[શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના આ. સેક્રેટરી છે. તેમો આ લેખ તેમના બંગાળી ગ્રંથ ‘એક નૂતન માનુષ’માંથી લેવામાં આવેલ છે.]

ગામડા ગામનાં ઝાડી-ઝાડવાનાં ઝુંડ, વચ્ચે વચ્ચે મોટા ઊંચાં વિશાળ ઝાડ. વાંકીચૂકી પગદંડી પરથી એક વ્યક્તિ પોતાને એની આડશમાં છુપાવી રાખી આગળ વધી રહી છે. એના હાથમાં છે જંગલી ફૂલોની માળા, જંગલમાં ખીલેલાં ફૂલો, અને ઘરમાં બનાવેલાં મમરા-ધાણીના લાડુ અને ચીકી. ચિનુ શાંખારી હવે ધીરજ ન રાખી શક્યો. કેટકેટલા દિવસથી એ જુએ છે: ગામનો કિશોર ગદાઈ ઘૂમતો ફરે છે. આ ઝાડી ઝાડવાં વચ્ચે ભમતો ભમે છે. ચીનુ શાંખારી જુએ, આ જાણે ગદાઈ તો નહિ, એના ઇષ્ટદેવ ઠાકુર કિશોરકૃષ્ણ! કેટલા દિવસથી એ ઇચ્છે છે કે ગદાઈનો એ સ્પર્શ કરે, એને ખોળામાં લઈ છાતી સરસો ચાંપી દે. નિષ્ઠાવાન બ્રાહ્મણ ક્ષુદિરામનો દીકરો ગદાધર. કામારપુકુર ગામના ગરીબ ચીનુ શાંખારીએ ડરના માર્યો પોતાની લાગણીના આવેગને જપ્ત કરી રાખ્યો હતો, પણ આવેશ જ્યારે નિરંકુશ બને અને વ્યાકુળતા જ્યારે ઘેલછા બને ત્યારે ભય પોતાની શક્તિ ગુમાવી બેસે છે. જ્યારે ગદાઈ ચાલતો ચાલતો જેવો એની પાસે આવી પહોંચ્યો, ત્યારે ચીનુ શાંખારીનો દેહ રોમાંચથી થરથર્યો અને હાથો કંપી ઊઠ્યા. કાંપતા હાથે ગદાઈને એ વળગી પડ્યો અને એણે એના ગળામાં ફુલની માળા પહેરાવી દીધી. કેટલાય પ્રેમથી બનાવેલા લાડુ એ ખવડાવવા માંડ્યો. એને હૃદય છાતી સરસો ચાંપી દીધો. એ જાણે ગદાઈને નહિ પણ પોતાના ઇષ્ટ ઠાકુરને. વળી પાછો હાથમાંથી વછૂટી નાસી ન જાય તે માટે ગદાઈના નરમ હાથોને એણે જોરથી પકડી રાખ્યા. એ ભૂલી ગયો કે પોતાના હાથ તો કેટલા બરછટ છે. વખતે ગદાઈને વાગશે તો! ચીનુ શાંખારી એના ઠાકુરનો સ્પર્શ પામ્યો.

