આંધ્રપ્રદેશ
રામકૃષ્ણ મઢના વડા કેન્દ્ર આંધ્રપ્રદેશના વાવાઝોડા-ગ્રસ્ત લોકો માટે નવાં જૂનાં વસ્ત્રો મોટી સંખ્યામાં હવાઈમાર્ગે રવાના કરવામાં આવ્યાં છે. નેલ્લોર જિલ્લાનાં કોન્દાપુરમ (કાવેલી)ના એક હજાર પરિવારોમાં રૂપિયા 3 લાખથી પણ વધુ કિંમતનાં ધાબળા, વાસણ, ફાનસ વસ્ત્રો અને અન્ય સામગ્રીઓનું વિતરણ કરવામાં આવ્યું છે.
બિહાર
રામકૃષ્ણ મિશન દેવધર વિદ્યાપીઠને 1988 ની રાજ્ય કક્ષાની હોકી ચેમ્પીયનશીપ જીતવા માટે દસ હજાર રૂપિયાનું રોકડ ઈનામ મળેલ છે.
રામકૃષ્ણ મઠના જામતાડા આશ્રમ દ્વારા 3 થી 10 નવેમ્બર સુધી એક નેત્રયજ્ઞનું આયોજન થયું હતું. 74 દર્દીઓના મોતિયાનાં ઑપરેશન થયાં હતાં તથા દર્દીઓને ગરમ ધાબળા આપવામાં આવ્યા હતા.
પશ્ચિમ બંગાળ
રામકૃષ્ણ મઠના જયરામવાટી આશ્રમ દ્વારા જગદ્ધાત્રી પૂજાના અવસરે જયરામવાટીમાં 1319 સાડીઓ અને 431 ધોતિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રામકૃષ્ણ મિશનની નરેન્દ્રપુર કૉલેજના વિદ્યાર્થીઓને 1989માં કલકત્તા વિશ્વવિદ્યાલયની બી.એ. અને બી.એસ.સી.ની પરીક્ષામાં ભૌતિકશાસ્ત્ર અને ગણિતમાં પ્રથમ, આંકડાશાસ્ત્રમાં દ્વિતીય અને તૃતીય અને રસાયણશાસ્ત્રમાં પાંચમું સ્થાન પ્રાપ્ત કરેલ છે.
રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદોની પ્રથમ સભા રામકૃષ્ણ મઠના વડા મથક બેલુડ મઠ ખાતે 19 અને 20 નવેમ્બરે યોજાઈ હતી. રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજ તેના અધ્યક્ષસ્થાને હતા. આસામ, બિહાર, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય, તામિલનાડુ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળના પ્રતિનિધિઓએ અને આ પરિષદો સાથે સંકળાયેલા સંન્યાસીઓએ તેમાં ભાગ લીધો હતો. રામકૃષ્ણ મઠ અને મિશન તથા દેશભરમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રચાર-પ્રસાર કરતા અનૌપચારિક (ખાનગી) કેન્દ્રો વચ્ચેનો સંબંધ કેવી રીતે સુદૃઢ બને, એ આ સભામાં ચર્ચા-વિચારણાનો મુખ્ય મુદ્દો હતો.
ગુજરાત
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, વડોદરા
શાળા-કૉલેજનાં વિદ્યાર્થીઓ માટેની નિબંધ સ્પર્ધાનાં વિજેતા ભાઈ-બહેનો માટે પારિતોષિક વિતરણ સમારંભ 17 નવેમ્બર ‘89ના રોજ સાંજનાં 6-30 વાગ્યે પ્રેમાનંદ સાહિત્ય સભાહૉલમાં યોજાયો હતો. શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટના એક સંન્યાસીના વરદ્ હસ્તે શાળા-કૉલેજનાં 26 ભાઈ-બહેનોને પારિતોષિકો આપવામાં આવ્યાં હતાં. ‘ચિરયુવાન સ્વામી વિવેકાનંદ’ એ વિષય પર પ્રવચન યોજાયું હતું.
તા. 18મીએ સવારે વડોદરાની ‘જીવન સાધના’ શાળામાં સ્વામી વિવેકાનંદજીનાં બાલ્ય જીવન અને જીવનકાર્ય તેમજ સંદેશને આવરી લેતું પ્રવચન યોજાયું હતું અને ‘નવરચના’ શાળામાં ધો. 12ના વિદ્યાર્થીઓ સમક્ષ “Moral values and message of Swami Vivekananda”ને આવરી લેતું પ્રવચન યોજાયું હતું. આ પ્રવચન પછીનો પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ રસપ્રદ રહ્યો હતો.
Your Content Goes Here