ભારતની ભવ્ય કીર્તિગાથા

ભારતીય હોવાનો આપણને ગર્વ હોવો જોઈએ, એની સ્વામીજીએ આપણને પ્રતીતિ કરાવી આપી છે. નાતજાતના કે સામાજિક માનમોભાના કશા જ ભેદભાવ વગર સૌ ભારતીયો મારાં ભાઈબહેનો છે, એવી ભાવના રાખો. જો આ ભાવના નહિ આવે, તો ભારતીય રાષ્ટ્રીયતા પણ નહિ જ આવે. એ કેળવવા માટે ભારતીય ઇતિહાસ અને ભારતના વારસાની જાણકારી અત્યંત જરૂરી છે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં સ્વામીજીએ આ જરૂરી બાબતની શોધ કરી. અને શ્રીમતી એની બેસેન્ટે કહ્યું છે તે મુજબ, “એવું કરીને તેમણે લોકોમાં રાષ્ટ્રીયતાની અત્યંત તીવ્ર ભાવના જગાડી દીધી.” તેઓ આ કાર્યભારનું વહન કરવા માટે સૌથી વધારે યોગ્ય હતા. કારણ કે, તેમણે પોતાની આધ્યાત્મિક તાલીમ બીજા કોઈ પાસેથી નહિ, પણ શ્રીરામકૃષ્ણદેવ પાસેથી લીધી હતી! રવીન્દ્રનાથ ટાગોરના કથન મુજબ, “જે રામકૃષ્ણદેવમાં પૂર્ણતાનાં વિવિધ ઝરણાંમાંથી આવેલી વિવિધ સાધનાઓ ધ્યાનમાં એકાકાર બની ગઈ હતી.” વળી, “જેમણે પૂર્ણ તત્ત્વનાં આનંદમય અને અનેકવિધ સ્પષ્ટ દર્શનોના ઐક્યનું એક મંદિર રચી દીધું હતું.” આવા આધ્યાત્મિક ખજાનાની ભેટ પામેલા સ્વામી વિવેકાનંદ લગભગ પગપાળા જ સમગ્ર ભારતમાં ઘૂમી વળ્યા. ભારતનો સાંસ્કૃતિક પ્રવાહ, ભારતના સામાન્ય જનસમુદાયમાં કેવી રીતે વહી રહ્યો છે અને તેમના જીવનને ટકાવી રહ્યો છે, તે તેમણે નિહાળ્યું. આ પર્યટન પહેલાંના દિવસોમાં તેઓ ભારતને ચાહતા તો હતા જ. પણ આ પર્યટન પછી તો તેઓ ભારતના આશક જ બની ગયા. ભગિની નિવેદિતાએ કહ્યું હતું કે, માતૃભૂમિ તેમની આરાધ્ય દેવી હતી. સુખસગવડવાળા અને ધનસંપત્તિથી ભર્યાભાદર્યા પશ્ચિમમાંથી ગરીબ, બિચારા, દબાયેલા, પિસાયેલા ભારત દેશમાં પાછા ફર્યા પછી સ્વામીજીએ કહ્યું: “આજે હું અહીં ઊભો રહી કહું છું કે આ ધરતી ઉપર જો કોઈ પણ દેશ પોતાને પુણ્યભૂમિ તરીકે ગણાવવાનો દાવો કરવા માટે યોગ્ય હોય, તો તે ભારત છે. ‘ભારત’ આ શબ્દ સ્વામીજી માટે અત્યંત પવિત્ર હતો. ભગિની ક્રિસ્ટીને લખ્યું છે: “હું માનું છું કે અમે જ્યારે એમને મુખેથી પહેલવહેલો, મધુર સ્વરમાં ‘India – ભા – 2 – ત’ એવો શબ્દ સાંભળ્યો, ત્યારથી જ અમારા મનમાં ભારત પ્રત્યેનો પ્રેમ ઉત્પન્ન થઈ ગયો… પાંચ અક્ષરના આ એક જ શબ્દમાં આટલું બધું વજન મૂકી શકાય, એવી આ વાત ભલે ઝટ કોઈને ગળે ન ઊતરે, પણ એમાં જ પ્રેમ, આતુરતા, ગૌરવ, આશા-અરમાન, પૂજ્યભાવ, કારુણ્ય અને વળી પાછો પ્રેમ – આ બધું જ ભર્યું હતું.”