કેવળ ચીનુ શાંખારી જ શ્રીરામકૃષ્ણના સ્પર્શને પામ્યો એવું નથી, બીજાંયે ઘણાં બધાં પામ્યાં હતાં. કામારપુકુરનાં બાળક-બાલિકાઓ, જુવાનો, વૃદ્ધ-વૃદ્ધાઓ પણ. સાંજના બાળક ગદાધર ગમે ત્યાં પુરાણ કથા થતી હોય કે ગીત ભજનની મજલિસ હોય તો ત્યાં જઈને હાજર થતા અને અપૂર્વ કથાપાઠ અને વ્યાખ્યાન કરી સહુને મુગ્ધ કરી દેતા. તેઓ સુંદર નૃત્ય પણ કરતા. મધુર કંઠે સંગીતના સૂરની મૂર્ચ્છનાથી સહુનાં મન હરી લેતા. અવનવી વાતોથી સૌનું મનોરંજન કરતા. તેથી રોજ સાંજ પડે કે સહુ એમની રાહ જોતા. તેઓ હતો સહુના પ્રિય ગદાધર. માણિકરાજાની આંબાવાડીમાં (આમ્રકુંજમાં) સાથીઓ સાથેનો એમનો અભિનય પાઠશાળાનાં બાળકોને અતિશય આનંદ આપતો, બાળક ગદાધર એક દિવસ ગામની બધી સ્ત્રીઓ સાથે બાજુમાં આવેલા ગામ આનુડનાં શ્રી વિશાલાક્ષી દેવીનાં દર્શને જઈ રહ્યા હતા. એમની સાથે પ્રસન્નમયી હતાં. રસ્તામાં ચાલતાં દેવીનાં ભજન-કીર્તન સાંભળતાં ગદાધર બાહ્ય જ્ઞાનશૂન્ય બની ગયા. ભક્ત-સ્ત્રીઓ તો અચાનક આ જોઈને શું કરવું તે ન સમજાતાં ગભરાઈ ગઈ. પછી પ્રસન્નમયીના કહેવાથી બધાં ભેગાં મળીને ગદાધરને દેવીનું જ રૂપ માની પ્રાર્થના કરવા માંડ્યા, ‘મા વિશાલાક્ષી, પ્રસન્ન થાઓ, મા રક્ષા કરો, મા વિશાલાક્ષી, અમારી સામે જુઓ! મા, તમે અમ નોંધારાનાં આધાર છો અમને આધાર દો.’ બાળક ગદાધર ભાનમાં આવ્યા. પ્રસન્નમયી માટે બાળક ગદાધર સાચેસાચ જ ઠાકુર હતા.

સર્વ સાધનાઓ પૂરી થયા પછી ગદાધર પોતાની જન્મભૂમિ કામારપુકુરે પધાર્યા હતા. પહેલેથી જ ગામમાં અફવા ફેલાણી હતી કે ગદાધર ગાંડા થઈ ગયા છે. પણ ગામના લોકોએ જોયું કે, ગદાધર તો એના એ જ ક્રીડા કૌતુક અને હાસ્ય-પરિહાસ પ્રિય જ હતા. આડોશપાડોશની સ્ત્રીઓ શ્રીરામકૃષ્ણ પાસે આવી પહોંચી. તેઓ સદ્વાર્તાલાપમાં મગ્ન હતા. એવામાં કથા-વાર્તાલાપ દરમ્યાન જ એમને ભાવાવેશ થઈ આવ્યો. એ દૃશ્ય નિહાળતાં સ્ત્રીઓના મનમાં થયું કે ઠાકુર મીન (માછલી) બની સચ્ચિદાનંદસાગરમાં તરી રહ્યા છે. તેઓ માટે શ્રીરામકૃષ્ણ એકમાત્ર ‘પ્રેમમય ઠાકુર’ બની ગયા હતા.

ગંગા કાંઠે મંદિરના પ્રાંગણમાં એક છાપરીમાં, એક બ્રાહ્મણી બાઈ રહેતાં. ગંગાસ્નાન કરતાં, મંદિરનું કંઈક નાનુંમોટું કામકાજ કરતાં અને પોતાના ગોપાળકૃષ્ણની નિત્ય પૂજા કરતાં. એમની પૂજામાં બાલગોપાળની (લાલજી)ની મૂર્તિ. પોતાને માટે તેઓ જે કંઈ સામાન્ય રસોઈ બનાવે તેનો જ ગોપાલને થાળ ધરાવે, અને પછી પોતે પ્રસાદ જમે. સમય વીતતાં બ્રાહ્મણીએ જોયું કે હવે ગોપાલ કેવળ ધાતુની મૂર્તિ પૂરતા જ સીમિત નહોતા રહ્યા. એ થાળ ધરાવે તે પહેલાં જ પોતાની મેળે ભોજન હાથમાંથી ઝૂંટવી લઈને જમે, સતાવે, લાડ કરાવે અને વ્હાલ કરાવે છે! એ બ્રાહ્મણી તો ચાલ્યાં બાળગોપાળને તેડીને દક્ષિણેશ્વર શ્રીરામકૃષ્ણના ઓરડામાં.

બ્રાહ્મણી તો વિહ્વળ બહાવરાં. ગોપાલની માએ કેડે ગોપાલ તેડેલો. ખભા પર ગોપાળનું મસ્તક, બ્રાહ્મણીના ગાલ પર ગોપાલના મુખનો સ્પર્શ. ગોપાળના સુંદર લાલ ચટક પગ બ્રાહ્મણીની છાતી પર લટકતા હતા. આ જ સ્થિતિમાં જ તે જ્યારે શ્રીરામકૃષ્ણ પાસે પહોંચ્યા તો તેમણે જોયું કે શ્રીરામકૃષ્ણ ગોપાલ બનીને વ્યાકુળ ભાવે ગોપાલની માની પ્રતીક્ષા કરી રહ્યા હતા! કાંખમાં તેડેલો ગોપાળ અને ગોપાળરૂપી શ્રીરામકૃષ્ણ એકાકાર! શ્રીરામકૃષ્ણ જ ગોપાળની માના ગોપાળ હતા.

આનાથીય ઘણા સમય પહેલાંની વાત છે. જ્યારે હજુ શ્રીરામકૃષ્ણ ગદાધર હતા. તરુણ ગદાધર. કામારપુકુર ગામના છોકરા છોકરીઓના મિત્ર સખા. તેઓ બધાને એમના માટે અથિશય આકર્ષણ, લાગણી, ભરપૂર પ્રેમ. પાઈન ઘરની સ્ત્રીઓ તો ગદાધરને જુએ તો બહાવરી બની જતી. ધર્મદાસ લાહાની પુત્રી પ્રસન્નમયી બાલગોપાળરૂપે અને એમનાથી નાની વયની સ્ત્રીઓ એમને શ્રીકૃષ્ણરૂપે જોતી. તેઓ જ તો એમને ખૂબ આકર્ષતા. તેમના કૃષ્ણ ઠાકુર શ્રીરામકૃષ્ણ તે વખતે ગદાધર હતા.

દક્ષિણેશ્વર મંદિરની કચેરીમાં (કાર્યાલયમાં) આંટા મારતા એક વાર રણી રાસમણિના જમાઈ મથુરબાબુની નજર શ્રીરામકૃષ્ણના આવાસના વરંડા તરફ પડી. જુએ તો શ્રીરામકૃષ્ણ વરંડામાં ફરતા હતા. એક તરફ પીઠ ફેરવી તો મથુરબાબુને પોતાનાં ઇષ્ટદેવી સ્વંય મા ભવતારિણીનાં અને બીજી તરફ ફર્યા તો સ્વયં મહાદેવનાં દર્શન થયાં. મથુરબાબુના ઠાકુર ઇષ્ટ શ્રીરામકૃષ્ણ.

દક્ષિણેશ્વરના કાલિમંદિરનાં પ્રતિષ્ઠાત્રી અને શ્રીરામકૃષ્ણનાં આશ્રયદાત્રી રાણી રાસમણિ ક્યારેક ક્યારેક મા ભવતારિણીનાં દર્શન કરવા આવતાં અને ભક્તિવિહ્વળ શ્રીરામકૃષ્ણની પૂજા નિહાળતાં. એમને માન્યતા બંધાઈ ગયેલી કે શ્રીરામકૃષ્ણની પૂજાથી દેવી જાગૃત થયાં છે. તેથી એમણે આદેશ આપેલો કે, મંદિરના કોઈ પણ કર્મચારીએ શ્રીરામકૃષ્ણની પૂજામાં વચ્ચે આડખીલી બનવું નહિ. રાસમણિ દર્શને આવતાં ત્યારે શ્રીરામકૃષ્ણના મધુર કંઠનાં ભજન પણ તન્મય બનીને સાંભળતાં. એક દિવસ રાણી રાસમણિ ભજન સાંભળતાં હતાં. ત્યારે ભાવમાં કઠોર સ્વરે શ્રીરામકૃષ્ણે રાણીને ધમકાવ્યાં અને તેમના કોમળ અંગ પર પ્રહાર કર્યો. રાણી ચમકી ગયાં. મનને ચકાસી જોતાં પોતાના અંતરની વાત તેઓ જાણી ગયાં અને તેમને પસ્તાવો થયો. ઝઘડાખોર કર્મચારીઓને તાકીદ પણ કરી કે, આ વિશે કોઈએ શ્રીરામકૃષ્ણને કંઈ કહેવું નહિ. રાણી રાસમણિ શ્રીરામકૃષ્ણને પવિત્રતા અને પ્રેમની મૂર્તિસ્વરૂપ પ્રગાઢ ઈશ્વરાનુરાગી પુરુષ રૂપે માનતાં.