અહીં મારી પાસે રહેલા મર્યાદિત સમયમાં સ્વામીજીએ નિર્દેશેલાં ભારતીય સંસ્કૃતિનાં વિવિધ પાસાંની વ્યાખ્યા કરવાનું શક્ય નથી, ટૂંકમાં એટલું કહી શકાય ક, સ્વરૂપમાં વૈવિધ્યવાળાં છે, વિષય વસ્તુમાં સમૃદ્ધ છે તેમ જ જીવન ચેતના અને સ્ફૂર્તિથી ભરપૂર છે.

  1. તેમના સમયમાં ભારતમાં કામ કરી રહેલાં વિભેદક બળોનું સ્વરૂપ અને સ્વામીજીએ એનો મુકાબલો કેવી રીતે કર્યો?

(અ) હિન્દુઓમાં: હિન્દુઓમાં એ વિભેદક બળો જાતિપાંતિના ભેદભાવ અને અસ્પૃશ્યતા હતાં. એની સામેનું સ્વામીજીનું ધર્મયુદ્ધ તો જગજાહેર છે. મહાત્મા ગાંધીજીને તેમના હરિજન-આંદોલનમાં સ્વામીજી પાસેથી પ્રેરણા સાંપડેલી. ‘ઢીલા હતાશ હિંદુઓ’ને ‘દબાયેલા પિસાયેલા હિંદુઓ’ એવા શબ્દો ગાંધીજીએ પસંદ કર્યા. અને એ શબ્દો તેમણે સ્વામી વિવેકાનંદ દ્વારા જ ઘડ્યા. ગાંધીજીએ કહ્યું: “આપણા દબાયેલા પિસાયેલા ભાઈઓના આપણે ગુનેગાર છીએ. આપણે જ તેમને પેટ ઘસતા બનાવી રહ્યા છીએ, આપણે જ તેમને ધરતી પર નાકલીટી તાણતા કરી મૂક્યા છે. ક્રોધથી આંખો રાતી ચોળ કરીને આપણે તેમને રેલવેના ડબામાંથી બહાર હડસેલી કાઢીએ છીએ…” સ્વામી વિવેકાનંદ વારંવાર કહેતા કે, “અસ્પૃશ્યો પોતે કંઈ ઢીલા કે હતાશ નથી; તેમને હિંદુઓએ દબાવી દીધા છે. એમને દબાવીને એના બદલામાં-ફળરૂપે તેઓ પોતે જ દબાઈ ગયા છે.”

(બ) હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે: સ્વામીજીને પોતાના મુસ્લિમ ભાઈઓ ઉપર ખૂબ સ્નેહ હતો. અને ઉષ્માભરી રીતે તેમણે મુસ્લિમ સભ્યતાને અને તેમની સામાજિક સમાનતાને બિરદાવી છે. આજથી એકસો વરસ પહેલાં તેણે ખુલ્લેઆમ મુસ્લિમો સાથે ભોજન કરવાની હિંમત દાખવી હતી. એ સમયમાં તો આવી કલ્પના કરવાનું પણ શક્ય ન હતું. કાશ્મીરમાં બોટમાં નાનકડી મુસ્લિમ બાળાની તેમણે ઉમા તરીકે પૂજા કરી હતી. આ અંધાધૂંધીબંધ અને ટંટાફિસાદમાં ‘વેદાન્તના મસ્તિષ્ક અને ઈસ્લામના દેહથી ભવિષ્યનું સંપૂર્ણ ભવ્ય અને અજેય ભારત જન્મશે.’ એવું તેમનું ભાવી દર્શન હતું. (10-6-1998, ના રોજ મહમદ સરફરાઝ હુસૈન પર લખેલ પત્ર)