શ્રીરામકૃષ્ણના કાકાના દીકરાં રામતારક પણ દક્ષિણેશ્વર કાલીમંદિરમાં આવ્યા હતા. શ્રીરામકૃષ્ણ એમને ‘હલધારી’ નામે સંબોધતા. હલધારી પંડિત, નિષ્ઠાવાન, સાધક, શાસ્ત્રપુરાણમાં પારંગત હતા. મથુરબાબુના કહેવાથી તેઓ દેવીના પૂજારી નિમાયા, જો કે તે પોતે તો હતા વિષ્ણુભક્ત. તે સમયે શ્રીરામકૃષ્ણનો સાધના કાળ હતો. તેમના આચાર વ્યવહાર હલધારીને મુદ્દલે પસંદ નહોતા. હલધારી એમને સ્વચ્છંદી-સ્વેચ્છાચારી કહેતા. વળી શ્રીરામકૃષ્ણના ભાવાવેશ, પ્રેમધારા, ઈશ્વરપ્રાપ્તિ માટેની અપૂરવ વ્યાકુળતા વગેરે જોઈ હલધારી મુગ્ધ પણ થતા. તેમનું મન હંમેશાં શંકા-આશંકાથી હાલકડોલક થયા કરતું. છતાંય એમને શ્રીરામકૃષ્ણમાં ઈશ્વરીય-આવેશ જરૂર દેખાતો. મા ભવતારિણીને હલધારી ‘તામસી’ કહેતા. શ્રીરામકૃષ્ણના સ્પર્શે એમણે માને શુદ્ધ સત્ત્વમયી ત્રિગુણમયી રૂપે જોયાં અને સાથે સાથે શ્રીરામકૃષ્ણમાં સાક્ષાત્ જગદંબાનો આવિર્ભાવ પ્રત્યક્ષ થતો જોયો. ત્યારે શ્રીરામકૃષ્ણના ચરણકમલમાં એમણે ભક્તિભાવથી પુષ્પચંદન વડે અંજલિ આપી.

શ્રીરામકૃષ્ણનો સેવક હૃદય, સગપણમાં ભાણેજ. એમણે ઘણાં વર્ષો સુધી શ્રીરામકૃષ્ણની સેવા કરેલી. શ્રીરામકૃષ્ણે એમની કૃતજ્ઞતા પણ દર્શાવેલી. ખાસ તો સાધનાકાળ દરમ્યાન, જો હૃદય ન હોત તો શ્રીરામકૃષ્ણની જીવનરક્ષા થવી કઠણ હતી. જો કે પાછળથી એમણે શ્રીરામકૃષ્ણને કષ્ટ પણ કંઈ ઓછું ન હતું દીધું. શ્રીરામકૃષ્ણ માટે એ સહેવું કપરું બન્યું હતું. એ જ હૃદયે એક દિવસ ભાવસમાધિ માટે મામા પાસે જીદ પકડી. પહેલાં તો એમણે દાદ ન જ દીધી, એમ કહીને કે એમની સેવાથી જ એની પરમ ગતિ થશે. પણ જ્યારે હૃદયે એમની એક વાત માની. ત્યારે એમણે માને પ્રાર્થના કરી કે હૃદયને ભાવસમાધિ થાય, અને હૃદયને થઈ પણ ખરી. એ સ્થિતિમાં હૃદયે શ્રીરામકૃષ્ણનાં દર્શન કર્યાં. સ્થૂળ રક્તમાંસના બનેલા દેહધારી મનુષ્યરૂપે નહિ પણ ‘દિવ્યદેહધારી જ્યોતિર્મય’ સાક્ષાત્ દેવતા રૂપે તેમણે દીઠા. પોતાના કુટુંબ પરિવારના લોકો માટે પણ શ્રીરામકૃષ્ણ ઈશ્વર-પુરુષ જ હતા.

શ્રીરામકૃષ્ણ, વૈષ્ણવશાસ્ત્રમાં પારંગત અને તંત્રમાં સિદ્ધ થયેલાં ભૈરવી બ્રાહ્મણીની દેખરેખ નીચે કઠોર સાધનામાં મગ્ન થયા. તે સમયે તેમના પવિત્ર દેહના અંગે અંગમાં તરેહ તરેહનાં બધાં આધ્યાત્મિક લક્ષણો પ્રગટ થયાં. મથુરબાબુ વગેરેને લાગ્યું કે આ બધાં બીમારીનાં લક્ષણો છે. ભૈરવી બ્રાહ્મણીએ તો પ્રથમ જ કહી દીધું હતું કે આ બધાં ચિહ્નોનું ભાવસમાધિનાં લક્ષણો તરીકે શાસ્ત્રોમાં વર્ણન કરેલું છે. આ બધાં ચિહ્નોની પરીક્ષા માટે દક્ષિણેશ્વરમાં એક નાની સરખી પંડિતસભા પણ બોલાવી હતી. એ બધા આમંત્રિત પંડિતોમાં એક તો કલકત્તાના વૈષ્ણવ સમાજના સાધકચૂડામણિ, વૈષ્ણવ ચરણ હતા. અને બીજા બાંકુડાના ઈંદેશના સિદ્ધ તાંત્રિક ગૌરી પંડિત પણ હતા. સભામાં સીધી અને સાદી ભાષામાં ભૈરવી બ્રાહ્મણીએ શ્રીઠાકુરની ભાવાવસ્થાનું વર્ણન કર્યું અને એકત્રિત થયેલા પંડિતો સમક્ષ પોતાનું મંતવ્ય રજૂ કર્યું. અને એના ખંડન-મંડન, વાદવિવાદ, ચર્ચા માટે તેમને આહ્‌વાન કર્યું. સાધક પંડિત વૈષ્ણવચરણે તો પ્રથમ દર્શને જ શ્રીરામકૃષ્ણને મહાપુરુષ તરીકે ઓળખી લીધા હતા. બ્રાહ્મણીના કથન-મંતવ્યને કેવળ અનુમોદન આપીને જ તેઓ અટક્યા નહીં, પણ ભક્તિ શાસ્ત્રમાં ઉલ્લેખ કરાયેલા ઓગણીસ મહાભાવનો પ્રકાશ પણ શ્રીરામકૃષ્ણના દેહમાં પરિસ્ફુટ છે – પ્રગટ થયો છે, એ વાતની પણ એમણે ઘોષણા કરી અને શ્રીરામકૃષ્ણ પ્રત્યેનાં તેમનાં પ્રેમ અને શ્રદ્ધા પણ સાથે સાથે વૃદ્ધિ પામતાં ગયાં. તદુપરાંત પોતાના ગોપનીય સાધન રહસ્યની વાત પણ એમણે કરી. શ્રીરામકૃષ્ણનો એ વિશે શો અભિપ્રાય હતો એય જાણી લીધો. વૈષ્ણવચરણ એમને પોતાના સંપ્રદાય ‘કર્તા ભજા’ના અખાડામાં પણ લઈ ગયેલા, ત્યાં પણ તેમણે શ્રીરામકૃષ્ણની પરીક્ષા કરી, ‘અટૂટસહજ’ તરીકે એમને સંબોધી એમનું સન્માન કરેલું. એમની દૃષ્ટિમાં શ્રીરામકૃષ્ણ ઈશ્વરનો અવતાર હતા. અને તેઓ લોકો સમક્ષ એ વાતનો પ્રચાર પણ કરતા.

તાંત્રિક સાધક ગૌરી પંડિત પોતાની સિદ્ધિના બળથી અપરાજેય હતા. શ્રીરામકૃષ્ણે ગૌરી પંડિતની સિદ્ધિ હરી લીધી હતી. જો કે શ્રીરામકૃષ્ણે એ કાર્ય ગૌરીના ક્લ્યાણ માટે જ કર્યું હતું. ગૌરી પણ વૈષ્ણવચરણની માન્યતાને અનુમોદન આપતા હતા એવું લાગ્યું. તેઓએ પણ તપશ્ચર્યાથી પવિત્ર થયેલી પોતાની સૂક્ષ્મદૃષ્ટિથી નિહાળ્યું કે શ્રીરામકૃષ્ણ મહાપુરુષ હતા. વૈષ્ણવચરણથી એક ડગલું આગળ વધી ગૌરીએ શ્રીરામકૃષ્ણ માટે કહ્યું હતું, “જેમના અંશમાંથી યુગે યુગે લોકકલ્યાણ સાધવા માટે જગતમાં જે ‘અવતારો’ અવતરે છે. અને જેની શક્તિથી તેઓ એ કાર્ય સંપન્ન કરે છે તે આ પોતે જ છે.” અને પછીથી એવું બન્યું કે શ્રીઠાકુરનું સંગસુખ પામી ઈશ્વર ચિંતન માટે તેઓ દક્ષિણેશ્વરમાં કેટલાક મહિના રોકાઈ પણ ગયા. અંતે એમણે શ્રીરામકૃષ્ણ પાસે ઈશ્વરવસ્તુ લાભ માટે આશીર્વાદની ભિક્ષા માગી. આ હતી જાણે પોતાના ગુરુ પાસે અંતરની ઊંડી પ્રાર્થના!