(ક) હિંદુઓ અને ખ્રિસ્તીઓ વચ્ચે: ભારતીય ધર્મ અને ભારતીય સંસ્કૃતિની ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા કરાતી નિંદાખોરી સામે સ્વામીજીએ સખત સામનો કર્યો. બીજાને ઉશ્કેરી મૂકનારી સાંપ્રદાયિક્તાના તેઓ જબરા વિરોધી હતા, પણ સાથોસાથ તેમણે ઈશુ ખ્રિસ્તની ભારોભાર પ્રશંસા પણ કરી છે, સ્વામીજીએ એક વાર કહ્યું હતું: ‘નઝરેથના જિસસના કાળમાં જો હું જુડિયામાં રહેતો હોત તો તેમનાં ચરણો મેં મારાં આંસુઓથી જ નહિ, પણ મારા હૃદયના રક્તથી ધોયાં હોત.’ અમેરિકામાં અનેક દેવળ-ચર્ચમાં સ્વામીજી ઘૂંટણિયે પડ્યા અને જ્યારે ચર્ચના બધા અધિકારીઓ વેદી પર પ્રસ્થાપિત ઈશુ ખ્રિસ્તને પૂજી-નમી રહ્યા હતા ત્યારે પોતાને પડખે ઊભેલી એક ખ્રિસ્તી મહિલાના કાનમાં સ્વામીજીએ કહ્યું: ‘આ એક જ ઈશ્વર, એક જ પરમાત્મા છે કે જેને આપણે બંને ભજીએ છીએ.’

શિકાગોની ધર્મમહાસભામાં સ્વામીજીનાં ઉદ્‌બોધનો ફક્ત હિન્દુ શ્રદ્ધાના જ દસ્તાવેજો નથી. એ વિશ્વધર્મના પણ દસ્તાવેજો છે, ત્યારે તેમણે કહ્યું: “શું હું એમ ઇચ્છું છું કે, ખ્રિસ્તીઓ હિન્દુ બની જાય? ભગવાન મને એવું કરતાં બચાવે! શું હું એમ ઇચ્છું છું કે હિન્દુ અથવા બૌદ્ધ ખ્રિસ્તી બની જાય? એવું કરતાં યે પ્રભુ મને બચાવે!” તેઓ ઇચ્છતા હતા કે દરેક ધર્મના ધ્વજ ઉપર સંઘર્ષ-મુકાબલો-સામનો જેવા શબ્દોને બદલે આવા શબ્દો તરત લખાઈ જાય કે, “લડો નહિ, સાથસહકાર સાધો, વિનાશ નહિ. સંમિલન કરો; સંવાદિતા અને શાન્તિ રાખો, વિસંવાદિતા નહિ.”