દક્ષિણેશ્વરના કાલિમંદિરમાં સાધુ સંન્યાસીઓને રહેવાકરવા માટે સુંદર સગવડ અને બંદોબસ્ત હતાં એ સાંભળી ષડ્-દર્શનમાં પારંગત રાજપૂતાનાના નારાયણ શાસ્ત્રી થોડો સમય ત્યાં રોકાવા આવેલા. શ્રીરામકૃષ્ણ સાથે એમનો પરિચય થયો. વાર્તાલાપ-આલોચનામાં દિવસોના દિવસો વીતતા ગયા. સાથે સાથે ભક્તિ અને પ્રેમ પણ વધતાં ગયા. શાસ્ત્રીજીએ શ્રીરામકૃષ્ણમાં વેદાંતોમાં વર્ણવેલી નિર્વિકલ્પ સમાધિનાં દર્શન કર્યાં. કેવળ શબ્દ સાંભળીને થતી શ્રીરામકૃષ્ણની ભાવસમાધિ જોઈ. જે બધાં લક્ષણો એમણે આટલાં વર્ષોથી કઠોર પરિશ્રમ કરી કેવળ રટીને કંઠસ્થ જ કરેલાં એની પ્રત્યશ્ર અનુભૂતિ અહીં થઈ. શાસ્ત્રીજીના મનમાં પોતાના પાંડિત્ય અને મહામહોપાધ્યાય હોવાનો જે ગર્વ હતો તે નાશ પામ્યો. એમણે નક્કી કર્યું કે શ્રીઠાકુર પાસેથી શાસ્ત્રોક્ત બ્રહ્મજ્ઞાનની કૂંચી મેળવવી પડશે. તક મળતાં જ એમણે પોતાની ઇચ્છા શ્રીરામકૃષ્ણ પાસે પ્રગટ કરી અને સંન્યાસદીક્ષા દેવા માટે રઢ લીધી. શાસ્ત્રીજીની જીદને શ્રીરામકૃષ્ણ નકારી ન શક્યા. એમણે એમને સંન્યાસ દીક્ષા દીધી. પંડિત નારાયણ શાસ્ત્રીના સંન્યાસગુરુ બન્યા – શ્રીરામકૃષ્ણ.

વર્ધમાન રાજ્યના સભાપંડિત, વેદાંત અને દર્શનશાસ્ત્રનાં અતિ વિદ્વાન, પંડિત પદ્મલોચન કલકત્તામાં આડિયાદહે આવેલા છે, એ સાંભળી શ્રીરામકૃષ્ણ હૃદયને લઈને એમને મળવા ગયેલા, પ્રથમ દર્શને જ પદ્મલોચનને લાગ્યું કે શ્રીરામકૃષ્ણ બ્રહ્મજ્ઞાની મહાપુરુષ છે. એ પછી પણ ઘણી વાર તેઓ એકમેકને મળેલા. એ સંપર્ક દરમિયાન શ્રીરામકૃષ્ણે મા ભવતારિણીના નિર્દેશથી પદ્મલોચનની સિદ્ધિ હરી લીધી હતી. એ પછી જ શ્રીરામકૃષ્ણ એમને માટે સાક્ષાત્ ઈશ્વરનો અવતાર બની ગયેલા. પછી જ્યારે મથુરબાબુએ દક્ષિણેશ્વરમાં પંડિતોની સભા ભરવાનું આયોજન કરેલું. ત્યારે એમણે આમંત્રણ મળતાં પોતે શ્રીરામકૃષ્ણને કહેલું, “તમારી સાથે તો હું ‘હાડી’ને ઘેર જમવા પણ જઈ શકું.”

મથુરબાબુ સાથે શ્રીરામકૃષ્ણ કાલનાના સિદ્ધ વૈષ્ણવ ભગવાનદાસ બાબાજીના આશ્રમમાં ગયેલા. સાથે હતો ભાણેજ હૃદય. બાબાજી હતા સમાજના ટોચના નેતા. તેમનો શબ્દ એટલે અંતિમ શબ્દ, એના પર કોઈની વાત જ ચાલે, જાણે વેદ વાક્ય. કલકત્તાના ક્લુટોલાની છેલ્લી હરિસભામાં શ્રીરામકૃષ્ણે ભાવાવેશમાં ‘ચૈતન્યાસન’ પર બેસી ગયેલા એ વાત બાબાજી પાસે પહોંચી હતી અને તે વિશે એમણે જાહેરમાં કડક શબ્દોમાં અસંતોષ વ્યક્ત કરતું મંતવ્ય દર્શાવેલું. એમના આશ્રમમાં ગયા ત્યારે શ્રીરામકૃષ્ણે પોતાનું આખું અંગ એક કપડાથી ઢાંકી દીધેલું અને આશ્રમમાં પ્રવેશી દીન બની તેઓ એમની ભક્તમંડળીમાં જઈને બેઠા અને બાબાજીનું વૈષ્ણવીય વિધાન સાંભળવા માંડ્યા. સિદ્ધ બાબાજી સાધનાની સહાયથી સમજી શક્યા કે આજે કોઈ મહાપુરુષ એમને ત્યાં પધાર્યા છે. જ્યારે બાબાજીએ પોતાના પ્રવચનમાં ‘હું ભગાડીશ, હું લોકોને ધર્મજ્ઞાન આપીશ’ વગેરે અભિપ્રાયો રજૂ કર્યા, ત્યારે ભાવાવેશમાં શ્રીરામકૃષ્ણે એમની અહમિકાનો દોષ એમને દેખાડી દીધો. પહેલાં તો બાબાજી અવાચક બની ગયા. પણ તપને લીધે એમનામાં પ્રકટેલી સરળતાની મદદથી એમની (ઠાકુરની) વાતનો મર્મ અંતરમાં બરાબર સમજી ગયા. અંતર્દ્રષ્ટિ ઊઘડતાં બાબાજી વિનીત અને વિનમ્ર બની ગયા. એમણે શ્રીરામકૃષ્ણના દેહમાં અપૂર્વ ભાવ-વિકાસ નિહાળ્યો અને એમના મનમાં ધારણા બંધાઈ કે શ્રીરામકૃષ્ણ અસાધારણ પુરુષ છે. તેથી શ્રીરામકૃષ્ણને પ્રણામ કરી ‘ચૈતન્યાસન’ પર બેસવા માટે જે પોતે કડક શબ્દોમાં નિંદા કરી હતી તે માટે માફી માગી. ભગવાનદાસ બાબાજીને શ્રીરામકૃષ્ણમાં પોતાના ઇષ્ટદેવ શ્રીચૈતન્યની અનુભૂતિ થયેલી. આમ, શ્રીરામકૃષ્ણ પંડિત સાધકોના પણ ઠાકુર હતા.

શ્રીરામકૃષ્ણ પોતાના ગુરુઓના પણ ઠાકુર હતા. ભૈરવી બ્રાહ્મણીએ પોતાના ઇષ્ટ રઘુવીરને શ્રીરામકૃષ્ણમાં જીવંત જોયા હતા. એ પછી જ પોતાની પૂજાની રઘુવીર શિલા જેની તેઓ લાંબા અરસાથી પૂજા કરતાં હતાં એનું એમણે ગંગામાં વિસર્જન કરેલું. એમને દૃઢ વિશ્વાસ બેસી ગયેલો કે શ્રીરામકૃષ્ણમાં “આ ફેરે નિત્યાનંદના ખોળિયામાં ચૈતન્યનો આવિર્ભાવ થયો છે.” સહુ સમક્ષ શ્રીરામકૃષ્ણને અવતાર તરીકે જાહેર કરનાર સૌ પ્રથમ તેઓ જ હતાં. પણ ભૈરવી અદ્વૈત સાધનાનાં વિરોધી હતાં તેઓ શ્રીઠાકુરની કૃપાથી પોતાની સાધનાની અપૂર્ણતાની વાત બરાબર સમજી ગયેલાં. અપૂર્ણતાને પૂર્ણતામાં પલટવા માટેની તપશ્ચર્યા કરવા માટે બ્રાહ્મણીએ પછીથી દક્ષિણેશ્વરનો ત્યાગ કર્યો હતો. શ્રીરામકૃષ્ણની વેદાંત સાધનાના ગુરુ તોતાપુરીએ ચાલીસ વર્ષ સુધી સાધના કરી ત્યારે નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરી હતી. તેમની પાસે સાધના કરવા માટે દીક્ષા લઈ, શ્રીરામકૃષ્ણે એ સ્થિતિ ફક્ત ત્રણ દિવસમાં જ પ્રાપ્ત કરેલી! તોતાપુરી તો આશ્ચર્ય અવાક્! જાઉં, જાઉં કરતાં તેઓ શ્રીરામકૃષ્ણ પાસે અગિયાર મહિના રોકાઈ ગયેલા. તેઓ બ્રહ્મની શક્તિને માનતા નહીં. ભક્તિમાર્ગથી તેઓ અજાણ હતા પણ શ્રીરામકૃષ્ણની પ્રયુક્તિથી મા ભવતારિણીની કૃપાથી તોતાપુરીને શક્તિમાં વિશ્વાસ બેઠો પછી તેમણે પોતાની બિમારીના કષ્ટને ન સહી શકતાં, કષ્ટ નિવારણ કરવા પોતાની જિંદગીની દોરીને ટૂંકાવવા તેમણે ગંગામાં ઝંપલાવ્યું. તે પછીના સમય ગાળામાં. રામાઈન (રામાવત) સંપ્રદાયના સાધુ જટાધારીને પહેલા એમના ઇષ્ટદેવ રામલાલાનાં અખંડ-અબાધ દર્શન ન થતાં. કદી કદી ક્યારેક ક્યારેક વળી થઈ પણ જતા. સાધનામાં જેમ જેમ આગળ વધવા માંડ્યા તેમ વધુ ને વધુ વારંવાર દર્શન થવા માંડ્યાં. તે વખતે તેઓ દક્ષિણેશ્વર આવ્યા શ્રીરામકૃષ્ણે જટાધારી પાસેથી રામમંત્રની દીક્ષા લીધી. શ્રીરામકૃષ્ણના સહવાસથી જટાધારીને રામલાલાનાં અબાધ અખંડ અને નિરંતર દર્શન થવા માંડ્યા પછી અતિ પ્રેમથી નિત્ય પૂજામાં રાખેલા રામલાલાને તેમણે શ્રીરામકૃષ્ણના હાથમાં સોંપી દીધા. શ્રીરામકૃષ્ણે પોતાના ગુરુઓને પણ પૂર્ણતા બક્ષી અને તેમના પણ ઠાકુર બન્યા.