ખ. શીખોની ચીડવતી સમસ્યાઓ અંગે: જો કે શીખોની ચીડવતી સમસ્યાએ હજુ હમણાં જ આવું અકલ્પ્ય મોટું સ્વરૂપ પકડ્યું છે અને ભારતની અખંડિતતા અને એકતા પર ભય ઊભો થયો છે, પણ એનું મૂળ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં શોધી શકાય છે. એ જ્યારે એના બીજા સ્વરૂપમાં હતું, ત્યારથી જ સ્વામી વિવેકાનંદ એને જોઈ શક્યા હતા. તે સમયનાં પંજાબનાં વર્તમાનપત્રો દ્વારા મેં કરેલી શોધખોળ મને બતાવી આપે છે કે હિન્દુ સંસ્કૃતિ સામેનું શીખ આંદોલન કંઈ એકાએક ફૂટી નીકળ્યું નથી. પણ સ્થાપિત હિતોવાળા બ્રિટિશ હાકેમો દ્વારા એ ઘડાયેલું-દોરાયેલું છે. સને 1897માં જ્યારે સ્વામીજીએ પંજાબની મુસાફરી કરી, ત્યારે આ બંને કોમો વચ્ચે પરસ્પર વિશ્વાસનું વાતાવરણ સર્જવા એમણે પોતાનાથી બનતું બધું જ કર્યું. તે બંનેમાં રહેલી સમાનતા ઉપર તેમણે ભાર મૂક્યો. આ પંચનદ પ્રદેશનો તેમણે ભારે મહિમા ગાયો. તેમજ ગુરુ નાનક અને ગુરુ ગોવિંદસિંહનો સન્માનપૂર્વક અને પ્રશંસાપૂર્વક ઉલ્લેખ કર્યો. સ્વામીજીએ કહ્યું: “અહીં જ (પંજાબમાં જ) તેમનું-નાનકનું વિશાળ હૃદય ખુલ્લું હતું. તેમના હાથ કેવળ હિન્દુઓના જ નહિ, મુસ્લિમોના જગતને પણ ભેટવા તત્પર હતા. અહીં જ આપણી જાતિના ખૂબ ભવ્ય નેતાઓ પૈકીના એક છેલ્લા ગુરુ ગોવિંદસિંહ થયા છે. એમણે ધર્મને માટે પોતાનું લોહી રેડ્યું અને પછી જેમને માટે તેમણે લોહી રેડ્યું તેમના દ્વારા જ ત્યજાયેલા તેમણે હૃદયમાં ઘવાયેલા સિંહની પેઠે દક્ષિણમાં મરવા પ્રયાણ કર્યું અને પોતાના દેશને માટે વિરોધનો એક શબ્દ સરખો પણ ઉચ્ચાર્યો નહિ.” એકતા માટે પુકાર કરતા સ્વામીજી લાગણી હચમચાવી મૂકે એવા એક અવાજ સમા હતા. તેમણે કહ્યું છે: ‘હું તમારી આગળ કોઈ શિક્ષક-ઉપદેશકને નાતે ઊભો નથી. પરંતુ પશ્ચિમના બાંધવો સાથે અભિનંદનના શબ્દોનું આદાનપ્રદાન કરવા પૂર્વમાંથી આવેલા એક બાંધવને નાતે તમારી સાથે હાથ મિલાવવા ઊભો છું. હું અહીં આપણી વચ્ચે રહેલી અસમાનતાઓને શોધવા નથી આવ્યો, પણ આપણે ક્યાં ભેગા મળી શકીએ છીએ, એ તપાસવા-ખોજવા આવ્યો છું. કઈ ભૂમિકાએ આપણે સદાકાળ ભાઈઓ તરીકે રહી શકીએ, તે સમજવા માટે હું અહીં ઊભો છું… હું અહીં કશુંક રચનાત્મક કાર્ય કરવાને ઈરાદે આવ્યો છું, નહિ કે કંઈ વિઘાતક.’ અને પછી સ્વામીજીએ હિન્દુ ધર્મનાં સામાન્ય મૂળ તત્ત્વોની પોતાની વ્યાખ્યા કરતાં આગળ ચલાવ્યું અને બતાવ્યું કે, બધા જ ધર્મોના ભેદો-પ્રભેદો બીજું કશું જ નથી પણ એક જ સત્યના વિવિધ વિસ્તારો જ છે.

ગ. ઉત્તર-દક્ષિણની કહેવાતી સાંસ્કૃતિક ભિન્નતા અંગે:

અહીં વળી ઓગણીસમી સદીના છેલ્લા દશકાના આરંભનાં વરસોમાં દક્ષિણ ભારતના લોકોમાં અલગ જાતિવાદનો વિભેદક પ્રચાર શરૂ થયો. અને એને પણ કોલ્ડવેબ નામના એક બિશપે જ જોઈતી મદદ પૂરી પાડી. સ્વામીજી કેવળ તાલિમોના જ નહિ, આર્યોના અલગતાવાદી વલણને પણ માનતા ન હતા. ‘આર્યો અને તાલિમ’ નામના પોતાના સુવિખ્યાત લેખમાં એમણે એવું બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે, આર્યત્વનો અર્થ એવું સંસ્કૃતિ-સ્વરૂપ થાય છે કે જે આખા ભારતવર્ષને વ્યાપીને રહેલું છે. સંસ્કૃતભાષી કે તાલીમભાષી કે બીજી કોઈ પણ ભાષા બોલનારા ગમે તે હોય, તે બધા જ આર્યો છે. ભાષા અને જાતિના છૂટા ન જ પાડી શકાય તેવા સંબંધો સ્વામીજી સ્વીકારતા ન હતા. આ રીતે તેઓ હિન્દુ-આર્યોના તેમ જ હિન્દુ-દ્રાવિડોના મિથ્યા રાષ્ટ્રીય અભિમાન સામે લડ્યા અને તેમણે બતાવ્યું કે ભારતમાં અસંખ્ય ટોળીઓ અને જાતિઓના લોહીનું મિશ્રણ થયેલું છે અને એણે ભારતને એક ‘વાસ્તવિક નૃવંશીય સંગ્રહસ્થાન’ બનાવ્યું છે. સ્વામીજીએ કહ્યું છે: “વેદકાળના આપણા સંસ્કૃતભાષી પૂર્વજો માટે આપણને ગૌરવ છે અને આપણા તાલીમભાષી પૂર્વજો માટે પણ ગૌરવ છે કે, જેમની સંસ્કૃતિ સૌથી પ્રાચીન છતાં સુવિદિત છે. સ્વામીજી એટલેથી જ ન અટક્યા. આર્યો અને તામીલોએ બંનેની જૂઠી-વ્યર્થ ભવ્યતા પર સપાટો લગાડતાં તેઓએ ઉમેર્યું: “ઉપર ગણાવેલા કરતાંય વધુ પુરાણા આપણા જૂના પૂર્વજો કે જેઓ જંગલમાં શિકાર કરીને ગુજરાન ચલાવતા, તેમને માટે પણ આપણને ગૌરવ છે. ચકમકના પથ્થરોનાં ઓજારો વાપરનારા એ આપણા પૂર્વજો માટે પણ આપણને ગૌરવ છે.” જે કંઈ ભારતીય હોય, જે કંઈ માનવ સાથે સંબંધ હોય તે બધા માટે સ્વામીજીને ગૌરવ હતું. “આપણે જન્મ્યા, કામ કર્યાં, મુશ્કેલીઓ વેઠી એનું ગૌરવ લો; અને કાર્ય પૂરું થયે આપણું મરણ થાય એનો વળી વધારે ગૌરવ લો.”