કેશવચંદ્ર સેન હતા બ્રાહ્મણ સમાજના નેતા. વિખ્યાત વક્તા. વિલાયત ગયેલા ત્યારે મહારાણી વિક્ટોરિયાનો આદર પામેલા. ત્યાં તેઓ પૂર્વના ઈશુ ખ્રિસ્ત તરીકે પંકાયેલા. આવા કેશવ સેન સાથે શ્રીરામકૃષ્ણનો ઘનિષ્ઠ સંબંધ બંધાયેલો. તેઓ પોતે સામે ચાલીને કેશવને જોવા ગયેલા. કેમ કે, કેશવ ભગવાનનું ધ્યાનચિંતન અને ધર્મપ્રચાર કરતા હતા. એ પછી લગભગ ઓગણીસ વાર તેઓ એકબીજાને મળેલા. એ કેશવસેન શ્રીરામકૃષ્ણના મુખમાંથી વહેતી કથાનું નિઃશબ્દે પાન કરતાં. નિરાકારવાદી નવવિધાન બ્રાહ્મણ નેતા કેશવ જ ‘મિરર’, ‘ધર્મતત્ત્વ’, ‘સુલભ સમાચાર’, ‘ન્યુ ડિસ્પેન્શેશન’ વગેરે સામયિકોમાં શ્રીરામકૃષ્ણ વિશે વાતો લખેલી. જેમ શ્રીરામકૃષ્ણ કેશવને એમને ત્યાં એમના ‘લીલી કોટેજ’માં મળવા ગયેલા એ રીતે કેશવ પણ પોતાના સમાજના લોકોને લઈને દક્ષિણેશ્વર જતા. વળી, બ્રાહ્મણ સમાજનાં અન્યાન્ય પ્રાર્થના મંદિરોમાં પણ શ્રીરામકૃષ્ણ આવતાજતા. તેથી જો કહું કે શ્રીરામકૃષ્ણ કેશવના પણ ઠાકુર અને બ્રાહ્મણ સમાજના પણ ઠાકુર, તો શું એ અતિશયોક્તિ કહેવાશે? કેશવે ઠાકુરના શ્રીચરણોમાં પુષ્પાંજલિ અર્પેલી. કેશવની માંદગી દરમિયાન તેમના નિરામય માટે ઠાકુરે નાળિયરે અને સાકરની માનતા પણ રાખેલી.

(ક્રમશઃ)

ભાષાંતરકાર: ડૉ. સુકન્યા ઝવેરી

Total Views: 470

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.