  1. આર્થિક અને સાંસ્કૃતિક અસમાનતા: સૌથી પ્રબળ ભેદક તત્ત્વ ધાર્મિક, ભાષાકીય તેમ જ જાતીય ભેદભાવોમાંથી દેખીતી રીતે ઉત્પન્ન થતા લગભગ મોટા ભાગના ઝઘડાઓની પાછળ આર્થિક અસમાનતા કામ કરી રહી છે. જો કે ભારતના સંદર્ભમાં સાંસ્કૃતિક અસમાનતા, ઘણે ભાગે જ્ઞાતિઓની વાડાબંધીના પાયા પર ઊભી છે. એ એક પાયાનું વિભાજક તત્ત્વ છે. સ્વામીજીએ પોતાના મહાન મસ્તિષ્ક અને વિશાળ હૃદયના પૂરેપૂરા જોરથી એના ઉપર ફટકો લગાવ્યો હતો. સાંસ્કૃતિક મોરચે તેમણે વંશપરંપરાગત ચાલી આવતી સત્તા-વારસદારીને પડકારી. એની પાછળ એમણે વિશિષ્ટ હક્કો ધરાવતા પુરોહિત વર્ગના સ્થાપિત હેતુઓ જોયા, તેમ જ ગોરા સામ્રાજ્યવાદની ભાત પણ નિહાળી. એટલા માટે તેમણે પોતાની માનવઘડતરની પ્રક્રિયામાં જન્મ પર ભાર ન મૂકતાં વાતાવરણ અને સંજોગો પર ભાર મૂક્યો અને અનેકાનેક વાર સમાન આર્થિક હક માટે અપીલ કરી. સમાજવાદને તેમણે આપેલો ટેકો, મજૂર વર્ગની તેમણે કરેલી સ્તુતિ, દરેક ક્ષેત્રમાં દબાયેલાં-પિસાયેલાંની સપાટી સરખી, ઊંચી (નહિ કે નીચી) લાવવા સારુ તેમણે કરેલી લાગણીસભર અપીલ, આખાય જગતમાં શ્રમજીવીઓનાં આંદોલનો વિષે તેમણે ઉચ્ચારેલી દેવદૂતની વાણી જેવી ભવિષ્યવાણી વગેરે આપણને તેમનું મસ્તિષ્ક કઈ દિશામાં કામ કરી રહ્યું હતું તે બતાવે છે. માનવહકની સ્વીકૃતિ અને એની સ્થાપના જ ફક્ત વર્ગ વિગ્રહને દૂર કરી શકશે, એમ તેમણે ભારપૂર્વક કહ્યું. તેઓ એક પૂરેપૂરા ધાર્મિક માનવ હતા, એક વેદાંતી હતા, વ્યાવહારિક વેદાન્તી હતા. એમનું વેદાંત માને છે કે, ‘વિશિષ્ટ હકનો વિચાર માનવજાતને માટે કાતીલ ઝેર સમાન છે. વેદાંતી પણ હોય અને સાથોસાથ કોઈના માનસિક, શારીરિક કે આધ્યાત્મિક વિશિષ્ટ હક પણ માનતો હોય એવો કોઈ પણ માણસ હોઈ શકે નહિ.’ એવું તેમણે કહ્યું. વળી, તેમણે બતાવ્યું કે, “બે પરિબળો સમાન્તરે એકધારાં કામ કરી રહ્યાં છે. એક તો વિશિષ્ટ અધિકારો ઘડતું રહ્યું અને બીજું વિશિષ્ટ અધિકારોને ભાંગી રહ્યું છે.” તેમણે ઉમેર્યું: ‘અદ્વૈતીનું કામ બધા જ વિશિષ્ટ અધિકારોને ભાંગી નાખવાનું છે.’
  2. મારા યુવાન મિત્રો, સ્વામીજીના જીવન અને વિચારધારામાંથી લીધેલાં રાષ્ટ્રીય અખંડિતતાની સમસ્યાઓનાં કેટલાંક પાસાં અને સ્વામીજીએ તેને હલ કરવા માટે બતાવેલાં સાધનો અને ઉપાયો અહીં દર્શાવ્યાં છે. એમાંથી કઈ રીતે આ મુશ્કેલીઓનો સામનો કરવા ઇચ્છતા હતા તે જાણી શકાય છે. ચિરયુવાનની જીવંત મૂર્તિ સમા સ્વામી વિવેકાનંદે ભારતના યુવાનોને ભલાઈનાં કામ કરવા માટે, સામાન્ય લોકસમુદાયને કેળવણી આપવા, હાથમાં નકશા, પૃથ્વીના ગોળા અને જાદુઈ ફાનસો સાથે ગામડે-ગામડે ઘૂમી વળવા માટે, લોકોને તેમના વ્યક્તિત્વનું ભાન કરાવવા માટે, તેમનામાં પોતાને રાષ્ટ્રના અભિન્ન અંગ હોવાની ભાવના પ્રગટ કરવા માટે સંગઠિત થઈ કામે લાગી જવાની હાકલ કરી. ટૂંકમાં, કાં તો તેઓ કામ કરી છૂટે અથવા તો પોતાની ચેતનાને છિન્નવિચ્છિન અને ગંદી બનાવી મૂકે. ગીતો, નૃત્યો, નાટકો, જાત્રાઓ, પ્રદર્શનો, જૂથમિલનો, ચર્ચાસભાઓ, આ બધાં અને એવાં બીજાં માધ્યમોનો ઉપયોગ આ હેતુ માટે કરી શકાય.

સ્વામીજી યુવાનોમાં આવી ભાવનાઓ રોપવા અને અન્યમાં રોપાવવા માગતા હતા કે:

અ. ભારત સર્વધર્મોનું પારણું છે અને મહાન સત્યોનો પુરસ્કાર કરનાર છે.

બ. ભારતનો ભૂતકાળ ભવ્ય છે અને એનું ભવિષ્ય વળી વધારે ભવ્ય છે.

ક. સંસ્કૃતિ અને સભ્યતામાં વૈવિધ્ય દેખાતું હોવા છતાં અહીં એક ભીતરની એકતા વિદ્યમાન છે અને સર્વે ભારતીયો એ સર્વસાધારણ વારસાની નીપજ છે.

ડ. ભારતના નિવાસીઓએ પોતાને ‘ભારતીય’ જ માનવા જોઈએ. કેવળ બંગાળી, મદ્રાસી, પંજાબી, મરાઠા, ગુજરાતી કે એવાં કોઈ પ્રાદેશિક નામોથી પોતાને ઓળખાવવા ન જોઈએ.

ઈ. દરેક ભારતીય માટે ભારત તેનો દેહ અને આત્મા છે. એટલા માટે ભારત ઉપરનાં કોઈ પણ આક્રમણો તેમના પોતાના ઉપરનાં જ આક્રમણો છે.

ફ. હેતુસિદ્ધિ માટે સમર્પણ અને ત્યાગ વગર કોઈ પણ મહાન વસ્તુ પ્રાપ્ત થતી નથી. અને વર્તમાન કાળમાં ભારતની અખંડિતતા સિવાય સમર્પણનો બીજો વધારે મોટો કોઈ હેતુ નથી.

“ઊઠો જાગો, તમારો દેશ તમારી પાસે મહાન બલિદાન માગી રહ્યો છે” – સ્વામી વિવેકાનંદના આ આહવાનને ભારતના યુવાનોએ એક વખત સારો પ્રતિસાદ આપ્યો હતો. તેમણે જબરાં બલિદાનો આપ્યાં હતાં. તેમણે ભારતને મુક્ત કર્યું. પરંતુ, રાજકીય સ્વતંત્રતા કંઈ સ્વપર્યાપ્ત નથી. જો સામાજિક અને આર્થિક સ્વતંત્રતા નહિ આવે, તો જનસમાજની સ્થિરતા એક ન અનુભવેલી વાસ્તવિકતા જ બની રહેશે. સ્વામીજીનું જે ભાવિ હતું, તેવું દર્શન કરવું છે કે કેમ, તે નક્કી કરવાનું કામ યુવાનોનું છે. ‘મારા જીવન જેટલી જ સ્પષ્ટ રીતે હું એક વસ્તુ મારી સામે દેખી રહ્યો છું કે ‘પ્રાચીન માતા એક વાર વધુ જાગી રહી છે. પોતાના સિંહાસન પર બેઠેલી એ આજે પૂર્વના કોઈ પણ સમય કરતાં વધારે દેદીપ્યમાન અને પુનઃ યુવાવસ્થા પ્રાપ્ત કરેલી દેખાય છે.’

વિવેકાનંદને કદાચ કોઈ નયે સાંભળે. ઘણાએ તેમને નથી સાંભળતા. “મારાં બાળકો, હું તમારી પાસે મારી બધી યોજનાઓ તમને કહેવા આવ્યો છું.” – આવું સ્વામીજીએ પોતાના સુવિખ્યાત મદ્રાસ પ્રવચનના અંતે કહ્યું હતું. તેમણે આગળ કહ્યું: “મારા સંગ્રામની યોજના… તમે જો એ સાંભળો તો હું તમારી સાથે કામ કરવા તૈયાર છું. પણ જો તમે એ નહિ સાંભળો અને મને લાત મારીને ભારતની બહાર કાઢી મૂકશો, તો પણ હું ફરી પાછો આવીશ અને તમને કહીશ કે, આપણે ડૂબી રહ્યા છીએ. હું આજે તમારી વચ્ચે બેસવા આવ્યો છું અને જો આપણે ડૂબવાનું જ નિર્માયું હશે, તો ચાલો આપણે સાથે જ ડૂબી જઈએ.’

ભારતવર્ષનું ભવિષ્ય એમના સંદેશ પર આધાર રાખતું હોવા છતાંય શું આપણે વિવેકાનંદને નહિ સાંભળીએ? શું યુવાનો એમને નિષ્ફળ બનાવી દેશે? મારા યુવાન મિત્રો, શાંતિથી વિચાર કરીને નિર્ણય લેવાનું તમારા ઉપર છે.

Total Views: 668

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.